ધાર્મિક નહિ, આધ્યાત્મિક બનો: વેદિક જ્ઞાનનો નિષ્કર્ષ

વેદની ઉત્પતિ વિશે એક સુંદર કથા છે. પ્રાચીન કાળમાં એક ઋષિએ પ્રખર તપસ્યા કરી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજી તેમની સામે પ્રગટ થયા અને વરદાન માંગવા કહ્યું. ઋષિ એ કહ્યું, પ્રભુ મને માત્ર જ્ઞાન જોઈએ છે. મને જ્ઞાનની ઉપલબ્ધિ થાય એવું વરદાન આપો. ત્યારે બ્રહ્માજીએ તેમણે એક પર્વત બતાવ્યો. કહ્યું કે આ જ્ઞાનનો પર્વત છે. તમે જેટલું ઈચ્છો એટલું જ્ઞાન આ પર્વતમાંથી લઇ શકો છો. કહેવાય છે કે ઋષિ માત્ર ચાર મૂઠી જ્ઞાન પર્વતમાંથી લઇ શક્યા.

આ ચાર મૂઠી એ ચાર વેદ બન્યા. તો વેદ- જ્ઞાન અનંત છે. પરંતુ મહર્ષિ વેદ વ્યાસે વેદને ચાર જુદા જુદા ખંડમાં વર્ગીકૃત કર્યા. એવા વિવિધ ખંડો કે જીવનનાં, જુદાં જુદાં પરિમાણોને સ્પર્શતા હોય! આમાંથી પ્રથમ વેદ છે ઋગ્વેદ. ઋગ્વેદ એ શુદ્ધ જ્ઞાન છે. યજુર્વેદ એ વિજ્ઞાન, કર્મ-કાંડ અને વિધિઓને સમજાવતો વેદ છે. સામવેદમાં સંગીત શાસ્ત્ર, ભક્તિ અને પ્રેમલક્ષણા ભક્તિ નું વિવરણ છે. જયારે અથર્વવેદમાં પદાર્થ વિજ્ઞાન, ખગોળ વિજ્ઞાન અને ઈજનેરી શાસ્ત્રની સમજણ આપવામાં આવી છે. તો એકમાં શુદ્ધ આધ્યાત્મિક જ્ઞાન, બીજામાં ક્રિયાલક્ષી જ્ઞાન, ત્રીજામાં સંગીતકલા અને ચોથામાં પદાર્થ વિજ્ઞાન, એમ જીવનનાં ચાર જુદાં જુદાં પાસાંને સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે.

એ જ રીતે આયુર્વેદની ઉત્પત્તિ નૈમિષારણ્યમાં થઇ છે તેવી પુરાતન કથા છે. નૈમિષારણ્યમાં ૮૮૦૦૦ ઋષિ-મુનિઓ અને તપસ્વીઓ એકત્રિત થયા અને સર્વેએ સાથે સાધના અને ધ્યાન દ્વારા પ્રકૃતિની આરાધના કરી. પ્રકૃતિ સાથે સર્વ ઋષિ-મુનિઓ અને તપસ્વીઓ લયબદ્ધ રીતે તન્મય થયા અને આયુર્વેદ ગ્રંથની રચના થઇ. ૧૮ પુરાણો પણ નૈમિષારણ્યમાં જ રચાયાં છે. અરણ્ય એટલે જંગલ. “રણ્ય” નો અર્થ થાય યુદ્ધ, “અરણ્ય” એટલે એવું સ્થળ કે જ્યાં યુદ્ધ થતું જ નથી. હિંસા થતી નથી. અહી સઘળું પરસ્પર પૂર્ણતયા સંવાદિત છે. પ્રાણીઓ માત્ર પોતાની ક્ષુધા સંતોષવા અન્ય પ્રાણીનો શિકાર કરે છે. સિંહ જો ભૂખ્યો નથી તો તે નાહકની હિંસા કરતો નથી. તો અહી પ્રકૃતિ સાથે સહજતાપૂર્વક સંધાન થઇ શકે છે. આયુર્વેદની રચના તેથી જ નૈમિષારણ્યમાં થઇ છે.

તો આ વેદિક જ્ઞાન અનુપમ છે. અને વાસ્તવમાં તે ધાર્મિકતાથી પર છે. વેદિક જ્ઞાન જીવન જીવવાનો રસ્તો દર્શાવે છે. અને આ જ્ઞાનને કોઈ પણ ધર્મ સામે કોઈ જ વિરોધ કે ઘર્ષણ નથી. જો તમે જમણા નસકોરાંથી શ્વાસ લઈને ડાબા નસકોરાંથી છોડીને કોઈ પ્રાણાયામ કરો છો તો આ કોઈ જ ધર્મ ની વિરુધ્ધનું કાર્ય નથી. એ જ રીતે અગ્નિમાં વનસ્પતિનો હોમ કરીએ, તે બાહ્ય રીતે ધાર્મિક વિધિ લાગે, પરંતુ વાસ્તવમાં આ ક્રિયાનો વાતાવરણ ઉપર નિશ્ચિત પ્રભાવ છે. વિવિધ ૧૦૮ પ્રકારની વનસ્પતિઓનો ઘી સાથે હોમમાં ઉપયોગ કરવામાં આવે છે અને પ્રત્યેક હોમની મંત્રના ઉચ્ચારણ સાથે,એક ચોક્કસ અસર છે.

પ્રાચીન કાળમાં, નાનાં બાળકો જો બીમાર પડે તો હાથમાં મીઠું લઇ તેમનાં શરીર અને મસ્તકથી થોડે દૂર ફેરવીને ફેંકી દેવામાં આવતું, અને બાળકોને આ ઉપાયથી રાહતનો અનુભવ થતો. વિજ્ઞાન દ્વારા પુરવાર થયું છે કે મીઠું ઓરા અને સુક્ષ્મ શરીરને શુદ્ધ કરવાનો અપ્રતિમ ગુણધર્મ ધરાવે છે. પાશ્ચાત્ય દેશોમાં પણ લોકો ઉર્જા મેળવવા સમુદ્ર કિનારે જાય છે, તેનું કારણ સમુદ્ર કિનારાની મીઠાં-યુક્ત હવા જ છે. વિશ્વનાં પ્રત્યેક દેશોમાં, પૂર્વજો અને પ્રાચીન લોકોએ પ્રકૃતિનાં તત્વોને પવિત્ર માન્યાં છે. તો વેદિક જ્ઞાન એ આધ્યાત્મિક જ્ઞાન છે તથા જીવન જીવવાની કલાનું માર્ગદર્શન છે. કહેવાતી ધાર્મિકતા સાથે તેને કોઈ જ સંબંધ નથી. હું તમને એ જ કહું છું કે ધાર્મિકતા થી આધ્યાત્મિકતા તરફની યાત્રા શરુ કરો. વેદમાં કહ્યું છે કે “ ક્રીન્વતો વિશ્વમ આર્યમ” – વિશ્વ એક સુંદર જીવન સ્થાન બની રહે અને સર્વે ઉચ્ચતમ જ્ઞાનને પ્રાપ્ત થાય! તો ધાર્મિક નહિ પરંતુ આધ્યાત્મિક બનો.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]