સંસ્કૃતિના રંગે રંગાયેલી માતૃભાષાનું સરનામું એટલે ‘રેખ્તા’
અમદાવાદ: કોઈ વેબસાઈટ ખોલો અને સામે હોમ પેજ પર સૌપ્રથમ તમને જોવા મળે “અરે, કેમ છો? મજામાં? પધારો, આપનું સ્વાગત છે.” તો તમને કેવી લાગણી થાય? વળી પાછું અહીં તમને એક નવું અવતરણ શીખવા મળે. જે કદાચ તમે પહેલાં ક્યારેય વાંચ્યું ના હોય. જેમ કે,
વનનો લીલો અંધકાર જેમ કહે તેમ સૌ કરે
ચરે, ફરે, રતિ કરે, ગર્ભને ધરે, અવતરે, મરે
-સિતાંશુ યશશ્ચંદ્ર
આગળ મને એવું લાગે કે કોઈ શબ્દનો અર્થ મને નથી ખબર તો મને ગુજરાતી ડિક્ષનરીની પણ વ્યવસ્થા અહીં મળી રહે. જેમ કે મેં શબ્દ શોધ્યો રતિ, તો જુઓ મને નીચે મુજબનો જવાબ મળ્યો.આ અનોખી જગ્યા એટલે rekhtagujarati.org નામની વેબસાઈટ. અહીં તમને નરસિંહ મહેતાના ભજન, અખાના છપ્પા, મીરાબાઈ તેમજ કલાપીની રચનાઓ મળી રહે. સાથે જ તમને મધ્યકાલીન અને અર્વાચીન કવિતાઓ, સંત સાહિત્ય તેમજ લોકસાહિત્ય પણ મળી રહે. વર્ષ 1923માં છપાયેલું કવિ કાલિદાસનું મહાકાવ્ય ‘અભિજ્ઞાનશકુન્તલ’ તેમજ વર્ષ 1896માં મહાકવિ અમરૂ દ્વારા રચિત અમરૂશતક નામનું દુર્લભ કાવ્ય પુસ્તક પણ તમને અહીં વાંચવા મળી જશે. રોજની એક નવી કહેવત શીખવા મળે. રોજ એક નવા શબ્દની સમજૂતી શીખવા મળે. બધું જ ઓનલાઈન અને એ પણ પાછું તદ્દન મફત. જી હા rekhtagujarati.org નામની વેબસાઈટ પર આ બધું જ સાહિત્ય તદ્દન મફતમાં ઉપલબ્ધ છે. ગત 20મી માર્ચના રોજ ગુજરાતી ભાષા-સંસ્કૃતિના સમૃદ્ધ વારસા અને સાહિત્યના જતન-પ્રોત્સાહન માટે rekhtagujarati.org વેબસાઇટ અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં લૉન્ચ કરી હતી. ગુજરાતી બાળકો ગુજરાતી ભાષાને સારી રીતે શીખી અને સમજી શકે તે માટે ‘રેખ્તા કિડ્સ લર્નિંગ ઍપ’ને પણ લૉન્ચ કરવામાં આવી હતી. અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે ભાષાપ્રેમીઓ અને સાહિત્યકારો તથા જાહેરજીવનના અગ્રણીઓની હાજરી વચ્ચે ‘રેખ્તા ગુજરાતી’ની વેબસાઇટ rekhtagujarati.org મોરારિબાપુના હસ્તે લૉન્ચ કરવામાં આવી હતી. આ લોન્ચ ઇવેન્ટમાં સમ્માનિત મહેમાન તરીકે અભિનેતા પરેશ રાવલ, વરિષ્ઠ સાહિત્યકાર રઘુવીર ચૌધરી, સૉલિસિટર જનરલ ઑઇ ઇન્ડિયા તુષાર મહેતા તથા ‘રેખ્તા ફાઉન્ડેશન’ના સ્થાપક સંજીવ સરાફ સહિત અનેક સન્માનનીય લોકો હાજર રહ્યા હતા.