આંદોલનોનું રાજકારણ અને રાજકારણમાં આંદોલનો…

બે ઘટના અંગે પહેલાં વાત કરીએ.

ઘટના-1: 1985માં ગુજરાતમાં માધવસિંહ સોલંકીની સરકાર હતી ત્યારે રાજ્યભરમાં મોટાપાયે અનામત વિરોધી આંદોલન શરૂ થયેલું. 18 ફેબ્રુઆરી, 1985ના રોજ માધવસિંહ સરકારે ટેકનિકલ અને મેડિકલ એજ્યુકેશનમાં અનામત ક્વોટા 10 ટકાથી વધારીને 28 ટકા કરવાનો નિર્ણય કર્યો એની સામે પહેલાં એન્જિનિયરિંગ-મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને પછી વાલીઓ મેદાનમાં ઉતરી આવ્યા. વાલીમંડળનો ચહેરો બની ગયેલા શંકરભાઇ પટેલ અને માધવસિંહ સરકાર વચ્ચે ઘર્ષણ જામ્યું. હિંસક બની ગયેલું આ આંદોલન પછી તો કોમી રમખાણોમાં ફેરવાઇ ગયું, પણ આંદોલનના પગલે 6 જૂલાઇ, 1985ના રોજ મુખ્યમંત્રી તરીકે માધવસિંહ ગયા અને અમરસિંહ આવ્યા એ પછી સરકારે અનામત ક્વોટાનો નિર્ણય મોકૂફ રાખી, કમિશનની રચના કરીને આંદોલનનું ફીંડલું વાળી દીધેલું…

ઘટના-2: સપ્ટેમ્બર, 2022માં ગાંધીનગરમાં ચાલતા શિક્ષણકર્મીઓના આંદોલનને લઇને આંદોલનકારીઓ માસ સી-એલ જેવા કાર્યક્રમોનું એલાન કરે છે, પણ આગલા દિવસે જ મંત્રીઓની હાજરીમાં નાટકીય રીતે સમાધાનની જાહેરાત થાય છે. કેમેરાની સામે મીઠાઇ ખવડાવાય છે અને બીજે દિવસે આંદોલનકારીઓમાં ફાટા પડે છે. આંદોલનનો ચહેરો બનેલા દિગ્વિજયસિંહ, ભીખાભાઇ જેવાઓને ‘ગદ્દાર જયચંદ’ ગણાવીને અમુક જૂથ આંદોલન ચાલુ રાખે છે…

આ બે ઘટનાની અહીં સીધી સરખામણી શક્ય નથી, પણ અહીં એટલા માટે યાદ કરી છે કે 1985માં આ આંદોલન થયું ત્યારે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથે તોળાતી હતી અને 2022માં પણ આંદોલનટાણે ચૂંટણી યોજાવું યોજાવું થઇ રહી છે. ગાંધીના નામનું આ નગર ગુજરાતમાં આજે આંદોલનનગર તરીકે ફેરવાઇ ચૂક્યું છે, કેમ કે અત્યારે રાજ્ય સરકાર સામે શિક્ષકો, પૂર્વ સૈનિકો, સરકારી કર્મચારીઓ, આંગણવાડી બહેનો, કિસાન સંઘ, પંચાયત આરોગ્ય કર્મચારીઓ, તલાટીઓ, વર્ગ 3 અને 4ના કર્મચારીઓ અને માલધારી સમાજ જેવા વિવિધ લગભગ 20 થી 22 જેટલા સંગઠનોએ સરકાર સામે પોતાની માગણીઓ મૂકીને બાંયો ચડાવી છે.

એમાંથી ત્રણ મુદ્દા કે પ્રશ્નો સામે આવે છે.

એકઃ શા માટે દરેક સરકાર, ભાજપની હોય, કોંગ્રેસની હોય કે અન્ય કોઇપણ પક્ષની હોય, આવાં આંદોલન ઉગ્ર બને ત્યાં સુધી રાહ જૂએ છે? શા માટે સત્તાની ખુરશીના પાયા ન ડગમગે ત્યાં સુધી સરકાર આંદોલનને ગંભીરતાથી લેતી જ નથી?

