વિક્ષેપ ત્રણ પ્રકારનાં છે: આત્મિક વિક્ષેપ, માનસિક વિક્ષેપ અને પ્રાકૃતિક વિક્ષેપ. જયારે આપણે પ્રકૃતિના નિયમોને અનુસરતાં નથી, ત્યારે પ્રકૃતિના લયમાં વિક્ષેપ ઉત્પન્ન થાય છે. ભૂકંપ, પૂર જેવી ઘટનાઓ દ્વારા પ્રકૃતિ પોતાનો રોષ પ્રગટ કરે છે. અને પ્રકૃતિનાં આ રૌદ્ર સ્વરૂપને માત્ર ને માત્ર અનંત દિવ્ય ચૈતન્ય જ શાંત કરી શકે છે. પ્રકૃતિનાં રહસ્યો ગોપિત છે, બિલકુલ એ જ રીતે જેવી રીતે અત્યાર સુધી વાઈ-ફાઈ કનેક્શન આપણા માટે એક રહસ્ય હતું! પરંતુ દિવ્ય ચૈતન્યના શુભાશિષ થકી વિજ્ઞાન આ રહસ્યને શોધી શક્યું છે.
વેદોમાં સમજાવ્યું છે કે તમારી પોતાની જ ચેતના અને દિવ્યતા પ્રકૃતિનાં ગૂઢ રહસ્યોને ઉજાગર કરે છે. આ અનંત રહસ્ય તમારી અંદર જ છુપાયેલું છે. બ્રહ્માંડની ગહનતામાં જઈને આ રહસ્યો તમે જાતે જ શોધો છો. પ્રકૃતિનાં રહસ્યોને ખોલવાની ચાવી છે: મંત્રો! મંત્રોચ્ચાર અને પ્રાર્થના એ અતીવ ગ્રૂઢ વિજ્ઞાન છે. શાંતિપૂર્ણ વિશ્વની રચના અને જ્ઞાનનો ઉદય, મંત્રો દ્વારા વિસ્મયજનક રીતે થઇ શકે છે.
આ દિવ્ય ચૈતન્ય તો તમે જેવાં છો એ જ સ્વરૂપમાં સ્વીકારે છે. જો તમને લાગે છે કે તમે કાંટા, પત્ર કે પુષ્પ જેવાં છો તો પણ, બ્રહ્માંડની અનંત ચેતના તમારો સદા-સર્વદા, સર્વ સ્વરૂપમાં માત્ર ને માત્ર સ્વીકાર જ કરે છે. આ દિવ્ય ચૈતન્ય, એ જ સત્ય છે, એ જ સુંદર છે. વિપુલતા, સુંદરતા અને સત્ય આ ત્રણેય તત્વોને એકબીજાથી અલગ કરી શકાતાં નથી. આ તત્વોનો સમન્વય એ જ શિવતત્વ છે અને માત્ર શિવતત્વ જ શાશ્વત છે. એ જ છે સમસ્ત સૃષ્ટિનો આધાર! સઘળું આ દિવ્ય તત્વમાં જ સમાયેલું છે. આપણે આ દિવ્ય તત્વમાં વિશ્રાંતિ કરવાની છે અને આપણી મૂળ પ્રકૃતિ “સતચિતઆનંદ” ની અનુભૂતિ કરવાની છે.
બસ! સર્વનો સ્વીકાર કરતાં રહો!
આપણા મનમાં રાગ અને દ્વેષના તરંગો ઉઠતા રહેશે : “મને આ ગમે છે, મને આ નથી ગમતું” ! જીવન આવું જ છે, મૂર્ખ અને વિદ્વાન, વિવિધ પ્રકારનાં લોકોથી સભર! વિવિધ સંવેદનાઓ, વિવિધ વર્તણુકો, વિવિધ મનોવૃત્તિઓ! આ સઘળું એકસાથે જીવનમાં છે, પરંતુ આ સઘળું બ્રહ્માંડની અનંત ચેતનાનો જ એક ભાગ છે. એક પરમ સત્યનો ઘટક છે. તો ક્યાંય પણ અટક્યા વગર બધું સ્વીકારતાં જાઓ અને આગળ વધો. સંપૂર્ણ સ્વીકાર, પોતાની જાતનો અને આસપાસનાં વાતાવરણનો!
ઘણી વખત આપણે આંશિક સ્વીકાર કરતાં હોઈએ છીએ. પરિસ્થિતિનો તો સ્વીકાર કરીએ પણ વ્યક્તિનો સ્વીકાર નથી કરતા. અથવા તો આપણી જાતનો સ્વીકાર કરીએ પણ અન્યોને સ્વીકારી નથી શકતા. અને આને લીધે પૂર્ણતાના અનુભવને ચૂકી જઈએ છીએ. આપણે એટલું જ સ્વીકારવાનું છે કે જે આપણી અંદર છે તે જ બહાર છે. બધું એક જ છે. આ સ્વીકાર પછી આપણે શાંત થઇ જઈએ છીએ અને ગહન મૌન નો અનુભવ કરીએ છીએ. પછી આપણું મન “કોણે શું કરવું જોઈએ” તેમાંથી બહાર નીકળી જાય છે. મન ને પોતાના મૂળ સ્ત્રોત સુધી લઇ જવાનો એક જ મંત્ર છે: “સઘળું સ્વીકારો” કંઈ જ બદલવાનો પ્રયાસ ના કરો. ત્યાર પછી તમે “સ્વ” માં સ્થિર થાઓ છો અને આ ક્ષણે જે કંઈ સંકલ્પ કરો છો તે પરિપૂર્ણ થાય છે.
જ્ઞાનનો હેતુ અજ્ઞાનમાંથી મુક્ત થવાનો છે. પણ અહીં જ્ઞાનને ડિટર્જન્ટની જેમ પ્રયોજવું પડે. વસ્ત્રોને શુદ્ધ કર્યા પછી જેમ ડિટર્જન્ટને વસ્રમાં રહેવા દેવાય નહિ, એ જ રીતે અજ્ઞાનમાંથી મુક્ત થયા પછી જ્ઞાનને પણ છોડી દેવું પડે. ખાલી થઇ જવું પડે. ત્યારે જ તમે નિરાકાર થાઓ છો, હળવાં થાઓ છો, કારણકે જ્ઞાન પણ બોજારૂપ બનતું હોય છે. સહજ અને સરળ રહો! એ જ જ્ઞાનનો ઉદ્દેશ છે. જ્ઞાન તમને એક નિરાશ, દુખી “મને નથી ખબર” મનોસ્થિતિમાંથી એક નિર્દોષ, સુંદર, વિસ્મયભરી “મને ખબર નથી” મનોસ્થિતિ તરફ દોરી જાય છે. અને આ નિર્દોષતામાંથી જ શ્રદ્ધાનું સુંદર પુષ્પ ખીલી ઉઠે છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)