Home Blog Page 988

ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું વેટિકનમાં નિધન

નવી દિલ્હીઃ ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું નિધન થયું છે. તેઓ 88 વર્ષ હતા. તેમણે તેમના નિવાસસ્થાન કાસા સાન્ટા માર્ટા, વેટિકનમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ ઘણા સમયથી બીમાર હતા.  વેટિકનમાં તેમના નિધનને પગલે નવ દિવસનો શોક જાહેર કર્યો છે.

પોપ ફ્રાન્સિસ લગભગ એક મહિનાની હોસ્પિટલમાં સારવાર પછી 24 માર્ચે તેમના નિવાસસ્થાન, કાસા સાન્ટા માર્ટા પરત ફર્યા. હોસ્પિટલથી પરત ફરતી વખતે તેમણે હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં ઉમટેલા લોકોને આશીર્વાદ આપ્યા હતા. પોપને જાહેરમાં જોઈને લોકો ખૂબ જ ખુશ દેખાતા હતા અને હર્ષોલ્લાસ પણ કર્યો હતો.પોપ ફ્રાન્સિસને 14 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ડબલ ન્યુમોનિયા થયો હતો. હોસ્પિટલમાં ડોકટરોની દેખરેખ હેઠળ તેની સારવાર કરવામાં આવી હતી.

જ્યારે પોપ ફ્રાન્સિસ યુવાન હતા, ત્યારે તેમના એક ફેફસાંને ચેપને લાગ્યો હતો. જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. 2023માં પણ તેમને ફેફસાંના ઈન્ફેક્શનને કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.  પોપ પાસે કુલ 16 મિલિયન ડોલરની નેટવર્થ હતી. પોપ ફ્રાન્સિસ ભારતની મુલાકાતે આવવાના હતા. ગયા વર્ષે ડિસેમ્બરમાં કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયને કહ્યું હતું કે પોપ ફ્રાન્સિસ 2025 પછી ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. કેથોલિક ચર્ચે 2025ને જ્યુબિલી વર્ષ તરીકે જાહેર કર્યું છે. ભારતે પહેલેથી જ પોપ ફ્રાન્સિસને સત્તાવાર રીતે આમંત્રણ આપ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને સીધું આમંત્રણ આપ્યું છે. પોપની તબિયત અને સગવડતા અનુસાર આ સફર નક્કી થવાની હતી. વડા પ્રધાન મોદીએ પણ પોપના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

કેટરિનાની બહેન ઇસાબેલની ડેબ્યૂ ફિલ્મનું ટીઝર રિલીઝ, આ અભિનેતા સાથે જોવા મળશે

એક ફિલ્મી પરિવારની વધુ એક અભિનેત્રી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. અભિનેત્રી કેટરિના કૈફની બહેન ઇસાબેલ કૈફે આખરે બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. ઇસાબેલ અને અભિનેતા પુલકિત સમ્રાટની ફિલ્મ ‘સુસાવાગતમ ખુશામદીદ’નું ટીઝર આજે રિલીઝ થયું છે. આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. જે મે મહિનામાં રિલીઝ થવા જઈ રહી છે.

પ્રેમકહાનીમાં મોટો વળાંક

ટીઝર બતાવે છે કે પુલકિત સમ્રાટ અને ઇસાબેલ કૈફ અભિનીત આ ફિલ્મની વાર્તા બે અલગ અલગ ધર્મો અને અલગ અલગ દેશોના પાત્રોની વાર્તા છે. જેમાં પુલકિત સમ્રાટના પાત્રનું નામ અમન છે જે ભારતનો છે અને ઇસાબેલના પાત્રનું નામ નૂર છે, જે કદાચ પાકિસ્તાનથી આવે છે. ટીઝર પરથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મની વાર્તા આ મુદ્દા પર આગળ વધશે કે બે અલગ અલગ ધર્મોમાંથી આવવા છતાં તેમની પ્રેમકથા કેવી રીતે પૂર્ણ થશે. રિલીઝ થયેલા ટીઝરમાં કોઈ સંવાદ નથી. બંને કલાકારોનો રોમાંસ ફક્ત પૃષ્ઠભૂમિ સંગીત સાથે જ દેખાય છે. આ ફિલ્મ 16 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

 

View this post on Instagram

 

A post shared by Pulkit Samrat (@pulkitsamrat)

પુલકિત સમ્રાટે ટીઝર શેર કર્યું

પુલકિત સમ્રાટે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનું ટીઝર શેર કર્યું છે. આ ટીઝર શેર કરતા પુલકિતે કેપ્શનમાં લખ્યું, “બે આત્મા, બે દેશ, એક પ્રેમકથા. સુસ્વગતમ ખુશામદીદનું ટીઝર રિલીઝ થયું છે.” આ ફિલ્મનું દિગ્દર્શન ધીરજ કુમારે કર્યું છે.

