આ ક્ષણે જાગૃત થાવ અને તમે કોણ છો એ જાણો. તમે જેવા દેખાવ છો અને જે કામ કરો છો અથવા અન્ય લોકો સાથેના સંબંધોના આધાર પર તમે તમારી જાતને ઓળખો છો? તમે તમારા શરીર,વિચારો અને લાગણીઓ કરતાં ઘણું વિશેષ છો. આ તમામ ચીજો બદલાતી રહે છે,પરંતુ તમે એ છો જે બદલાતું નથી,જે શાશ્વત છે.
ચેતનાના લક્ષણો શું હોય છે? ચેતના સ્વાભાવિક ગુણોને અનુભવે છે અને વ્યકત કરે છે. આ સ્વાભાવિક ગુણો એ લાગણીઓ છે જેને સંપૂર્ણપણે શબ્દો થકી વર્ણવી શકાતી નથી કે બુદ્ધિ દ્વારા સમજી શકાતી નથી. જીવનનું મુલ્યવર્ધન કરતા ગુણો છે આત્મવિશ્વાસ,સહકાર, શ્રધ્ધા અને જ્ઞાન.
આ સ્વાભાવિક ગુણો માત્ર ચેતના દ્વારા જ આવે છે.આપણે એવું માનીએ છીએ કે આપણને ભૌતિક સાધનોથી સુખ કે સગવડ મળી શકે છે. પરંતુ આપણે આપણા અનુભવથી જાણી ગયા છીએ કે માત્ર ભૌતિક સગવડ પૂરતી નથી. સુખ એ ચેતનાનો સ્વભાવ છે. તે ભૌતિક સાધનો પર આધાર રાખે છે,પરંતુ તેના કરતાં અનેકગણો વધારે તે વૃત્તિ અને સમજદારી પર આધાર રાખે છે.
જો આપણે ચેતનાના સ્વભાવ અનુસાર જીવીએ છીએ તો જીવન ઉત્કૃષ્ટતા પામે છે.તેમના વિના જીવન સાવ છીછરુ થઈ જાય છે અને આપણે ભૌતિકતા પર નિર્ભર અને દુખી થઈ જઈએ છીએ. જીવનને આધાર આપવો અને ટકાવવું એ ચેતનાનો ધર્મ છે. ચેતનાના ગુણો અનુસાર જીવવાથી તમારું વ્યક્તિત્વ મજબૂત અને પ્રખર બને છે.
જીવનના આધ્યાત્મિક પાસાની સમાજ પર કેવી અસર પડે છે? તેનાથી આખી દુનિયા માટે,સમસ્ત માનવજાત માટે પોતાનાપણાં,જવાબદારી,કરુણા અને કાળજીનો વિશાળ ભાવ જાગે છે. આધ્યાત્મિકતા નાત,જાત,ધર્મ અને નાગરિકતાના સંકુચિત સીમાઓ તોડી નાખે છે તથા સર્વત્ર વ્યાપ્ત જીવન વિશે વિશાળ જાગૃતિ આપે છે.
જ્યારે મન વિશ્રાંતમય હોય છે ત્યારે બુધ્ધિ કુશાગ્ર બને છે.જ્યારે મન તીવ્ર ઈચ્છાઓ,વ્યાકુળતા અને મહત્વકાંક્ષાઓથી લદાયેલું હોય છે ત્યારે બુધ્ધિ તેની તીવ્રતા ખોઈ દે છે.અને જ્યારે બુધ્ધિ તથા અવલોકન કુશાગ્ર નથી હોતા ત્યારે જીવન પોતાને પૂર્ણપણે અભિવ્યક્ત કરતું નથી.વિચારોનો પ્રવાહ વ્યવસ્થિત રહેતો નથી અને દિવસે દિવસે ક્ષમતાઓ ક્ષીણ થતી જાય છે.આ સમજ સાથે તમે તમારા લઘુ મનમાંથી બહાર આવો,તેનાથી તમારા જીવનની ઘણી સમસ્યાઓ ઉકલી જશે.
તમારે લોભ,ધિક્કાર,ઈર્ષ્યા અને આવી તમામ અપૂર્ણતા ત્યજવી છે.જો મન આ બધા નકારાત્મક લક્ષણો પકડી રાખે છે તો તેને સુખ કે શાંતિ મળતા નથી- તમે તમારું જીવન માણી શકતા નથી.માટે, સૌ પ્રથમ એ સમજવું જોઈએ કે નકારાત્મક લાગણીઓ ભૂતકાળને લીધે છે અને ભૂતકાળને લીધે તમે અત્યારે જીવનના અનુભવથી વંચિત ના રહેવા જોઈએ.ભૂતકાળને માફ કરો.જો તમે ભૂતકાળને માફ કરી શકતા નથી તો તમારું ભવિષ્ય દુખી રહેશે.ભૂતકાળને ત્યજી દેવાનો અને નવું તરોતાજા જીવન શરુ કરવાનો સંકલ્પ લો.
વર્તમાનમાં સંપૂર્ણપણે ખીલવા માટે તમારે તમારી ઉપાધિઓને કેવી રીતે નીપટાવવી એ શીખવું પડશે.એવું શું છે જે તમને પરેશાન કરે છે?તમને જે કોઈ લાગણીઓ થતી હોય તેમનો સંપૂર્ણ અનુભવ કરો,તેમને પકડી ના રાખો.બાળકો ક્યારેય ચિંતા કરતા નથી.તેમને કોઈ લાગણી થાય છે ત્યારે તેને સંપૂર્ણપણે વ્યક્ત કરી દે છે અને બીજી ક્ષણે તેઓ મુક્ત થઈ ગયા હોય છે.તમને આ ક્ષણે જે લાગણીઓ થતી હોય,તેમનો ૧૦૦ ટકા અનુભવ કરો.તેમને ઈશ્વર સમક્ષ પ્રગટ કરો.તેમને સમર્પણ કરી દો.આવી ટેવ પાડો. તો તમે ચિંતામુક્ત થઈ શકશો.
આધ્યાત્મિક પથ પર તમને અનેક અનુભવો થશે.સમત્વ જાળવો- વિશ્વાસ રાખો કે તમારે જેની જરૂર છે તે તમને આપવામાં આવશે.સાથે સાથે આળસુ નહીં, પણ ક્રિયાશીલ રહો. આધ્યાત્મિક જીવન એટલે અસરકારક અને ગતિશીલ પ્રવૃતિઓ.અને નહીં કે કઠોર પરિશ્રમ અને સન્નિષ્ઠ પ્રયાસોથી છટકી જવું.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
