જીવન અનેક વિરોધાભાસ થી ભરેલું છે અને સમત્વ તેમ જ દ્રઢતાપૂર્વક, વિપરીત પરિસ્થિતિમાં અડગ રહેવું તે તપ છે. દૈહિક તપ, વાંગ્મય તપ અને મનોમય તપ: કાયા, વાચા અને મનનાં સ્તરે તપનું આચરણ કેટલું અગત્યનું છે તેનું મહર્ષિ પતંજલિ એ વિવરણ કર્યું છે. પાંચ પ્રકારના અગ્નિ વડે તપવું તે તપસ્યા છે. આ પાંચ અગ્નિ કયા કયા છે?
ભૂતાગ્નિ: આ અગ્નિ એટલે ગૃહ સ્થાનમાં આવેલો અગ્નિ, જે ઘરને હુંફાળું રાખે છે. જે જીવનને ધબકતું રાખે છે. અત્યંત ઠંડા પ્રદેશોમાં ભૂતાગ્નિ વગર જીવન સંભવ બનતું નથી. આપણાં શરીરની અંદર પણ અમુક અંશે ભૂતાગ્નિ અસ્તિત્વ ધરાવે છે.
કામાગ્નિ: ઈચ્છા, કામવાસનાનો અગ્નિ એટલે કામાગ્નિ. આ અગ્નિ તમને પૂરેપૂરો આવૃત્ત કરે છે. તેના સંપૂર્ણ પ્રભાવમાં તમે આવી જાઓ છો. પૃથ્વી પર જીવન આ અગ્નિને કારણે ટકી રહે છે. તીવ્ર ઈચ્છા, ઉત્સાહ, આવેગ પૅશન-આ અગ્નિ સૃષ્ટિના પ્રત્યેક જીવમાં રહેલો છે. પણ તમે આ અગ્નિને પ્રજ્વલવા માટે અવકાશ આપતાં નથી. જેવી કોઈ ઈચ્છા જાગી કે તેને તરત જ પૂર્ણ કરો છો. એટલે એ ઈચ્છા તમને તપાવતી નથી. તમે કામાગ્નિમાં તપતાં નથી. જેઓ ઘણા કામ સંબંધ ધરાવે છે, તેઓમાં કામાગ્નિ બિલકુલ હોતો નથી. કામ વાસના અને ખોરાક, આ સૌથી આદિમ સંસ્કાર પ્રત્યેક પ્રાણીમાં છે. જયારે આ ઈચ્છાઓ ઉઠે, ત્યારે તેનું અવલોકન કરો. તે તમારા પર પ્રભાવી બને છે. તે પ્રત્યેક કોષમાં ઉપસ્થિત છે. આ ઈચ્છાઓનું અવલોકન કરવા માટે, સાક્ષી બનવા માટે શત-પ્રતિશત સજગતા જોઈએ. પરંતુ આ ઈચ્છાને ઉઠવા માટેનો જ અવકાશ નહિ આપો, સતત પૂર્ણ કર્યા કરશો તો તમારી અંદર ઉર્જા, શક્તિ ઉત્પન્ન જ નહિ થાય. તમે વધુને વધુ જડ, નીરસ બનતાં જશો. તમારી સંવેદનશીલતા ખોઈ બેસશો. કામવાસનાની ઈચ્છાઓને સતત પૂર્ણ કર્યા કરવાથી તમારી અંદર જોશ, ઉત્સાહ, હિમ્મતનો અભાવ જ રહેશે. એટલે જ, જે કામ પ્રવૃત્તિમાં રત રહે છે તેઓ નિસ્તેજ હોય છે. તેમનામાં ઉર્જાનો અભાવ હોય છે. તેઓમાં કશું ઉચ્ચતમ પ્રાપ્ત કરવાની, કોઈને ઉપયોગી બનવાની કે સફળ બનવાની ઈચ્છા હોતી નથી.
જઠરાગ્નિ: ક્ષુધા અને પાચન માટેનો અગ્નિ એ જઠરાગ્નિ છે. આયુર્વેદનો સહુથી અગત્યનો સિદ્ધાંત જઠરાગ્નિ છે. જઠરાગ્નિ જો મંદ કે વધુ પડતો ઉદીપ્ત હોય તો તે તમારાં સ્વાસ્થ્ય અને સંતુલનને અસર કરે છે. શરીરમાં જ્વર હોય છે- તાવ આવે છે ત્યારે આપણે માત્ર લક્ષણનો ઉપચાર કરીએ છીએ. તેની સાથે જોડાયેલા સિદ્ધાંતને સમજવાનો પ્રયત્ન કરતાં નથી. જયારે કોઈ અયોગ્ય પદાર્થ શરીરમાં પ્રવેશે છે, ત્યારે શરીરમાં જે ઉષ્મા ઉત્પન્ન થાય છે તે જ્વર છે. તાવ એ તમારાં શરીરની સુરક્ષા પ્રણાલી છે, જેના દ્વારા અયોગ્ય પદાર્થો, જીવાણુઓ તથા વિષાણુઓ નાશ પામે છે. આ અયોગ્ય પદાર્થો જયારે નાશ પામે છે ત્યારે તાવ ઉતરી જાય છે. આ રીતે શરીરની શુદ્ધિ થાય છે.