કેટરિના કૈફની બહેન ઈસાબેલ કૈફ ‘સુસાવાગતમ ખુશામદીદ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. જોકે, તેના ડેબ્યૂ અંગે ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી હતી. હવે આખરે તેની પહેલી ફિલ્મ રિલીઝ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ઓક્ટોબરમાં ‘સુસાવાગતમ ખુશામદીદ’નું ટીઝર પણ રિલીઝ થયું હતું. પણ તે પછી, એવું લાગ્યું કે ફિલ્મ પડતી મૂકવામાં આવી છે. જોકે, હવે ફિલ્મનું નવું ટીઝર ફરી રિલીઝ કરવામાં આવ્યું છે. જેના કારણે દર્શકોમાં ફિલ્મ પ્રત્યે ઉત્સાહ વધ્યો છે.

‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી થશે સિંહની વસ્તીગણતરી!

સિંહ, સાવજ, ઊંટિયો વાઘ, બબ્બર શેર, કેસરી, ડાલામત્થો જેવા ઉપનામોથી ઓળખાતા એશિયાઈ સિંહ એ આખા વિશ્વમાં માત્ર ગુજરાતનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. વર્ષ ૧૯૮૦થી ગીર એશિયાઇ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે સુપ્રસિદ્ધ થયું છે. એશિયાઈ સિંહ માત્ર ગુજરાતનું જ નહીં એશિયાનું પણ ગૌરવ છે.

દર પાંચ વર્ષે કરવામાં આવે છે સિંહની વસ્તી ગણતરી

ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે અંતર્ગત એશિયાઈ સિંહનો આગામી ૧૬મો વસ્તી અંદાજ-૨૦૨૫ સંભવિત તા.૧૦ થી ૧૩ મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવશે. જેમાં પ્રાથમિક વસ્તી અંદાજ મે મહિનાની તા.૧૦ થી ૧૧ અને આખરી વસ્તી અંદાજ તા.૧૨ થી ૧૩ મેના રોજ હાથ ધરવામાં આવશે. આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના ૧૧ જિલ્લાના ૫૮ તાલુકાના કુલ ૩૫ હજાર ચો.કિમી. વિસ્તારમાં ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે ગ્રામ્ય કક્ષાએ ઇકો-ડેવલપમેન્ટ કમિટીની સ્થાપના, વન્ય પ્રાણી મિત્ર નક્કી કરવાં, નિયમિત સમયાંતરે નૈસર્ગિક શૈક્ષણિક કેમ્પનું આયોજન, ગીરની વનસ્પતિસૃષ્ટિ તેમજ તૃણાહારી જીવસૃષ્ટિનું નિરીક્ષણ-દેખભાળ તેમજ કૌશલ્યવાન માનવબળ સાથે સ્થાનિક લોકોનો સહકાર લેવો જેવા અવિરત પ્રયાસો કરવામાં આવે છે.

રાજ્યમાં સૌપ્રથમ વર્ષ ૧૯૩૬માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી. અંદાજિત આંકડા મુજબ વર્ષ ૧૯૯૫માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર, માદા, પાઠડા-બચ્ચા એમ મળીને કુલ ૩૦૪ જેટલા સિંહ નોંધાયા હતા. તેવી જ રીતે વર્ષ ૨૦૦૧માં કુલ ૩૨૭, વર્ષ ૨૦૦૫માં કુલ ૩૫૯, વર્ષ ૨૦૧૦માં કુલ ૪૧૧, વર્ષ ૨૦૧૫માં કુલ ૫૨૩ અને છેલ્લે વર્ષ ૨૦૨૦માં કુલ ૬૭૪ જેટલા સિંહોની વસ્તી નોંધાયેલી છે.

