પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ ચરમસીમાએ છે. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે દાવો કર્યો છે કે તેઓ નિષ્પક્ષ તપાસ માટે તૈયાર છે. પાકિસ્તાન મિલિટરી એકેડેમીની પરેડમાં બોલતા શરીફે ભારત પર પાકિસ્તાનને બદનામ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે જણાવ્યું કે ભારત પુરાવા વિના ખોટા આક્ષેપો કરી રહ્યું છે, જે બંધ થવું જોઈએ. શરીફે ઉમેર્યું કે પાકિસ્તાન શાંતિ ઇચ્છે છે, પરંતુ તેની સાર્વભૌમત્વ અને સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં કરે.
શરીફે સિંધુ નદીના પાણીનો મુદ્દો ઉઠાવતા ચેતવણી આપી કે જો ભારતે પાણી ઘટાડવાનો કે રોકવાનો પ્રયાસ કર્યો તો પાકિસ્તાન સંપૂર્ણ તાકાતથી જવાબ આપશે. તેમણે કહ્યું કે પાણી પાકિસ્તાનના 24 કરોડ લોકોના જીવનનો આધાર છે. ભારતે તાજેતરમાં પહેલગામ હુમલા બાદ સિંધુ જળ સંધિ રદ કરવાની જાહેરાત કરી છે, જેને પાકિસ્તાને ‘યુદ્ધ સમાન’ ગણાવ્યું.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોએ ભારત વિરુદ્ધ આકરા શબ્દોમાં હુમલો કર્યો. એક જાહેરસભામાં તેમણે કહ્યું કે સિંધુ નદી પાકિસ્તાનની છે અને રહેશે. ભુટ્ટોએ ભારતના આરોપોને ખોટા ગણાવી, પાકિસ્તાની સેનાની બહાદુરીની પ્રશંસા કરી. શરીફે કાશ્મીર મુદ્દે પણ ઝીણાના નિવેદનને ટાંકી કાશ્મીરીઓના અધિકારોનું સમર્થન કર્યું. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, કાં તો આપણું પાણી સિંધુ નદીમાં વહેશે અથવા તેમનું લોહી વહેશે. સિંધુ નદી આપણી છે અને આપણી જ રહેશે. ભુટ્ટોએ કહ્યું હતું કે સિંધુ જળ સંધિ એક જ વારમાં તોડી નાખવી શક્ય નથી. હજારો વર્ષોથી અમે જ આ નદીના વારસદાર છીએ. ભારતે 23 એપ્રિલે સિંધુ જળ સંધિ સ્થગિત કરવાનો નિર્ણય લીધો, જેના પર કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે કહ્યું કે પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે. આ નિર્ણયથી બંને દેશો વચ્ચે તણાવ વધવાની શક્યતા છે.
નિર્દેશક મનોજકુમારને ફિલ્મ ‘પૂરબ ઔર પશ્ચિમ’ (1970) બનાવવાનો વિચાર પોતાના જીવનની ઘટનાઓથી આવ્યો હતો. તે લાહોરથી દિલ્હી આવ્યા ત્યારે એમને લાહોરની યાદ સતાવતી હતી. પછી જ્યારે મુંબઇ આવ્યા ત્યારે દિલ્હીની યાદ સતાવવા લાગી હતી. ત્યારે વિચાર આવ્યો કે જે લોકો વિદેશ ભણવા માટે જાય છે અને ત્યાં જ વસી જાય છે ત્યારે એમને ભારતની કેટલી યાદ આવતી હશે? જ્યારે મનોજકુમારે પત્ની શશીને આ જણાવ્યું ત્યારે એમણે કહ્યું કે આ વિચાર પર ફિલ્મ બનાવવી જોઈએ.
મનોજકુમારે ‘પૂરબ ઔર પશ્ચિમ’ નું આયોજન કર્યું હતું. એમણે ફિલ્મના ક્રેડિટમાં વાર્તા માટે પત્ની શશી ગોસ્વામીનું નામ આપ્યું. પહેલાં ફિલ્મનું નામ ‘હરે રામા હરે ક્રિષ્ના’ રાખવામાં આવ્યું હતું. પરંતુ એમને થતું હતું કે બીજું કોઈ ટાઇટલ હોવું જોઈએ. દરમ્યાનમાં દેવ આનંદ એક ફિલ્મ બનાવવા માગતા હતા અને એ માટે આ શિર્ષકની જરૂર હતી. એમણે મનોજકુમાર પાસે શિર્ષક માગ્યું એટલે એમણે ખુશીથી આપી દીધું હતું. પછી ‘પૂરબ ઔર પશ્ચિમ’ નામ રાખ્યું હતું.
મનોજકુમારે ફિલ્મની વાર્તા અને એના શિર્ષકને ટાઇટલ્સથી અને પોતાની સૂઝબૂઝથી સાકાર કર્યા હતા. ફિલ્મની શરૂઆતનો ભાગ જે આઝાદી પહેલાનો હતો એને શ્વેત-શ્યામ ફિલ્માવ્યો હતો. નામ પણ એકસાથે બતાવ્યું નથી. લગભગ 17 મિનિટ પછી શ્વેત-શ્યામ ભાગ પૂરો થાય છે અને આઝાદીનો સમય શરૂ થાય છે ત્યારે પિકચર રંગીન બતાવ્યું અને માત્ર ‘પૂરબ’ લખાવ્યું. ફિલ્મની 35 મિનિટ પછી મનોજકુમાર વિદેશ પહોંચીને જ્યારે સાયરા બાનુને સિગારેટ પીતા જુએ છે ત્યારે ‘ઔર પશ્ચિમ’ શબ્દ લખાવ્યો હતો. અને પશ્ચિમના દ્રશ્યો બતાવ્યા હતા. ફિલ્મના સંગીતકાર કલ્યાણજી- આણંદજી હતા. એમાં એક જ ગીત સંતોષ આનંદનું છે.
અસલમાં મનોજકુમાર એક કવિ સંમેલનમાં ગયા હતા અને સંતોષની રચનાઓ સાંભળી ફિલ્મનું ગીત-સંગીતનું કાર્ય પૂર્ણ થઈ ગયું હોવા છતાં એક ગીત ‘પૂરવા સુહાની આઈ રે’ લખાવ્યું હતું અને પડદા પર ‘નવા ગીતકાર’ તરીકે નામ આપ્યું હતું. સામાન્ય રીતે અભિનયમાં પહેલી વખત આવનાર માટે ‘ઇન્ટ્રોડ્યુસીંગ’ શબ્દ વપરાતો હતો. ફિલ્મ જગતમાં પહેલી વખત કોઈ ગીતકારને એની પહેલી ફિલ્મ માટે આવું સન્માન મળ્યું હતું. ગીતકાર સંતોષ આનંદે એક મુલાકાતમાં કહ્યું છે કે ‘પૂરબ ઔર પશ્ચિમ’ પછી સતત બાર વર્ષ સુધી માત્ર મનોજકુમાર સાથે જ કામ કર્યું હતું. સંતોષને એમનો પહેલો ફિલ્મફેર એવોર્ડ મનોજકુમારની ‘રોટી કપડા ઔર મકાન’ ના ‘મૈં ના ભૂલૂંગા’ ગીત માટે મળ્યો હતો.