કોઇ સત્તા પોતાની સામે આંદોલન ન ઇચ્છે, પણ લોકશાહીમાં એ શક્ય નથી એટલે સરકાર હંમેશા આંદોલનને શરૂઆતમાં અવગણે છે, થોડુંક ઉગ્ર બને ત્યારે એના પર રણનીતિ બનાવે છે અને પાણી માથા પરથી જઇ રહ્યું હોવાનું લાગે ત્યારે સમાધાન તરફ વળે છે. ગુજરાતમાં હાર્દિક પટેલના પાટીદાર અનામત આંદોલનને યાદ કરો. 6 જૂલાઇ, 2015ના રોજ ઉત્તર ગુજરાતના વિસનગરમાં પહેલીવાર પાટીદાર યુવકોએ બાઇક રેલી યોજીને અનામતની માગણી કરી ત્યારે ગાંધીનગરે ‘આવી તે કાંઇ માગણી હોતી હશે’ એવું વલણ અપનાવીને શરૂઆતમાં આંદોલનને સંપૂર્ણ ઇગ્નોર કરેલું. અત્યારે ગાંધીનગરમાં જે આંદોલનો ચાલે છે એમાંથી અમુક સંગઠનો તો લાંબા સમયથી છાવણી નાખીને બેઠેલા છે, પણ જ્યાં સુધી ચૂંટણી નજીક ન હોય કે અન્ય કોઇ રાજકીય ખતરો ન દેખાય ત્યાં સુધી સરકાર એના પર ધ્યાન આપતી નથી. જે સંગઠનો પાસે લાંબો સમય આંદોલન ચલાવવાની શક્તિ કે નાણા ન હોય એ ટકી શકતા નથી. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન અને દેશમાં છેલ્લે રાકેશ ટીકૈતનું કિસાન આંદોલન લાંબો સમય સુધી ચાલી શક્યા, કેમ કે એમના પાસે જરૂરી નાણા અને પીઠબળ હતા.

બેઃ દરેક સરકાર શરૂઆતમાં આંદોલનને તોડીમરોડીને વિખેરી નાખવાના કે આંદોલનકારીઓમાં તડાં પડાવવાના જ પ્રયત્નો કરે છે. કેમ?

રાજકારણમાં જેમ આંદોલનોનું એક મહત્વ હોય છે એમ આંદોલનનું પણ એક રાજકારણ હોય છે. એ લાંબુ ચાલે એમાં વિરોધ પક્ષોને રસ હોય એટલે વિરોધ પક્ષો કાયમ પાછલા બારણેથી આંદોલનની આગમાં પેટ્રોલ છાંટવાનું કામ કરતા જ હોય છે. કોંગ્રેસ કે ભાજપ કોઇ એમાંથી બાકાત નથી. નવી દિલ્હીમાં અણ્ણા હજારે એન્ડ કંપનીના એન્ટી કરપ્શન આંદોલનમાં ભાજપ સમર્થિત સંગઠનોએ પાછલા બારણેથી રામલીલા મેદાનમાં હોળી સળગેલી જ રહે એ માટે પૂરતા પ્રયત્નો કરેલા હોવાનું કહે છે. એની સામે અત્યારે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આંદોલન કરી રહેલાઓની જૂની પેન્શન યોજના સહિતની માગણીઓ સ્વીકારવાની અગાઉથી જાહેરાત કરી દીધી છે.

આંદોલન વધારે મજબૂત બને તો વિરોધ પક્ષો ગેલમાં આવે. સત્તાવિરોધી માહોલ બને. આંદોલનમાંથી જ નવું રાજકીય નેતૃત્વ ઉભું થાય, જે શાસક પક્ષના વિરોધી ચહેરા તરીકે ઊભરી આવે. અરવિંદ કેજરીવાલ, હાર્દિક પટેલ કે ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થવાના કથિત કૌભાંડને ખુલ્લું પાડનાર યુવરાજસિંહ એના તાજાં ઉદાહરણો છે.

