યોગાભ્યાસ એ એક અદભૂત સાધના છે, તેમાં શંકાને કોઈ જ સ્થાન નથી. માત્ર શરીરના સ્તર પર જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય અને ઉર્જાના સંચાર માટે યોગનો કોઈ જ વિકલ્પ નથી. પરંતુ, આપ આ અભ્યાસ માટે નવાં છો તો આપ ચોક્કસપણે અમુક ભૂલો કરી બેસો છો.
કેટલીક સામાન્ય ભૂલો, જે નવા યોગ અભ્યાસી કરતા હોય છે:
૧. અન્ય વ્યક્તિ સાથે તુલના:
જો તમે યોગાભ્યાસના વર્ગમાં છો તો તમે સહુ પ્રથમ ભૂલ કરો છો એ છે બાજુની વ્યક્તિની સાથે આપની તુલના. આપ બાજુની વ્યક્તિને જોઇને તેમની જેમ જ આસન કરવા ચાહો છો. બાજુની વ્યક્તિની ક્ષમતા આપના કરતાં જો વધારે હોય તો આપ તેમની જેમ આસન કરવા જતાં, પોતાને નુકશાન પહોચાડી બેસો છો. આપણા સહુના શરીરની પ્રકૃતિ અને ક્ષમતા અલગ અલગ છે. જેનું કારણ જનીન બંધારણ, વય, ખોરાક તથા ભૂતકાળમાં થયેલી ઈજાઓ છે. આપની બાજુની વ્યક્તિ કદાચ વર્ષોથી યોગ સાધના કરતાં હોય અથવા તો જન્મજાત તેમના શરીરની સ્થિતિસ્થાપકતા આપના કરતાં વધુ હોય, એવું બની શકે છે. આ કિસ્સામાં અગર આપ આપના શરીરને પરાણે અમુક આસન કરવામાં ઉપયોજો છો તો આપ ભૂલ કરી રહ્યાં છો. આપે માત્ર આપની ક્ષમતા મુજબ જ અભ્યાસ કરવો જોઈએ તો જ તેનો ફાયદો મળી શકે છે.
૨. આપના ખુદની સાથે આપની તુલના:
૨૦ વર્ષ પહેલાની શારીરિક ક્ષમતા, ચાર વર્ષ પહેલાની શારીરિક ક્ષમતા કે છેલ્લા વર્ગ દરમ્યાન આપની શારીરિક ક્ષમતા સાથે આજની ક્ષમતાની સરખામણી:
તમે ૬ વર્ષના હતાં ત્યારે તમારું શરીર કેવું હતું? તમે ઘાસ પર ગલોટીયાં ખાઈ શકતાં હતાં, સરળતાપૂર્વક પૂર્ણ ચક્રાસન કરી શકતાં હતાં, અથવા તો પુરા 1 કલાક સુધી પદ્માસનમાં બેસી શકતાં હતાં. જયારે આપ બાળક હતાં ત્યારે આપનાં શરીરને કોઈ પણ પ્રકારની નકારાત્મક લાગણી કે તનાવનો સામનો કરવો નહોતો પડતો. આપે કલાકો સુધી ખુરશી પર બેસીને કામ કરવાનું શરુ કર્યું અથવા તો આપ માતા બન્યા તે પહેલા આપ આ સઘળું કરી શકતા હતાં. કદાચ છેલ્લા યોગ વર્ગમાં આપ અમુક આસન કરી શક્યા હતાં પરંતુ આજે તે નથી થઇ શક્યું. તો વીતેલા સમય સાથે આપની ક્ષમતા પણ બદલાઈ છે, તેની સાથે આજની ક્ષમતાની સરખામણી કરીને આપ મોટી ભૂલ કરી રહ્યાં છો. આપે આપની જાતને કહેવાની જરૂર છે કે “ આ ક્ષણે હું જે છું તે બરાબર છું. હું મારા શરીરનો સ્વીકાર કરું છું.”