અમદાવાદઃ શહેરમાં SG હાઈવે પર આવેલી 12 દુકાનોને તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવી છે. કર્ણાવતી ક્લબ સામે SG હાઈવે પર આવેલ ઇસ્કોન ગાંઠિયા, કર્ણાવતી સ્નેકસ, રજવાડી ચા, ગાત્રાળ ટી સ્ટોલ અને ગજાનંદ પૌંઆ હાઉસ સહિત 12 દુકાનોને પશ્ચિમ ઝોન એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા સીલ કરવામાં આવી છે. આ દુકાનોના આગળ ગ્રાહકો પાર્કિગ કરતાં હોવાથી જાહેર જનતાને અવરજવર માટે અડચણ થઈ રહી હતી.
પશ્ચિમ ઝોન એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા આ દુકાનાનો માલિકોને નોટિસ પણ આપવામાં આવી હતી. અહીં દુકાને આવતા મુલાકાતીઓ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવા માટે લેખિતમાં અને મૌખિક વારંવાર સૂચનાઓ આપવામાં આવી હતી, તેમ છતાં વાહનોના પાર્કિંગ માટે દુકાનમાલિકો દ્વારા આપેલી બાંયધરી મુજબ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. જેથી વાહનોને ટ્રાફિકમાં સરળતા રહે તે હેતુસર અહીંની કુલ 12 દુકાનોને સીલ કરવામાં આવી છે. પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી, પરંતુ માલિકોએ નોટિસ પર ખાસ ધ્યાન આપ્યું નહોતું જેના કારણે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
કોર્પોરેશને સીલ કરેલી દુકાનોમાં કોઈએ પ્રવેશ કરવો કરવો નહીં તેવું ચોખ્ખા શબ્દોમાં લખવામાં આવ્યું છે. જોકે આ હુકમની અવગણના કરવામાં આવશે તો તેની જવાબદારી જેતે માલિકની રહેશે અને તેની સામે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 પ્રમાણે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. તેનો અર્થ એ છે કે જો દુકાનો ફરી ચાલુ કરવી હોય તો પહેલા પાર્કિંગ માટે વ્યવસ્થા કરવાની રહેશે.
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ની બસોમાં મુસાફરી દરમિયાન કોઈ સમસ્યા આવે તો હવે મુસાફરો આંગળીના ટેરવે ફરિયાદ નોંધાવી શકે છે. AMTSએ મુસાફરોની ફરિયાદો ઝડપથી નોંધવા અને નિરાકરણ લાવવા માટે બે વ્હોટ્સએપ નંબર—8511171941 અને 8511165179—જાહેર કર્યા છે. આ નંબરો પર મુસાફરો ફોટો અને વીડિયો મોકલીને ફરિયાદ કરી શકે છે, જેના આધારે તંત્ર તાત્કાલિક તપાસ કરી જવાબદાર વ્યક્તિ કે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરશે.
મુસાફરો ડ્રાઇવરના ઓવરસ્પીડ બસ ચલાવવા, બસ સ્ટેન્ડ પર ન ઉભી રાખવી, મુસાફરો સાથે ઉદ્ધત વર્તન, બસમાં ગંદકી, ખરાબ હાલત કે અન્ય ખામીઓ અંગે ફરિયાદ નોંધાવી શકે છે. દરરોજ લગભગ એક લાખથી વધુ મુસાફરો AMTS બસોમાં મુસાફરી કરે છે. આવા મુસાફરોને સુરક્ષિત, આરામદાયક અને ઉત્તમ પરિવહન સેવા મળે તે માટે આ પહેલ શરૂ કરાઈ છે.
AMTS કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈએ જણાવ્યું કે, અગાઉ મુસાફરો ટેલિફોનિક ફરિયાદ નોંધાવતા હતા, જેની તપાસ પછીના દિવસે થતી હતી. હવે વ્હોટ્સએપ પર ફોટો અને વીડિયો આધારિત ફરિયાદથી તાત્કાલિક તપાસ શક્ય બનશે. ઉદાહરણ તરીકે, જો ડ્રાઇવર બસ સ્ટેન્ડ પર ઉભી ન રાખે કે વધુ ઝડપે ચલાવે, તો મુસાફરો તુરંત વીડિયો મોકલી શકે છે, જેના પર ત્વરિત કાર્યવાહી થશે. વ્હોટ્સએપ ઉપરાંત, મુસાફરો ટોલ-ફ્રી નંબર 18002330881 પર પણ ફરિયાદ નોંધાવી શકે છે. આ પગલાંથી AMTSની સેવાઓને વધુ કાર્યક્ષમ અને મુસાફરોની સુવિધા માટે અનુકૂળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે સમગ્ર દેશના લોકો ગુસ્સા અને પીડામાંથી પસાર થઈ રહ્યા છે. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. આ જઘન્ય ઘટનાએ દેશવાસીઓની સાથે સાથે ફિલ્મી હસ્તીઓને પણ આઘાત આપ્યો છે. ઘણા બોલિવૂડ કલાકારોએ આ આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે. ત્યારે સુપરસ્ટાર રજનીકાંતે પણ પહેલગામ આતંકવાદી હુમલા પર પ્રતિક્રિયા આપી અને હુમલા પર ગુસ્સો વ્યક્ત કર્યો. ‘જેલર 2’નું શૂટિંગ શેડ્યૂલ પૂર્ણ કર્યા પછી રજનીકાંત ચેન્નાઈ એરપોર્ટ પર પહોંચ્યા, જ્યાં તેમણે મીડિયા સાથે વાત કરી અને આ હુમલાને કાશ્મીરમાં શાંતિ ભંગ કરવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ ગણાવ્યો.
પહેલગામ હુમલા પર રજનીકાંતે શું કહ્યું?