એટલે આવું ટાળવા માટે દરેક સરકાર આંદોલનને ઉગ્ર બનતાં પહેલાં જ તોડવાના કે આંદોલનકારીઓમાં તડાં પડાવવાના પેંતરા આદરે છે. કેન્દ્રની યુપીએ સરકારે અણ્ણા હજારેના આંદોલનને તોડવાના તમામ પ્રયત્નો કરેલા. (અડધી રાત્રે બાબા રામદેવ લાઠી-પ્રયોગ સામે મહિલાના વસ્ત્રોમાં ભાગેલા એ યાદ કરો) હાર્દિક પટેલના અનામત આંદોલન સમિતિ-પાસના અમુક આગેવાનો રેશ્મા પટેલ કે વરુણ પટેલ જેવાને ભાજપે કાંઇ પ્રેમથી પક્ષમાં બોલાવ્યા નહોતા. એ આ રણનીતિનો જ ભાગ હતો. જે રીતે શિક્ષક સંઘના આગેવાનો સાથે સરકારના મંત્રીઓએ સમાધાન કરી મીઠાઇ ખવડાવી એમાં કાંઇ શિક્ષક આગેવાનો દિગ્વિજયસિંહ કે ભીખાભાઇ માટે સરકારનો પ્રેમ નથી. આંદોલનકારીઓમાં મતભેદ સર્જાય અને તડાં પડે તો જ આંદોલન નબળું પડે.

ત્રણઃ શા માટે ચૂંટણી પહેલાં જ આંદોલન ઉગ્ર બને છે?

દેખીતું કારણ છે, મતનું રાજકારણ. આંદોલન કરનારાઓ ય સારી રીતે જાણે છે કે સરકારી તિજોરીમાંથી ઘી સીધી આંગળીએ નહીં નીકળે એટલે ચૂંટણી વખતે જ આંગળી ટેડી કરીશું તો જ સરકાર સાંભળશે. દુનિયાની કોઇ સરકારોને ચૂંટણી સિવાય મતદારોની બીક લાગતી નથી. ચૂંટણી નજીક હોય તો સરકાર જોખમ લીધા વિના મોટાભાગે આંદોલનકારીઓની માગણી સ્વીકારવાની જાહેરાત કરીને ઘીના ઠામમાં ઘી પાડવાનો પ્રયત્ન કરે છે.

હા, એ પણ કબૂલ કે દરેક વખતે આંદોલનકારીઓની દરેક માગણી વાજબી જ હોય છે એવું પણ નથી. ખાસ કરીને સરકારી કર્મચારીઓ માગણી કરવામાં જેટલા ફર્મ હોય છે એટલા કમિટેડ ફરજ બજાવવામાં હોતા નથી.

વળી, સરકાર માટે પણ દરેક પ્રકારની માગણી સ્વીકારવાનું શક્ય નથી. ઉદાહરણ તરીકે, ગુજરાત સરકારનું ઢોર નિયંત્રણ વિધેયક અને માલધારી સમાજની માગણીઓ. એક તરફ હાઇકોર્ટનો આદેશ છે (અને ન હોય તો પણ રસ્તા પર ઢોરને રખડતા ન જ મૂકી શકાય. એના પર કાનૂની નિયંત્રણ હોવું જ જોઇએ) તો બીજી તરફ માલધારી સમાજને ચૂંટણી વખતે નારાજ કરવાનું પણ પોસાય એમ નથી. આ સંજોગોમાં સરકાર ન તો સમાજના એક વર્ગ સામે કડક થઇ શકતી કે નથી એ રખડતાં ઢોરની સમસ્યા સામે આંખ આડા કાન કરી શકતી.

વેલ, આ બધાના મૂળમાં સત્તાધીશો અને સમાજના વિવિધ વર્ગો વચ્ચે વધી રહેલો અવિશ્વાસ છે, ખુલ્લામને થવા જોઇતા સંવાદનો અભાવ છે. જ્યાં સુધી એના માટે યોગ્ય મિકેનિઝમ નહીં ગોઠવાય ત્યાં સુધી આવા આંદોલનોનું રાજકારણ અને રાજકારણમાં આંદોલનો ચાલ્યા જ કરવાના!

(લેખક ચિત્રલેખા.કોના એડિટર છે. વિચારો એમના અંગત છે.)     

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]