‘રેખ્તા’ના ફાઉન્ડર સંજીવ સરાફ છે. જેઓને ઉર્દૂ ભાષા પ્રત્ચે અનહદ પ્રેમ છે. તેમને વાંચવા-લખવાનો શોખ હતો. તેઓ IIT ખડગપુરથી પાસ આઉટ છે અને બિઝનેસ ફેમિલીમાંથી આવે છે. પરંતુ તેમને લાગ્યું કે આખી જીંદગી બિઝનેસ કર્યો હવે આપણે પોતાનું ગમતું કરવું જોઈએ એટલે તેઓ સાહિત્ય તરફ પાછા આવ્યા. સંજીવ સરાફને ધીરે-ધીરે એ વાતનો અહેસાસ થયો કે આપણા અમૂલ્ય સાહિત્ય ખજાનાનું ઈન્ટરનેટ પર અસ્તિત્વ જ નથી. આથી જન્મ થયો રેખ્તા વેબસાઈટનો. શરૂઆત ઉર્દૂથી થઈ ધીમે-ધીમે બીજી ભાષાઓમાં પણ કામ કરવાની જરૂરિયાત દેખાતા હિન્દી, રાજસ્થાની જેવી ભાષાઓમાં કામ શરૂ થયું. પછી વારો આવ્યો ગુજરાતી ભાષાનો. ગુજરાતી વેબસાઈટના લોન્ચિંગ પ્રસંગે સંજીવ સરાફે કહ્યું, ‘રેખ્તા ફાઉન્ડેશન’ની શરૂઆત 12 વર્ષ પહેલાં કરી હતી અને આજે ‘Rekhta.Org’ ઉર્દૂની દુનિયાનો સૌથી મોટો ખજાનો બન્યો છે. સૉલિસિટર જનરલ ઑફ ઇન્ડિયા તુષાર મહેતાએ મને કહ્યું કે ગુજરાતી માટે પણ આવી વેબસાઇટ હોવી જોઈએ. ગુજરાતી બાળકો ગુજરાતી બોલી શકે છે પરંતુ વાંચવા-લખવામાં મુશ્કેલી અનુભવે છે તે માટે કંઈ કામ કરવું જોઈએ. આ કારણે અમે દોઢ વર્ષથી કામ કરતા હતા.’
તુષાર મહેતાએ રેખ્તા ગુજરાતીની જરૂરિયાત વિશે વાત કરતા કહ્યું, ‘જ્યારે આપણા પછીની પેઢી આપણને પુછે કે પપ્પા પોણા બે એટલે શું? નેવ્યાશી એટલે કેટલાં? ત્યારે શરમ જો આવતી હોય તો રેખ્તા ગુજરાતી જરૂરી છે. આપણા પહેલાંની પેઢીએ આપણને હરીશ નાયકના કિશોરાવસ્થાના પુસ્તકોથી વાકેફ કરેલા. આપણે આપણી પછીની પેઢીને આ વસ્તુ આપી શક્યા નથી માટે આ પેઢી હેરીપૉટર તરફ વળી છે. હાલના ગુજરાતી સાહિત્ય સર્જકો પણ ઉત્તમ સાહિત્ય સર્જી રહ્યા છે પણ તે આપણે 90 પછીની પેઢીની તે તરફ લઈ જઈ શક્યા નથી. એ તરફ લઈ જવાનો સેતુ રેખ્તા ગુજરાતી બનશે.