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરતા તેમણે કહ્યું,’દુશ્મન જાણી જોઈને કાશ્મીરમાં શાંતિપૂર્ણ વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. કેન્દ્ર સરકારે ગુનેગારોને શોધી કાઢવું જોઈએ અને એવી કડક કાર્યવાહી કરવી જોઈએ જે કલ્પના બહારની હોય. પહેલગામ આતંકવાદી હુમલા પર રજનીકાંતની આ પ્રતિક્રિયા સુરેશ બાલાજી નામના યુઝરે X (અગાઉ ટ્વિટર) પર શેર કરી હતી.
સરકારે કડક જવાબ આપવો જોઈએ
સુરેશ બાલાજી, જે પોતાને રજનીકાંતના ચાહક કહે છે, તેમણે સુપરસ્ટારનો આ વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું,’થલાઈવા રજનીકાંત ચેન્નાઈ પહોંચ્યા પછી એક પ્રેસ મીટ યોજી અને પહેલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરી.’ તેમણે કહ્યું કે કાશ્મીરની શાંતિ જાણી જોઈને ખલેલ પહોંચાડવામાં આવી રહી છે. સરકારે એવો કડક જવાબ આપવો જોઈએ કે કોઈ આતંકવાદી ભારત પર હુમલો કરવાનું વિચારી પણ ન શકે.’
બોલિવૂડ સેલેબ્સે પણ નારાજગી વ્યક્ત કરી
તમને જણાવી દઈએ કે, બોલિવૂડની ઘણી અન્ય હસ્તીઓએ પણ પહેલગામ આતંકવાદી હુમલા પર પ્રતિક્રિયા આપી છે અને તેને ‘કાયર’ કૃત્ય ગણાવ્યું છે. બોલિવૂડના ત્રણેય ખાન, આમિર ખાન, શાહરૂખ ખાન અને સલમાન ખાને સોશિયલ મીડિયા દ્વારા આ જીવલેણ હુમલા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો અને હુમલાની કડક નિંદા કરી. આતંકવાદી હુમલા પછીની પોતાની પહેલી ટિપ્પણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન અને વિશ્વને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ભારત ‘દરેક આતંકવાદી, તેમના હેન્ડલર અને સમર્થકોને શોધી કાઢશે અને તેમને કડક સજા કરશે.’
દેવબંદઃ મુઝફ્ફરનગર-સહારનપુરના હાઇવે પાસે એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ થયો છે, જેમાં આખું બિલ્ડિંગ ધ્વસ્ત થયું હતું. આ ધડાકા સમયે ફેક્ટરની અંદર અનેક શ્રમિકો કામ કરી રહ્યા હતા. આ વિસ્ફોટ એટલો મોટો હતો કે આસપાસના ગામમાં એનો અવાજ સંભળાયો હતો. આ ધડાકામાં આ શ્રમિકોનાં ચીથરાં ઊડી ગયા હોવાની આશંકા છે. આ દુર્ઘટનાથી રોષે ભરાયેલા ગ્રામીણોએ હાઇવે પર જામ કરી દીધો હતો. DM મનીષ બંસલ અને SSP રોહિત સિંહ સજવાણ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
નિહાલ ખેડી ગામમાં ફટકડાની ફેક્ટરીમાં શનિવારે સવારે અચાનક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જેનો અવાજ બે કિમી દૂર સુધી સંભળાયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. આ દુર્ઘટનામાં ભોગ બનનારાના પરિવારજનોએ ભારે રોષ વ્યક્ત કરતાં રસ્તા પર દેખાવો કર્યા હતા. તેમણે આરોપ મૂક્યો હતો કે આ ફેક્ટરી ગેરકાયદે ચાલી રહી હતી.
આ દુર્ઘટના સમયે ફેક્ટરીમાં આશરે નવ લોકો કામ કરી રહ્યા હતા. આ દુર્ધટના સ્થળે માનવ શરીરનાં ચીથરાં જોવા મળ્યાં છે. ઘણાના હાથ-પગ છૂટા પડી ગયા છે. અમુક લોકો ફેક્ટરીના બિલ્ડિંગના કાટમાળ નીચે દબાયા હોવાની પણ આશંકા છે. આ દુર્ઘટના એટલી ભીષણ હતી કે અમુક લોકોના શરીરના ટુકડાં આશરે 200 મીટર દૂર સુધી જોવા મળ્યા હતા. ફોરેન્સિક ટીમ અને પોલીસ પહોંચી ચૂકી છે. ફેક્ટરીના માલિક સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ભારતમાં શૅરબજારની ગાથા 1869માં અમેરિકાના ગૃહયુદ્ધ દરમિયાન શરૂ થઈ. આ એ સમય હતો, જ્યારે સુએઝ નહેર ખુલ્લી મૂકવામાં આવી અને ભારતમાંથી અમેરિકા ખાતે મોટા પ્રમાણમાં નિકાસ શરૂ થઈ. એ સમયે ભારતમાં અનેક કંપનીની સ્થાપના થઈ, જેમાં વિશેષત: બૅન્કિંગ, રેલવે અને કપાસનું કામકાજ કરતી કંપનીઓ હતી. 1874માં મુંબઈમાં કૉટન એક્સચેન્જની સ્થાપના થઈ અને એના એક વર્ષ બાદ, 1875માં સ્ટૉક એક્સચેન્જ શરૂ થયું.
હોર્નિમલ સર્કલના ઘેઘૂર વડલાઓ નીચે શરૂ થયેલી શૅરની સોદાબાજી આગળ જતાં ‘ધ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ’ની સીમાચિહ્નરૂપ ઈમારતમાં થવા માંડી
રસપ્રદ વાત એ કે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)ની સ્થાપના મુંબઈમાં હોર્નિમન સર્કલ વિસ્તારમાં એક વડના ઝાડ નીચે થઈ. આનું કારણ ઉનાળાની કાળઝાળ ગરમી હતી. શૅરદલાલોને છાંયડામાં લે-વેચ કરવી સુલભ બને. એ વખતે ઈમારતો સરળતાથી ઉપલબ્ધ નહોતી… એટલે વડલો બન્યો રિંગ. જૂનું સ્ટૉક એક્સચેન્જ હાલની રોટુન્ડા ઈમારતના સ્થાને હતું. જૂની ઈમારતમાં એક રિંગ અને પરિઘ પર ફરતું પ્લૅટફૉર્મ હતું. જૉબર્સ પ્લૅટફૉર્મ પર ઊભા રહેતા. બસ અથવા લોકલ ટ્રેનોમાં આંચકાથી બચવા હૅન્ડલ હોય એવા ચામડાનાં હોલ્ડર પ્લૅટફૉર્મ પર હતાં. શૅરદલાલો એક હાથે એ હોલ્ડર ઝાલી બીજા હાથે કાગળ પર સોદા લખતા, જેથી સોદા લખવાના ઉત્સાહમાં પ્લૅટફૉર્મ પરથી ગબડી ન પડાય. તે વખતે એવી વાયકા પ્રચલિત હતી કે બજારની ભોંય પરની દરેક લાદીની નીચે એક સટોડિયો દફનાવાયેલો છે, જેણે મોટું નુકસાન ભોગવ્યું હોય.