ડાયરેક્ટ બીટ વેરીફીકેશન પદ્ધતિ

એશિયાઈ સિંહોની વસ્તી અંદાજ માટે ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ ખુબ ઉપયોગી પદ્ધતિ છે. આ પદ્ધતિથી આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણમાં સરળતાના લીધે લગભગ ૧૦૦ ટકા ચોકસાઈ મળે છે. ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયથી અમલી આ પદ્ધતિ જંગલો, ઘાસના મેદાનો, દરિયાકાંઠાના વિસ્તારો, રેવન્યુ વિસ્તારોમાં અસરકારક અને અનુકૂળ રીતે કામ કરે છે.

સમગ્ર વિસ્તારને રિજિયન, ઝોન, સબ ઝોન જેવા શ્રેણીબદ્ધ એકમોમાં વિભાજીત કરીને રિજિનલ, ઝોનલ અને સબ-ઝોનલ અધિકારીઓ, ગણતરીકારો, મદદનીશ ગણતરીકારો, નિરીક્ષકો સહિત લગભગ ૩,૦૦૦ જેટલા સ્વયંસેવકો દ્વારા સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવશે. તેમને સિંહોની નોંધ અને ચકાસણી કરવા માટે નિયત પત્રકો અને તેમના સોંપાયેલ વિસ્તારોના નકશા આપવામાં આવશે. આ પત્રકોમાં અવલોકનનો સમય, હિલચાલની દિશા, લિંગ, ઉંમર, શરીર પરના કોઈ અન્ય ઓળખ ચિન્હો, જી.પી.એસ. લોકેશન, ગૃપ કંપોઝીશન વગેરે વિગતો નોંધવામાં આવશે.

મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ

સિંહોની વ્યક્તિગત ઓળખ કરવા માટે હાઈ રીઝોલ્યુશન કેમેરા, કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. કેટલાક સિંહોને રેડિયો કોલર પહેરાવવામાં આવ્યા છે, જે તે સિંહ તેમજ તેના ગૃપનુ લોકેશન મેળવવામાં મદદ કરશે. સિંહ અવલોકનના રિયલ ટાઈમ ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થાય તે માટે e-GujForest એપ્લિકેશનનો ઉપયોગ પણ કરવામાં આવશે, જેમાં જી.પી.એસ. લોકેશન અને ફોટાનો સમાવેશ થવાથી ચોકસાઇ અને કાર્યક્ષમતામાં વધારો થશે. આ ઉપરાંત જી.આઇ.એસ. સોફ્ટવેરનો ઉપયોગ સર્વેક્ષણ વિસ્તારોને રેખાંકિત કરવા તથા સિંહોની હિલચાલ, વિતરણ પેટર્ન અને રહેઠાણના ઉપયોગને ટ્રેક કરવા માટે વિગતવાર નકશા વિકસાવવા માટે કરવામાં આવશે.

સુરક્ષા દળોએ બોકારોમાં ઠાર કર્યા આઠ નક્સવાદીઓ

નવી દિલ્હીઃ ઝારખંડના બોકારો જિલ્લામાં સુરક્ષા દળો સાથે અથડામણમાં આઠ નક્સલી ઠાર મારવામાં આવ્યા છે. સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી અત્યાધુનિક હથિયાર પણ જપ્ત કર્યાં છે. આ એન્કાઉન્ટરમાં એક કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતો માઓવાદી વિવેક પણ એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધી આઠ નક્સલીઓના મૃતદેહ મળ્યા છે. હજી અથડામણ ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઝારખંડના બોકારો જિલ્લામાં CRPFના કોબરા કમાન્ડો અને ઝારખંડ પોલીસના જોઇન્ટ ઓપરેશન દરમિયાન નક્સલીઓ સાથે અથડામણમાં આઠ નક્સલી ઠાર કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ અથડામણ જિલ્લામાં લાલપનિયા વિસ્તારના લુગુ હિલ્સમાં સવારે સાડાપાંચ વાગ્યે શરૂ થઇ હતી.