તમને ભૂખ નથી લાગી છતાં પણ તમે ખાઓ છો. તમારી અંદર ક્ષુધાનો અગ્નિ છે તેને તમે પ્રદીપ્ત થવા દેતાં નથી. જે તમારાં શરીરની અંદર ઝેરી પદાર્થો ઉત્પન્ન કરે છે. વધુ પડતું ખાવું તે ઘણા બધા રોગોનું મૂળ છે. કારણ તમે જઠરાગ્નિને પ્રજ્વલવા દેતાં નથી. ઉપવાસ કરવા પાછળનું આ જ કારણ છે. ઉપવાસ દરમ્યાન તમારો એક એક કોષ જીવંત બની ઉઠે છે. ઉપવાસ શરીરને શુદ્ધ કરે છે. ઉપવાસ દરમ્યાન પ્રજ્વલિત થતો જઠરાગ્નિ શરીરમાંથી ઝેરી પદાર્થોનો નિકાલ કરે છે. જયારે તમે ખૂબ ચિંતા, વિચારો અને ભયથી ઘેરાઈ જાઓ છો ત્યારે ઉપવાસ કરો. અનેક સંશોધનો દ્વારા ઉપવાસ અને પ્રાર્થનાની શક્તિ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. વિશ્વના પ્રત્યેક ધર્મમાં ઉપવાસ અને પ્રાર્થનાનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. કારણ, અનેક જન્મોથી આપણી અંદર ઊંડે સુધી રહેલા ભોજનના સંસ્કારને ઉપવાસ સ્પર્શે છે. વધુ પડતા ઉપવાસ કર્યા કરવા તે પણ યોગ્ય નથી. અગ્નિનું વધુ પડતું પ્રજ્વલન પણ તમને હાનિકર્તા થઇ શકે છે. તો હોશ પૂર્વક ઉપવાસનું પ્રયોજન કરવું જોઈએ.
પ્રેમાગ્નિ-જ્ઞાનાગ્નિ: પ્રેમનો અગ્નિ એટલે પ્રેમાગ્નિ. આ અગ્નિ તમને ટીકાઓ-વિવેચના ના ભયથી મુક્ત કરે છે. પ્રેમમાં તમે લોકોના મંતવ્યો થી ડરતા નથી. પ્રેમાગ્નિ તમારા પર પૂરેપૂરો પ્રભાવ જમાવે છે. જ્ઞાનાગ્નિ અને પ્રેમાગ્નિ સમાન જ છે. પ્રેમનો અગ્નિ તમારી અંદર તીવ્ર વિરહ ભાવ ઉત્પન્ન કરે છે. આ ભાવ નવો છે અને તમને અસુવિધા જનક લાગે છે. પીડા આપે છે. આ અગ્નિનો અનુભવ માત્ર મનુષ્ય જન્મમાં જ કરી શકાય છે. પ્રેમાગ્નિ અને જ્ઞાનાગ્નિ પ્રારંભમાં તીવ્ર પીડા આપે છે પરંતુ તે જીવનમાં પરમ આનંદ અને પૂર્ણતા પ્રદાન કરે છે.
બડાબગ્નિ: સામાજિક ટીકા નો અગ્નિ એટલે બડાબગ્નિ. મનુષ્ય સમાજમાં રહે છે અને સમાજના નિયમોનું તેને પાલન કરવું પડે છે. તે સહુને ખુશ રાખવાની ચેષ્ટા કરે છે. અને તેમાં જીવન જીવી શકતો નથી. તે ભૂલી જાય છે કે પોતે મુક્ત છે, ચાહે તે કરી શકે છે. અલબત્ત તમે જયારે વાહન ચલાવો છો, ત્યારે તમારે ચોક્કસ પણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પડે. તમે રસ્તા પર ચાલી રહ્યા છો તો પણ તમારે નિયમોનું પાલન કરવું પડે. આ નિયમોનો ભંગ કરવાથી, ટીકાઓનો સામનો કરવો પડશે, દંડ ભરવો પડશે તે ડર તમને નિયમ પાલન માટે પ્રતિબદ્ધ બનાવે છે. પરંતુ તમે ટીકાઓથી વધુ પડતાં ડરો છો, તો પણ તમે ચૂકો છો. હા, આ ભયથી તમે નીતિમત્તાનું આચરણ કરો છો, સીમામાં રહો છો. પરંતુ સમાજ ની ટીકાનો અને લોકો શું કહેશે એ ભય વધુ પડતો જો હશે તો તે તમારી સ્વતંત્રતા, સ્વસ્થતા અને વિશાળતાને નષ્ટ કરી દેશે. આલોચના ના વધુ પડતા ભયને લીધે તમે હંમેશા તણાવમાં અને બધી બાબતો પ્રત્યે ચિંતિત રહેશો. આ અગ્નિમાંથી પસાર થવું પડે. લોકો શું કહે છે, તેમનું શું મંતવ્ય છે તેનાથી ડરો નહિ. લોકોના અભિપ્રાય બદલાતા રહે છે. તમે જયારે જાણો છો કે તમે કોઈને હાનિ નથી પહોંચાડી રહ્યા ત્યારે લોકોનાં મંતવ્યનો ભય ન રાખો.
આ પાંચ અગ્નિમાં તપીને તમે સુવર્ણ સમાન શુદ્ધ બનો છો. પંચાગ્નિ વિશે અનેક ગેરસમજ પણ પ્રવર્તે છે. ધાર્મિક સંમેલનોમાં પોતાની આસપાસ અગ્નિ પ્રગટાવી, તેમાંથી પસાર થવું તેને તપ કહેવામાં આવે છે. જે પંચાગ્નિ તપ નથી. મહર્ષિ પતંજલિ એ વર્ણવ્યા અનુસાર પાંચ અગ્નિમાંથી તમે જયારે પસાર થાઓ છો ત્યારે તમે શુદ્ધ બનો છો. તપ તમને દ્રઢ બનાવે છે. તપ પછી સ્વાધ્યાય શા માટે? આવતાં સપ્તાહે તે વિશે વાત કરીશું.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)