મુંબઈ શૅરબજારની ગણના આજે દુનિયાના શ્રેષ્ઠતમ ટેક્ધોલૉજી ધરાવતા સ્ટૉક એક્સચેન્જમાં થાય છે
નવી ઈમારતનું બાંધકામ અનેક વર્ષો સુધી વિલંબિત રહ્યું, કારણ કે મકાનની ઊંચાઈએથી સબમરીન અને નૌકાદળ દ્વારા હાથ ધરવામાં આવતાં સમારકામનાં દૃશ્ય દેખાતાં. આ સુરક્ષાનો મુદ્દો હતો. નૌકાદળની મંજૂરી મળી ત્યાં સુધી શણના પડદાથી ઈમારતને ઢાંકવામાં આવી હતી, જેથી ગોદી દેખાય નહીં.
હજી હમણાં સુધી, 1980 અને 1990ના દાયકામાં સ્ટૉક માર્કેટ પર વ્યક્તિગત પ્રભાવનું વર્ચસ હતું. બજારમાં હર્ષદ મહેતા સક્રિય હતા. તે પછી બજાર ધીરુભાઈ અંબાણી અને એમની રિલાયન્સના શૅર્સને અનુસર્યું, જેની સકારાત્મક અસર થઈ, કારણ કે મોટી સંખ્યામાં લોકો શૅરબજારમાં પ્રવેશ્યા. ત્યાર બાદ 2001નું કૌભાંડ આવ્યું. કેતન પારેખે ઈન્ફર્મેશન-કમ્યુનિકેશન અને એન્ટરટેઈન્મેન્ટ (આઈ.સી.ઈ.)નાં કામકાજમાં હોય એવી કંપનીના શૅરનાં ભવિષ્યમાં વિશ્વાસ રાખ્યો. ઓવર લીવરેજિંગથી શૅર્સની કિંમતોમાં ભારે ઘટાડો થયો… બદલા રૂપી ધિરાણ બંધ થવાથી અનેક અનિયમિતતા પ્રકાશમાં આવી અને કેતન પારેખ તથા એમની પસંદગીના શૅર કડડડભૂસ થયા.
ધીરુભાઈ અંબાણી સાથે મારે ઘણા સારા સંબંધ હતા. કેટલાક દલાલોએ ભારે શૉર્ટ સેલથી રિલાયન્સના શૅરમાં કડાકો બોલાવ્યો, પણ એમની પાસેથી શૅર્સની ડિલિવરી લેવાનો આગ્રહ એક માઈલસ્ટોન હતો, જેણે બજાર પર શૉર્ટ સેલર્સના પ્રભુત્વને બદલી નાખ્યું. હું આ આખી ઘટનાની સાક્ષી હતી. શૅરબજારના ઈતિહાસમાં પ્રથમ વખત સ્ટૅડિયમમાં યોજાયેલી વાર્ષિક સામાન્ય સભા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની હતી. આ જનરલ મીટિંગ પહેલાં એક દિવસ ધીરુભાઈએ મને એમની ઑફિસમાં બોલાવી. એમણે મને કહ્યું કે શૅરધારકો દ્વારા પૂછવામાં આવનારા સંભવિત મુશ્કેલ પ્રશ્નોની યાદી તૈયાર કરી આપો… આ એમની નિષ્ઠા હતી. એ શૅરધારકોનો સામનો કરવા અને સત્ય-નિષ્ઠાથી જવાબ આપવા માટે સજ્જ થવા માગતા હતા. વર્ષો પછી ધીરુભાઈનું અવસાન થયું ત્યારે BSEમાં પ્રાર્થનાસભા યોજવાનું સમ્માન પણ મને મળ્યું, જેમાં ઈન્ફોસિસના નારાયણ મૂર્તિ સહિત અનેક માંધાતાએ મિલેનિયમ લીડર ધીરુભાઈને શ્રદ્ધાંજલિ આપી.
હું 1984થી BSE સાથે સંકળાયેલી છું. મેં મારી કારકિર્દી BSEના મુખ્ય દલાલની હેઠળ સબ-બ્રોકર તરીકે શરૂ કરી હતી. રિંગમાં પ્રવેશ મેળવવો એ એક મુશ્કેલ કાર્ય હતું, કારણ કે સ્ત્રીઓને રિંગમાં પ્રવેશવાની મંજૂરી જ નહોતી! રિંગમાં પ્રવેશ માટે મારો ઈન્ટરવ્યૂ જ બે કલાક સુધી ચાલ્યો હતો, કારણ કે તત્કાલીન ડિરેક્ટર્સ મને રોકવાના પ્રયાસમાં હતા. એમની છેલ્લી દલીલ હતી કે ટ્રેડિંગ રિંગની નજીક કે આસપાસ મહિલાઓ માટે શૌચાલય નથી. મારો પ્રત્યુત્તર હતો કે ચિંતા ન કરો સાહેબ, હું સંભાળી લઈશ. આ રીતે હું ભારતમાં ટ્રેડિંગ રિંગમાં પ્રવેશનારી પ્રથમ મહિલા બની.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવાને કારણે હું પ્રક્રિયાઓથી ચાલવાનું પસંદ કરતી અને મારામાં સુધારાવાદી વલણ પણ ખરું. એ કાળે ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગનું કામ એલ.આઈ.સી. ઑફ ઈન્ડિયાનાં મોટાં કમ્પ્યુટર્સ દ્વારા થતું. અમે એમની સેવાનો ઉપયોગ BSEમાં પંચ કરવામાં આવતાં કાર્ડ્સ વાંચવા માટે કરતાં હતાં. એમની પોતાની સમસ્યાઓને કારણે ટ્રાન્ઝેક્શન્સ પંચ કરવામાં અને ગરબડ શોધવામાં વારંવાર વિલંબ થતો હતો. આનાથી મેં તત્કાલીન BSEના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એમ.આર. મય્યાને બજારનું પોતાનું કમ્પ્યુટર ખરીદવા માટે સમજાવ્યા, જેથી મેળ-માથા વિનાના સોદાનું પ્રોસેસિંગ થઈ શકે. તે વખતે કમ્પ્યુટરની આખી સિસ્ટમની કિંમત ૧૮ લાખ રૂપિયા હતી. સભ્યો તરફથી આટલી મોટી રકમ ખર્ચવા સામે ઘણો વિરોધ હતો. તેમ છતાં કમ્પ્યુટર આવ્યું અને સોદાઓનો સુમેળ સાધવાનું ખૂબ ઝડપી બન્યું.
