પણ મેં તો જિંદગીને કાંતી છે….

આલાપ,

જીવન થપ્પોદાવ જેવી રમત છે. એમાં હંમેશા દુઃખ છુપાઈ જતા હોય છે, જેને શોધવાના હોય છે. દરેક વખતે દુઃખ એટલે આધિ,વ્યાધિ કે ઉપાધિ નહિ, કેટલીક વખત દુઃખ એટલે સુખ નહિ -ની સ્થિતિ.

જીવનમાં કેટલાય દુઃખ આપણાં ઉભા કરેલા હોય છે. કેટલાક દુઃખ એવા કે જે માત્ર સમયને આધીન હોય. સમય બદલાતા દુઃખની વ્યાખ્યા અને એનું ભારણ બન્ને બદલાતા હોય છે. જીવનમાં જ્યારે આવો સમય આવે ત્યારે ભૂતકાળમાં જવું. ભૂતકાળને યાદ કરતાં સમજાય છે કે કેટલાક દુઃખો જે એક સમયે બહુ જ મોટા હતા એનું મૂલ્ય ખરેખર એટલું નહતું જેટલું આપણને એ સમયે લાગતું. કેટલાંક દુઃખ એવા કે જેના વિશે વિચારતાં સમજાય કે એ ખરેખર દુઃખ નહતું, એ આપણું હિત હતું.

(પ્રતીકાત્મક તસવીર)

આલાપ, તારું મારા જીવનમાં આવવું એ ઘટનાએ મારી જિંદગી બદલી નાંખી હતી- બદલી નાંખી છે એમ કહું તો પણ ખોટું નથી, પણ તારું આવ્યા પછી જવું એ ઘટનાએ મને પ્રથમ વખત દુઃખ સાથે પરિચય કરાવ્યો. ભાંગેલી,તૂટેલી અને વિખરાયેલી હું મારા અસ્તિત્વના એ વેરણ-છેરણ થઈ ગયેલા ટુકડાઓને એકઠાં કરીને જોડવા મથતી રહી. વર્ષો વિત્યા પછી હવે જ્યારે હું મારા અસ્તિત્વના એ ટુકડાઓ જોડીને તેને સફળતાનો નવો રંગ તથા અનુભવના અલગ અલગ શેડ સાથે નવું જ રૂપ આપવામાં સફળ નિવડી છું ત્યારે મારે તારી પાસે એક કબૂલાત કરવી છે. ધારોકે મારું કબુલનામું તારી અદાલતમાં આવે તો એ કંઈક આવું હોય. તારા ગયા પછી જીવનને ઈશ્વરનો અભિશાપ માનતી હું દિવસો પસાર તો કરતી હતી પરંતુ કોઈ ધ્યેય નહતું જીવવાનું.

મન-હૃદયની વ્યથાઓ ધીમે-ધીમે શબ્દોમાં ઢળતી રહી અને એ શબ્દોએ મને સફળતાનો સ્વાદ ચખાડ્યો. આજે લાગે છે કે તારા જવાની ઘટનાએ મને ગતિ આપી હતી. જીવથી વ્હાલું પાત્ર જીવનમાંથી એક્ઝિટ કરે અને એ એક્ઝિટ જીવનમાં સફળતાની એન્ટ્રીનું નિમિત્ત બને એ કેટલું વિચિત્ર. છતાં હા, તું મારા જીવનમાં બિલકુલ એમ જ વસી ગયો હોત જેમ હ્ર્દયમાં વસ્યો છે, તો મેં લાગણીઓને શબ્દોમાં ન ઢાળી હોત અને તો કદાચ આ સફળતા ન મળી હોત.

આજે આટલાં વર્ષો પછી મને એ સત્ય સમજાયું છે કે લોકો જિંદગી જીવે, માણે, પસાર કરે, કોઈ વળી વેંઢારે અને કોઈ કાપે પણ મેં જિંદગીને કાંતી છે. એના એક એક વણાટની બારીકાઈને જીવનમાં ઉતાર્યા છે અને એથી જ આજે આટલા વર્ષો પછી પણ તું હ્ર્દયમાં એમ જ યથાવત છે જેમ પહેલાં હતો.

શ્વાસમાં વણી લઈને સાચવ્યો છે તને

ઈશ્વર માફક હૃદયમાં સ્થાપ્યો છે તને.

-સારંગી.

(નીતા સોજીત્રા)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]