રેખ્તા ગુજરાતી વેબસાઈટની જર્ની વિશે ચિત્રલેખા.કોમે તેના મેનેજીંગ એડિટર મેહુલ મંગુબહેન સાથે વાત કરી. તેમણે કહ્યું કે, વેબસાઈટ લોન્ચ થતાં પહેલાં લગભગ પોણા બે વર્ષ તેના પર કામ કરવામાં આવ્યું છે. જેમાં તેમને અ. સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલય, નડિયાદ, રાયચંદ દીપચંદ લાઈબ્રેરી, ભરૂચ અને ભો. જે. અધ્યન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદનો સહયોગ મળ્યો. ‘રેખ્તા’નું મુખ્ય કામ સાહિત્યમાં પડેલા અખૂટ ખજનાનું ડિજિટાઇજેશન કરવાનો છે. જેમાં તેમને ક્યારેય કોઈ સંસ્થા કે સાહિત્યકારે ના પાડી નથી, પૂરતો સહયોગ મળી રહ્યો છે. સાહિત્ય અકાદમી, સાહિત્ય પરિષદ, નર્મદ સભા, ફાબર્સ સાહિત્ય સભા દરેકે તેમને મદદ માટે સહયોગ આપ્યો છે. ગુજરાતી સાહિત્યપ્રેમીઓ માટે દરેક પ્રકારનું સાહિત્ય ઈઝી ટુ એક્સેસ થાય તે રીતે તેનું વેબસાઈટ પર એકત્રીકરણ કરવામાં આવી રહ્યું છે. ‘રેખ્તા’ ગુજરાતીનો ઉદ્દેશ્ય ગુજરાતી કવિતા અને સાહિત્યને ચોકસાઈ અને કાળજીપૂર્વક દુનિયાભરમાં ફેલાયેલા ગુજરાતીઓ અને કાવ્યરસિકો સુધી પહોંચાડવાનો છે. સોશિયલ મીડિયા ટેકનોલોજીની મદદ લઈ સત્ત્વશીલ સાહિત્યનો પ્રચાર-પ્રસાર કરવાનો અને તે થકી ગુજરાતી ભાષાની માવજત કરવાનો પણ છે. આ વેબસાઇટ પર અત્યારે 800થી વધારે કવિઓની સંખ્યાબંધ કવિતાઓ છે, જેમાં સંતસાહિત્ય અને લોકસાહિત્યનો પણ સમાવેશ થાય છે. રેખ્તા ગુજરાતીની ટીમ સતત તેમાં ઉમેરણ કરી રહી છે. કાવ્યરસિકોને સુગમ પડે તે માટે કાવ્ય સ્વરૂપ અનુસાર, વિષય અનુસાર અને વિભાગ અનુસાર પણ વર્ગીકરણ કરવામાં આવ્યું છે.ગુજરાતી કાવ્યપરંપરાના તમામ મુખ્ય કવિઓનો વેબસાઇટ પર સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હાંસિયામાં ધકેલાઈ ગયેલા કવિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભાષાને વધારે એક્સેસબલ બનાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કવિતાને સમજવા માટે શબ્દકોશની સવલત પણ અહીં આપવામાં આવી છે. ગુજરાતી શબ્દકોશમાં સતત કામ ચાલી રહ્યું છે. ગુજરાતની તમામ બોલીઓ, તળપદા શબ્દોની સમજૂતી પણ આ વેબસાઈટ પર સરળતાથી મળી રહે છે.
