સંસ્કૃતમાં એક ઉક્તિ છે,’ પ્રસન્ન વદનમ્ ધ્યાયેત,સર્વ વિઘ્નોપ શાંતયે’ એટલે કે ‘જ્યારે તમે શાંતિમય અને ખુશીસભર હસ્તીઓને યાદ કરો છો ત્યારે વિઘ્નો દૂર થઈ જાય છે.’ એટલા માટે દરેક પૂજા પહેલા ગણેશજીનું આહ્વાન કરવામાં આવે છે.તેઓ સૌથી વધારે આનંદી હયાતી તરીકે જાણીતા છે.
આદિ શંકરાચાર્ય તેમના કાવ્ય ‘અજમ નિર્વિકલ્પમ’ માં ગણેશજીને અજન્મા,નિરાકાર, નિર્વિકલ્પ,સર્વ વ્યાપી શક્તિ અને દરેક ઉમંગભર્યા પ્રસંગના આરંભે જે ઉપસ્થિત હોય છે તેવા તરીકે વર્ણવે છે. જ્યારે માત્ર આનંદ હોય ત્યારે જ નહીં, પરંતુ આનંદ ના હોય ત્યારે પણ તેઓ ઉપસ્થિત હોય છે.તેઓ એ અવકાશ છે જેની સંતો ધ્યાન અવસ્થામાં અનુભૂતિ કરે છે.તેઓ આ સર્જનનું બીજ છે અને તમામ ગણોના અધિપતિ છે,એટલે કે વિશ્વના તમામ પરમાણુઓના સમુદાયોના. તેઓ એ એક વૈશ્વિક ચેતના છે જેને જ્ઞાન દ્વારા ઉપલબ્ધ કરી શકાય છે.
ગણપતિ જીવનનો આધાર છે, છતાં દરેક વ્યક્તિ તેમને પરબ્રહ્મ કે આપણા હ્રદયમાં સ્થિત છે એવા ઈશ્વર તરીકે અનુભવી શકતી નથી.માટે જ સંતોએ સામાન્ય માણસ નિરાકાર ભગવાન ગણેશજીની પ્રતીતિ કરી શકે તે માટે ગણેશ ચતુર્થીના દિવસે તેમના સ્થૂળ સ્વરૂપની હ્રદયપૂર્વક આરાધના કરી શકે એવી વિશિષ્ટ વિધિની હિમાયત કરી હતી. આપણે સર્વવ્યાપી ગણેશજી,જે આપણા હ્રદયમાં પણ વસેલા છે,તેમનું પવિત્ર મંત્રોચ્ચાર દ્વારા મૂર્તિમાં આહ્વાન કરીએ છીએ.આ રીતે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે.ઉજવણી પતી જાય પછી આપણે ભગવાનને આપણા હ્રદયમાં ફરીથી બિરાજવા પ્રાર્થના કરીએ છીએ અને પછી મૂર્તિને જળમાં પધરાવીએ છીએ,જે પણ પ્રેમની એક અભિવ્યક્તિ હોય છે.તમારે ઈશ્વરને કેવી રીતે સન્માનવા જોઈએ કે પૂજા કરવી જોઈએ?તમારો તેમના પ્રત્યે ભાવ(લાગણી) કેવો હોવો જોઈએ?મૂર્તિને ઈશ્વર પોતે જ છે એ દ્રષ્ટિએ જુઓ,માત્ર મૂર્તિ તરીકે નહીં.તો આપણા હ્રદયમાં ભક્તિનો ઉદય થાય છે અને આપણે એ શુધ્ધ ભક્તિના અવકાશમાં ડુબકી લગાવી શકીએ છીએ.
જ્યારે આપણે ગણેશજીની આરાધના કરીએ છીએ ત્યારે શું થાય છે?
તેમનામાં જે સદગુણો છે તે આપણી ચેતનામાં પ્રગટ થવા લાગે છે.આ ગજ મસ્તકધારીના તાકાત, સહનશક્તિ અને હિંમત,દુંદાળા પેટની ઉદારતા તથા સ્વીકાર ભાવના,અને એકદંતાની એકાગ્રતા-આ તમામ ગુણો જીવનને વધુ સંતોષજનક બનાવે છે.ગણેશજી તેમના ઊંચા કરેલા એક હાથ વડે રક્ષણ પણ કરે છે અને નીચે રાખેલા હાથ વડે આશીર્વાદ આપે છે.રિધ્ધિ બુધ્ધિના અને સિદ્ધિ વિશિષ્ટ ક્ષમતાઓના પ્રતિક છે.તેઓ બન્ને જ્ઞાનના સ્વામી એવા ગણેશજીના પત્નીઓ છે.જ્યારે તમે ગણેશજીની ઉપાસના કરો છો ત્યારે તમને જ્ઞાન,બુધ્ધિ અને વિશિષ્ટ ક્ષમતાઓ (સિધ્ધિઓ) બક્ષવામાં આવે છે.
યોગીઓને કરોડરજ્જુના અંતે મૂલાધાર ચક્રમાં ભગવાન ગણેશજીની ઊર્જા કે અસ્તિત્વની અનુભૂતિ થાય છે.તેમના હાથમાંનો લાડુ પરમાનંદની ઉપલબ્ધિ દર્શાવે છે.અંકુશ સજગતા અને પાશ સંયમના પ્રતિક છે. એનો અર્થ એ થાય છે કે આંતરિક જાગૃતિથી જે પ્રચંડ ઊર્જા મુક્ત થાય છે તેનું યોગ્ય માર્ગદર્શન દ્વારા નિયંત્રણ થવું જોઈએ.પરમ સત્ય વિશેનું અજ્ઞાન આપણને દુન્યવી બંધનોમાં રાખે છે.ગણેશજીનું વાહન મુષક અજ્ઞાનરુપી દોરડાઓ, જે આપણને અવાસ્તવિક સાથે બાંધી રાખે છે, તેમને કાતરી કાઢે છે.
આ ગણેશ ચતુર્થીએ એટલું યાદ રાખજો કે ગણેશજી તમારા હ્રદયમાં છે. એક બાળકની નિર્દોષતાથી તેમની ભક્તિ કરજો અને તે જે સુખ,સમૃદ્ધિ અને પરમાનંદના આશીર્વાદ આપે છે તેમાં તરબોળ રહેજો.
(શ્રી શ્રી રવિશંકરજી)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)