મારી સુધારણાની સફર ચાલુ રહી. શૅરદલાલોના કર્મચારીઓ રિંગમાં એકઠા થઈને ભૂલભરેલા સોદાઓનો તફાવત સુલટાવતા હતા. સોદાની ક્ષતિ સુધારીને સાચી એન્ટ્રી કરવા માટે અમે ત્રણ નકલની સ્લિપ રજૂ કરી, જેનો ઉપયોગ સોદાની ભૂલ સુધારીને સાચા સોદાને સ્થાપિત કરવા માટે કર્યો. આ વ્યવસ્થાથી સૅટલમેન્ટ ચક્રને ટૂંકું કરવામાં મદદ મળી. શૅર્સના ખરીદ-વેચાણનું સૅટલમેન્ટ ટ્રેડિંગ રિંગમાં કર્મચારીઓ દ્વારા શૅર સર્ટિફિકેટની આપ-લે દ્વારા થતું હતું, અમે આ વ્યવસ્થાને એક છત્ર હેઠળ લાવીને ક્લિયરિંગ હાઉસ દ્વારા એ કામ કર્યું. શૅર ટ્રાન્સફરમાં હસ્તાક્ષરની ગરબડ સહિતનાં કારણોથી થતી બૅડ ડિલિવરીને સૅટલ કરવા માટે પણ આ જ સિસ્ટમનું પાલન કરવામાં આવ્યું.
1995-2001 દરમિયાન ત્રણ મોટાં પરિવર્તન આવ્યાં-ઑનલાઈન ટ્રેડિંગ, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિમિટેડ (CDSL)ની સ્થાપના અને ટ્રેડ ગૅરન્ટી ફંડ. હું ઑનલાઈન ટ્રેડિંગના નિયમો નક્કી કરનારી સમિતિનો ભાગ હતી, CDSL પ્રમોટર ડિરેક્ટર હતી અને ટ્રેડ ગૅરન્ટી ફંડના નિયમોનું ડ્રાફ્ટિંગ અને સ્થાપનામાં પણ મારું યોગદાન હતું. અમે ન્યુ યોર્ક સ્ટૉક એક્સચેન્જ, પેરિસ સ્ટૉક એક્સચેન્જ, શિકાગો બોર્ડ ઑફ ટ્રેડ, ડિપોઝિટરી ટ્રસ્ટ કૉર્પોરેશન, લંડન સ્ટૉક એક્સચેન્જ અને અન્ય ટ્રેડિંગ હાઉસની વિવિધ સિસ્ટમનો અભ્યાસ કરવા માટે વિદેશપ્રવાસ પણ કર્યો.
હવે અમારું બજાર મોટી છલાંગ માટે તૈયાર થયું. ઑનલાઈન ટ્રેડિંગથી મહત્ત્વનો ફેરફાર એ આવ્યો કે દેશભરમાં ટેક્ધોલૉજીનું નેટવર્ક સ્થાપિત થયું. થોડાં વર્ષોમાં જ તમામ મુખ્ય જિલ્લા અને ગામો સુદ્ધાં સ્ટૉક એક્સચેન્જના સેટેલાઈટ આધારિત નેટવર્ક સાથે જોડાઈ ગયાં. રોકાણકારો માટે આ ખરું લોકતંત્ર હતું, કારણ કે એમને મુખ્ય શહેરોના રોકાણકારો જેવી જ સેવા મળવા લાગી. હું તો કહીશ કે બૅન્કો અને મોબાઈલસેવા સહિત અન્ય કોઈ સેવા સ્ટૉક માર્કેટ સર્વિસ જેટલી ભરોસાપાત્ર નથી.
એ જ રીતે, અગાઉ પેટા દલાલ સાથે વ્યવહાર કરનારા રોકાણકારો નાણાં કે સિક્યોરિટીઝ સંબંધી ફરિયાદ માટે મુખ્ય શૅરદલાલ સુધી પહોંચી શકતા નહોતા. શૅરબજારની કામગીરી પર બાજનજર રાખતા સિક્યોરિટી ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (સેબી)એ આ વ્યવસ્થાને બદલીને રોકાણકારો અને દલાલો વચ્ચે સીધા કરાર અને ચુકવણી/ડિલિવરીની વ્યવસ્થા કરી. આનાથી દેશભરના રોકાણકારો માટે સેવા અને સુરક્ષામાં વધારો થયો. બજારની તંદુરસ્તી માટે કરવામાં આવેલા આ બદલાવમાં સહભાગી થવાનું સૌભાગ્ય મને મળ્યું.
હર્ષદ મહેતા અને કેતન પારેખ: શૅરબજારને લોકજીભે રમતું કરવામાં એમની કામગીરી ચાવીરૂપ રહી
બીજા મોટા વિકાસમાં સેબીએ શૅરભરણાંના નિયમોનું અપડેટ કર્યું. ત્યાર બાદ ટેકઓવર કોડમાં સુધારો થયો અને ફ્રોડ્યુલન્ટ ઍન્ડ અનફેર પ્રેક્ટિસીસ કાયદો પસાર થયો. આ સાથે ઑનલાઈન ટ્રેડિંગની વ્યવસ્થા, પૂરતી ટ્રેડ ગૅરન્ટી અને CDSLની સગવડે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)નો વિશ્વાસ વધાર્યો. 2004થી FII દ્વારા રોકાણ નોંધપાત્ર વધ્યું. મુખ્ય ફેરફાર એ હતો કે હર્ષદ મહેતા અને કેતન પારેખ જેવા વ્યક્તિ-આધારિત પ્રભાવથી થતાં રોકાણ હવે મૂલ્ય-આધારિત બન્યાં. શૅરના ભાવ એની યોગ્યતાના આધારે વધ્યા, નહીં કે કોઈ ઑપરેટરની ખરીદીને કારણે.
મારા કાર્યકાળ દરમિયાન ઘણા નાણાપ્રધાનોને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. મનમોહન સિંહે મને લંચના સમયે આમંત્રિત કરી, એમના ડબ્બામાંથી જમવાની ઑફર કરી. ચિદમ્બરમ્ સાથે અમે વિવિધ મુદ્દે લાંબી ચર્ચા કરી. યશવંત સિંહાને તો ઘણી વખત મળ્યાં. જશવંતસિંહ સાથે, હું સ્વર્ગસ્થ પેટ્રોલિયમ મિનિસ્ટર મંત્રી જયવંતીબહેન મહેતા સાથે મળી. સિંહસાહેબે મુલાકાત આપવામાં અનિચ્છા દર્શાવી હતી, પણ જયવંતીબહેન અમને નાણાપ્રધાનની ઑફિસ સુધી લઈ ગયાં. એ આવ્યા ત્યાં સુધી અમે ખુલ્લામાં રાહ જોઈ.