209 કમાન્ડો બટાલિયન ફોર રેજોલ્યૂટ એક્શન (કોબરા)ના જવાનોએ અભિયાન શરૂ કર્યું હતું, જેમાં આઠ નક્સલીઓ ઠાર મારવામાં આવ્યા છે અને બે ઇન્સાસ રાઇફલ, એક ‘સેલ્ફ લોડિંગ રાઇફલ (SLR) અને એક પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અથડામણમાં કોઇ સુરક્ષા કર્મચારીના ઘાયલ થવાના સમાચાર નથી. કમાન્ડો બટાલિયન ફોર રેજોલ્યૂટ એક્શન (કોબરા) CRPFનું એક સ્પેશિયલ યુનિટ છે, જે ગુરિલ્લા અને જંગલ યુદ્ધ, ખાસ કરીને નક્સલી ખતરા સામે લડવા માટે જાણીતી છે.

ગૃહમંત્રી અમિત શાહે તમામ નક્સલીઓને જલદી સરેન્ડર કરવા અને મુખ્ય ધારામાં પરત ફરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર 31 માર્ચ, 2026 પહેલાં દેશને નક્સલવાદથી મુક્ત કરવા માટે કટિબદ્ધ છે.

ફરી ‘મર્દાની’ બનશે રાની મુખર્જી, આ તારીખે રિલીઝ થશે ફિલ્મ મર્દાની 3

અભિનેત્રી રાની મુખર્જીના ચાહકો માટે એક સારા સમાચાર આવ્યા છે. રાની મુખર્જીની ફિલ્મ ‘મર્દાની 3’ વિશે અત્યાર સુધીની સૌથી મોટી માહિતી બહાર આવી છે, જે લાંબા સમયથી ચર્ચામાં છે. નિર્માતાઓએ ‘મર્દાની 3’ માંથી રાની મુખર્જીનો પહેલો લુક અને ફિલ્મની રિલીઝ તારીખ બંને શેર કર્યા છે. જે પછી હવે ચાહકો ફરી એકવાર રાની મુખર્જીને શિવાની શિવાજી રોયના શક્તિશાળી પાત્રમાં જોવા માટે ઉત્સાહિત છે.

નિર્માતાઓએ માહિતી શેર કરી

રાની મુખર્જી ફરી એકવાર હિંમતવાન અને ઉગ્ર પોલીસ અધિકારી શિવાની શિવાજી રોય તરીકે બોક્સ ઓફિસ પર રાજ કરવા માટે તૈયાર છે. આજે, ફિલ્મના નિર્માતાઓએ રાની મુખર્જીની ‘મર્દાની 3’ ના ફર્સ્ટ લુક અને રિલીઝ તારીખ બંનેની જાહેરાત કરી અને તેના વિશેની માહિતી ઇન્સ્ટાગ્રામ પર શેર કરી. ફિલ્મના નિર્માતા યશ રાજ ફિલ્મ્સ દ્વારા શેર કરાયેલા ફર્સ્ટ લુકમાં, રાની મુખર્જી કાળા શર્ટ અને વાદળી જીન્સ પહેરીને હાથમાં બંદૂક સાથે ખૂબ જ તીવ્ર લુકમાં જોવા મળે છે. આ તસવીર શેર કરતાં, YRF એ કેપ્શનમાં લખ્યું, “મર્દાની 3 માટે કાઉન્ટડાઉન શરૂ થાય છે. હોળી પર સારા લોકો અનિષ્ટ સામે લડશે કારણ કે શિવાની શિવાજી રોય 27 ફેબ્રુઆરી, 2026 ના રોજ મોટા પડદા પર પરત ફરશે.” તમને જણાવી દઈએ કે હોળીનો તહેવાર 2026માં 4 માર્ચે ઉજવવામાં આવશે. આ પહેલા, શુક્રવારે એટલે કે 27 ફેબ્રુઆરીએ, રાની મુખર્જી ફરી એકવાર શિવાની શિવાજી રોય તરીકે સિનેમાઘરોમાં પ્રવેશ કરશે.

 

View this post on Instagram

 

A post shared by Yash Raj Films (@yrf)

મર્દાની’ સાત વર્ષ પછી વાપસી કરશે
‘મર્દાની 3’ રાની મુખર્જીની 2014માં આવેલી ફિલ્મ ‘મર્દાની’નો ત્રીજો ભાગ છે. અગાઉ 2019 માં, ‘મર્દાની 2’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. અગાઉની બંને ફિલ્મોને દર્શકો અને વિવેચકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો અને આ ફિલ્મોને પણ બોક્સ ઓફિસ પર સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. હવે નિર્માતાઓ ફરી એકવાર ‘મર્દાની 3’ પાસેથી પણ એવી જ અપેક્ષા રાખી રહ્યા છે.

