સાચા શિક્ષકની ભૂમિકા શું?

તમે જ્યારે ગૂંચવાઈ જાઓ છો, કોઈ અવ્યવસ્થા સર્જાય છે એ વાસ્તવમાં એક આશીર્વાદ છે. કારણ મનની અસ્પષ્ટ અવસ્થામાં તમે બાંધેલી ચોક્કસ પૂર્વધારણાઓ તૂટે છે, અને નવી શક્યતાઓ પ્રતિ દ્રષ્ટિ પડે છે. આ સફળતાની સંજ્ઞા છે. અહીં એક સાચા શિક્ષકની ભૂમિકા ખૂબ અગત્યની છે.

ભારતવર્ષમાં શિક્ષણ પ્રણાલી કેટલી વિશિષ્ટ અને અદ્ભુત છે! ગુરુ હંમેશા શિષ્યનો વિજય ઈચ્છે છે, અને શિષ્ય ઈચ્છે છે કે ગુરુનો જય હો! શિષ્ય પોતાનાં મનની સીમિતતા જાણે છે. અને જો એ સીમિત મન વિજયી બને તો દુઃખ ભણી દોરી જશે. પરંતુ ગુરુનું મન બૃહત છે, તો ગુરુનો વિજય એટલે જ્ઞાનનો વિજય! અને ગુરુગમ્ય જ્ઞાન થકી પ્રત્યેકનાં જીવનમાં શુભત્વ, શ્રેય અને પ્રેયનો ઉદય થાય છે, માટે શિષ્ય ગુરુનો જય ઈચ્છે છે. અને એ યોગ્ય છે કારણ જયારે શિષ્ય/વિદ્યાર્થી સ્વયંને ગુરુ/શિક્ષક કરતાં શ્રેષ્ઠ માને છે ત્યારે જીજ્ઞાસાનો અંત આવે છે, અહંકાર ઉઠે છે અને આ અહંકાર જ્ઞાનને નષ્ટ કરે છે. તો શિષ્ય ગુરુનો જય ઈચ્છે છે અને ગુરુ/શિક્ષક, શિષ્ય વિજયી બને તેવા આશીર્વાદ આપે છે.

સાચા શિક્ષકનું અન્ય એક લક્ષણ છે: ધૈર્ય! વિદ્યાર્થીની ગ્રહણશીલતા ઓછી હોય તો પણ શિક્ષકનું અખંડ ધૈર્ય ચમત્કાર સર્જી શકે છે. માતા-પિતાને જયારે એક કે બે બાળકોનું ધ્યાન રાખવાનું હોય છે, ત્યારે એક શિક્ષકને એક સાથે ઘણાં બાળકોની સંભાળ લેવાની હોય છે. અને આ ખરેખર ખુબ તણાવજનક અને પડકારરૂપ પરિસ્થિતિ હોય છે. આ સંજોગોમાં, જો આપ એક શિક્ષક છો તો આપના માટે સ્થિરતા અત્યંત આવશ્યક છે. વિદ્યાર્થીઓ આપનું નિરીક્ષણ કરતા હોય છે અને એટલે જ આપે એક શિક્ષક તરીકે ઉદાહરણરૂપ બનવાનું છે. બાળકોમાં જીવનમૂલ્યોનું સિંચન કરવામાં માતા-પિતા અને શિક્ષકનું સમાન યોગદાન જ હોય છે. એક શિક્ષક તરીકે આપ શું કહો છો, શું કરો છો તેનું વિદ્યાર્થીઓ સતત અવલોકન કરે છે. આપ ક્યારે શાંત અને વિશ્રાંત છો અને ક્યારે ગુસ્સામાં તથા વિચલિત છો, તે આપના વિદ્યાર્થીઓ બરાબર જાણે છે.

