ઘટનાથી પરે જ્ઞાન છે.
વસ્તુથી પરે અનંતતા છે.
વ્યક્તિથી પરે પ્રેમ છે.
ફક્ત એક જ ઘટના પર આધારિત જ્ઞાન ખોટું સાબિત થઈ શકે છે. ઉદાહરણ તરીકે, કોઈ ગુસ્સે થાય છે અને કોઈ બીજા પર બૂમ પાડે છે. તમે ગુસ્સાનો દોષ તે વ્યક્તિ પર મૂકો છો, પણ ખરેખર એ ગુસ્સો કોઈ બીજા વ્યકતિથી એ વ્યક્તિ સુધી આવ્યો હોય છે, અને એ પહેલા વ્યકતિએ પણ કોઈ બીજા પાસેથી એ ગુસ્સો મેળવ્યો હોય છે. આ રીતે એ પ્રક્રિયા ચાલતી રહે છે. તેથી, તમને સમગ્ર ઘટનાઓનું ચિંતન કરવું પડશે. જો તમે કારણમાં ઊંડા ઉતરશો, તો તમને ત્યાં જ્ઞાન મળશે.
દરેક ઘટના કોઈને કોઈ રીતે તમારી જાગૃતતાને અસર કરે છે. એક ઘટના તમારામાં સુખ, ઉદાસી, આનંદ, દુઃખ, ક્રોધ અને ઈર્ષ્યા જેવી સત્યની ગેરસમજ પેદા કરે છે. સત્ય કોઈ ચોક્કસ ઘટનાઓના તમામ રંગોથી પર છે.
દરેક વસ્તુથી પરે અનંતતા છે. એક વસ્તુ મર્યાદિત છે. એક વસ્તુ લો અને તેના ઊંડાણમાં જાઓ, વધુ ઊંડાણમાં જાઓ, હજુ ઊંડાણમાં જાઓ અને અંતે તમને એક પરમાણુ મળશે. અને તમે જાણશો કે દરેક પરમાણુમાં અનંત આકાશ છે. આ વ્યક્ત બ્રહ્માંડની પાછળ અવ્યક્ત અવકાશ છે. દરેક વસ્તુ આકાશમાં જન્મે છે, આકાશમાં રહે છે અને અંતે અનંત આકાશમાં વિલીન થઈ જાય છે.
દરેક વ્યક્તિથી પરે પ્રેમ છે. એક વ્યક્તિ એ શરીર, મન અને વિવિધ વર્તનોનું સંયોજન છે, જે નિરંતર બદલાતા રહે છે. વ્યક્તિત્વ બદલાય છે પણ એની પરે એક અપરિવર્તનીય પ્રેમ છે. એ પ્રેમ તમે જ છો. જ્યારે તમે તમારી જાતને વિલીન કરો છો, ત્યારે તમને આત્માની અનુભૂતિ થશે. ઘટનાથી પરેની ઘટના એ જ જ્ઞાન છે. વસ્તુથી પરેની વસ્તુ એ જ અનંતતા છે. વ્યક્તિથી પરેની વ્યક્તિ એ જ પ્રેમ છે. જ્યારે તમે ઘટનાઓ, વસ્તુઓ અને વ્યક્તિઓમાં ફસાઈ જાઓ છો તે જ માયા છે. આ બધાની પરે જોવું એજ ‘બ્રહ્મ’ એ દિવ્ય ચેતના છે. માત્ર દ્રષ્ટિકોણનો ફરક છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
