સિકલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામમાં અકલ્પનીય યોગદાન આપવા બદલ ડૉ. યઝદી ઇટાલિયાને પદ્મશ્રી અવોર્ડ જાહેર થયો. સિકલ સેલ એનિમિયા એ આદિવાસીઓમાં જોવા મળતો એક આનુવાંશિક રોગ છે, જે કલર ફૉર્મ્યુલાની ઊણપથી થાય છે. આના દર્દી શારીરિક અને માનસિક પીડા અનુભવે છે. ડૉ. યઝદી ઇટાલિયાએ આદિવાસીઓના આ વારસાગત રોગમાંથી મુક્તિ અપાવવા કામ કર્યું. ગુજરાતનો પ્રથમ સિકલ સેલ પ્રોજેક્ટ ડૉ. યઝદી ઈટાલિયાએ જ શરૂ કર્યો. રોગના પીડિતોની મફત સારવાર કરવામાં આવી. આખા ગુજરાતના 95 લાખથી વધુ આદિવાસીની તપાસ કરવામાં આવી, જેમાંથી 7 લાખ 2 હજારમાં સિકલ સેલનાં લક્ષણ જોવા મળ્યાં અને યોગ્ય સારવાર માટે તેમણે કલર કોડેડ જારી કર્યા હતા. તો પશ્ચિમ બંગાળના પુરુલિયાના સિન્દ્રી ગામના આદિવાસી પર્યાવરણવાદી દુખુ માઝીએ સાઈકલ પર દરરોજ નવાં સ્થળે જઈને ઉજ્જડ જમીન પર પાંચ હજારથી વધુ વડ, કેરી અને બ્લૅકબેરીનાં વૃક્ષ વાવ્યાં. એમને સામાજિક કાર્ય (વનીકરણ) ક્ષેત્રે પદ્મશ્રી આપવામાં આવશે. આવાં તો અનેક ઉદાહરણ આ વખતના પદ્મવિજેતાઓની યાદી જોતાં મળે છે.
એક તરફ આવા લોકો છે તો બીજી બાજુ, બિઝનેસમાં લૉસ જશે તો? પરીક્ષામાં નાપાસ થઈશ તો? કમોસમી વરસાદને કારણે પાક બગડી જશે તો? જૉબ છૂટી જશે તો? વગેરે વિઘ્નોના ભયથી સતત ચિંતિત થનારા લોકો પણ છે. જો કે આ બધા વચ્ચે કેટલાક એવા લોકો જીવી જાય છે, જેઓ આપણા જેવી જ સામાન્ય માનવીઓ જેવી જ બલકે તેથી પણ વધુ વિકટ કાંટાળી કેડી પરથી પસાર થાય છે, છતાં સફ્ળતાનાં શિખરો સર કરે છે. કારણ? ભલે વિઘ્નોની પરંપરા વચ્ચે ઊભી હોય, છતાં એમની નજર હંમેશાં લક્ષ્ય તરફ જ મંડાયેલી રહે છે. આવા લોકોને વિઘ્નો કદાપિ અટકાવી નથી શકતા.
કોઈ પોલિયોગ્રસ્ત વ્યક્તિ ઑલિમ્પિક્સમાં દોડીને ત્રણ-ત્રણ ગોલ્ડમેડલ મેળવે એ વાત માન્યામાં આવે? વાત છે 1960 ના રોમ ઑલિમ્પિક્સની. અમેરિકાના ટેનિસી શહેરમાં જન્મેલી વિષ્મા રૂડોને 4 વર્ષની વયે પોલિયો થયો. ડૉક્ટરોએ તેનું ભવિષ્ય ભાખતાં કહ્યું, ‘આ બાળકી ક્યારેય જમીન પર પોતાના પગ મૂકી શકશે નહીં.’ તેને પગમાં સળિયા પહેરાવવામાં આવ્યા, પરંતુ તેના મનમાં એક વિચાર સતત ઘૂંટાયા કરતો હતો કે, મારે આ પૃથ્વી પરની સૌથી ઝડપથી દોડતી મહિલા બનવું છેઃ આઈ વૉન્ટ ટુ બી ધ ફાસ્ટેસ્ટ વુમન ઑન ધ ટ્રૅક ઑન ધિસ અર્થ.
અશક્ય જેવી આ વાત તેના હૃદયનો ધબકાર બની ગઈ હતી. શરૂઆત તેણે ચાલવાના પ્રયત્નોથી કર્યા. 9મા વર્ષે તેણે સળિયા વગર ચાલવાનું શરૂ કર્યું. 13મા વર્ષે દૌડની સ્પર્ધામાં ભાગ પણ લીધો, પરંતુ છેલ્લા નંબરે આવી. 1956માં 16 વર્ષની વયે તેણે મેલબોર્ન ઑલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો અને ૨૦મા વર્ષે 1960માં ઈટલીના રોમમાં આયોજિત ઑલિમ્પિક્સમાં, સૌના આશ્ચર્ય વચ્ચે, 100 મીટર, 200 મીટર અને 400 મીટરની દોડમાં ગોલ્ડમેડલ સાથે વિશ્વવિક્રમી, વિશ્વવિજેતા બની. તે વખતે છાપાંમાં મથાળાં છપાયાં કે, અ પૅરાલિટિક વુમન બિકેમ ધ ફાસ્ટેસ્ટ વુમનઃ એક દિવ્યાંગ મહિલા બની સૌથી ઝડપી દોડવીર. આ જ મથાળું વિષ્માએ પોલિયોગ્રસ્ત થયા બાદ વિચારી રાખેલું. સંસ્કૃતમાં એક શ્ર્લોક છેઃ
प्रारभ्यते न खलु विघ्नभयेन नीचै : |
प्रारभ्य विघ्नविहता विरमन्ति मध्याः ||
विघ्नैः पुनः पुनरपि प्रतिहन्यमानाः |
प्रारभ्य तूत्त्मजना न परित्यजन्ति ||
અર્થાત્ જે નિમ્ન કોટિના માનવી હોય છે તે વિઘ્નના ભયથી કાર્યારંભ જ નથી કરતા. જે મધ્યમ કક્ષાના માનવી છે તે વિઘ્ન આવતાં જ આરંભેલા કાર્યને મૂકી દે છે, પરંતુ જે શ્રેષ્ઠજનો છે તે તો વારંવાર વિઘ્નો આવવા છતાં શરૂ કરેલા કાર્યને ક્યારેય છોડતા નથી.’
કહે છેને કે, કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી…અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)