સ્વાધ્યાયથી શું પ્રાપ્ત થાય?

तप: स्वाध्यायेश्वरप्र्णिधानानि क्रियायोग:।
તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન આ ત્રણ સાધનથી ક્રિયાયોગ ઘટિત થાય છે.

ત્રણ પ્રકારનાં તપ: દૈહિક, વાંગ્મય અને મનોમય. તપ માટે પંચાગ્નિ: ભૂતાગ્નિ, કામાગ્નિ, જઠરાગ્નિ, જ્ઞાનાગ્નિ/પ્રેમાગ્નિ તથા બડાબગ્નિ: માંથી પસાર થવાનું રહે છે. જેના વિશે ગત સપ્તાહે આપણે વાત કરી. પાંચ પ્રકારના અગ્નિમાંથી પસાર થવાથી શુદ્ધ થવાય છે. પરંતુ અહીં, પ્રગટાવેલ આગમાંથી શરીરને પસાર થવાનું નથી. આ પ્રકારનું તપ એ રાક્ષસી તપ છે. સાત્ત્વિક, રાજસિક અને તામસિક – આ રીતે પણ તપ ને વર્ણવી શકાય છે.

સાત્વિક તપ: તમને ખબર જ નથી કે તમે તપ માંથી પસાર થઇ રહ્યા છો. તમે જીવનનો, સૃષ્ટિની ઘટમાળનો એક અંશ છો. જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાંથી પસાર થવું તે સાત્ત્વિક તપ છે.
રાજસિક તપ: કઈ મેળવવા માટે કરવામાં આવતું તપ એ રાજસિક તપ છે. જો તમે ધ્યાન, સેવા, ઉપવાસ કરો છો અને તે કૃત્યનો પ્રચાર કરો છો, કર્તાભાવથી કરો છો તો તે રાજસિક તપ છે.
તામસિક તપ: પોતાની જાતને પીડા આપવી, જેમ કે પોતાનાં શરીર પર ખિલ્લા મારવા તે તામસિક તપ છે.  કેટલાંક લોકો અન્યને પીડા નથી આપી શકતા, એટલે પોતાને પીડા આપે છે. આ તામસિક તપ છે.
તપ વ્યક્તિને શુદ્ધ કરે છે, દ્રઢ બનાવે છે પરંતુ સાથે સાથે, તપથી વ્યક્તિ અહંકારી પણ બને છે. લોકો એવું સમજે છે કે તપ કરવાથી તેઓ મહાન કહેવાશે. પોતાના તપનો વધુ પડતો મહિમા કરવાથી મોટો અહંકાર વ્યક્તિમાં ઉત્પન્ન થાય છે. અને આવું ન થાય તે માટે તપ પછી તરત જ સ્વાધ્યાય કરવો આવશ્યક છે. કારણ સ્વાધ્યાય વગરનું તપ વ્યક્તિને અહંકારી બનાવે છે.
ક્રિયા યોગનો બીજો ઘટક છે, સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે પોતાનો અભ્યાસ, આત્મનિરીક્ષણ. સજગતા પૂર્વક આત્મનિરીક્ષણ કરવું તે સ્વાધ્યાય છે. શ્વાસ અને ભાવનાઓનું નિરીક્ષણ, વિચારો ક્યાંથી ઉદ્ભવે છે અને ચોક્કસ ભાવનાઓ શા માટે ઉદ્ભવે છે, પોતાની અંદર શું થાય છે તે બધાનું અવલોકન કરવું તે સ્વાધ્યાય છે.
સામાન્ય રીતે લોકો સમજે છે કે શાસ્ત્રોનું અધ્યયન કરવું એ સ્વાધ્યાય છે. શાસ્ત્રો શું છે? ભૂતકાળમાં મનુષ્યએ જે અનુભૂતિ કરી છે તેનું પ્રતિબિંબ છે. એ જ અનુભૂતિ વર્તમાનમાં પણ કરી શકાય છે. પોતાની જાતનો અભ્યાસ, અંતર્જગતનું અવલોકન એ સ્વાધ્યાય છે. પોતાનાં મનનું નિરીક્ષણ, પોતાની બુદ્ધિનું નિરીક્ષણ એ સ્વાધ્યાય છે. તમારી બુદ્ધિ કઈ રીતે કામ કરે છે, તમે કયા પ્રકારનો તર્ક આપો છો, તે તર્કનો આધાર શું છે, તમારી બુદ્ધિ ક્યારે સ્વબચાવ કરે છે, ક્યારે ફરિયાદ કરે છે આ અવલોકન એ સ્વાધ્યાય છે. તમને ક્યારે ભય લાગે છે ક્યારે તમે વ્યગ્ર થઇ જાઓ છો, મનમાં જે ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે, આ બધાનું અવલોકન કરો, અભ્યાસ કરો. જેવો તમે આ અભ્યાસ શરુ કરો છો કે તમારી સમક્ષ અસ્તિત્વનાં અન્ય આયામ પ્રકટ થવા લાગે છે. તમે જોઈ શકો છો કે તમારી પ્રત્યેક ભાવના, પ્રત્યેક માનસિક સંઘર્ષની પાછળ નિશ્ચિત કારણ છે. જ્યાંથી આ સઘળું સંચાલિત થઇ રહ્યું છે તે સૂક્ષ્મ જગત તરફ તમારી દ્રષ્ટિ પડે છે. ત્યારે તમે સમજી શકો છો કે તમે માત્ર એક દિવ્ય શક્તિના હાથની કઠપૂતળી છો.
