(શ્રી શ્રી રવિશંકરજી)
તમારી આસપાસ કોઈ એવું છે કે જે હંમેશા પરફેક્શન નો આગ્રહ રાખે છે? અથવા તમે પોતે જ હંમેશા દરેક બાબતમાં પરફેક્શન ના આગ્રહી છો? પરંતુ ત્રુટિ તો રામ અને કૃષ્ણમાંથી પણ શોધી શકાય છે. કૃષ્ણ ચોરી કરતા હતા, અસત્ય પણ બોલતા હતા! પણ અર્જુન એ કૃષ્ણમાં કોઈ દોષ ન જોયો અને એટલે જ ઈશ્વરનું વિશ્વરૂપ દર્શન તેને પ્રાપ્ત થયું. અર્જુન શૂરવીર હતો, એ જ રીતે હનુમાન પણ વીર ભક્ત હતા. જેમણે રામમાં કોઈ ત્રુટિ કદાપિ જોઈ જ નહિ. કોઈ શૂરવીર જ અન્યના દોષ જોતો નથી.
તમે જો પરફેક્શન સાધવા ઇચ્છતા હો તો સૃષ્ટિ તરફ નજર નાખો. બ્રહ્માંડમાં સઘળું પૂર્ણ છે. પ્રત્યેક પદાર્થ પોતાની યોગ્ય જગ્યાએ છે. જયારે આ અનુપમ સર્જન પ્રત્યે દ્રષ્ટિ પડે છે ત્યારે સતત ફરિયાદ કરતું વિક્ષિપ્ત મન શાંત થઇ જાય છે, વિશ્રામ કરે છે. જયારે તમે તમારી પોતાની અપૂર્ણતાને સમજવા લાગો છો ત્યારે તમે પૂર્ણતા તરફ આગળ વધી રહ્યા છો. અહીં બહુ જ નાજુક સંતુલન ની જરૂર છે. એક તો તમે તમારી અપૂર્ણતા, તમારા દોષ જાણી ને દુ:ખી થઇ શકો છો અથવા તમે જાણી લો છો કે ત્રુટિ જેવું, દોષ જેવું કઈં જ નથી, જગત આખું ઓછાં પરફેક્શન થી વધુ પરફેક્શન પ્રતિ યાત્રા કરી રહ્યું છે. હા, પોતાની અપૂર્ણતા માટે થોડો અસંતોષ હોય તો એ તમને પૂર્ણતા તરફ જવા માટે પ્રેરણા આપશે, પરંતુ પોતાની અપૂર્ણતા, ત્રુટિઓ માટે ઊંડો અને સતત અસંતોષ રહેશે તો એ તમારા આત્મવિશ્વાસને ડગાવી દેશે. તો જાણો કે જીવન પૂર્ણત્વ તરફ નિરંતર ગતિ કરે છે.
કૃતિ અથવા કાર્ય, વચન અને ભાવનાઓ: એમ ત્રણ પ્રકારનાં પરફેક્શન છે. કેટલાંક લોકો કાર્ય પરફેક્શનથી કરે છે, પરંતુ મન અશાંત છે, અંદર ગુસ્સો છે. તો તેઓ બહાર ગમે એટલું સુંદર કામ કરે પરંતુ તેને પરફેક્ટ કહી શકાય નહિ. કેટલાંક લોકો કાર્ય સુંદર રીતે કરે, અંદર ભાવનાઓ પણ શુદ્ધ હોય પરંતુ જો જૂઠું બોલે તો અહીં પણ પરફેક્શન નથી. અલબત્ત, ડોક્ટર દર્દીને જૂઠું કહે કે માતા બાળકના ભલાં માટે જૂઠું બોલે તો તેમનો હેતુ સારો છે, અને આ અસત્ય વચન હોવા છતાં અહીં પરફેક્શન છે. પરંતુ જૂઠું બોલવા પાછળ ઉદ્દેશ્ય સારો ન હોય તો ભાવનાઓ પણ અશુદ્ધ થાય છે અને પરફેક્શન બનતું નથી. મૉટે ભાગે કોઈ પણ કાર્ય સંપૂર્ણ હોતું નથી. કઈં ને કઈં ત્રુટિ રહી જ જાય છે. પરંતુ કાર્ય પાછળ ભાવનાઓ પણ શુદ્ધ ન હોય અને આવી ભાવનાઓ લાંબા સમય સુધી રહે તો આંતરિક, સાહજિક સંતુલન ખોરવાય છે અને પરફેક્શન તૂટે છે. જયારે તમે કોઈને અન્યાય થતો જુઓ છો ત્યારે સામાન્ય રીતે શું થાય છે? તમે અંદર ને અંદર ગુસ્સો કરો છો. તો અહીં બહાર તો કાર્યમાં ત્રુટિ આવી, કોઈએ અન્યાયયુક્ત વર્તન કર્યું, પરંતુ તમે તમારી ભીતર પણ સંતુલન બગાડી દીધું! બહારના દોષ અને અપૂર્ણતાને સુધારવા તમારે તમારી અંદરનું વાતાવરણ સંતુલિત અને પરફેક્ટ રાખવું પડશે.