એક શિક્ષક તેના પ્રત્યેક વિદ્યાર્થીની પાર્શ્વભૂમિકા જાણે છે અને ધીરે ધીરે તેને કઈ રીતે માર્ગદર્શન આપીને આગળ લઇ જવો તે એક શિક્ષકને બરાબર ખબર છે. જેમ શ્રીકૃષ્ણ અર્જુનને ધીરે ધીરે ગંતવ્ય તરફ દોરી જાય છે! કૃષ્ણ એક અદ્ભુત શિક્ષક છે. જયારે એક શિષ્ય/વિદ્યાર્થી પ્રગતિ કરે છે ત્યારે તે ખુબ મૂંઝવણમાંથી પસાર થાય છે. તેની પૂર્વધારણાઓ, વિભાવનાઓનું ખંડન થાય છે. જેમ કે એક વિદ્યાર્થી પ્રથમ શીખે છે કે સૂર્ય પૂર્વમાં ઉગે છે. ત્યાર પછી તે ગ્રહો, ગ્રહોની ગતિ અને ખગોળશાસ્ત્ર સમજે છે. અને ત્યારે આગળની પૂર્વધારણા: સૂર્ય ઉગે છે, તેનું ખંડન થાય છે. આ આખી પ્રક્રિયામાં એક શિક્ષક, પ્રત્યેક પગલે અત્યંત કુશળતાપૂર્વક વિદ્યાર્થીને માર્ગદર્શન પૂરું પાડે છે. ક્યારેક શિક્ષક ખુદ વિદ્યાર્થીની પ્રગતિ માટે ગૂંચવણો ઉભી કરે છે. તો એક શિક્ષક, જ્ઞાનના પથ ઉપર વિદ્યાર્થીને શનૈ: શનૈ: આગળ લઇ જવાની કલામાં પ્રવીણ હોય છે.

સાચો શિક્ષક પ્રેમલતા અને કઠોરતાનું અનુપમ સંયોજન છે. સામાન્યત: અમુક શિક્ષકો માત્ર પ્રેમાળ હોય છે જયારે અમુક શિક્ષકો માત્ર કઠોર! પરંતુ અહી દ્રઢતા અને પ્રેમનું નાજુક સંતુલન હોવું આવશ્યક છે. કેટલાંક બાળકો વિદ્રોહી સ્વભાવ ધરાવતાં હોય છે, તેમને વધુ પ્રેમ, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર હોય છે. જયારે કેટલાંક બાળકો શરમાળ હોય છે, તેમની સાથે થોડો કઠોર વ્યવહાર કરીને તેમને બહિર્મુખ કરવાની જરૂર રહે છે. પરંતુ શાળાઓમાં આનાથી બિલકુલ ઉલટું થતું હોય છે. વિદ્રોહી બાળકોની સાથે કઠોર વ્યવહાર અને શરમાળ પ્રકૃતિના બાળકો સાથે મૃદુ વ્યવહાર થતો હોય છે. અને એટલે જ તેમની વર્તણુંકમાં સકારાત્મક પરિવર્તન આવતું નથી. એક કુશળ શિક્ષક ઋજુતા અને કઠોરતાનાં સુંદર મિશ્રણ દ્વારા વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે દોરી જાય છે.

વિદ્યાર્થીનાં મસ્તિષ્કમાં માહિતીઓનો સંચય કરવો તે શિક્ષણ નથી. શિક્ષણ બહુઆયામી, સંપૂર્ણ પ્રક્રિયા છે. વર્ગમાં આવીને માત્ર થોડા પાઠ શીખવા તે શિક્ષણ નથી. શરીર તથા મનનો સંપૂર્ણ અને સ્વસ્થ વિકાસ થાય તે પ્રકારનું શિક્ષણ હિતાવહ છે. અને તેના માટે પરસ્પર આત્મીયતા, પ્રેમ, સંભાળ, અહિંસા જેવા ગુણોની ખીલવણી થાય તે અનિવાર્ય છે. આ એવા સદગુણો- સિદ્ધાંતો છે જેના પાયા પર માનવીય મૂલ્યોની ઉંચી ઈમારતનું નિર્માણ થતું હોય છે!

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]