બુધવાર, 17 સપ્ટેમ્બરે સમાચાર વાંચવામાં આવ્યા કે ભારતીય મૂળના 53-વર્ષી શ્રીનિવાસ ફાટકને કન્ઝ્યુમર ગુડ્સની વિરાટ ને વિશ્વવિખ્યાત કંપની યુનિલીવરના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર બનાવવામાં આવ્યા.
હવે જરા વિચાર કરીએ કે આવી જંગી અને પ્રતિષ્ઠિત કંપનીના સીએફઓનું પદ શું શ્રીનિવાસનને રાતોરાત મળી ગયું હશે? કેટલાં વર્ષની મહેનત, તપસ્યા આ પાછળ હશે?
વિશ્વવિખ્યાત કંપની ‘માઈક્રોસોફ્ટ’ના સ્થાપક બિલ ગેટ્સ એક વાર અમેરિકાની કોઈ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન કરી રહ્યા હતા. પોતાના અનુભવનો નિચોડ રજૂ કરતાં એમણે કહ્યું કે ‘તમે શાળા કે કૉલેજ કે યુનિવર્સિટીમાંથી બહાર નીકળશો એટલે તરત વર્ષે 60,000 ડૉલર કમાવાનું શરૂ કરી શકવાના નથી કે પછી કોઈ મોટી કંપનીના ઉચ્ચ હોદ્દેદાર બની ગાડીમાં ફરવાલાયક બની જવાના નથી. ત્યાં સુધી પહોંચવા માટે તમારે તેને લાયક બનવું પડશે.’
બિલ ગેટ્સના કહેવાનો અર્થ એ હતો કે વિદ્યાર્થીઓએ સાતત્યપૂર્ણ પરિશ્રમ કરવો પડશે, જે તેમણે પોતે કર્યો હતો. એમણે આગળ કહ્યું કે, ‘જીવન એ શાળાનાં સત્રોની જેમ મહિનાઓમાં વહેંચાયેલું હોતું નથી તેમ જ એમાં તમને સમર વેકેશન પણ મળતું નથી.’
આજના ઝડપી જમાનામાં કોઈ પણ ક્ષેત્રમાં જો આગળ વધવું હોય, ઊંચ્ચ પદ પર પહોંચવું હોય તો સાતત્યપૂર્ણ કામ કરવું અતિ આવશ્યક છે. સાતત્ય એટલે સતત કે વારંવાર કરવામાં આવતી ક્રિયા. સાતત્યને અંગ્રેજીમાં કન્ટિન્યુઈટી અથવા કન્સિસ્ટન્સી કહે છે. સાતત્યને તમે નિયમિતતા પણ કહી શકો. જે કામ તમે સતત કરો અથવા સાતત્યપૂર્ણ કરો તો એ કામ સિદ્ધ થાય જ છે.
બિહારના માઉન્ટ મેન તરીકે પ્રખ્યાત દશરથ માંઝીનો કિસ્સો આપણે જાણીએ છીએ. એમણે એકલા હાથે પહાડ કાપીને 110 મીટર લાંબો રસ્તો બનાવેલો. 1960માં એમણે આ ભગીરથ કાર્યનો આરંભ કર્યો. રોજ સવારે એ હથોડી છીણી લઈને નીકળી પડતા. 1982માં એમનું કામ પૂર્ણ કરીને જ જંપ્યા. 2007માં 73 વર્ષની વયે એમનું અવસાન થયું… આપણી ગરવીલી ગુજરાતીમાં પેલી કહેવત છેનેઃ ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય.
વિદ્યાનગરના એક સમયના પ્રસિદ્ધ પ્રોફ્સર અને ગણિતના મહાવિદ્વાનને તેમની સફ્ળતાનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું: ‘રોજની 18 કલાક મહેનત, 20 વર્ષ સુધી નો સન્ડે, નો હોલિડે, નો વેકેશન.’
ધારો કે, રૉકેટના લૉન્ચિંગ વખતે જરૂરી પ્રમાણમાં એને સતત ઈંધણ ન મળે તો? તો તે હેઠું પડે. કાર કે બાઈકના એન્જિનને સતત મળતાં પેટ્રોલમાં ઍર કે કચરો આવી જાય તો? ડચકાં ખાય. જેમ એમાં ઈંધણનો સતત પ્રવાહ વહેતો રહેવો જોઈએ તેવી જ રીતે જીવનમાં પણ સફ્ળતા પામવા માટે સાતત્યતા રૂપી ઈંધણ જોઈએ.
રમત કે બિઝનેસ, વિજ્ઞાન કે કલા, કોઈપણ ક્ષેત્ર હોય, અરે, અધ્યાત્મ ક્ષેત્ર કેમ ન હોય? તેમાં પણ સાતત્ય વિના ચાલે તેમ નથી. બી.એ.પી.એસ. સંસ્થાની કીર્તિમાં સમયે સમયે યશકલગી ઉમેરતા રહેનાર પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે વર્ષો સુધી ક્યારેય રજા લીધી નથી કે ક્યારેય વેકેશન પાડ્યું નહોતું. અનેકવિધ બીમારીમાં પણ સતત કાર્યશીલ તેઓશ્રી 85 વર્ષે દિલ્હી-અક્ષરધામ તથા 91 વર્ષે સચિત્ત-આનંદ વૉટર-શોનું જેવાં વિશ્વવિખ્યાત સર્જન કરી શકતા, કારણ વર્ષો સુધીનો એકધારો પુરુષાર્થ. સાતત્ય.
જેમ સૂર્ય-ચંદ્ર-નક્ષત્રો તેમની દિનચર્યા અતૂટ નિયમિત રાખે છે, તેથી જ બ્રહ્માંડોની સ્થિતિ,પરિસ્થિતિ સમતોલ રહે છે અને જીવપ્રાણીમાત્રનું જીવન સરળ ને સહજ રીતે ગતિમાન છે તેમ વ્યક્તિ પણ તેની દિનચર્યા અતૂટ નિયમિત રાખે તો જ તેનું અને તેના પરિવારનું જીવન સરળ, સહજ અને સુખી બની રહે.
-સાધુ જ્ઞાનવત્સલ દાસ (બી.એ.પી.એસ.)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