સુરત જતી ટ્રાવેલ્સનું સિદ્ધપુર નજીક અકસ્માત, 2ના મોત, 17 ઇજાગ્રસ્ત

સુરત: ગુજરાતમાં દિવસે-દિવસે અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે ફરી એક વખત રવિવારે મોડી રાત્રે રાજસ્થાનથી સુરત જતી ખાનગી બસનો  ગમખ્વાર અકસ્માત થયો હતો. સુરત જતી ખાનગી ટ્રાવેલ્સ બસ સિદ્ધપુરના મક્તુપુર નજીક ટ્રેલર પાછળ ઘૂસી જતા બેના મોત નીપજ્યા છે, તો 17 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતાં એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર, રવિવારે મોડી રાત્રે મહેસાણા-ઉંઝા હાઇવે પર સિદ્ધપુરના મક્તુપુર નજીક ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના બોલતરાથી સુરત તરફ જઇ રહેલી ટ્રાવેલ્સ બસ ટ્રેલર પાછળ ઘૂસી જતા બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 17 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ઇજાગ્રસ્તોને મહેસાણા, ઊંઝા અને ધારપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત મૃત્યું પામેલા લોકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

આપ પાર્ટી MCD મેયર ચૂંટણી નહીં લડેઃ આતિશી

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીએ દિલ્હી મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. મેયરની ચૂંટણી 25 એપ્રિલે યોજાવાની છે અને નામાંકન દાખલ કરવાનો આજે છેલ્લો દિવસ છે. પાર્ટીએ દિલ્હીમાં મેયરની ચૂંટણીમાં  ઉમેદવાર નહીં ઉતારવાનો નિર્ણય લીધો છે.

દિલ્હીના ભૂતપૂર્વ CM આતિશીએ કહ્યું હતું કે MCDમાં હવે ભાજપ પાસે બહુમત છે અને માટે તેમની પાર્ટી ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું હતું કે મેયરની ચૂંટણી લડવા અને જીતવા માટે અમારી પાસે પણ કોર્પોરેટર ખરીદવા-તોડવા અને વેચવા સિવાય કોઇ રસ્તો નથી અને અમે આવું કરવા માગતા નથી. અમે ઇચ્છીએ છીએ કે ભાજપ MCDમાં પણ પોતાની સરકાર બનાવે. કેન્દ્ર અને રાજ્યમાં પણ તેમની સરકાર છે, તેમને ટ્રિપલ સરકાર ચલાવવાની તક મળી રહી છે.

AAP વિપક્ષની ભૂમિકામાં

તેમણે કહ્યું હતું  કે હવે તેમની જવાબદારી બને છે કે પછી સુરક્ષા-વ્યવસ્થા હોય, વીજળી-પાણી, સ્કૂલ-હોસ્પિટલ, સાફસફાઈ હોય, હવે દિલ્હીના લોકોને કરેલાં પોતાનાં વચન પૂરાં કરે. અમે કેટલાક દિવસથી જોઇ રહ્યાં છીએ કે MCDનાં બહાનાં બનાવવામાં આવી રહ્યાં છે. પર્યાવરણ મંત્રી કહે છે કે પ્રદૂષણ એટલા માટે વધી રહ્યું છે કારણ કે MCD જાણીજોઇને કચરો સળગાવે છે. હવે ભાજપ પાસે કોઇ બહાનું નથી. હવે તેમની જવાબદારી છે કે વચન પૂરાં કરે. હવે તેમની પાસે ટ્રિપલ એન્જિનની સરકાર ચલાવવાની તક છે. આમ આદમી પાર્ટી વિધાનસભાની જેમ MCDમાં પણ મજબૂત વિપક્ષની ભૂમિકા નિભાવશે.

તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપ અઢી વર્ષમાં એક પછી એક AAPના કોર્પોરેટરોને ડરાવી-ધમકાવી અને લાલચ આપીને તોડીને લઇ ગઇ છે. ભાજપ હવે MCDના હાઉસમાં બહુમતમાં છે માટે આમ આદમી પાર્ટી મેયરની ચૂંટણી નહીં લડે. સૌરભ ભારદ્વાજને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે હવે તેમની પાસે કેટલા કોર્પોરેટર છે તો તેમણે કોઇ આંકડો જણાવ્યો નહોતો અને કહ્યું હતું કે ભાજપ કોઇ કોર્પોરેટરને તોડીને લઇ જાય છે અને પછી અમે વાત કરીએ ત્યારે તે પરત આવી જાય છે અને ફરી તોડીને લઇ જાય છે. સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે ભાજપને એક વખત ચલાવી લેવા દો જોઇએ કે તે શું કરી શકે છે.

VIDEO: દીકરીના લગ્નમાં ઝૂમ્યા કેજરીવાલ, રાઘવ ચઢ્ઢાએ પણ કર્યો ડાન્સ

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પુત્રીના લગ્ન સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. કેજરીવાલની પુત્રી હર્ષિતા કેજરીવાલે ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા છે. હર્ષિતાએ તેના કોલેજના મિત્ર સંભવ જૈન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું અને બંનેએ સાથે સાત ફેરા લઈને પોતાના સંબંધને નામ આપ્યું.દીકરીના લગ્નમાં અરવિંદ કેજરીવાલ ખુશીમાં ઝૂમતાં જોવા મળ્યા હતાં.


હર્ષિતા અને સંભવની મુલાકાત IIT દિલ્હીમાં અભ્યાસ કરતી વખતે થઈ હતી. બંનેના લગ્નના ફોટા ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યા છે. આ તસવીરો અને વીડિયોમાં અરવિંદ કેજરીવાલ, સુનિતા કેજરીવાલ અને ભગવંત માન સાથે ડાન્સ કરતા જોવા મળે છે. હવે આ લગ્નની બીજી ઝલક સામે આવી છે. તેમાં રાઘવ ચઢ્ઢા પણ જોવા મળે છે. .

કેજરીવાલની દીકરીના લગ્નમાં રાઘવ ચઢ્ઢાનો ડાન્સ
જે વીડિયો સામે આવ્યો છે તેમાં રાઘવ ચઢ્ઢા, મીકા સિંહ, અરવિંદ કેજરીવાલ, સુનિતા કેજરીવાલ, ભગવંત માન, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને અન્ય ઘણા લોકો સ્ટેજ પર સાથે જોવા મળી રહ્યા છે. આ દરમિયાન મીકા એક પંજાબી ગીત ગાઈ રહ્યા છે. આ ગીત પર બધા નાચતા જોવા મળે છે. અરવિંદ કેજરીવાલ અને સુનિતા સાથે, રાઘવ ચઢ્ઢા પણ આ ગીત પર નાચતા જોઈ શકાય છે. મીકા સિંહની બાજુમાં ઉભેલા રાઘવ ચઢ્ઢા ઉત્સાહથી ભરેલા દેખાઈ રહ્યા છે.

આ વીડિયો જોયા પછી લોકો પણ ઉત્સાહમાં આવી ગયા. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા પછી વિવિધ પ્રતિક્રિયાઓ આવી. આ વીડિયો જોયા પછી એક વ્યક્તિએ લખ્યું, ‘મીકા એક સામાન્ય માણસના લગ્નમાં ગાવા આવ્યો છે.’ બીજા એક વ્યક્તિએ લખ્યું, ‘રાઘવ ભાઈ ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે.’ જ્યારે બીજા એક વ્યક્તિએ લખ્યું, ‘રાઘવ ઘરના પ્રસંગમાં નાચી રહ્યો છે.’ બીજા એક વ્યક્તિએ લખ્યું, ‘કેજરીવાલ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘ઓહ ભાંગડા તુન સજદા ડાન્સ કેજરીવાલ.’

