સદાચારી બનો… સમૃદ્ધિ એની પાછળ આવશે

આમ તો જાણીતી રમૂજ છે, પણ ઊંડો વિચાર કરતાં જીવનનો અઘરો પાઠ શીખવી જાય છે. વાત એવી છે કે સ્કૂલમાં આયોજિત પૅરન્ટ્સ-ટીચર્સ મિટિંગમાં શિક્ષકે એક સ્ટુડન્ટના પિતાને કહ્યું કે, ‘તમારો દીકરો બીજાનાં પેન-પેન્સિલ ચોરે છે.’

પિતાએ પિત્તો ગુમાવતાં કહ્યું કે, ‘મેં એને કેટલી વાર સમજાવ્યો છે કે, તું સ્કૂલમાં પેન-પેન્સિલની ચોરી ન કર. તારે જે સ્ટેશનરી જોઈએ તે હું મારી ઑફિસેથી લઈ આવીશ… પણ એ સમજતો જ નથી.’

આમાં પાઠ છે તે માનસિકતાનો. કેવી માનસિકતા. એ વાલીને ખબર જ નથી કે પોતે જ બાળઉછેર દરમિયાન અપ્રામાણિકતા રૂપી જળ સીંચી રહ્યા છે.

આજે છાપાં ઉઘાડતાં જ આણે આટલા કરોડ કે અબજનું કરી નાખ્યું, ઈન્વેસ્ટમેન્ટની અમુક પેઢીના માલિકો રોકાણકારોને નવડાવીને નાસી ગયા, ખોટાં પ્રમાણપત્રો રજૂ કરીને સરકારી અફસર બની ગયા જેવા સમાચારો વાંચવા મળે છે. એક સમય હતો જ્યારે મોટી ઘટના બનતી ને આપણે બીજા દિવસે છાપામાં એ વિશે વાંચતા. પછી ચોવીસ કલાકની ટીવીચેનલો આવી. આજે તો વૉટ્સએપ, સોશિયલ મિડિયાના જમાનામાં ઘટના બને એની બીજી મિનિટે સમાચાર, વિડિયો મોબાઈલમાં આવી જાય છે. ક્યારેક સાચા ક્યારેક ખોટા.

-અને ઈન્સ્ટંટના જમાનામાં પ્રસિદ્ધિ, પૈસો પણ ઈન્સ્ટંટની ખેવના રાખનારા હોય જ. મુશ્કેલી અહીંથી શરૂ થાય છેઃ જ્યારે બધું ફટાફટ મેળવવાની લાલસા જાગે ત્યારે સૌથી પહેલાં નીતિનિયમ, પ્રામાણિકતાનો ભોગ લેવામાં આવતો હોય છે.

 

આયુર્વેદિક ચિકિત્સાના પિતામહ આ એટલે મહર્ષિ ચરક. ચરક ઋષિનો શરીરવિજ્ઞાન, ગર્ભવિજ્ઞાન અને રોગનિદાન અંગેની ઔષધિઓ આપવામાં મોટો ફાળો છે. તેમણે પોતાના પુસ્તક ચરક સંહિતામાં 12000 જેટલા શ્લોકોમાં અનેક રોગ અને તેનાં નિદાન માટે વિવિધ ઔષધીનાં આલેખન કર્યું છે. એક લાખથી અધિક વનસ્પતિઓનું જ્ઞાન ધરાવતા ચરક ઋષિ સતત પોતાના શિષ્યો સાથે વનસ્પતિની શોધખોળ કરતા રહેતા.

આવી જ રીતે એક વાર એ જ્યારે શિષ્યો સાથે કોઈ વનસ્પતિની શોધ માટે ફરતા હતા ત્યારે એક નવા જ પ્રકારના પુષ્પ પર તેમની દૃષ્ટિ પડી. તરત એ પુષ્પને ચૂંટવા ધસ્યા, પણ પછી અચાનક ઊભા રહી ગયા. શિષ્યો તેમની પાછળ જ હતા, પણ ઋષિએ તેમને પણ રોક્યા. શિષ્યોએ કારણ પૂછ્યું ત્યારે ચરક ઋષિ કહે, ‘આ કોઈ ખેડૂતનું ખેતર છે. માલિકને પૂછ્યા વગર કંઈ ન લેવાય.’

શિષ્યો કહે, ‘આપ તો રાજવૈદ્ય છો. રાજાની આજ્ઞાથી સંશોધન કરો છો. લોકોના સ્વાસ્થ્ય માટે અને પરોપકાર માટે આપને રાજાએ કોઈ પણ વનસ્પતિ લેવાનો હક આપ્યો છે.’

ચરક ઋષિ કહે, ‘એ બધું બરાબર, પણ માલિકને પૂછ્યા વગર લઈએ તો તે ચોરી-લૂંટ કહેવાય.’

શિષ્યો સમજી ગયા. સૌ ત્રણ ગાઉ ચાલીને ખેડૂતના ઘરે ગયા. તેની મંજૂરી લઈને પછી જ પુષ્પ લીધું.

મહાપુરુષો કેવળ પોતાની બુદ્ધિક્ષમતા કે આવડત-પ્રદાનોના કારણે મહાન નથી બનતા, પણ સ્વયંમાં કેળવેલા સદગુણોના આધારે આદરણીય બને છે. દુનિયામાં જેણે જેણે પ્રામાણિકતાથી મોટપ મેળવી છે તે મહાન વિભૂતિઓ સૌનાં દિલમાં સ્થાન પામી છે. લાલ બહાદુર શાસ્ત્રી ભારતના વડા પ્રધાન બન્યા પછી પણ પોતાને પ્રાપ્ત થયેલી મોટરગાડી સરકારી ઑફિસે જવામાં જ વાપરતા. સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના નાયબ વડા પ્રધાન હોવા છતાં 20 વર્ષ જૂનું ચશ્માંનું ખોખું વાપરતા. ડૉક્ટર એ. પી. જે. અબ્દુલ કલામ ભારતના રાષ્ટ્રપતિ હોવા છતાં રાષ્ટ્રપતિ ભવનના 300થી જેટલા ઓરડામાંથી માત્ર બે કે ત્રણ જ ઓરડા વાપરતા. પ્રામાણિકતાની કેવી પરાકાષ્ઠા.

પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ઘણી વાર કહેતા કે સમૃદ્ધ થવા માટે પહેલાં સદાચારી થવું પડે. અરે, ઘણી વખતે તો આપણને ખ્યાલ પણ નથી રહેતો અને આપણે પ્રામાણિકતા ચૂકી જઈએ છીએ. આવી માનસિક્તામાંથી બહાર આવી મહાપુરુષોએ ચીંધેલા માર્ગે ચાલી પ્રામાણિક બનીશું તો જ આપણે સાચી પ્રગતિ સાધી શકીશું, કારણ કે પ્રામાણિક્તા એ પાયો છે- સાચી સફળતા પામવાનો, સાચી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવાનો અને હૃદયની શાંતિ સાધવાનો.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)