તર્કસંગત મનથી પરે…સાચી મુક્તિનો અનુભવ

આપણે સામાન્ય રીતે એ જ કાર્ય કરીએ છીએ જે ઉદ્દેશ્યપૂર્ણ, ઉપયોગી અને તર્કસંગત હોય. આપણે જે કંઈ પણ જોઈએ છીએ, તેને તર્કના દ્રષ્ટિકોણથી પારખીએ છીએ. પરંતુ અંતર્જ્ઞાન, એટલે કે નવી શોધો અને નવું જ્ઞાન તર્કસંગત મનથી પરે છે. સત્ય તર્કથી પરે છે. તર્કસંગત મન એ રેલ્વે પાટા જેવી છે જે એક નક્કી કરેલી લીટીમાં ચાલે છે, જ્યારે સત્ય એક ફુગ્ગા જેવું છે જે ગમે ત્યાં તરી શકે છે.

કેટલાક લોકો સમાજના નિયમોની વિરુદ્ધ જઈને તેમને તોડવાનો પ્રયાસ કરે છે. તેઓ વિચારે છે કે આ તર્કસંગત વિચારસરણીથી આગળ વધી રહ્યું છે, પરંતુ ઘણીવાર તે અહંકાર, ક્રોધ, દ્વેષ અથવા પોતાની તરફ ધ્યાન ખેંચવાની ઇચ્છાથી પ્રેરિત હોય છે. આ વાસ્તવમાં તર્કથી પરે જવું નથી.

આપણે કોઈ પણ કાર્ય ઉદ્દેશ્ય વિના કરીએ, ત્યારે આપણે ખરેખર તર્કસંગત મનની સીમાઓમાંથી બહાર આવીએ છીએ. ધ્યેય વિનાનું કર્મ એક રમત બની જાય છે, અને જીવન સરળ અને આનંદમય બની જાય છે. જો આપણે ફક્ત તર્કસંગત કર્મોને વળગી રહીએ, તો જીવન બોજારૂપ બની જાય છે. પરંતુ જ્યારે આપણે જીત-હારની ચિંતા કર્યા વિના રમીએ છીએ અથવા કોઈ હેતુ વિના કંઈક કરીએ છીએ, ત્યારે તે સાચી સ્વતંત્રતા છે – એક નૃત્યની જેમ.

જ્યારે આપણે તર્કસંગત મનથી આગળ વધીએ છીએ, ત્યારે આપણે અપાર સ્વતંત્રતા અને ઊંડી શાંતિનો અનુભવ કરીએ છીએ. તે આપણને સત્ય સાથે રૂબરૂ કરાવે છે, કારણ કે સત્ય તર્ક અને મર્યાદાઓથી પર છે. જ્યાં સુધી આપણે તર્કસંગત મનના બંધનોથી મુક્ત નથી થતા, ત્યાં સુધી સર્જનાત્મકતા અને અનંતતાનો અનુભવ શક્ય નથી.

યાદ રાખો – જો તમે ફક્ત મુક્તિ મેળવવા માટે કંઈક તર્કવિહીન કરો છો, તો તે પણ એક પ્રકારનો ઉદ્દેશ્ય જ છે અને તે ફરી તર્કસંગતતામાં પરિણમે છે. તેથી, તર્કસંગત મનની સીમાઓથી પરે જઈને સાચી મુક્તિનો અનુભવ કરો.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)