આ અફવા ફેલાઈ હતી
તમને જણાવી દઈએ કે, થોડા વર્ષો પહેલા એવી અફવાઓ હતી કે રાઘવ ચઢ્ઢા અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા કેજરીવાલ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે, પરંતુ આ વાતો માત્ર અફવાઓ જ સાબિત થઈ. બંને વચ્ચે ઉંમરનો મોટો તફાવત હતો અને લોકોએ પાછળથી તેને માત્ર જૂઠાણું જાહેર કર્યું. આ મામલો પ્રકાશમાં આવ્યાના એક વર્ષ પછી, રાઘવ ચઢ્ઢાએ પરિણીતી ચોપરા સાથે લગ્ન કર્યા. બંનેના લગ્ન ઉદયપુરમાં થયા હતા અને આ વાતની ખૂબ ચર્ચા પણ થઈ હતી. હવે આ લગ્નના લગભગ દોઢ વર્ષ પછી, હર્ષિતાએ પણ તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે.

BCCIનો વાર્ષિક કોન્ટ્રાક્ટ જાહેરઃ જાણો, ક્યા ખેલાડીને મળ્યું A+ કેટેગરીમાં સ્થાન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 2024-25 સીઝન (1 ઓક્ટોબર 2024થી 30 સપ્ટેમ્બર 2025) માટે ટીમ ઈન્ડિયાના વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. આ કોન્ટ્રાક્ટમાં 34 ખેલાડીઓને A+, A, B અને C કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. A+ કેટેગરીના ખેલાડીઓને વાર્ષિક 7 કરોડ રૂપિયા, A કેટેગરીને 5 કરોડ, B કેટેગરીને 3 કરોડ અને C કેટેગરીને 1 કરોડ રૂપિયા સેલેરી આપવામાં આવશે.

A+ કેટેગરી

રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને A+ કેટેગરીમાં સ્થાન મળ્યું છે, જે ટોચની કેટેગરી છે. આ ખેલાડીઓની ટી-20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્તિ છતાં તેમનું સ્થાન જળવાયું છે.

A કેટેગરી

A કેટેગરીમાં શુભમન ગિલ, મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી અને ઋષભ પંતનો સમાવેશ થાય છે. ઋષભ પંતને 2023-24માં B કેટેગરીમાંથી પ્રમોશન આપવામાં આવ્યું છે, જે તેમની ઈજામાંથી શાનદાર વાપસી દર્શાવે છે.

B કેટેગરી

B કેટેગરીમાં સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, યશસ્વી જયસ્વાલ અને શ્રેયસ અય્યરનો સમાવેશ છે. શ્રેયસ અય્યરની વાપસી નોંધપાત્ર છે, કારણ કે તેમને અગાઉ 2023-24માં રણજી ટ્રોફીમાં ભાગ ન લેવા બદલ કોન્ટ્રાક્ટમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા.

C કેટેગરી

C કેટેગરીમાં 19 ખેલાડીઓ સામેલ છે, જેમાં રિંકુ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, રજત પાટિદાર, ધ્રુવ જુરેલ, સરફરાજ ખાન, નીતિશ કુમાર રેડ્ડી, ઈશાન કિશન, અભિષેક શર્મા, આકાશદીપ, વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણાનો સમાવેશ થાય છે. ઈશાન કિશનની પણ વાપસી થઈ છે, જે અગાઉ ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ ન લેવા બદલ બાકાત રાખવામાં આવ્યા હતા. નવા ચહેરાઓમાં નીતિશ કુમાર રેડ્ડી, અભિષેક શર્મા, આકાશદીપ, વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણાને પ્રથમ વખત કોન્ટ્રાક્ટ મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે શ્રેયસ અય્યર અને ઈશાન કિશનની વાપસી ચર્ચાનો વિષય છે, કારણ કે તેમને 2023-24માં ડોમેસ્ટિક ક્રિકેટ પ્રત્યે ઉદાસીનતા બદલ સજા થઈ હતી. રવિચંદ્રન અશ્વિનની નિવૃત્તિ બાદ ઋષભ પંતને A કેટેગરીમાં પ્રમોશન મળ્યું છે. શાર્દુલ ઠાકુર, કેએસ ભરત, અવેશ ખાન અને જીતેશ શર્માને આ વખતે કોન્ટ્રાક્ટમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.જ્યારે ગ્રેડ Cમાં ટી-20 નિષ્ણાતો અને યુવા ખેલાડીઓ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે, જે ભારતની ટી-20 ટીમની ભાવિ યોજનાઓ દર્શાવે છે.

