જીવનની યાત્રાનો સાચો આનંદ

જ્યારે આપણે કંઈક પ્રાપ્ત કરીએ છીએ, ત્યારે આપણે એક વિશેષ આનંદ અનુભવીએ છીએ, જેવી રીતે કોઈ બાળકને ચોકલેટ કે રમકડું મળે ત્યારે થાય છે. પરંતુ જ્યારે આપણે કોઈને કંઈક આપીએ છીએ, ત્યારે આપણને તેનાથી મળતો આનંદ વધુ ઊંડો અને સંતોષકારક હોય છે. જ્યારે માતાપિતા અને દાદા-દાદી બાળકોને કંઈક આપે છે, ત્યારે તેમને મળતો આનંદ કોઈપણ ભૌતિક વસ્તુ કરતાં વધુ હોય છે.

જ્યારે આપણે આપણી ખુશી અને અનુભવો બીજાઓ સાથે વહેંચીએ છીએ, ત્યારે આપણને તૃપ્તિ મળે છે. ઉદાહરણ તરીકે, જ્યારે આપણે કોઈ સારી ફિલ્મ જોઈએ છીએ અને આપણે બીજાઓને પણ તે જોવા માટે કહીએ. તેવી જ રીતે, એક વૃદ્ધ સ્ત્રી તેના પૌત્ર-પૌત્રીઓ માટે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે છે અને તેમને ખવડાવવાનો આનંદ માણે છે.

જે લોકો આપવાની ભાવના ધરાવે છે તેઓ વધુ તૃપ્ત અને આનંદિત હોય છે. જ્યારે આપણે ફક્ત કંઈક મેળવવાની ઇચ્છાથી આગળ વધીએ છીએ અને આપવાની માનસિકતા અપનાવીએ છીએ, ત્યારે આપણું મન શુદ્ધ થાય છે અને આપણે ખરો આનંદ અનુભવીએ છીએ.

મનને શુદ્ધ કરવાની ત્રણ મુખ્ય રીતો છે – યજ્ઞ, દાન અને તપ. યજ્ઞમાં સમૂહ ધ્યાન, ભજન અને મંત્રોચ્ચારનો સમાવેશ થાય છે, જે આપણા શરીર અને મનને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે. જ્યારે આપણે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરીએ છીએ, ત્યારે આપણને એક વિશેષ આંતરિક આનંદ મળે છે, જે આપણી ચેતનાને ઉન્નત કરે છે. તપમાં યોગ, ધ્યાન, પ્રાણાયામ અને ઉપવાસનો સમાવેશ થાય છે, જે માનસિક અને આધ્યાત્મિક શુદ્ધિકરણમાં મદદ કરે છે.

યજ્ઞ, દાન અને તપ એક વાર કરવા જેવું કર્મ નથી, પરંતુ નિયમિત કરતુ રેહવું જોઈએ. જ્યારે આપણે બીજાના જીવનમાં શાંતિ અને ખુશી લાવવાનો પ્રયાસ કરીએ છીએ, ત્યારે આપણું જીવન પણ આનંદમય બને છે. સેવા આપણી ચેતનાનું ઉત્થાન કરે છે અને આપણે જીવનના શાશ્વત સત્યને સમજવાનું શરૂ કરીએ છીએ. જીવનની યાત્રાનો સાચો આનંદ “આપવામાં” જ છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)