તો તમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે, તમારી અંદરનું પરફેક્શન જાળવી રાખો. બહાર કોઈની એક ત્રુટિ ને જોઈને પોતાની અંદર બીજી ત્રુટિનો જન્મ ન થવા દો. કોઈ વ્યક્તિ લોભીષ્ઠ છે તો તે અવગુણ પ્રતિ તમે ગુસ્સો ન કરો. નહિ તો તમે તમારી ભીતર બીજો અવગુણ ઉત્પન્ન કરો છો. એક અવગુણ ને નકારવામાં તમે ખુદ બીજા અવગુણને તમારી અંદર પ્રવેશવા દો છો. આવું જ થાય છે ને? એક વ્યક્તિનો અવગુણ બીજી વ્યક્તિની અંદર અન્ય અવગુણના સ્વરૂપે આકાર લે છે. કામવાસના ક્રોધમાં પરિવર્તિત થાય છે, ક્રોધ ઇર્ષામાં પરિણમે છે, અહંકારમાં પરિણમે છે. એક દોષથી બીજા દોષ તરફ આપણે જઈએ છીએ. કોઈ પણ કિંમતે તમારાં મનને સંભાળો. બીજાં લોકો શું કરે છે તેના પ્રતિ ધ્યાન આપ્યા કરશો તો તમે ઉણપ શોધવા લાગશો. આ દ્રષ્ટિ તમારી અંદર બીજા દોષ ઉત્પન્ન કરશે. તમારાં હૃદયને શુદ્ધ રાખો. કોઈ પણ દોષ અંદર ન પ્રવેશે તેનું ધ્યાન રાખો.
સૃષ્ટિ પ્રકૃતિ અને વિકૃતિ બંનેથી બની છે. ક્રોધ એ પ્રકૃતિ નથી, આપણો સ્વભાવ નથી પરંતુ વિકૃતિ છે. ક્રોધ, લોભ, ઈર્ષા, કામવાસના આ સઘળું વિકૃતિ છે, પરંતુ સૃષ્ટિનો જ એક ભાગ છે, સૃષ્ટિમાં તેમનું અસ્તિત્વ છે. છતાં આપણે તેને વિકૃતિ કહીએ છીએ કેમ કે તેના લીધે વ્યક્તિનું સ્વરૂપ નિસ્તેજ બને છે. પૂર્ણ તેજથી આપણે પ્રકાશી શકતાં નથી. મનોચિકિત્સકો કહે છે કે તમારી અંદર ઊંડે ઊંડે ભય, અપરાધભાવ અને ક્રોધ ધરબાયેલ છે. ના, એ બિલકુલ ખરું નથી. તમારી ભીતર ઉત્સાહ , શુદ્ધ આનંદ છે. તમે નિરંતર પરફેક્શન તરફ ગતિ કરો છો. તમારી ભીતર ઉઠતી દરેક લાગણી, દરેક સંવેદના તમને નિતાન્ત પૂર્ણતા તરફ લઇ જાય છે. ભાવનાઓ માં પરફેક્શન લાવી શકાય છે.
કોઈ પણ વ્યક્તિ કોઈ અયોગ્ય કાર્ય કરે છે તો તેને ધિક્કારો નહિ, તે તમને શીખવાડે છે કે શું ન કરવું જોઈએ! કોઈ પણ કાર્ય ત્રુટિ રહિત હોતું નથી. તમે કોઈ ને દાન આપો છો તો સામી વ્યક્તિને મદદ મળે છે તેની સાથે સાથે કદાચ તેનાં સ્વામાનને પણ ઠેસ પહોંચે છે, તો દાન નું કાર્ય યોગ્ય હોવા છતાં પરફેક્ટ નથી. તો અન્યનાં કાર્યમાં કે પોતાનાં કાર્યમાં ત્રુટિ જોઈને ક્રોધ ન કરો, દુ:ખી ન થાઓ. જગત ઓછાં પરફેક્શન થી વધુ પરફેક્શન તરફ ગતિ કરી રહ્યું છે, એ સત્ય નું સ્મરણ કરો.
વચન-વાચામાં પરફેક્શન ત્યારે જ આવશે જયારે તમે શબ્દોની પરે જશો. લોકોના શબ્દો, તેમના હાવ ભાવ વગેરે ને ઝાઝું મહત્વ ન આપો. શબ્દોની પરે, મૌનમાં થતા સંવાદને સાંભળો. અને તમે પોતે ક્યારેય તમારી વાણીમાં અપશબ્દ નો પ્રયોગ ન કરો. અને તમારા પર કોઈ ગુસ્સો કરે, આકરા શબ્દો કહે તો તેની પાછળ તેમનો આશય તમને દુઃખી કરવાનો છે, તેવું ન વિચારો. કોઈ પણ ત્રુટિ, ખામીની પાછળ વ્યક્તિ ઈરાદા પૂર્વક તેમ કરે છે તેવું ક્યારેય ન વિચારો.
કર્મ, વચન અને ભાવ – આ ત્રણમાં પરફેક્શન લાવવા માટે સરળ સાધન છે યોગ, ધ્યાન અને પ્રાણાયામ! દિવસમાં થોડો સમય પોતાની જાત માટે ફાળવો અને જુઓ કે જીવનમાં કેટલાં વિશાળ પ્રમાણમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. જાણો કે તમારું શરીર એ સ્થૂળ પદાર્થ નથી, પ્રકાશ છે, આકાશ છે. પંચ તત્ત્વો – પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ તમારાં નિયંત્રણમાં છે. તમારું મન જયારે વિશ્રામ કરે છે, શરીર વિશ્રાંત છે ત્યારે તમે પૂર્ણ આનંદની અવસ્થામાં હો છો, વિશ્વ માટે તમે કલ્યાણકારી બનો છો.
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)