કોઈ તમારી પ્રશંસા કરે છે, ત્યારે તમને કેવો અનુભવ થાય છે? અને કોઈ સતત અને વારંવાર તમારી પ્રશંસા કરે છે ત્યારે? તમે એમને સઘળું આપવા માટે તૈયાર થઇ જાઓ છો. એમની કોઈ ભૂલ પ્રત્યે પણ તમે બહુ ધ્યાન આપતા નથી. એ વ્યક્તિને તમે પરમ મિત્ર માનો છો. સંસ્કૃતમાં એક શ્લોક છે, જે કહે છે, તમારા શત્રુઓ કરતાં પણ તમારા મિત્રો પ્રત્યે વધુ સાવધ રહો. કારણ શત્રુ તો શત્રુ છે જ, તમે સાવધાની રાખશો જ, પણ તમારો મિત્ર ક્યારેક તમારા મનમાં અજાણપણે નકારાત્મકતાનાં બીજ રોપી દેશે અને એ કદાચ તમને ખોટા રસ્તે પણ દોરી જઈ શકે છે. એટલે, પ્રશંસાનો સજાગતાપૂર્વક સ્વીકાર કરો.
કોઈ તમારું અપમાન કરે ત્યારે તમારી શું પ્રતિક્રિયા હોય છે? અપમાન કરનાર વ્યક્તિથી તમે દૂર રહેવા ઈચ્છો છો. પરંતુ કબીરજી કહે છે કે જે તમારી નિંદા અને અપમાન કરે તેને સહુથી વધુ નિકટ રાખવા જોઈએ. કારણ તેઓ સતત તમારી ભૂલો બતાવે છે અને એ રીતે તેઓ તમારામાં આવશ્યક પરિવર્તન લાવે છે. તેમના સહવાસથી કોઈપણ ડિટર્જન્ટ વગર તમે તમારા મનને શુદ્ધ રાખી શકો છો. તો ટીકાઓથી ડરો નહી.
જયારે કોઈ તમારા પર દોષારોપણ કરે છે, ત્યારે તમે શું કરશો? સંતુલન ખોઈને, ગુસ્સાથી તમે વિરોધ કરશો તો શું તેઓ સમજી જશે? દ્રઢતાપૂર્વક અને શાંતિથી એમને ટૂંકમાં કહો કે “જુઓ, આ મારી ભૂલ નથી.” છતાં પણ તેઓ સમજવા તૈયાર ન હોય તો આખી બાબતની અવગણના કરો. શાસ્ત્રો કહે છે કે જે વ્યક્તિ દોષારોપણ કરે છે, અંતતઃ તેને જ હાનિ પહોંચે છે. તો કહો કે ” જુઓ, તમે જે કહી રહ્યા છો, તે સત્ય નથી. તો દોષારોપણ ન કરો, કારણ એ તમને હાનિ પહોંચાડી શકે છે.” અને ત્યાર બાદ સ્વીકારો કે વિશ્વમાં દરેક વ્યક્તિને પોતાનો અભિપ્રાય ધરાવવાની સ્વતંત્રતા છે. તમારું નિયંત્રણ તમારી જાત પૂરતું જ સીમિત છે. અન્યના અભિપ્રાય ઉપર તમારું નિયંત્રણ નથી. તો તેમને સત્ય જણાવો, તેઓ એ સત્ય ન સ્વીકારે તો નિર્લેપ રહો.
આલોચના, નિંદા અને અપમાનનો સ્વીકાર કરી શકવાની તમારી ક્ષમતા જ તમારી સમજ, શાણપણ, બુદ્ધિમત્તા અને સ્થિરતાનો પરિચય આપે છે. જો આ ક્ષમતા કેળવાઈ નથી, તો કોઈ પણ વ્યક્તિ એક નાની એવી ટિપ્પણી કે ટીકા કરીને અથવા તો દોષારોપણ કરીને તમારું સંતુલન ખોરવી શકે છે.
વિશાળ દ્રષ્ટિકોણ રાખો. સન્માન અને અપમાન બંને સંજોગોમાં સમત્વ રાખો. જાણી લો કે તમે અનન્ય છો અને પૃથ્વી પર તમારું અસ્તિત્વ અમૂલ્ય છે. જે કાર્ય તમારે પાર પાડવાનાં છે તે તમારા સિવાય કોઈ જ કરી શકશે નહિ. પ્રશંસા અને નિંદા બંનેથી પર થઈને આગળ વધો.
(શ્રી શ્રી રવિશંકરજી)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)