બે હજાર વર્ષ પહેલાં કોઈ દિવ્યાત્મા એ એક સુંદર વાક્ય કહ્યું છે: “બારણે ટકોરા મારો અને એ તમારા માટે ખુલી જશે.” બે હજાર વર્ષ પહેલાં મનુષ્યનું મન ખુબ સરળ, સહજ અને પ્રકૃતિની નિકટ હતું. દ્વાર પર બસ, ટકોરા મારવાની સાથે જ દ્વાર ખૂલી જતાં હતાં. આજે માનવીનું મન અકળ બની ગયું છે. દ્વિધાથી ભરપૂર છે. આજના સમયમાં બારણાં પર ટકોરા મારવાથી નહીં ચાલે, બંધ બારણાં ને જોરશોરથી, મોટા અવાજ સાથે ખટખટાવવું પડશે.
એથી પણ પુરાતન કાળમાં, પાંચ હજાર વર્ષ પહેલાં બારણાં પર ટકોરા મારવાની પણ જરૂર ન હતી. તમારા આગમનની સાથે જ દ્વાર સ્વયં, આપમેળે ખૂલી જતાં હતાં. બારણાં ને સ્પર્શ કરવાની પણ જરૂર રહેતી ન હતી. પાંચ હજાર વર્ષ પહેલાં મનુષ્ય અત્યંત સરળ ભાવજગતની અવસ્થામાં જીવતો હતો. પરંતુ આજના સમયમાં તમે બારણું જોઈ જ નથી રહ્યા. તમારાં પોતાનાં ઘરની અંદર તમે જઈ નથી રહ્યા. તમારાં જ ઘરની બહાર તમે જાણે કેદ થઇ ગયા છો. તમારાં ઘરની અંદર જવા માટે તમારે બારણાં પર પ્રહાર કરવો પડશે, ટકોરાથી નહીં ચાલે.
બહારનાં જગત સાથે, અલગ અલગ બારણાંઓથી તમે સતત સંવાદ કરો છો. તમારું શરીર એક આવાસ છે અને તેમાં જુદાં જુદાં દ્વાર છે. દરેક દ્વારથી તમે બહારનાં જગત સાથે આદાન પ્રદાન કરી રહયાં છો. જગત તમારાં મનમાં આ દ્વાર દ્વારા પ્રવેશ કરે છે અને બહાર જાય છે. આવાગમન ચાલ્યા જ કરે છે. તમારી આંખો દ્વારા તમે આખાં વિશ્વને જુઓ છો. તમારી આંખો વડે બહારનું વિશ્વ તમારાં અંતર્જગતમાં પ્રવેશે છે.
એક પુષ્પ ને જુઓ છો તો શું થાય છે? પુષ્પ તો બહાર જ છે પરંતુ તેનું પ્રતિબિંબ તમારી ભીતર પ્રવેશ કરે છે. જયારે તમે લોકોને જુઓ છો ત્યારે તમે તમારી અંદર એમની સમગ્ર છબી ઉતારી લો છો. તે વ્યક્તિ તમારી ચેતનામાં ઉપસ્થિત હોય છે. તમે જે કઈં બહાર જુઓ છો તે બધું જ તમારી ભીતર પ્રતિબિંબ સ્વરૂપમાં જળવાય છે. તો આંખોના દ્વારથી બહારનું વિશ્વ તમારી અંદર પ્રવેશે છે. એ જ રીતે કર્ણેન્દ્રિય – કાન દ્વારા, શબ્દો વડે બહારનું જગત તમારી અંદર આવે છે. ભોજન, કેરી, કેળું આ બધા શબ્દો તમારા કાન દ્વારા તમારાં મનની અંદર સ્વરૂપ લે છે, શબ્દ દ્વારા એ વસ્તુઓને તમે મનની અંદર જોઈ શકો છો. તો પાંચ જ્ઞાનેન્દ્રિય એ પાંચ દ્વાર છે, જેના દ્વારા બહારનું વિશ્વ તમારી અંદર પ્રવેશ કરે છે.
આ પાંચ દ્વાર ખુબ સુંદર છે. આ દ્વાર વડે આપણે કોઈ અનુભવનું સ્વાગત કરીએ છીએ તો કોઈ અનુભવને આપણી ભીતર પ્રવેશવા દેતાં નથી. એક રીતે જોઈએ તો આપણે આ દ્વાર ક્યારેય બંધ કરતાં જ નથી. આ એવાં બારણાં છે જેનો કોઈ ઉપયોગ નથી. આપણે જાણે ખુલ્લાં બારણાં સાથે, ખુલ્લી જગ્યામાં કોઈ રક્ષણ વગર જીવી રહયાં છીએ. કારણ આપણાં દ્વાર બહારનાં વિશ્વ પ્રતિ હંમેશા ખુલ્લાં હોય છે. પરંતુ બીજી રીતે જોઈએ તો આપણે ક્યારેય બારણાં ખોલ્યાં જ નથી. સ્વયં નો અનુભવ કરવા માટેનાં,આપણી ભીતર જવા માટેનાં દ્વાર આપણે ચુસ્તતાથી બંધ રાખ્યાં છે. આપણે જેટલાં બુદ્ધિજીવી બનીએ છીએ એટલાં વધુ ને વધુ દ્રઢતાથી ભીતર જવાનાં બારણાં બંધ રાખીએ છીએ.
