રૂપિયો તૂટતાં દાળો અને ખાદ્યતેલ મોંઘાં થવાની વકી

નવી દિલ્હીઃ ડોલર સામે રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે પહોંચતાં કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્કનું ટેન્શન વધી ગયું છે. અમેરિકી ડોલર સામે રૂપિયો 85.84ના સ્તરે પહોંચ્યો છે. જેને કારણે મોંઘવારીમાં વધારો થવાની શક્યતા છે, કેમ કે આયાતી ચીજવસ્તુઓ મોંઘી થશે.

દેશમાં રૂપિયાના ઘસારાને પગલે પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત મોંઘી થશે. રૂપિયો નબળો પડતાં પેટ્રોલ અને ડીઝલની કિંમત વધવાનું જોખમ છે. ડીઝલની કિંમતો વધવાને પગલે માલસામાનને ટ્રાન્સપોર્ટ કરવાનો ખર્ચ વધશે. જેથી મોંઘવારી વધશે.

પેટ્રોલ અને ડીઝલ સિવાય દેશમાં જરૂરી ચીજવસ્તુઓની કિંમતમાં વધારો થવાની વકી છે. ખાસ કરીને દાળો અને ખાદ્યતેલની કિંમતો વધવાની શક્યતા છે, કેમ કે ભારત મોટા પાયે ખાદ્ય તેલો અને દાળોની આયાત કરે છે. રૂપિયો નબળો પડતાં ઘરેલુ બજારમાં ખાદ્ય તેલો અને દાળોની કિંમત વધવાની ભીતિ છે. ડોલર સામે રૂપિયો નબળો પડતાં વિદેશી શિક્ષણ મોંઘું થઈ શકે છે, કેમ કે દરેક ડોલરે વધુ રૂપિયા ચૂકવવા પડશે. એની અસર હજ્જારે વિદ્યાર્થીઓ અને તેમના સ્પોન્સર્સ પર પડશે, જે વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે.

જોકે રૂપિયો  નબળો પડતો વિદેશી ટુરિઝમ સસ્તું થઈ શકે છે, જેનાથી પ્રવાસ કરવાવાળાઓને લાભ થશે. આ ઉપરાંત નિકાસકારોને વધુ નફો થશે, કેમ કે તેમના ઉત્પાદનો આંતરરાષ્ટ્રીય બજારોમાં વધુ હરીફાઈ કરશે.

રૂપિયાને વધુ ઘસાતો અટકાવવા રિઝર્વ બેન્ક શાં પગલાં લે છે એના પર સૌની નજર રહેશે. ડોલર સામે રૂપિયો ગગડતાં સરકારનો ખર્ચ વધશે. આમ RBI મોંઘવારી ઘટાડવા શાં પગલાં લે એ જોવું રહ્યું.