2001માં કેતન પારેખના સમયમાં શેરબજારમાં મોટી ઊથલપાથલ થઈ
2001માં કેતન પારેખના સમયમાં થયેલી ઊથલપાથલ વખતે શૅરકૌભાંડ તથા બૅન્કિંગ ટ્રાન્ઝેક્શનની ગેરરીતિની તપાસ માટે નિમાયેલી જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી (જે.પી.સી.)ના સભ્ય, પીઢ રાજકારણી એસ.એસ. અહલુવાલિયાને અમે ઘણી વાર મળ્યાં. કૌભાંડ કેવી રીતે થયું એ સમજાવવા માટે અમે સવારના સાત વાગ્યે એમના ઘરે જતાં અને છોલે-ભટુરે-ખીર સાથે દિવસની શરૂઆત કરતાં. આ રીતે સતત ચાર દિવસ, રાતના દસ વાગ્યા સુધી એમને સોદા અને બદલા કેવી રીતે થયા એ સમજાવ્યું. બદલાની વ્યવસ્થા બંધ કરવામાં આવી હતી, પણ શૉર્ટ સેલિંગ નહીં. જે.પી.સી.ની સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલે ઉશ્કેરાટમાં અમને યુ બ્રોકર્સ એવું કહ્યું ત્યારે મારે એમની સામે થતાં કહેવું પડ્યું કે સાહેબ, દલાલો કોઈ પણ ધંધાદારી કે અધિકારીની જેમ નિષ્ઠાવાન અને સત્યનિષ્ઠ હોય છે… જો કે સિબ્બલે પછીથી માફી માગી.
વર્તમાન વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને હું ત્રણ પ્રસંગે મળી છું. પહેલી વાર એ મુખ્ય પ્રધાન હતા ત્યારે. બીજી મુલાકાત 2014માં એમના ચૂંટણીપ્રવાસ અને બી.એસ.ઈ.ની મુલાકાત વખતે. છેલ્લે વડા પ્રધાન તરીકે એમની ઑફિસમાં નોટબંધીના તબક્કા દરમિયાન મળી. બીજી અનેક બાબત ઉપરાંત મારી પર મોદીસાહેબની છાપ એક પ્રામાણિક અને નિષ્ઠાવાન વ્યક્તિ તરીકે પડી. એ તમને મળે ત્યારે સો ટકા એકાગ્રતાથી સાંભળે.
અમે સોનિયા ગાંધી, એન. ચંદ્રાબાબુ નાયડુ, લાલુપ્રસાદ યાદવ, બાળાસાહેબ ઠાકરે, બિલ ક્લિન્ટન, સ્મૃતિ ઈરાની જેવી ઘણી રાજકીય વ્યક્તિઓને મળ્યાં. સ્ટૉક એક્સચેન્જમાં પધારેલા લાલુપ્રસાદને અમે બદલા સિસ્ટમ સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે એમણે કહ્યું: કિસ સે બદલા લેના હૈ, હમ લે લેંગે…
હું 1996માં બી.એસ.ઈ.ના બોર્ડ પર ચૂંટાયેલી પ્રથમ મહિલા હતી. મેં સૌથી વધુ મતો મેળવ્યા હતા. હું આનંદ રાઠી હેઠળ ઉપપ્રમુખ હતી અને પછી 2001માં હું ઍક્ટિંગ રોલમાં એક્સચેન્જની પ્રમુખ બની. કેટલાક સભ્ય તરફથી ઘણો વિરોધ હતો, કારણ કે શૅરબજારના પ્રમુખપદે એક મહિલાને સ્વીકારવાનું એમને માન્ય નહોતું. જો કે છેવટે તો સામૂહિક શાણપણ પ્રવર્ત્યું અને મારી નિમણૂક થઈ.
સ્ટૉક માર્કેટ્સે ત્રણ દાયકામાં અમલમાં આવેલા ઘણા સુધારાઓને કારણે ઘણો વિકાસ સાધ્યો છે. 1980ના દાયકાની શરૂઆતમાં એક્સચેન્જનું સરેરાશ દૈનિક ટર્નઓવર 200 કરોડ રૂપિયા હતું, જે 1992માં 600 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું. ઑનલાઈન ટ્રેડિંગ, સૅટલમેન્ટ ગૅરન્ટી અને ડિપોઝિટરી સેવાઓને કારણે આજે નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ટર્નઓવર 324.90 લાખ કરોડ રૂપિયા છે. તમામ એક્સચેન્જને એકસાથે મૂકીએ તો આ રકમ 500 લાખ કરોડ રૂપિયાને પાર કરે છે.
ભારતીય નાણાબજારોમાં બીજો મહત્ત્વનો તબક્કો નૅશનલ પેમેન્ટ કૉર્પોરેશન (એન.પી.સી.આઈ.)નો અથવા યુ.પી.આઈ.નો છે. મોદીજીની જન ધન યોજના વિશ્વની સૌથી મોટી બૅન્કિંગ પહોંચ યોજના છે, જેને કારણે હવે દરેક ભારતીય બૅન્કિંગ સિસ્ટમનો ભાગ છે. મને એન.પી.સી.આઈ.ના બોર્ડમાં પ્રારંભિક સાત વર્ષ સુધી રહેવાનું સૌભાગ્ય મળ્યું, જેમાંથી ત્રણ વર્ષ નારાયણ મૂર્તિ અધ્યક્ષ હતા. મેં આઈ.પી.ઓ. અને મ્યુચ્યુઅલ ફંડ સ્ટાર MF જેવી પ્રોડક્ટ્સને યુ.પી.આઈ. પેમેન્ટ સિસ્ટમ સાથે જોડવામાં યોગદાન આપ્યું. આ દરમિયાન મેં એન.પી.સી.આઈ. ટીમ સાથે અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ચીન અને બ્રાઝિલની પેમેન્ટ સિસ્ટમનો અભ્યાસ કરવા પ્રવાસ કર્યો. ભારતની આ સીમાસ્તંભ સમી સફરનો ભાગ બનવાનો મને ગર્વ છે.