લોકો જયારે સરળ હતાં ત્યારે તેઓ ભાવનાત્મક રીતે બધું જ “ફીલ” કરી શકતાં હતાં, તેઓ એક પુષ્પ પ્રત્યે ભાવ અનુભવી શકતાં હતાં, તેઓ શિશુ ને જોતાં અને પોતે શિશુ બની જતાં, તેઓ રંગોને જોતાં અને પ્રસન્નતાનો અનુભવ કરતાં હતાં. પરંતુ હવે આપણી લાગણીઓ માત્ર શબ્દ બની ગઈ છે. ઘણી વખત આપણી ભાવનાઓ સાચી નથી હોતી. હૃદયનાં ઊંડાણથી, મૂળભૂત સ્ત્રોતથી આપણી ભાવનાઓ હવે ઉદ્ભવતી નથી.
તમે એક પુષ્પને જુઓ છો ત્યારે તેની સુંદરતાને સાચે જ અનુભવતા નથી, પરંતુ તમારું મન કહે છે, આ કેટલું સુંદર પુષ્પ છે, આ માત્ર કોરા શબ્દો છે. સુંદરતા એક સંવેદન કે સ્પંદનને બદલે માત્ર એક વિભાવના, એક કૉન્સેપ્ટ બની ને રહી ગઈ છે. હૃદયપૂર્વક જો પુષ્પની સુંદરતાનો અનુભવ થાય તો વિસ્મય નો ઉદ્ભવ થાય, તમારી અંદર સુંદરતા સ્વયં નિખરી ઉઠે!
પુરાતન સમયનો નિર્દોષ મનુષ્ય પ્રકૃતિને નિહાળ્યા કરતો, તેની સાથે એકલય થઇ જતો અને સ્વયં તરફ જવાનું, ભીતર જવાનું, અન્તર્યાત્રાનું દ્વાર તરત ખુલી જતું! કૃતજ્ઞતા તેનામાં પારાવાર છલકાતી, વિશ્વાસ અને શ્રદ્ધા ફૂલની જેમ ખીલી ઉઠતાં, અને આ બધું કોઈ પણ પ્રયાસ વગર થતું હતું. પરંતુ આજે આપણું અન્તર્યાત્રાનું દ્વાર સખ્તાઈ થી ભીડાયેલું છે. ટકોરા થી નહીં ખુલે! પ્રહાર કરવો પડશે તેને ખોલવા માટે! આપણે તો વિશ્વાસ પણ કરીએ છીએ તો શંકા સાથે કરીએ છીએ. આપણે આપણી જાત પર પણ શંકા કરીએ છીએ. આપણે આપણાં પોતાનાં મનને ઓળખતાં નથી. આપણે શું અનુભવ કરી રહ્યાં છીએ, તેના પ્રત્યે પણ આપણે સભાન નથી. આપણી સાથે શું ઘટિત થઇ રહ્યું છે તેના પ્રત્યે આપણે સજગ નથી.
આપણને એ શ્રદ્ધા નથી કે સૃષ્ટિનું સંચાલન કોઈ અદ્રશ્ય ચેતના, અદ્રશ્ય શક્તિ વડે થઇ રહ્યું છે. એ જ અદ્રશ્ય શક્તિ એક પુષ્પ, વૃક્ષો, વાદળ, સૂર્ય, ચંદ્ર તારાનું સંચાલન કરે છે. બ્રહ્માંડ નું કણ-કણ પ્રાણ ઉર્જાથી સિંચિત છે. આપણી આસપાસ જીવન વહે છે તો પણ આપણે જીવન પ્રત્યે વિશ્વાસથી ભરાઈ જતાં નથી. બ્રહ્માંડનાં ચૈતન્ય -જીવંતતા તરફ આપણું લક્ષ જતું નથી. બ્રહ્માંડ ને પણ આપણે પદાર્થ સ્વરૂપે જ જોઈએ છીએ. આપણે વધુ ને વધુ વસ્તુઓનો સંચય કરતાં રહીએ છીએ. જીવનને બદલે વસ્તુઓ તરફ જ આપણું ધ્યાન હોય છે.
અંદર તરફ જવાનાં બારણાં સજ્જડ બંધ છે, તેને પ્રહાર કરીને ખોલી નાખો. જ્યાંથી બાહ્ય જગતની ધૂળ પ્રવેશે છે તે દ્વાર બંધ કરો અને જ્યાંથી સુગંધ, પ્રકાશ અને પ્રેમ પ્રવેશે છે તે દ્વાર ખોલો . ભીતરનાં કમાડ ને ખોલી દો , જુઓ કે ભીતર અનંત પ્રેમ વહે છે, શેની પણ ઉણપ નથી. તમારી ભીતર પ્રચુર વૈભવ છે. તમે પોતે સૂર્ય સમાન પ્રખર તેજસ્વી છો. .
(શ્રી શ્રી રવિશંકરજી)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)