૩. સજગતા વગર અધિક યોગાભ્યાસ:
અન્ય એક સામાન્ય ભૂલ નવા અભ્યાસુઓ કરે છે: “મારા માટે યોગ અતિ સરળ અભ્યાસ છે. વર્ષોથી વ્યાયામ, રમત-ગમત, ઘોડેસ્વારી, તરણ વગેરે હું કરું છું, અને એટલે હું કોઈ પણ પ્રકારનું આસન પ્રયોજી શકું છું.” આ માન્યતા ખરેખર ભૂલભરેલી છે. કેટલાક આસનો સરળ દેખાય છે પરંતુ અંદરખાને તેમાં કયાં અને કેટલાં સ્નાયુઓ ઉપયોજાય છે તે નવાં અભ્યાસુને ખબર હોતી નથી. આ યોગાસનો સજગતાથી અને સંભાળપૂર્વક કરવાં જોઈએ. જયારે આપનું શરીર અમુક આસનો કરવા માટે તૈયારી નથી ધરાવતું ત્યારે પરાણે તે આસનો કરવાના પ્રયોગથી આપ આપના શરીરને હાનિ જ પહોચાડો છો. નવા અભ્યાસુએ યોગ શિક્ષકની સુચના અનુસાર જ યોગાસનો કરવા જોઈએ.
૪. યોગ – અભ્યાસમાં અનિયમિતતા:
જયારે આપણે યોગાભ્યાસના વર્ગમાં જવાનું શરુ કરીએ છીએ, ત્યારે આપણે તેના થકી એટલો વિશ્રામ અને શાંતિ મેળવીએ છીએ કે પ્રારંભમાં એકદમ નિયમિત રહીએ છીએ. એટલું જ નહિ પરંતુ આપણે આપણા મિત્ર-વર્તુળમાં પણ ઉત્સાહભેર આ વિશે માહિતી આપી છીએ. પરંતુ ત્યાર પછી આપણે દૈનિક જીવન, રોજીંદા કર્યો અને અન્ય જવાબદારીઓમાં પરોવાઈ જઈએ છીએ અને યોગાભ્યાસને અગ્રીમતા આપતાં નથી. ફરીથી થોડાં સમય પછી આપણે વર્ગમાં તો જઈએ છીએ પરંતુ ફરી જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં જ પાછા પહોંચી જઈએ છીએ. નિયમિત અભ્યાસ અત્યંત જરૂરી છે. સપ્તાહમાં બે કે ત્રણ વારથી શરુ કરીને ધીમે ધીમે આગળ વધવું જોઈએ.
૫. ધીરજ નો અભાવ:
થોડાં સપ્તાહ, મહિનાઓ કે ક્યારેક વર્ષો પણ વીતી જાય છતાં અમુક યોગાસનો જયારે આપણે કરી નથી શકતાં ત્યારે આપણે હતાશ થઇ જઈએ છીએ. “આ આસન મારાથી કેમ ના થાય?” કે “ ઘૂંટણ વાળ્યા વગર પગના અંગુઠાને કેમ અડકી ના શકાય” જેવાં પ્રશ્નો આપણે આપણી જાતને પૂછીએ છીએ. ત્યારે ક્યારેક શંકિત બનીએ છીએ કે “કદાચ યોગ મારા માટે નથી. મને યોગની કોઈ જ અસર થતી નથી. બહુ પ્રયત્નો કર્યા.” જયારે આવી શંકા ઉદભવે ત્યારે પોતાની જાતને આ સવાલ પૂછજો કે “પહેલાની સરખામણીમાં આજે મારી મન:સ્થિતિ કેવી છે? તણાવ યુક્ત સંજોગોમાં હવે હું સાચો નિર્ણય લઇ શકું છું? “ જવાબ ચોક્કસ હકારાત્મક હશે. યોગ દ્વારા આપ વિશ્રાંતિ અનુભવો છો. વધુ સારી રીતે શ્વાસોચ્છવાસની ક્રિયા કરી શકો છો, આપના શરીર અને તેની કાર્ય-પ્રણાલી પરત્વે સજાગ બનો છો.
આ પાંચ ભૂલોમાંથી અગર આપ કોઈ ભૂલ કરતાં હશો તો હવેથી આપ તેનું પુનરાવર્તન નહીં જ કરો અને આપ આપનો અભ્યાસ ચોકસાઈપૂર્વક આગળ વધારી શકશો તથા યોગના અમૂલ્ય લાભો પ્રાપ્ત કરી શકશો.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)