રેખ્તા દ્વારા સૌપ્રથમ ધ્યાન આપવામાં આવ્યું પદ્ય પર. જાણીતા કવિઓની રચનાઓને મેળવીને તેનું સ્કેનિંગ કરીને વેબસાઈટ્સ પર મૂકવી. અ. સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલય, નડિયાદ, રાયચંદ દીપચંદ લાઈબ્રેરી, ભરૂચ અને ભો. જે. અધ્યન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ- આ ત્રણેય લાઈબ્રેરી દ્વારા તેમના પુસ્તકો કોઈપણ પ્રકારના ચાર્જ વગર સ્કેન કરીને વેબસાઈટ પર મૂકવાની પરવાનગી મળી છે. આ સિવાય સાંપ્રત સાહિત્યકારોનો પણ સંપર્ક કરવામાં આવ્યો. કોઈએ ક્યારેય ના ન પાડી. દરેકે હોંશે-હોંશે પોતાની રચનાઓ રેખ્તાને આપી. જેથી વધુમાં વધુ લોકો સુધી તે પહોંચી શકે. આગામી સમયમાં ગદ્ય સાહિત્ય ઉપર પણ કામ કરવામાં આવશે.રેખ્તા ફાઉન્ડેશનની શરૂઆત ઉર્દૂ વેબસાઈટથી થઈ હતી. તેમાં એક દશકા કરતાં વધારેનો સમય વીતી ગયો છે. આથી કામ પણ એટલું જ વધારે થયું છે. સમગ્ર ભારતમાં 35થી 40 જગ્યાએ ઉર્દૂ માટેના પુસ્તકોના સ્કેનિંગનું કામ ચાલી રહ્યું છે. ઉર્દૂ વેબસાઈટમાં ‘તખ્તી’ નામનું ટૂલ લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં તમે પોતાની રચના મૂકીને યોગ્ય મીટરમાં લખાઈ છે કે નહીં તે ચકાસી શકો છો. આવું જ કામ નજીકના ભવિષ્યમાં ગુજરાતી ભાષાની વેબસાઈટમાં પણ કરવાનું પ્લાનિંગ રેખ્તાનું છે. વધુ ઓથેન્ટિક પુસ્તકો રેખ્તાની સાઈટ પર વિના મૂલ્યે વાંચવા મળશે. આ ઓનલાઈન લાઈબ્રેરીને તમે દુનિયાના કોઈપણ ખૂણેથી સરળતાથી એક્સેસ કરી શકશો.
રેખ્તાનું બીજું મોટું લક્ષ્ય એજ્યુકેશન છે. જેની માટે તેમણે ‘રેખ્તા કિડ્સ’ લર્નિંગ એપ લોન્ચ કરી છે. જેમાં બાળકોને ભાષાનું બેઝિકથી લઈને એડવાન્સ જ્ઞાન મળે તે રીતે આખી એપ તૈયાર કરવામાં આવી છે. બાળક રમતા-રમતા ભાષા શીખી લે છે અને તેને ભાર પણ લાગતો નથી. આ ઉપરાંત વેબસાઈટ પર ભાષાને લગતાં વીડિયો પણ તૈયાર કરવામાં આવ્યાં છે. આમ સત્વશીલ સાહિત્ય નવી પેઢી સુધી પહોંચે તે પ્રકારના પ્રયત્નો રેખ્તા દ્વારા કરવામાં આવી રહ્યાં છે.રેખ્તાનું ત્રીજું પ્લાનિંગ છે સાહિત્યક ચર્ચાઓ અને પરિસંવાદો કરવાનું. જે આગામી સમયમાં ગુજરાતમાં કરવામાં આવશે. પરંતુ આ કાર્યક્રમો સાહિત્યની સંસ્થાઓમાં નહીં પરંતુ ટેક્નિકલ કોર્સિસ કરતાં વિદ્યાર્થીઓ, કાયદા કે મેડિકલના વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવશે. જેથી કરીને નવો વર્ગ સાહિત્ય સાથે જોડાય. કારણ કે જે વિદ્યાર્થીઓ પહેલાંથી જ સાહિત્યના અભ્યાસ સાથે જોડાયેલાં છે તેમની માટે તો કાર્યક્રમો થતાં જ હોય છે તેવું રેખ્તાનું માનવું છે.
હાલ તો આ વેબસાઈટના લોન્ચિંગ બાદ તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ રેખ્તા સાથે જોડાયેલી ટીમનું માનવું છે કે ભવિષ્યમાં તે વધારે લોકો સુધી ઓથેન્ટિક સાહિત્યને વધુ માત્રામાં પહોંચાડી શકે તે માટે સતત પ્રયત્નશીલ રહેશે.