ધ્યાન એટલે શું? સામાન્ય રીતે આપણે સમજીએ છીએ કે એકાગ્ર થવું એટલે ધ્યાન! વાસ્તવમાં ધ્યાન એ સંપૂર્ણ વિશ્રામ છે. ધ્યાન વ્યક્તિનાં જીવનમાં સર્જનાત્મકતા, બુદ્ધિમત્તા અને પ્રજ્ઞાનું પ્રસ્ફુરણ કરે છે. ગહન ધ્યાનમાં જવા માટે આપણી ચેતનાની અવસ્થાઓને સમજવી જરૂરી છે. જીવન દરમ્યાન આપણે સામાન્યતઃ ચેતનાની ત્રણ પ્રકારની અવસ્થાઓ: જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તનો અનુભવ કરતાં હોઈએ છીએ. જાગૃત અવસ્થા દરમ્યાન આપણે આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો: ચક્ષુ, કર્ણ, જિહવા, નાસિકા અને ત્વચા દ્વારા જગતનો અનુભવ કરીએ છીએ. આપણી ઇન્દ્રિયો વડે આપણે આનંદ અને ઉત્સાહનો અનુભવ કરવાની ખેવના રાખતાં હોઈએ છીએ. એક પણ ઇન્દ્રિય જો યોગ્ય રીતે કાર્યશીલ નથી તો આપણે અનુભવનું એક સમગ્ર પરિમાણ ખોઈ બેસીએ છીએ. તો પ્રત્યેક ઇન્દ્રિય આપણાં માટે ખૂબ અગત્યની છે, અને ઇન્દ્રિયના વિષય ( જેમ કે નાસિકા ઇન્દ્રિય છે, અને પુષ્પની સુગંધ એ વિષય છે) કરતાં ઇન્દ્રિય વધુ મહત્વની છે.
મન ઇન્દ્રિય કરતાં ઉપરનું સ્થાન ધરાવે છે. મન અનંત છે. મનની અમાપ ઈચ્છાઓ છે. અને ઇન્દ્રિયોની, ભોગ ભોગવવાની ક્ષમતા સીમિત છે. વધુને વધુ ભોગ ભોગવવાની ઈચ્છા એ લોભ છે. સીમિત જીવન કાળ દરમ્યાન વ્યક્તિ કેટલી માત્રામાં ભૌતિક સુખ ભોગવી શકે? છતાં પણ જગત ભરની સંપત્તિ મેળવવાની ચાહના વ્યક્તિને હોય છે. ઇન્દ્રિય જનિત વિષયો અને ઇન્દ્રિય સુખને વધુ પડતું પ્રાધાન્ય આપવાની વૃત્તિથી લોભ, મોહ, કામ-ક્રોધ ઉત્પન્ન થાય છે. અને મનની ઈચ્છાઓને સંતોષવાની વૃત્તિ
જાગૃત અવસ્થામાં વ્યક્તિ નિરંતર જોવું, સાંભળવું, ખાવું, કામ કરવું જેવી પ્રવૃત્તિમાં રત હોય છે. જયારે બીજી અવસ્થા એ સુષુપ્ત અવસ્થા છે, જેમાં વ્યક્તિ સભાન નથી. આસપાસ ચાલી રહેલી ઘટનાઓથી તે સદંતર અજાણ છે. જાગ્યા પછી ઘણી વખત સુસ્તી અને આળસનો અનુભવ થતો હોય છે. વધુ સમય જો ઊંઘ કરવામાં આવે તો સુસ્તી વધે છે. અને ત્રીજી અવસ્થા, સ્વપ્નાવસ્થા એવી અવસ્થા છે કે જેમાં વ્યક્તિ જાગૃત પણ નથી અને ઊંઘમાં પણ નથી. આ અવસ્થામાં પણ તમે વિશ્રામનો અનુભવ કરી શકતા નથી અને આસપાસનાં જગત પરત્વે સજાગ પણ નથી.
