લાગણીઓ વગરની કોઈ વ્યક્તિ એવા ફૂલ જેવી હોય છે જેમાં રસ નથી. તમારે તમારી આસપાસના લોકો માટે તમારી જાતને રસપ્રદ બનાવવી પડશે. જ્યારે તમે સંગીત, ધ્યાન, પ્રાર્થના અને સેવાથી પોતાને પોષણ આપો છો ત્યારે આ શક્ય બને છે. જ્યારે તમે હૃદયપૂર્વક ગીત ગાઓ છો અને પ્રાર્થના કરો છો, ત્યારે તમારી ભાવનાઓનું પોષણ થાય છે અને તમે જીવંત બની જાઓ છો.

જ્યારે તમે ભાવનાત્મક રીતે મજબૂત થાઓ છો, ત્યારે દુઃખ સામે ઊભા રહીને પણ તમને પીડા થતી નથી. જીવનમાં દુઃખ નિશ્ચિત છે, પણ દુઃખી થવું એ આપણી પસંદગી છે.
જેમ જેમ તમે વિકસિત થાઓ છો, તેમ તેમ તમારી ચેતના પણ વિકસિત થાય છે. વ્યવ્યક્તિગત ચેતનાથી બ્રહ્માંડિય ચેતનાની દિશામાં વિસ્તરણનો એકમાત્ર માર્ગ એ છે કે તમે અન્ય લોકોના સુખ–દુઃખમાં સહભાગી થાઓ. જયારે આપણે બીજાનું દુ:ખ વહેંચીએ છીએ ત્યારે આપણું વ્યક્તિગત દુઃખ વિલીન થઈ જાય છે. “મારું શું થશે?” અથવા “હું આ દુનિયાથી શું મેળવી શકું?” એના બદલે વિચાર કરો કે – “હું આ જગત માટે શું કરી શકું?” સેવા હૃદયને કોમળ બનાવે છે અને પોતાનાપણાની ભાવના વિકસાવે છે. જીવનમાં સેવાનો અભાવ વ્યક્તિને હતાશ બનાવે છે.

જ્યારે તમે બીજાના દુઃખ પ્રત્યે સંવેદનશીલ હોવ છો, ત્યારે કરુણા અને મદદ કરવાની ભાવના સ્વાભાવિક રીતે તમારી અંદર ઉદ્ભવે છે. ફક્ત નિઃસ્વાર્થપણે સેવા કરવા વડે તમારા જીવનમાં ઊંડો સંતોષ ઉત્પન્ન થાય છે. જોકે, મૌન વગરની સેવા તમને થોડા સમય પછી થાક લાગવા લાગે છે. આધ્યાત્મિકતા વિનાની સેવા નિરર્થક છે અને તમે લાંબા સમય સુધી સેવા કરી શકતા નથી. તમારું આંતરિક મૌન જેટલું ગહન હશે, તેટલી જ તમારી બાહ્ય પ્રવૃત્તિ સારી હશે. જીવનમાં આ બંને જરૂરી છે — મૌન પણ અને સેવા પણ.
જ્યારે તમે સેવા દ્વારા કોઈને થોડી પણ મદદ કરો છો, ત્યારે તમે ધન્યતા અનુભવો છો.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)


