સ્નાયુઓનાં સંકોચન થી થતાં દુખાવાનો પ્રાકૃતિક ઉપચાર

શું આપે સ્નાયુઓના સંકોચનથી થતો અસહ્ય દુખાવો અનુભવ્યો છે? આ દુખાવો આપણા દૈનિક જીવનમાં પ્રતિકૂળતા ઉભી કરે છે. આ તીવ્ર પીડા શરીરના કોઈ પણ ભાગમાં, કોઈ પણ સમયે થાય છે. આ તીવ્ર વેદનાનો કોઈ ઉપાય ખરો? શું માત્ર દર્દશામક દવા કે મલમ એ જ તેનો ઉપાય છે? જવાબ છે “ના!” શરીરમાં થતી આ પીડાનું કારણ કોઈ આંતરિક તકલીફ છે, જેનું નિવારણ કરવું જ રહ્યું.

અત્રે વિવિધ કારણોસર થતા દુખાવા વિશે સમજણ આપી છે.

(૧) ડીસ્મેનોરિયા:

માસિક સ્ત્રાવ દરમ્યાન થતો આ દુખાવો કેટલીક મહિલાઓ માટે અભિશાપ રૂપ બની રહે છે. પીઠની નીચેના ભાગથી શરુ કરીને નિતંબ સુધી ફેલાતો આ અસહ્ય દુખાવો ફાઈબ્રોઇડ, ફેલોપિયન ટ્યુબમાં બ્લોક, ચેપ, અને ભાવનાત્મક તણાવ સૂચવે છે. આને લીધે ઉબકા, ઉલટી, પીઠનો દુખાવો, પગમાં દુખાવો જેવી તકલીફ ઉભી થાય છે, જે દૈનિક કાર્યોમાં ગંભીર અવરોધો ઉભા કરે છે.

(૨) પીઠની નીચેના ભાગમાં થતો દુખાવો:

પીઠની નીચેનો ભાગ ઘણી બધી સંવેદનશીલ નસો, સ્નાયુઓ, સાંધાઓ અને ત્વચા કોષો ધરાવે છે. આ ભાગમાં જો કોઈ તકલીફ ઉભી થાય તો તેનો તાત્કાલિક ઉપાય કરવો અત્યંત જરૂરી છે.

(૩) પગમાં થતો દુખાવો:

પગમાં થતો દુખાવો અચાનક અને અસહ્ય હોય છે, કારણ કે સ્નાયુઓનું સંકોચન આખાં પગને જકડી લે છે. ઘણી વખત વધુ પડતા શ્રમ, વ્યાયામ કે ઈજાને કારણે આ દુખાવો થાય છે. જયારે ઘણી વખત થાઈરોઈડ, અયોગ્ય રક્ત પરિવહન, હૃદય કે કીડનીના રોગોને કારણે પણ આવો દુખાવો થતો હોય છે.

યોગ: દુખાવાનો ઉપચાર

જો આપ આવા કોઈ પણ દુખાવાથી તકલીફ અનુભવો છો તો આપે યોગાભ્યાસ કરવાની જરૂર છે. યોગાભ્યાસ દ્વારા આપના સ્નાયુઓ દ્રઢ બને છે, લોહીનું યોગ્ય પરિવહન થાય છે તથા અન્ય રોગો નિર્મૂળ થાય છે, જે વાસ્તવમાં આ દુખાવાનું કારણ છે. આવો, જોઈએ કયા યોગાસનો દ્વારા આપણે શારીરિક પીડાથી મુક્ત થઇ શકીએ છીએ:

ઉષ્ટ્રાસન: પીઠમાં સ્ટ્રેચ ઉત્પન્ન કરતુ આ આસન પીઠના નીચેના ભાગમાં થતા દુખાવા માટે અત્યંત અસરકારક છે. જેમાં મસ્તકને પાછળ લઇ જઈને પેટ અને પેડુ ના ભાગને આગળ લાવવામાં આવે છે. આ આસન દ્વારા નિતંબ, જંઘા અને ગર્ભાશય સુદ્રઢ બને છે.

ષુપ્ત પાદાનગુષ્ઠાસન: આ આસન દ્વારા પીંડી અને જંઘાના સ્નાયુઓને વિશ્રામ મળે છે. પેલ્વીસ અને કરોડરજ્જુને પણ વિશ્રામ મળે છે. ઘૂંટણને મજબુત બનાવે છે તથા પીઠ ના દર્દમાંથી મુક્તિ મળે છે.

જાનુ શીર્ષાસન: પગ પર સામાન્ય દબાણ સાથે આગળની દિશામાં આ આસનમાં વળવામાં આવે છે. આ આસન દ્વારા માસિકસ્ત્રાવ દરમ્યાનની તકલીફો જેવી કે માથાનો દુખાવો, ઉબકા, થાક અને માનસિક અસ્વસ્થતામાં રાહત મળે છે.

ધનુરાસન: ગરદન અને પીઠમાં થતા દુખાવામાં આ આસન રાહત આપે છે. કમર, જંઘા તથા નીતામ્બના સ્નાયુઓને મજબુત કરે છે.

ઉત્થિત ત્રિકોણાસન: ઘૂંટણ, જંઘા અને પીઠ માટે આ આસન ઉત્તમ છે.

માર્જરાસન: પીઠના દુખાવા અને જકડાઈ જવામાં આ આસન દ્વારા રાહત મળે છે. સ્નાયુઓના સંકોચનમાં પણ આ આસન અસરકારક છે.

અર્ધ શલભાસન: આ આસન દ્વારા લોહીનું યોગ્ય પરિભ્રમણ થાય છે. પગના સ્નાયુઓ સુદ્રઢ બને છે.

આ ઉપરાંત આપની ભોજન શૈલીમાં પરિવર્તન લાવવું પણ જરૂરી છે. લીલાં શાકભાજીનો વધુ ને વધુ ઉપયોગ કરવો જોઈએ. આપના દૈનિક જીવનમાં આયુર્વેદનો પ્રયોગ કરવો જોઈએ. જયારે આપ આયુર્વેદિક ભોજન શૈલીને અપનાવો છો ત્યારે આપ યોગનો સંપૂર્ણ લાભ મેળવી શકો છો. શરીરને સ્વસ્થ રાખવા, યોગ્ય રક્ત પરિભ્રમણ માટે તથા સ્નાયુઓના દુખાવામાંથી મુક્તિ મેળવવા યોગનો નિયમિત અભ્યાસ કરવો અત્યંત આવશ્યક છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]