નભોમંડળમાં ચમકતા બે તારલાનું ધરતી પરનું જાણે એ મિલન હતું. એ ધરતી હતી દક્ષિણ આફ્રિકાની. બે તારલા એટલે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ અને આફ્રિકાના રાષ્ટ્રપુરુષ નેલ્સન મંડેલા. આ ઐતિહાસિક મુલાકાતમાં ડૉ.કલામે નેલ્સન મંડેલાને પ્રશ્ન પૂછ્યો કે, ‘સત્યાવીસ વર્ષના કારાવાસ બાદ તમે કાળકોટડીમાંથી બહાર નીકળ્યા ત્યારે એ મુક્તિની અનુભૂતિ કેવી હતી?’
નેલ્સન મંડેલાનો ઉત્તર હતોઃ ‘જેલની બહાર નીકળતી વખતે હું વિચારતો હતો કે મારે અહીંથી બહાર નીકળવાનું છે, પણ તિરસ્કાર અને કટુતા અહીં જ મૂકતાં જવાનાં છે. મને જેલમાં પૂરનાર, મને યાતના આપનાર વિશે કડવાશ સાથે બહાર નીકળીશ તો આઝાદી પછી પણ જેલમાં જ હોઈશ.’
કેવો કમાલનો વિચાર. નેલ્સન મંડેલાનો ઉત્તર આપણને વિચારવાનો મોકો આપે છે કે ખરેખર આપણે આઝાદ છીએ કે હજી પણ કોઈના પ્રત્યેના પૂર્વગ્રહો, વેર, બદલો કે દ્વેષ રૂપી બેડીએ આપણને જકડી રાખ્યા છે?
નવા વર્ષનો, 2023નો આરંભ થઈ ગયો છે ત્યારે નથી લાગતું કે કંઈ કેટલાયે વર્ષોથી આપણે કારણ વિનાના પૂર્વગ્રહના અને નકારાત્મકતાના બોજા માથે લઈને ફરતા હતા એને ફગાવી દેવા જોઈએ? થોડું જતું કરીએ?
2023માં અન્ય એક ફગાવી દેવા જેવો બોજ છે ચાલશેનો અભિગમ. આપણી પ્રગતિને અવરોધતું જો કોઈ એક મોટું સ્પીડબ્રેકર હોય તો એ છેઃ ચાલશે. આ મનોવૃત્તિ આપણને ટોળામાંનો માણસ બનાવી મૂકે છે. યાદ રહે, ટોળામાં ન ભળનારા, અલગ તરી આવનારા, પોતાના ક્ષેત્રમાં ઊંચાઈએ પહોંચનારાઓએ તદ્દન ગૌણ ગણાતાં કામને દિલથી કર્યાં છે.
અમેરિકામાં રંગભેદની નીતિ સામે અવાજ ઉઠાવનારા પાદરી માર્ટિન લ્યુથર કિંગ કહેતા કે ‘રસ્તા પરથી કચરો સાફ કરવાનું કામ પણ એવી રીતે કરવું, જાણે માઈકલ એન્જેલો પેઈન્ટિંગ બનાવતા હોય. એને એ રીતે કામ કરતો જોઈને ઈશ્વર પણ બોલી ઊઠે કે વાહ, અહીં કચરો વાળનારી એક ઉત્તમ વ્યક્તિ છે. આ પ્રકારનો અભિગમ ત્યારે આવે, જ્યારે આપણે આપણું કાર્ય કોઈને બતાવી આપવા કે કેવળ પતાવી દેવા કરતા હોઈએ. જો તમે તમારું કામ આત્મસંતોષની ખાતરી સાથે કરો તો પછી તમારી મહત્તા બતાવવા વાજાં વગાડવાની જરૂર પડતી નથી. તમારું કામ જ બોલશે.
પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ભૂજ-ભૂકંપમાં કરેલાં રાહતકાર્ય જોઈને 2002માં ગુજરાતનાં મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ કહેલું કે ‘પ્રમુખસ્વામી મહારાજને દીવાલમાં એક ઈંટ ચણવાનું કામ સોંપ્યું હોય તો એ એવી રીતે કરશે, જાણે ભગવાનના મસ્તક પર મુગટ મૂકતા હોય.’
મોદીજીના આ વિધાનનો પડઘો પડે છે પ્રમુખ સ્વામીએ દેશદુનિયામાં સર્જેલાં ગગનચુંબી મંદિરોમાં, અક્ષરધામ જેવાં સર્જનોમાં, સમાજને આપેલા તાલિમબદ્ધ સંતોમાં, ભવ્ય-દિવ્ય ઉત્સવમાં અને રાહતકાર્યોના ઊંડાણમાં.
તો ચાલો મહાન પુરુષોમાંથી પ્રેરણા લઈ આપણે પણ 2023માં ચાલશેના અભિગમને ભૂલી જઈ આપણાં કાર્યક્ષેત્રમાં મન લગાવીને મંડી પડીએ. પછી એ અભ્યાસ હોય કે નોકરી કે સ્પૉર્ટ્સ કે બિઝનેસ કે ઘરકામ કે સેવા.
આ તો વાત થઈ ભૂલવાની. નવા વર્ષમાં એક વાત યાદ રાખવાની છેઃ ઈશ્વરનો સતત સહવાસ. કારણ? કારણ કે પરમાત્મા પરમ પ્રેરણાનો, અખૂટ ઊર્જાનો સ્રોત છે. ભગવાન તમારી સાથે હશે તો વિજય નિશ્ચિત છે. મહાભારતમાં જયદ્રથનો વધ કરી અર્જુન છાવણીમાં પરત ફર્યા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ એ એમને શાબાશી આપી. તે વખતે અર્જુન કહે છેઃ પ્રભુ જેની પડખે ઊભા હોય તેના વિજયમાં શું આશ્ચર્ય છે? પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ કહેતા કે ભગવાન આપણી સાથે છે તો આપણને કોણ હરાવી શકે?
2023નું નૂતન વર્ષ આપણને સૌને સુખ, શાંતિ અને સાર્થકતા તરફ વેગપૂર્વક ગતિ કરાવે તેવી શુભકામના.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)