શ્રી શ્રી રવિશંકર: જ્ઞાનરુપી કાંસકો

દરેક ક્ષણે મનમાં શું ચાલી રહ્યું છે તેના પર તમે ધ્યાન આપ્યું છે? હવે પછી શું થશે તે વિશે મન વિચાર્યા કરે છે. જ્ઞાન એટલે મનની આ વૃત્તિ વિશે; મનમાં આ ક્ષણે શું ચાલી રહ્યું છે તે બાબતે જાગૃત થવું.બીજી બધી માહિતી અને શિક્ષણ પુસ્તકો વાંચીને મળી શકે છે.તમે ગમે તે વિષય,જેમ કે,જન્મ,મૃત્યુ, આહારની ટેવો વિ. પુસ્તકમાંથી મેળવી શકશો;અનેકવિધ વિષયો પર અગણિત પુસ્તકો પ્રાપ્ય છે.પરંતુ આપણા પોતાના મન બાબતે જાગૃતિ કેળવવાનું પુસ્તકમાંથી શીખી શકાતું નથી.

આપણું મન શું કરે છે? તે ભૂતકાળ અને ભવિષ્યની વચ્ચે ઝોલા ખાયા કરે છે. દરેક ક્ષણે તે કાં તો ભૂતકાળ બાબતે ગુસ્સે અથવા ભવિષ્ય વિશે ચિંતિત હોય છે. મનની બીજી પણ એક વૃત્તિ છે-નકારાત્મકને વળગી રહેવું. દસ સારી- સકારાત્મક બાબતો કે ઘટનાઓ બની હોય,પણ પછી જો એક નકારાત્મક ઘટના બને તો આપણે તેને જ વળગીને રહીએ છીએ.આપણે દસ સકારાત્મકને ભૂલી જ જઈએ છીએ.

તમે મનની આ બે વૃત્તિઓમાં પરિવર્તન લાવી શકો તો પોતાની જાતની સૌથી મોટી મદદ કરી કહેવાય. મનની આ વૃત્તિઓ વિશે જાગૃત થવાથી તમે એકદમ સહજ,એકદમ સરળ બનશો.આ બહુ કિંમતી મુલ્યો છે જે તમને આંતરિક રીતે ખીલવા સક્ષમ બનાવશે.હકીકતમાં આપણે આ નિર્દોષપણાં સાથે જન્મ્યા છીએ; પરંતુ જેમ જેમ આપણે વધુ ને વધુ પુખ્ત અને બુધ્ધિશાળી બનીએ છીએ તેમ તેમ આ નિર્દોષપણું ગુમાવતા જઈએ છીએ અને પરિણામે અક્કડ બની જઈએ છીએ. અક્કડપણું ત્યજી દો અને જુઓ કે જીવન કેટલું બધું સાર્થક,આનંદદાયક અને રસપ્રદ બને છે. આ છે જ્ઞાન. અને આરાધના પણ.

એક બાળક તરીકે તમને કોઈ સમસ્યાઓ નહોતી; એક દિવસ ઝગડો થયો તો બીજા દિવસે સમાધાન પણ થઈ ગયું. પરંતુ જેમ જેમ તમે મોટા થાવ છો તેમ તેમ તમે ગુંચવાઈ જાવ છો. તમે ગુંચવણમાં ફસાઈ જાવ છો,આખો સમાજ ફસાઈ જાય છે.ત્યારે તમારે જ્ઞાનરુપી કાંસકાની જરૂર પડે છે.જો તમારી પાસે સારો કાંસકો હોય તો તમને તમારા વાળ ગુંચો વગરના અને વ્યવસ્થિત રાખવામાં મદદ રહે છે.સમાજમાં આવું જ બને છે.જ્ઞાન અને શાણપણ વગર આપણે એક બીજામાં ગુંચવાઈ જઈએ છીએ; આપણા મન ધિક્કાર,રાગ અને દ્વેષથી ભરાઈ જાય છે.કોઈના પણ મનમાં જુઓ; તેમાં કોઈના પ્રત્યે અજંપો,ભવિષ્ય માટેની અપેક્ષાઓ કે ભૂતકાળ માટેની ઘૃણા જોવા મળશે.જ્ઞાન અને શાણપણ રુપી કાંસકા વડે આપણે સમાજમાં વ્યવસ્થા સ્થાપી શકીએ છીએ.

જો સમાજમાં દરેક વ્યક્તિ વર્તમાન ક્ષણમાં જીવે,જો આપણે માણસો જેવા છે એવા સ્વીકારી શકીએ તો કોઈ સમસ્યા કે સંઘર્ષ ના થાય. આપણે જ્ઞાન અને શાણપણ મેળવવા જ રહ્યા; આપણામાં જાગૃતિ કેળવવી જ રહી. આ બહુ જરૂરી છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)