તમારાં કાર્યોની પાછળ રહેલા હેતુઓનું નિરીક્ષણ એ પણ સ્વાધ્યાય છે. ઘણી વખત તમે એ કાર્યો કરો છો જે તમે પોતે ઇચ્છતા નથી. બીજા ઈચ્છે છે એટલે તમે કોઈ કાર્ય કરો છો. બીજા લોકો તમારા માટે શું વિચારશે, શું અભિપ્રાય બાંધશે તે વિચારીને તમે કાર્યો કરો છો. તમને પોતાને શું જોઈએ છે તે વિશે તમે સ્પષ્ટ નથી કારણ તમે એ દિશામાં વિચાર્યું જ નથી. તમે તમારી જાત ભણી દ્રષ્ટિ નાખી જ નથી. તમે ક્ષણિક, અસ્થિર વિચારો, ભાવનાઓ અને ઈચ્છાઓના પ્રભાવમાં આંદોલિત થયા કરો છો.
જે ઈચ્છાઓના પ્રભાવ હેઠળ તમે છો તે ઈચ્છાઓ પણ તમારી પોતાની હોતી નથી. તમે કયા પ્રકારનું ભોજન લો છો, તમે કોની સાથે સમય વ્યતીત કરો છો, કઈ ઘટનાઓ તમારી સાથે અને તમારી આસપાસ ઘટી રહી છે, આ બધું તમારી અંદર ચોક્કસ ઈચ્છાઓનો વંટોળ ઉત્પન્ન કરે છે. તેથી જ ઘણી વાર તમારી ઈચ્છાઓ પૂરી થવા છતાં તમે ખુશ થતાં નથી. તો પોતાની જાતનો અભ્યાસ કરો. વિસ્મયથી ભરાઈ જાઓ કે તમે કોણ છો, તમે શું છો. તમે શરીરને શુદ્ધ કરો છો પરંતુ શું તમે શરીર છો? તમે મનને સાચી દિશા આપો છો પરંતુ શું તમે મન છો? શું તમે તમારા વિચારો છો, કે તમે તમારી ભાવનાઓ છો? તમે કોણ છો? આ સ્વાધ્યાય તમને ઉર્ધ્વગામી બનાવે છે, બ્રહ્માંડ તરફ સજગ કરે છે, એ વિશ્વ કે જે તમારાથી અજાણ્યું છે તે તરફ તમારી દ્રષ્ટિ પડવા લાગે છે. સ્વાધ્યાય તમારા દુઃખો દૂર કરે છે, તમારા મનની પીડાને નિર્મૂળ કરે છે.
બુદ્ધ એ આ માટે બહુ સુંદર કહ્યું છે. કાયાનુપાસના- શરીરનું અવલોકન કરો. વેદાનુપાસના- શરીરમાં ઉદ્ભવતા સંવેદનોનું અવલોકન કરો. ચિંત્તાનુપાસના- તમારા મન, મનમાં રહેલી છાપ, વિચારો અને લાગણીઓ આ બધાનું અવલોકન કરો અને ધમ્મનુપાસના- તમારા મૂળ સ્વાભાવનુ અવલોકન કરો.
સ્વાધ્યાયથી શું પ્રાપ્ત થાય? સ્વાધ્યાયથી પોતાની ભીતર રહેલ દિવ્ય તત્ત્વ સાથે સંધાન થાય છે. જયારે તમે નિયમિતપણે સ્વાધ્યાય કરો છો ત્યારે તમારી અંદર રહેલ દિવ્યતાના સૂક્ષ્મ આયામો સાથે તમે જોડાઓ છો. “હું કોણ છું?” આ પ્રશ્ન એ સ્વાધ્યાયનો જ એક ભાગ છે. હું કોણ છું? આ જગત શું છે? મારું અસ્તિત્વ કેટલા સમય સુધી છે? આ બધું શાશ્વત છે કે ક્ષણિક? આ પ્રશ્નો તમારે પોતાની જાતને કરવા જોઈએ. “પેલી વ્યક્તિએ આમ કર્યું અને આમ કહ્યું” તેમ વિચારવાને બદલે જાણો કે આ સઘળું તરંગગામી છે. વિશ્વ એ તરંગ છે. તરંગો ઉત્પન્ન થાય છે અને વિલીન થાય છે. સ્વાધ્યાય તમારી ચેતનાનું ઉર્ધ્વીકરણ કરે છે. તમે અસ્તિત્વના એક અલગ જ સ્તરનો અનુભવ કરો છો.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)