સેટેલાઈટના માધ્યમથી છેવાડાનો ગ્રામવાસી પણ ફક્ત મોબાઈલનાં બટન દબાવીને ધારે એ શૅરની લે-વેચ કરી શકે છે
એ પહેલાં ઑનલાઈન ટ્રેડિંગના શરૂઆતના દિવસોમાં ભારતના સાડા ચારસોથી વધુ જિલ્લાઓનો પ્રવાસ કરી રોકાણકારો માટે અમે શિક્ષણ કાર્યક્રમો યોજ્યા. રોકાણકારોને સટ્ટો અને રોકાણ વચ્ચેનો તફાવત શીખવવો જરૂરી હતું. કૌટુંબિક નાણાંના આયોજનમાં મહિલાઓનું મહત્ત્વ સમજાવ્યું. હું એ પણ સમજાવતી કે મા સરસ્વતી અને લક્ષ્મીજી બન્ને સ્ત્રી છે, એથી સંપત્તિનું જ્ઞાન સ્ત્રીઓમાં હોય જ. પુરુષો પૈસા કમાવામાં સારા હોય છે, પરંતુ જરૂરી નથી કે રોકાણમાં પણ એમની સૂઝ હોય. બૅન્કની ફિક્સ્ડ ડિપોઝિટમાં પૈસા મૂકવાની આળસભરી નીતિથી તમારી સંપત્તિ ઘસાતી જશે. મેં એક લોકપ્રિય રોકાણ શિક્ષણશ્રેણી માર્કેટ વિઝડમ પણ લખી, જે દસથી વધુ ભાષાનાં અખબારોમાં પ્રકાશિત થઈ. આ ઉપરાંત, વ્યાવસાયિક પત્રોમાં અનેક લેખો લખ્યા.2001ના ગુજરાત ભૂકંપ દરમિયાન મુંબઈ શૅરબજારના સભ્યોએ એક મહિના સુધી સોદાદીઠ એક પૈસાનું યોગદાન આપવાનું નક્કી કર્યું. આ રીતે અમે લગભગ સાત કરોડ રૂપિયા ભેગા કર્યા. ભારતની પ્રથમ મહિલા આઈએએસ અધિકારી આન્ના મલ્હોત્રાના અધ્યક્ષપદ હેઠળ એક સમિતિ રચાઈ. હું આ સમિતિની સક્રિય સભ્ય હતી. અમે કચ્છ પુનર્વસનના પ્રોજેક્ટ્સ ઓળખવા ત્રીસથી વધુ વખત કચ્છપ્રવાસ કર્યા. ઈન્દિરા બેટીજી અને પ્રેમપુરી આશ્રમના સહયોગ તથા અમારી વ્યક્તિગત બચતથી અમે ભચાઉમાં એક ગામનાં 230 મકાનોનું પુન: નિર્માણ કરાવ્યું, લાકડિયા ગામનું કન્યા છાત્રાલય તથા શાળા ફરી બાંધ્યાં, મોરબીમાં માળખાગત સુવિધાનાં કામ, પોરબંદરમાં 500 કન્યા માટે શૌચાલય સાથે રહેવાની સુવિધા, આઈટીઆઈ, વગેરેનું પુન: નિર્માણ કર્યું. અમારા પરિવારે કચ્છનાં સાડા આઠસોથી વધુ ગામોમાં પોલિયોગ્રસ્ત બાળકોનું સર્વેક્ષણ કરી પાંચસોથી વધુ બાળકોનાં ઑપરેશન કર્યાં, લગભગ સાડા ચારસોને ચાલતાં કર્યાં.
હું ઘણી સંસ્થાઓની આભારી છું, જેમણે મને વિવિધ પુરસ્કારોથી સમ્માનિત કરી. હું આ સમ્માનોને ભારતમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે પ્રેરણામૂર્તિ બનવાની ફરજ તરીકે જોઉં છું. આપણાં દરેક ઘરમાં સમાન સંખ્યામાં પુરુષો અને સ્ત્રીઓ કામ કરતાં હોવાં જોઈએ, એ જ મહિલાઓનો સાચો ઉત્કર્ષ હશે. મને દેશના આધ્યાત્મિક મહાનુભાવોની સંગતમાં રહેવાનું સૌભાગ્ય મળ્યું છે. છેલ્લાં પચ્ચીસ વર્ષથી પ્રેમપુરી આશ્રમ ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને ઉપાધ્યક્ષ તરીકે હું સનાતન ધર્મના ગ્રંથોની સમીપ રહી છું. ભગવદ્ગીતાના ઉપદેશો મારા સામાજિક અને વ્યાવસાયિક વ્યવહારમાં ડગલે ને પગલે વહારે આવે છે.
(દીના મહેતા)
(લેખિકા દેશના અગ્રણી બ્રોકિંગ હાઉસ ‘આસિત સી. મહેતા ફાઈનાન્સિયલ સર્વિસિસ’માં મૅનેજિંગ ડિરેક્ટર છે. તેઓ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખપદે નિયુક્ત થનારાં પ્રથમ મહિલા હતાં. તેઓ ‘નૅશનલ પેમેન્ટ કૉર્પોરેશન’ (એન.પી.સી.આઈ.)ની ઑડિટ કમિટીનાં ડિરેક્ટર પણ રહી ચૂક્યાં છે.)
અમદાવાદા: ગુજરાતમાં અંગદઝાડતી ગરમીનો પ્રકોપ યથાવત્ જોવા મળી રહ્યો છે. રાજ્યાના 8 જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર નોંધવામાં આવ્યો હતો. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે, રાજકોટમાં સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે સુરેન્દ્રનગર પણ આટલું જ ગરમ રહ્યું. રાત્રિના સમયે પણ ગરમ પવનો ફૂંકાતા રાહત મળવાને બદલે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ (26-28 એપ્રિલ) ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાવાની આગાહી કરી છે, જેનાથી તાપમાન 1-2 ડિગ્રી વધી શકે છે.
હવામાન વિભાગના આંકડા મુજબ, અમદાવાદમાં 41.7 ડિગ્રી, ગાંધીનગરમાં 40.8 ડિગ્રી, ડીસામાં 40.5 ડિગ્રી, ભુજમાં 41.5 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 42 ડિગ્રી, અમરેલીમાં 41.1 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 39.7 ડિગ્રી અને વડોદરામાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના 10થી વધુ વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને વટાવી ગયું છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાવાની શક્યતા છે. ઉત્તરથી પૂર્વના પવનો ગરમીનું જોર વધારશે, જેનાથી લોકોને વધુ અગવડતાનો સામનો કરવો પડશે. સ્કાયમેટના જણાવ્યા મુજબ, ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આજે ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે. જોકે, 26થી 28 એપ્રિલ દરમિયાન હવામાન સ્વચ્છ રહેવાની શક્યતા છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાં 25થી 30 એપ્રિલ દરમિયાન શુષ્ક વાતાવરણ સાથે તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.
