તમને ભગવાનમાં શ્રદ્ધા ખરી?

દેશ-વિદેશની જાતજાતની સંસ્થાના નાના-મોટા કાર્યક્રમોમાં વક્તવ્ય આપવા જવાની શરૂઆત કરી ત્યારથી અવારનવાર મને એવી એકાદ વ્યક્તિ મળે જ છે, જેને ઈશ્વરના અસ્તિત્વ વિશે શંકા જાગે ને એ વિશે મારી સાથે ચર્ચા કરે. આવી વ્યક્તિનું પહેલું વાક્ય આ જ હોયઃ ‘સ્વામીજી, તમે કહો એ બધું બરાબર, પણ હું તો ભગવાનમાં માનતો જ નથી.’

આવા વખતે હું એ વ્યક્તિને મારી રીતે જવાબ આપું છું. આપણે આ વાત જરા જુદી રીતે સમજીએ. તમને જાણીને નવાઈ લાગશે કે આજે મેડિકલ સાયન્સ, મૅનેજમેન્ટ જેવાં ક્ષેત્રથી લઈને હેલ્થગુરુઓ બધા શ્રદ્ધાની વાત કરે છે કેમ કે, બધી સફળતાથી સંતોષ મળે એ જરૂરી નથી. સફળ વ્યક્તિની આત્મહત્યાના દાખલા દેશ-દુનિયામાં જોવા મળે છે. સક્સેસ સાથે સેટિસ્ફેક્શન પણ જરૂરી છે. માટે શ્રદ્ધા જરૂરી છે.

આ લખતી વખતે મને ડૉ. બર્ની સીગલનું ‘પીસ, લવ ઍન્ડ હીલિંગ’ પુસ્તક યાદ આવી જાય છે. એક ડઝન જેટલાં પુસ્તક લખનાર 89 વર્ષી આ અમેરિકન ડૉક્ટર સતત કહેતા રહે છે કે પેશન્ટની ટ્રીટમેન્ટમાં પ્રાર્થના અવશ્ય ઉમેરો. કેન્સર જેવા હઠીલા દરદથી પીડાતા દર્દીઓ માત્ર પ્રાર્થનાથી, ઈશ્વરી ચમત્કારથી સાજા થયાના પ્રસંગ ડૉક્ટરે એમના આ પુસ્તકમાં નોંધ્યા છે, પ્રાઈમ ટાઈમ ટીવી પર એ દર્દીને રજૂ કરી એમના અનુભવ જાણ્યા છે.

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો આ પ્રસંગ આસ્તિક-નાસ્તિક વિશેની બધી શંકા દૂર કરી દે એવો છે. થોડાં વર્ષ પહેલાં સ્વામીજીને મળવા નામાંકિત ઑસ્ટ્રેલિયન ડૉક્ટર નેવિલ હેકર આવેલા. ઔપચારિક વાતચીત બાદ સ્વામીજીએ સહજ પૂછ્યું, ‘તમે ચર્ચમાં જાઓ ખરા?’

ડૉક્ટર મીઠું મલકતાં કહેઃ ‘ના સ્વામી, મારા માટે તો મારી હૉસ્પિટલ એ જ મારું ચર્ચ.’

જવાબ સાંભળી સ્વામીજીએ એમનો હાથ પકડતાં કહ્યું, ‘એ બરાબર, પણ અઠવાડિયે એક વાર ચર્ચમાં જવાનું રાખો.’

સ્વામીજીની વાત ડૉક્ટરને ખાસ ગમી ન હોય એવું એમના ચહેરાના પરથી લાગ્યું એટલે સ્વામીજીએ એમને બીજો સવાલ કર્યોઃ ‘ડૉક્ટર, ક્યારેક બહુ અઘરું ઑપરેશન સારી રીતે થઈ જાય અને તમને આનંદ આનંદ થઈ જાય એવું બને?’

ડૉક્ટર કહે, ‘હા. કૉમ્પ્લિકેટેડ સર્જરી સક્સેસફુલ થાય તો આનંદ થાય જ.’

સ્વામીજીઃ ‘…અને ક્યારેક સાવ સહેલું ઑપરેશન હોવા છતાં પેશન્ટનું મૃત્યુ થઈ જાય એવું બને?’

ડૉક્ટરઃ ‘ક્યારેક બની જાય એવું…’

સ્વામીજીઃ ‘ક્યારેક કોઈ દર્દીની સારવાર લાંબી ચાલે એવું પણ બનતું હશે.’

ડૉક્ટરઃ ‘જી, બિલકુલ.’

સ્વામીજી શું કહેવા માગતા હતા એ ડૉક્ટર સમજી શકતા નહોતા. એમની મૂંઝવણ પારખી સ્વામીજીએ મંદ સ્મિત વેરતાં કહ્યું, ‘સફળ કે નિષ્ફળ સર્જરીમાં, દર્દી સાજો થાય કે ન થાય, જલદી થાય કે લાંબા સમય બાદ, દરેક પરિસ્થિતિમાં તમારી સ્થિરતા બહુ જરૂરી છે, બરાબર?’

સાંભળીને સ્વામીજીનો હાથ પકડતાં ડૉક્ટરે કહ્યું, ‘સ્વામી, આ જ સવાલનો જવાબ હું વર્ષોથી શોધું છું. ગમે તેવી પરિસ્થિતિમાં મગજ સ્થિર રહે કઈ રીતે?’

સ્વામી કહે, ‘જવાબ આ છેઃ ઈશ્વર કહે છે કે “કર્મ કરવું તમારી ફરજ છે. પેશન્ટને બચાવવા બનતા બધા જ પ્રયાસ કરો. અંતિમ પરિણામ હું નક્કી કરીશ. એ મારી પર છોડી દો.” પછી સ્વામીએ ઉમેર્યુ, ‘તમે ગમે તેટલો પ્રયત્ન કરો, પણ દરદીની આવરદા જ ખૂટી ગઈ હોય તો? એવું પણ બને કે ઈશ્વરે જ નિમિત્ત ઊભું કર્યું હોય એના માંદા પડવાનું, એને પોતાની પાસે બોલાવી લેવાનું.’

સ્વામીજીની વાત સાંભળી ડૉક્ટર નેવિલ સ્તબ્ધ થઈ ગયા. એમના મોંમાંથી માત્ર એટલા જ શબ્દ નીકળ્યાઃ ‘આઈ મસ્ટ ટેક ધિસ વિથ મી.’

તો વાત આ છેઃ જીવનમાં તમારે જે કામ કરવાનાં છે એ માટે અથાગ પરિશ્રમ કરો, તમારી તમામ બુદ્ધિશક્તિ વાપરો અને રાતે સૂતાં પહેલાં બે હાથ જોડી ઈશ્વરને પ્રાર્થના કરોઃ હે પ્રભુ, મેં મારાથી બનતા બધા પ્રયાસ કર્યા. હવે જે પરિણામ આવશે મને મંજૂર છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)