શું ઈચ્છાઓ ભાગ્યને આધીન હોય છે?

બદલી શકાય એ ભાગ્ય, ખરું? મોટેભાગે આપણે આમ સમજતાં હોઈએ છીએ. પ્રાચીન કાળમાં, કેટલાક ગુરુઓ આના માટે એક જ ઉપાય કરતા: તેઓ શિષ્યની ઇચ્છાઓને જ નિર્મૂળ કરી દેતા! કારણ ઇચ્છાઓ માટે આપની પાસે બે જ રસ્તાઓ છે: કાં તો સઘળી ઈચ્છાઓની પૂર્તિ કરવી, અથવા તો ઇચ્છાઓને પૂર્ણતયા નિર્મૂળ કરવી! આના સિવાય અન્ય કંઈ જ આપ કરી શકતાં નથી.

હું કહું છું કે, થોડી ઘણી ઈચ્છાઓ રાખવી અને તેની પૂર્તિ પણ કરવી! પરંતુ પ્રાચીન ગુરુઓ તો ઈચ્છાઓને સંપૂર્ણ રીતે નિર્મૂળ કરવાનો જ ઉપાય પ્રયોજતા. તેમની પાસે જો તમે કાશ્મીર જવાની ઈચ્છા દર્શાવો છો, તો તેઓ બધા જ ઉપાયો એવા કરશે કે આપ ક્યાંય પણ જાઓ પરંતુ કાશ્મીર તો નહિ જ જઈ શકો! તો આ પ્રાચીન ગુરુઓનો માર્ગ છે.  ઇચ્છાઓની કદાપિ પૂર્તિ ન કરવી! આમાં પણ મહદઅંશે તો જિજ્ઞાસુઓને તેઓ સુચન કરશે કે, ઇચ્છાઓ ન રાખો, પરંતુ જે તેમના નિકટતમ શિષ્યો છે, તેમની ઇચ્છાઓ કોઈ સંજોગોમાં પૂર્ણ ન થાય તે બાબતની તેઓ બરાબર સંભાળ લેશે. પરિણામરૂપે, શિષ્ય તેની ઇચ્છાઓનો સરળતાપૂર્વક ત્યાગ કરવાનું શીખી જશે.

ઇચ્છાઓ જ આપનામાં અતિશય ક્રોધ અને દુખ પ્રેરે છે, અને આપ ઇચ્છાઓને વશ થઈને જ સતતપણે દુઃખને વળગી રહો છો. કેટલાંક નાનાં બાળકોને જોયાં છે ને? આપ એમને કંઈ આપો છો અને તેઓ પછી તેને છોડવા તૈયાર જ થતા નથી. આપેલી વસ્તુ પાછી લેવા આપ તેમને કંઈ બીજું આપો છો ત્યારે જ તેઓ અગાઉ આપેલી વસ્તુ ને છોડે છે.

ઘણી બધી ઇચ્છાઓમાંથી કેટલીક પૂર્ણ થાય છે, કેટલીક નથી થતી, અને તેમ છતાં આપ ખુશ અને સંતુષ્ટ રહી શકો છો તો ઇચ્છાઓ આપના માર્ગમાં બાધારૂપ નથી. ઇચ્છાઓ બે પ્રકારની છે: એક તો બ્રહ્મની ઈચ્છા, જેના દ્વારા સમગ્ર સૃષ્ટિનું સંચાલન થાય છે અને બીજી આપની પોતાની હાર્દિક ઈચ્છા, જેના દ્વારા આપ કર્યો કરો છો.

પ્રાચીન ગુરુઓ આપની સઘળી ઈચ્છાઓ છૂટી ગઈ છે, તેની બરાબર ખાતરી કરે છે. કારણ, આપની એક ઈચ્છાની પૂર્તિ થયા પછી આપ ત્યાં જ ફરી આવીને ઉભા રહો છો, જ્યાં આપ પહેલાં હતાં, જયારે આપના મનમાં કોઈ ઈચ્છાએ જન્મ જ નહોતો લીધો. તો જયારે આપ ગુરુ પાસે જાઓ છો અને ઉદાહરણ સ્વરૂપે કોઈ વિશે ફરિયાદ કરો છો કે , “જુઓ, પેલા વ્યક્તિ મારા પર ખોટો આરોપ મુકે છે!”, ત્યારે ગુરુ કહેશે કે “ સરસ, તેમને હજુ વધુ તમારા પર આરોપ મુકવા દો!” શા માટે? કારણ આ જ રસ્તો છે જેના દ્વારા આપ આપના અહંકારથી મુક્ત થતા જાઓ છો.

એક પરિમાણ આપના અહંકારને પોષણ આપે છે, અને એક અન્ય પરિમાણ આપના અહંકારનો ધ્વંસ કરે છે. જો હું આપને કહું કે “આપ ખરેખર મહાન છો” તો તે આપના અહંકારને પોષે છે. પરંતુ જો હું આપને કહું કે “તમે તદ્દન મુર્ખ છો” અને અન્ય વ્યક્તિ આપની હાંસી ઉડાવે છે તો આપનો અહંકાર તૂટે છે. જો આપ કોઈના અહંકારને પોષણ આપો છો તો તેઓ સુંદર કર્યો કરવા સમર્થ બને છે, પરંતુ જો આપ કોઈના અહંકારનો ધ્વંસ કરો છો તો તેઓ નુકશાન પણ પહોચાડી શકે છે. ગુરુ આપને બંને પ્રકારનો અનુભવ આપે છે. ક્યારેક આપના અહંકારને પોષીને અને ક્યારેક આપના અહંકારને તોડીને ગુરુ આપના અહંકારને સુંદર રીતે ઘડે છે અને યોગ્ય આકાર આપે છે. તો અહંકાર જયારે સુંદર રીતે ઘડાયેલો હોય છે ત્યારે તે અનુપમ કાર્યો કરવા સક્ષમ બને છે. ગુરુ આપના અહંકારને સુંદર બનાવે છે અને આપને સમર્થ અને શક્તિશાળી બનાવે છે. આ સઘળું ઇચ્છાઓના ત્યાગ થકી શક્ય બને છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)