શ્રીનગરઃ પહલગામ હુમલા બાદ આતંકવાદીઓ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. શોપિયાં, કુલગામ અને પુલવામામાં આતંકવાદીઓનાં ઘરોને બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યા છે. ગઈ કાલે પણ બુલડોઝર દ્વારા વધુ બે આતંકવાદીઓનાં ઘર તોડી પાડવામાં આવ્યાં હતાં. હાલના સમયે આતંકવાદીઓને કોઈ પણ હિસાબે છોડવામાં નહીં આવે. તેમની સામે સેના પગલાં ભરશે.
આ પગલામાં હવે આતંકવાદી આદિલ ઠોકર અને તેના સાથી એક્શન શેખની વિરુદ્ધ મોટી કાર્યવાહી થઈ છે. અહેસાન પાકિસ્તાનમાંથી ટ્રેનિંગ લઈને કાશ્મીર ખીણમાં આવ્યો હતો. જૂન, 2023થી સક્રિય લશ્કર-એ-તૈયબા કેડર પુલવામાના મુરાનનો રહેવાસી એહસાન અહેમદ શેખના બે માળના ઘરને સુરક્ષા દળોએ IEDનો ઉપયોગ કરીને ઉડાવી દીધું છે. આવી જ બીજી એક કાર્યવાહીમાં બે વર્ષ પહેલાં લશ્કરમાં જોડાયેલા શાહિદ અહેમદના ઘરને શોપિયાના છોટીપોરા વિસ્તારમાં ઉડાવી દેવામાં આવ્યું હતું.
સૈન્ય અને પોલીસના સંયુક્ત અભિયાન વચ્ચે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાંથી સુરક્ષા દળોએ આતંકવાદીઓના બે શંકાસ્પદ સહયોગીઓની અટકાયત કરી હતી. આ બંનેને કેમોહ વિસ્તારના થોરકપોરાથી પકડવામાં આવ્યા હતા.
પહલગામ હુમલા પછી, છેલ્લા 48 કલાકમાં આદિલ ગોજરી (બિજબેહરા), આસિફ શેખ (ત્રાલ), અહેસાન શેખ (પુલવામા), શાહિદ કુટ્ટે (શોપિયા), ઝાકીર ગની (કુલગામ) અને હરિસ અહેમદ (પુલવામા) એમ કુલ છ આતંકવાદીઓનાં ઘરો તોડી પાડવામાં આવ્યાં છે.કુલગામના ક્વિમોહમાં સુરક્ષા દળો દ્વારા 2023માં લશ્કરમાં જોડાયેલા ઝાકિર ગનીનું ત્રીજું ઘર ગઈ કાલે રાત્રે તોડી પાડવામાં આવ્યું હતું.
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે લશ્કર-એ-તૈયબા ના ચાર આતંકવાદીઓના એક જૂથે, ગોળીઓ, AK47 રાઇફલ્સથી સજ્જ અને બોડી કેમેરા પહેરેલા, હિન્દુ પ્રવાસીઓને નિશાન બનાવ્યા અને ગોળીબાર કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યા, જેમાંથી મોટા ભાગના પ્રવાસીઓ હતા અને ભારતનાં વિવિધ રાજ્યોમાંથી જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેવા આવ્યા હતા.
ફડણવીસ સરકારના મંત્રી નિતેશ રાણેએ પહેલગામ આતંકવાદી હુમલા અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. રત્નાગિરિ જિલ્લાના દાપોલી તાલુકામાં આયોજિત હિન્દુ ધાર્મિક મેળાવડામાં રાણેએ મંચ પરથી કહ્યું , મુસ્લિમો પાસેથી સામાન ન ખરીદો. જો તેઓ આપણો ધર્મ પૂછ્યા પછી આપણને ગોળી મારી દે છે, તો તમારે પણ ધર્મ પૂછ્યા પછી જ વસ્તુઓ ખરીદવી જોઈએ. જો તે કહે કે તે હિન્દુ છે તો તેને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું કહો… કારણ કે તે જૂઠું પણ બોલી શકે છે. તમારે ફક્ત હિન્દુ દુકાનોમાંથી જ સામાન ખરીદવો જોઈએ. જો આ લોકો (ઔરંગઝેબ) તેમના પરિવારના સગા નથી થયા તો આપણા શું થશે, આ લોકો તેમના ધર્મ પ્રત્યે એટલા કટ્ટર છે કે આપણે તેમને શા માટે ધનવાન બનાવીએ.
જો તેઓ ધર્મ વિશે પૂછીને ગોળીબાર કરી રહ્યા છે, તો ઓછામાં ઓછું તમારે ધર્મ વિશે પૂછીને સામાન ખરીદવો જોઈએ અને આ માંગ હિન્દુ સમાજે કરવી જોઈએ. દુકાનમાં ગયા પછી તમે તેને પૂછો કે તેનો ધર્મ શું છે, તે જૂઠું પણ બોલી શકે છે કારણ કે તે નકામો છે. તેથી, કોઈપણ ખરીદી કરતા પહેલા ધર્મ વિશે પૂછો. જો તે પોતાને હિન્દુ કહે તો તેને કહો હનુમાન ચાલીસાનો પાઠ કરીને બતાવે, તેની હવા નિકળી જશે. આ પછી તેને કહો કે હું તમારી પાસેથી સામાન ખરીદીશ નહીં અને પછી કોઈ હિન્દુની દુકાને જાએ…આ નિર્ણય
તમારે લેવો જોઈએ.
જેમને આપણે દૂધ પીવડાવીએ છીએ તેઓ જ આપણને કરડશે
જો તેઓ પોતાના ધર્મ પ્રત્યે આટલા કટ્ટર છે તો આપણે તેમને શા માટે ધનવાન બનાવી રહ્યા છીએ? જો તેઓ ધર્મ માટે જેહાદ કરી રહ્યા છે તો આપણે તેમની સાથે ભાઈચારાની વાત કેમ કરીએ છીએ? તમારે આ ધાર્મિક મેળાવડામાંથી શપથ લેવા જોઈએ કે હવેથી આપણે ફક્ત હિન્દુઓ પાસેથી જ સામાન ખરીદીશું, પછી જુઓ કે તેઓ કેવી રીતે ધ્રૂજવા લાગ છે… આપણે તેમને દૂધ પીવડાવીશું અને પછી તે આપણને જ કરડીશે. ઔરંગઝેબે પોતાના પિતાની હત્યા કરી, પોતાના પરિવારનો નાશ કર્યો, પોતાના ભાઈ અને પિતાની હત્યા કરી. જે લોકો પોતાના લોકો સાથે ઉભા નથી રહ્યા, તેઓ તમારી સાથે કેવી રીતે ઉભા રહેશે, આ વિશે વિચારો.