ચીનની સરહદે આવેલાં ગામોમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટની યોજના

નવી દિલ્હીઃ ભારત લદ્દાખની સરહદની પાસે વસેલાં ગામોમાં ઇન્ટરનેટની સ્પીડ વધારવાની યોજના પર કામ કરી રહ્યું છે. લદ્દાખના ચુમાર અને ડેમચોક સહિત અન્ય મહત્ત્વનાં સ્થાનો પર હાઇ-સ્પીડ ઇન્ટરનેટની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી રહી છે. સરકારે એક સંસદીય પેનલને જણાવ્યું હતું કે સરહદ વિસ્તારમાં બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્લાન (BADP) હેઠળ 14,708 ગામોમાં ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ત્યાં 236 રહેણાક ગામોમાંથી 172ની પાસે ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોજૂદ છે, એમાંથી 24 ગામોમાં 3G અને 78 ગામોમાં  4G કનેક્ટિવિટી છે, એમ સંસદમાં અહેવાલ રજૂ કરતી વખતે પેનલને જણાવવામાં આવ્યું હતું.

સરહદે વસેલાં 1860 ગામોમાં સ્થાનિક સરકારી ડિરેક્ટરી કોડ વિકસિત કરવાના પ્રયાસ જારી છે, જ્યારે 14,708 ગામોમાં ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસિત કરવાની વાત કહેવામાં આવી છે, એમ ગૃહ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. જોકે ડેમચોકના કેટલાક વિસ્તારોમાં 4G સેવાઓ શરૂ થઈ ચૂકી છે. એનાથી જવાન અને તેમના પરિવારોની વચ્ચે સંવાદ પણ સરળ થયો છે.

પેનલે લદ્દાખના બધાં ગામોમાં વીજ પહોંચાડવાની ભલામણ કરવામાં આવી છે. ખાસ કરીને સરહદની નજીક ચુમાર અને ડેમચોકમાં આવેલાં ગામોમાં વીજ પહોંચાડવા માટે ભલામણ કરવામાં આવી છે. આ સંબંધે વીજ મંત્રાલયને પણ પગલાં લેવા નિર્દેશ આપવામાં આવ્યા છે, એમ અહેવાલ કહે છે. ઇન્ટરનેટ અને વીજ સરળતાથી પહોંચવાથી સરહદી વિસ્તારમાં ગામોમાંથી પલાયન અટકશે. આમ થવાથી સરહદે સુરક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વનું છે.