ખેલાડીઓએ ઓછામાં ઓછા 3 ટેસ્ટ, 8 વન-ડે અથવા 10 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમવી જરૂરી છે, જેથી તેઓ આપોઆપ C કેટેગરીમાં સામેલ થઈ શકે. BCCIના આ કોન્ટ્રાક્ટ ખેલાડીઓની કામગીરી, સાતત્ય અને ટીમમાં યોગદાનના આધારે આપવામાં આવ્યા છે, જે ભારતીય ક્રિકેટના મજબૂત ભવિષ્યનો સંકેત આપે છે.

ટીવી અભિનેતાને મળી જાનથી મારી નાખવાની ધમકી, લોરેન્સ બિશ્નોઈનું નામ લીધું

ટેલિવિઝન અભિનેતા અભિનવ શુક્લાને ઇન્સ્ટાગ્રામ પર લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય હોવાનો દાવો કરતા એક વ્યક્તિ તરફથી ધમકીભર્યો સંદેશ મળ્યો. આ પહેલા પણ આ ગેંગના લોકોનું બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટનામાં નામ આવ્યું હતું. હવે અભિનવ શુક્લાનો જીવ પણ જોખમમાં છે. ફિટનેસ શો ‘બેટલગ્રાઉન્ડ’માં રેપર આસીમ રિયાઝ સાથેના ઝઘડા બાદ ચાલી રહેલા વિવાદ વચ્ચે બિગ બોસ 14ની વિજેતા રૂબીના દિલૈકને આ ધમકી મળી હતી. આ વાતનો પુરાવો ખુદ અભિનેતાએ પોતાના સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો સાથે શેર કર્યો છે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી અભિનેતાને મળી ધમકી
અભિનવ શુક્લાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરાયેલા ફોટા અને ક્લિપ્સ અનુસાર, ધમકીઓ સીધી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મોકલવામાં આવી હતી, જેમાં તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. અંકુશ ગુપ્તા નામના સોશિયલ મીડિયા યુઝરે તેમને ધમકીભર્યો સંદેશ મોકલ્યો હતો. આ ધમકીભર્યા સંદેશમાં લખ્યું હતું કે,’હું લોરેન્સ બિશ્નોઈની ગેંગમાંથી છું. હું તમારા ઘરને જાણું છું. જેમ સલમાન ખાનને ગોળી મારવામાં આવી હતી, તેમ હું તમારા ઘરે આવીને તમને AK-47 થી ગોળી મારીશ. આ સંદેશે વધુ ગંભીર વળાંક લીધો કારણ કે મોકલનાર વ્યક્તિએ ફક્ત અભિનેતાને જ નહીં પરંતુ તેના પરિવાર અને સુરક્ષા સ્ટાફને પણ ધમકી આપી હતી. તેમાં આગળ લખ્યું છે, આને મારી છેલ્લી ચેતવણી માનો. જો આસીમ વિશે કંઈ પણ કહેશો તો… લોરેન્સ બિશ્નોઈ આસીમના સમર્થનમાં છે.

રૂબીના દિલાઈક-આસિમ રિયાઝ વિવાદ
17 એપ્રિલના રોજ ‘બેટલગ્રાઉન્ડ’માં થયેલી અથડામણ પછી રૂબીના દિલૈકે કંઈ પણ બોલ્યા વિના શો છોડી દીધો. વાસ્તવમાં, આસિમે રૂબીના દિલૈકના કામ વિશે વાત કરતી વખતે તેનું અપમાન કર્યું હતું અને શિખર ધવનના કહેવા છતાં પણ તેણે માફી માંગી ન હતી. મામલો ગરમાતા જ પોતાની પત્નીના સમર્થનમાં અભિનવ શુક્લાએ સોશિયલ મીડિયા પર આસીમ રિયાઝ પર આરોપ લગાવ્યો હતો કે તે પોતાનું શરીર બનાવવા માટે સ્ટીરોઈડ ઈન્જેક્શનનો ઉપયોગ કરે છે. અભિનેતાએ લખ્યું, ‘સ્ટીરોઈડ ઈન્જેક્શનથી શરીર બનાવવું પૂરતું નથી, મગજ હોવું પણ મહત્વપૂર્ણ છે.