અમેરિકાના વિસા અને આપણો દેશ

છેલ્લા થોડા સમયથી અમેરિકા અને એના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમાચારમાં આવ્યા કરે છે. ટેરિફ ઉપરાંત ટ્રમ્પ વિસા માટેના નિયમો કડક બનાવી રહ્યા છે. હમણાં એમણે વર્ક પરમિટ આપતા વિસા એચવન-બીની ફી વધારવાની જાહેરાત કરી.

આ વિશે એક યુવાન સત્સંગી સાથે ચર્ચા થતાં એ કહે, “ટ્રમ્પ ગમે તેટલી ફી વધારે અમેરિકાનું આકર્ષણ ઓછું થવાનું નથી. આ દેશમાં છે પણ શું?”

મને નવાઈ લાગીઃ “કેમ? શું વાંધો છે આપણા દેશમાં? ઊલટું વર્તમાન સમયમાં આપણે ત્યાં જેટલી વિપુલ તકો છે એટલી ક્યાંય નથી.”

તો એ યુવાન કહેઃ “તમે રોજ સભામાં ભારતની મહાન સંસ્કૃતિ, ઉચ્ચ મૂલ્યો, ભવ્ય પરંપરાનાં ગુણગાન ગાઓ છો, પણ મને તો ક્યાંય એના છાંટાયે દેખાતા નથી. આવી શો-કેસમાં સજાવીને મૂકેલી સંસ્કૃતિનાં બણગાં ફૂંકવાનો અર્થ ખરો?”

આ સવાલ પૂછ્યા બાદ એની સાથે શું થયું એ મને કહ્યું. માત્ર એક પ્રતિકૂળ ઘટના એની સાથે ઘટી અને આખેઆખી ભારતીય સંસ્કૃતિને મૃત ઘોષિત કરી દીધી.

સમાજમાં કે રાષ્ટ્રમાં કે અંગત જીવનમાં કશુંક અનિચ્છનીય બને ત્યારે સંસ્કૃતિ કે પરંપરાને દોષ દેનારી આવી વ્યક્તિઓની આપણે ત્યાં કમી નથી. આ આપણી જૂની ટેવ છે. આપણી ચર્ચામાં ભારત દેશની ગરીબી અને અછતની વાત ન આવે એવું ભાગ્યે જ બને. એથીય વધારે અક્ષમ્ય તો એ છે કે અણસમજ અને યોગ્યતા વગર નવા, ક્રાંતિકારી વિચાર આપવાની સ્પર્ધામાં સંસ્કૃતિખંડન કરીને ખુશ થઈએ છીએ.

નવો વિચાર કે નવો દૃષ્ટિકોણ આપવો સારી બાબત છે, પણ કોના ભોગે? શું પોતાનાં જ મૂળિયાં ઉપર પ્રહાર કરીને ક્યારેય કોઈ વૃક્ષ ઊભું રહી શકે ખરું? કૂવાના દેડકાની વાત આપણે ઘણી વાર સાંભળી છે. હા, તેની ભૂલ તો છે જ, પરંતુ તે ક્ષમ્ય છે. પોતાની બુદ્ધિ અને અનુભવ પ્રમાણે દેડકો પોતાના સ્થાનનો મહિમા કહે છે, પરંતુ દેડકાનો એક ગુણ છે કે તે સમુદ્રની નિંદા નથી કરતો. તે ત્યાં પોતાની શ્રેષ્ઠતા બતાવવા ગયો પણ નથી. તે નિજાનંદમાં મસ્ત છે, નિંદાનંદમાં તેને રસ નથી.

શું આપણી પરંપરામાં બુદ્ધિમત્તા અને તર્કસિદ્ધિને સ્થાન જ નહોતું? ન્યાયદર્શનના ગ્રંથોએ જે પ્રખર તર્કસભર શાસ્ત્રાર્થની પદ્ધતિ આપી છે તે સમગ્ર વિશ્વમાં અજોડ છે. સામાન્ય બુદ્ધિશાળી માણસોની બુદ્ધિસીમા પછી ન્યાયદર્શનની સીમાનો આરંભ થાય છે. હા, આ ગ્રંથોને ભણવા માટે અત્યંત ઉચ્ચ કક્ષાની બુદ્ધિ જોઈએ. આવાં તાર્કિક દર્શનોમાં પણ ભગવાન, આત્મા, મંદિર, પરંપરા, પ્રણાલી આદિનું મહિમા ગાવામાં આવ્યો છે. આપણી સંસ્કૃતિ અને પરંપરાની રક્ષા માટે જ આ ગ્રંથો હતા. જો કોઈને ખરેખર બુદ્ધિશાળી, વિચારક, વિવેચક, મીમાંસક કે તાર્કિકનું પાટિયું લગાડવું હોય તો એક વાર ન્યાયવેદાંતનાં શાસ્ત્રોને જોવાં જ રહ્યાં.

સાચી બુદ્ધિમત્તા સંસ્કૃતિના ખંડનમાં નહીં, પરંતુ તેના જતનમાં છે. તે જ સાચું જ્ઞાન છે. એટલે જ સંસ્કૃતિના રક્ષક અને પરંપરાના નિર્વાહક મહાપુરુષોને લોકો બુદ્ધિશાળી નહીં, પરંતુ જ્ઞાની કહે છે.

સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) દ્વારા સન 2000ના ઓગસ્ટમાં વર્લ્ડ પીસ સમિટનું આયોજન થયેલું. આ સભામાં ૫૪ દેશોમાંથી 1800 ધર્મગુરુઓએ ભાગ લીધો હતો. વિશ્વના પ્રમુખ ધર્મ-સંપ્રદાયોના પ્રતિનિધિઓને સભાને સંબોધવા માટે આમંત્રિત કરાયેલા, જેમાં સનાતન હિંદુ ધર્મનું વૈશ્વિક પ્રતિનિધિત્વ પ્રમુખસ્વામી મહારાજે કર્યું હતું. સનાતન સંસ્કૃતિ અને પરંપરાગત વેશભૂષા, પ્રવચનની ગુજરાતી ભાષા, વૈદિક મંત્રગાન તથા ભગવાનની ચલ મૂર્તિનું અખંડ સાંન્નિધ્ય- સ્વામીજીના માધ્યમથી યુનોની આ સભામાં ભારતની અસ્મિતા પ્રતિષ્ઠિત થઈ ગઈ. જે જ્ઞાની મહાપુરુષોની એક મુલાકાતથી યુનો જેવી શ્રેષ્ઠ સંસ્થાના જનરલ સેક્રેટરી કોફી અનાન પણ પ્રશંસક થઈ જતા હોય એની, એ દેશની પરંપરાને કોઈ પછાત કહી શકે?

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)