ચેતનાની ઉચ્ચતર અવસ્થા જાગૃત, સુષુપ્ત અને સ્વપ્ન અવસ્થાની મધ્યમાં ક્યાંક છે. આ અવસ્થામાં આપણે એટલું જાણીએ છીએ કે “હું છું” પણ “હું ક્યાં છું ” એ જાણતાં નથી. આ જ્ઞાન, કે જેમાં “હું છું” તેવી સભાનતા છે પરંતુ “હું ક્યાં છું” અને “હું શું છું” તે સભાનતા નથી, તે જ્ઞાન એ જ શિવ છે. આ અવસ્થા સૌથી વધુ ગહન વિશ્રામ આપે છે. અને આ અવસ્થા માત્ર ધ્યાન દ્વારા જ પ્રાપ્ત થાય છે. ધ્યાન એકસાથે બે કાર્ય કરે છે. એક તો એ આપણી પ્રણાલીમાં સ્ટ્રેસને પ્રવેશતાં રોકે છે અને સાથે સાથે આપણી અંદર એકત્રિત થયેલા સ્ટ્રેસને દૂર કરે છે. પ્રતિદિન ધ્યાન કરવાથી બ્રહ્માંડની ચેતનાનું આપણામાં અવતરણ થાય છે. અને આ ચેતના થકી સમગ્ર સૃષ્ટિ પોતાનું જ અભિન્ન અંગ છે, એ દ્રષ્ટિ વિકસિત થાય છે. વિશ્વ અને આપણી વચ્ચે એક પ્રેમનો અસ્ખલિત પ્રવાહ વહે છે. આ તીવ્ર પ્રેમ, જીવનમાં ઉભી થતી અવરોધક પરિસ્થિતિઓ અને અશાંતિની સ્થિતિને પહોંચી વળવા આપણામાં શક્તિનો સંચાર કરે છે. આ પ્રેમની ઉપસ્થિતિથી, ગુસ્સો અને નિરાશા જેવી નકારાત્મક ભાવનાઓ માત્ર થોડા સમય પૂરતી જ રહે છે, પાણીમાં ઉઠતા તરંગ જેટલી અસ્થાયી હોય છે અને તરત જ વિરમી જાય છે.
ચેતનાની ઉચ્ચ અવસ્થાની અનુભૂતિ ઓચિંતી, એક સવારે ઉઠીને અણધારી થતી નથી. આ ચેતનાનું બીજ તમારી અંદર જ છે. આ બીજનું જતન અને ઉછેર ધ્યાન દ્વારા થાય છે. નાળિયેરનાં કેટલાંક વૃક્ષો ત્રણ વર્ષમાં ફળ આપે છે, જયારે કેટલાંક વૃક્ષો દસ વર્ષમાં ફળ આપે છે. અને જેમની સંભાળ લેવામાં નથી આવી તેવાં વૃક્ષો બિલકુલ ફળ આપતાં નથી. તો બીજનું યોગ્ય જતન અને ઉછેર કરો. ચેતનાની ઉચ્ચ અવસ્થાને પ્રાપ્ત કરવી તે કોઈ અઘરું કે જટિલ કાર્ય નથી. જતું કરવાની કલા શીખી લો. જ્ઞાન, સમજણ અને સાધના જીવનને પૂર્ણ બનાવે છે. જયારે તમે બ્રહ્માંડ – ચેતનાની અવસ્થામાં છો ત્યારે તમે સંતુલિત અને સહજ રહો છો. પરિસ્થિતિઓ તમારાં સંતુલનને ખોરવી શકતી નથી. તમે દ્રઢ બનો છો અને કોમળ પણ રહો છો. તમે એક એવા અનોખા વ્યક્તિ બનો છો જે જીવનમાં ભિન્ન ભિન્ન મૂલ્યોનો, કોઈ પણ શરત વગર સ્વીકાર કરે છે. જયારે તમારી ચેતના વિકસે છે, તમે શારીરિક, માનસિક અને અધ્યાત્મિક સ્તરે સજ્જ થઇ જાઓ છો. તમારું સ્મિત ક્યારેય વિલાતું નથી. અને ક્યારેય ન વિલાતું સ્મિત એ સફળતાની નિશાની છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)