દસેક દિવસ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય પેરાલિમ્પ્કિ્સ હીરોઝ સાથે એમના નિવાસસ્થાને મુલાકાત કરી. આ દરમિયાન જેવેલિન એથ્લિટ નવદીપ સિંહ સાથે એમનો વિડિયો વાયરલ થયો. વિડિયોમાં દેખાય છે કે પીએમ મોદીજી જમીન પર બેઠા છે, નવદીપ એમને એક ટોપી પહેરાવી રહ્યા છે. તે પછી બન્ને ખૂબ ગપ્પાં મારે છે. 2000ની 11 નવેમ્બરે જન્મેલા, માત્ર ચાર ફૂટ ચાર ઈંચ હાઈટ ધરાવતા નવદીપે ભાલાફેંકમાં નીરજ ચોપરાને સફળતા મેળવતા જોઈને ઓલિમ્પિક્સમાં જવાનો નિર્ધાર કર્યો. પણ માત્ર નિર્ધાર કરવાથી કંઈ થતું નથી. આ માટે તનતોડ મહેનત કરવી પડે, તપ કરવું પડે. અને નવદીપની મહેનત, તપસ્યા ફળી એણે ભારતને પૅરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ અપાવ્યો.
થોડાં વર્ષ પહેલાં માલ્કમ ગ્લેડવેલ થો નામના લેખકનું ‘આઉટલાયર્સ’ નામનું પુસ્તક વિશ્વપ્રસિદ્ધ થયું હતું. આ પુસ્તકમાં લેખકે વિવિધ ક્ષેત્રના સફ્ળ મહાપુરુષોના જીવનનો અભ્યાસ કરીને એમની સફ્ળતાનું રહસ્ય એક વાક્યમાં દર્શાવતાં કહેલું કે આ માટે ટેન થાઉઝન્ડ અવર્સ રુલ લાગુ કરો. અર્થાત્ તમે જે પણ ક્ષેત્રમાં હો, જે કંઈ કામ કરતા હો, એમાં ટોપ પર પહોંચવું હોય તો ૧૦ હજાર કલાક સુધી પ્રૅક્ટિસ કરો.
આ પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે સંગીતકારો, બાસ્કેટબૉલ-પ્લેયર્સ, આઈસ સ્કેટર્સ, પિયાનિસ્ટ, ચેસ પ્લેયર્સ કે પછી (આમ તો જરા વિચિત્ર લાગે) માસ્ટર ક્રિમિનલ્સ… જે કોઈ પોતપોતાના ક્ષેત્રમાં એક્સપર્ટ્સ છે તેમણે પોતાના ક્ષેત્રમાં દસ હજાર કલાકથી વધારે મહેનત કરી છે.
માણસ પાસે ગમે તેવી કળા હોય, જન્મજાત આવડત હોય પરંતુ કોઈ વ્યક્તિ રાતોરાત સફ્ળતાના શિખરે પહોંચી શકતી નથી. એ માટે લાંબા સમય સુધીની એક નિશ્ચિત દિશામાં કરેલી સાધનાની જરૂર છે.
પુરાણમાં ઋષિમુનિઓનાં તપ, એમની સાધનાના, તપસ્યાના ઉલ્લેખ મળે છે. કોઈ પ્રભુપ્રાપ્તિ માટે એક પગે ઊભા રહી તપ કરે છે. આધુનિક સમયમાં હિમાલય કે જંગલમાં ગયા વગર પણ ધ્યેયપ્રાપ્તિ માટે સાધના કરી શકાય.
વિદ્યાનગરમાં ગણિતના રેંગ્લર ડૉ. એન. એમ. શાહને પૂછવામાં આવ્યું કે, “આપની સફ્ળતાનું રહસ્ય શું છે”? ઉત્તરમાં તેમણે જણાવ્યું, “20 વર્ષ સુધી સતત દિવસના ૧૮ કલાકની તપસ્યા. રવિવાર નહીં, રજા નહીં, ક્યાંય ફવા જવાનું નહીં”.
વિશ્વપ્રસિદ્ધ મ્યુઝિક કમ્પોઝર બિથોવનને એમની સિદ્ધિ વિશે પૂછતાં એ કહે છે કે “ચાળીસ વર્ષ સુધી રોજના આઠ કલાકની સાધના”.
મહાભારતમાં વિદુરનીતિની અંદર એક બહુ જ શાણપણભરી વાત કરવામાં આવી છે. દિવસે એવું કામ કરવું કે રાત્રે સૂવા જઈએ ત્યારે આપણને સંતોષ હોય, વર્ષના આઠ મહિના એવું કામ કરવું કે પછીના ચાર મહિના આપણને સંતોષ હોય. જીવનની આગલી અવસ્થામાં એવું કામ કરવું કે જ્યારે આપણે ઘરડા થઈએ ત્યારે સંતોષ હોય અને જીવીએ છીએ ત્યાં સુધીમાં એવું કામ કરી લેવું કે મર્યા પછી સંતોષ હોય. વિદુરજીનો આ સંદેશ દૂરંદેશિતા સાથે સખત પુરુષાર્થની પ્રેરણા આપે છે.
એક વખત પ્રમુખસ્વામી મહારાજે સહજતાથી કહ્યું હતું કે કોઈનું અહિત થાય તેવો વિચાર મને ક્યારેય આવ્યો નથી. અનુભવી, સદાચારથી સંપન્ન અને વિશુદ્ધ આશય ધરાવતા પ્રમુખસ્વામી મહારાજના સઘન ઉદ્યમથી અનેકનાં જીવન ઉન્નત થયાં છે. કોઈ વ્યસનોની ચુંગાલમાંથી છૂટ્યા તો કોઈ સ્વભાવોની કેદમાંથી મુક્ત થયા છે. કેટલાંય ભાંગેલાં હૈયાંમાં નવું જોમ ભરાયું છે, તો કેટલાયે તૂટેલા પરિવારોની તિરાડો સંધાઈ છે. વ્યક્તિગત, પારિવારિક, સામાજિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે તેઓના સંદેશ સંજીવની સમાન પુરવાર થયા છે. આ ફળશ્રુતિનું કારણ તેમણે કરેલો સખત પરિશ્રમ અને સતત કરેલી મહેનત.
આપણે પણ મહાપુરુષોનાં જીવનમાંથી કંઈ શીખીએ અને મૂલ્યનિષ્ઠા સાથે પ્રબળ પુરુષાર્થ કરવાનો સંકલ્પ કરીએ.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)