Home Blog Page 921

ઓપરેશન સિંદૂર’ પરની પોસ્ટ મામલે સરકારી કર્મચારીની ધરપકડ

અમદાવાદઃ રાજ્યના બોટાદ જિલ્લામાં એક સરકારી કર્મચારીને ‘ઓપરેશન સિંદૂર’ અંગે સોશિયલ મિડિયા પર આપત્તિજનક પોસ્ટ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યાનુસાર આ પોસ્ટ રાષ્ટ્રીય એકતા સામે હતી અને લોકોમાં ડર તથા ગેરસમજ ફેલાવનારી હતી. આરોપીની ઓળખ 27 વર્ષના પટવારી કુણાલ પટેલ તરીકે થઈ છે, જે બોટાદ જિલ્લાના ધ્રુફણિયા ગામે તલાટી-કમ-મંત્રીએ તરીકે કાર્યરત હતા. આ પદ રાજ્ય પંચાયત વિભાગમાં વર્ગ-3ની નોકરી માનવામાં આવે છે.  ‘ઓપરેશન સિંદૂર’ સંબંધિત હતી પોસ્ટ

ડેપ્યુટી એસ.પી. મહાર્ષિ રાવલે માહિતી આપી કે સોશિયલ મિડિયા મોનિટરિંગ દરમિયાન જિલ્લા સાઇબર ટીમે ‘X’ (પૂર્વે ટ્વિટર) પર કૃપાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આપત્તિજનક પોસ્ટ જોઈ હતી. આ પોસ્ટ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત આતંકવાદીઓ પર કરેલી સ્ટ્રાઇક સંબંધિત હતી.

ડર ફેલાવનારી પોસ્ટ ગણવામાં આવી

ડેપ્યુટી એસ.પી.ના જણાવ્યા મુજબ આરોપીની પોસ્ટ રાષ્ટ્રીય એકતા વિરુદ્ધ હતી અને દેશમાં ડર તથા ગભરાટ ફેલાવનારી હતી. આ મામલે બોટાદ સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 353 (2) અને 197 (1) (d) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપી મૂળ અમદાવાદનો વતની છે અને હાલમાં બોટાદના ગઢડામાં રહે છે. સરકારે સોમવારે જણાવ્યું હતું કે ‘ઓપરેશન સિંદૂર’ બાદ સોશિયલ મિડિયા પર દેશવિરોધી અને સેનાનું મનોબળ ઘટાડે તેવી પોસ્ટ કરનારાઓ સામે કુલ 14 લોકો વિરુદ્ધ ગુનાહિત કાર્યવાહી કરવામાં આવી છે.

પર્સનલ લોન હવે સરળતાથી નહીં મળે

ભારતીય રિઝર્વ બેંક (RBI) કોલેટરલ વિના આપવામાં આવતી વ્યક્તિગત લોન, જેમ કે પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ માટેના નિયમોને વધુ કડક બનાવવાની તૈયારી કરી રહી છે. અસુરક્ષિત લોનમાં ડિફોલ્ટનું જોખમ વધી રહ્યું છે. આરબીઆઈ આ અંગે ચિંતિત છે. નવેમ્બર 2023 માં, RBI એ આ લોન પર જોખમનું વજન 100% થી વધારીને 125% કર્યું હતું, પરંતુ હવે વધુ કડક પગલાં લેવાની જરૂર છે.

ક્રેડિટ સ્કોર પર આધારિત લોન

RBI એ બેંકોને તેમની ધિરાણ નીતિઓ કડક બનાવવા સૂચના આપી છે. લોન લેનારના ક્રેડિટ સ્કોરના આધારે મહત્તમ લોન મર્યાદા નક્કી કરવાની રહેશે. જો કોઈ વ્યક્તિએ પહેલાથી જ હોમ લોન કે ઓટો લોન લીધી હોય, તો બેંકોએ પર્સનલ લોન આપતી વખતે વધુ સાવધાની રાખવાની જરૂર છે.

રિટેલ લોનના ઝડપી વિકાસ અંગે RBI ચિંતિત

બેંકો સાથેની વાતચીતના આધારે, NDTV પ્રોફિટને જાણવા મળ્યું છે કે RBI રિટેલ લોનના ઝડપી વિકાસ અને તેમાં સામેલ જોખમો અંગે ચિંતિત છે. માર્ચ 2024 માં વ્યક્તિગત લોનમાં વાર્ષિક વૃદ્ધિ 14% હતી (ગયા વર્ષના સમાન સમયગાળામાં 17.6%). ખાનગી બેંકો હજુ પણ આ લોન ઝડપથી આપી રહી છે, જ્યારે સરકારી બેંકોનું ધ્યાન ઓછું છે.

RBI રિપોર્ટના મુખ્ય મુદ્દા

ડિસેમ્બર 2023 ના નાણાકીય સ્થિરતા અહેવાલ મુજબ, ખાનગી બેંકોમાં લોન રાઈટ-ઓફની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે, જે જોખમનો સંકેત છે.

RBI નું આગામી પગલું

ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં (આગામી 15 દિવસમાં) આ નવી માર્ગદર્શિકાનો ડ્રાફ્ટ બહાર પાડે તેવી શક્યતા છે. બેંકો પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ આ લોન અંગે વધુ સાવધ રહેશે અને ફક્ત લાયક દેવાદારોને જ લોન આપશે. RBIનું આ પગલું સામાન્ય લોકોને વધુ પડતી લોન લેતા અટકાવવા અને બેંકિંગ સિસ્ટમને સુરક્ષિત બનાવવા માટે છે.

અદાણી વિદ્યામંદિર-અમદાવાદ દેશની ટોપ રેંટીંગ ધરાવતી શાળાઓમાં શ્રેષ્ઠ!

અમદાવાદ : અદાણી વિદ્યામંદિર અમદાવાદ (AVMA) સતત અવનવા કિર્તીમાન હાંસલ કરવામાં અગ્રેસર રહ્યું છે. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI) હેઠળ નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ (NABET) મૂલ્યાંકનમાં AVMA ટોપ રેટીંગ ધરાવતી શાળાઓમાં AVMA ઉચ્ચ ક્રમે ઉભરી આવ્યું છે. અદાણી વિદ્યામંદિરે કુલ 250 માંથી 232 નો ઉત્કૃષ્ટ સ્કોર હાંસલ કર્યો છે. વળી તાજેતરમાં આવેલા ધો.10-12 CBSE બોર્ડમાં વિદ્યાર્થીઓએ 100% પરિણામ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યુ છે.

દેશની ટોચની રેટિંગ ધરાવતી શાળાઓમાં AVMA એ ઉચ્ચત્તમ સ્થાન પ્રાપ્ત કરતા છાપ ઉભી કરી છે. આ નોંધપાત્ર સિદ્ધિ શૈક્ષણિક શ્રેષ્ઠતા, વિદ્યાર્થી-કેન્દ્રિત શિક્ષણ અને સતત સુધારણા પ્રત્યે AVMAની અતૂટ પ્રતિબદ્ધતાને દર્શાવે છે. NABET માન્યતા ગુણવત્તા ધોરણોના કડક માળખામાં શાળાઓનું મૂલ્યાંકન કરે છે, જેમાં અભ્યાસક્રમ વિતરણ, શાળા નેતૃત્વ, માળખાગત સુવિધાઓ, નવીનતા અને સમાવેશનો સમાવેશ થાય છે.

અદાણી વિદ્યામંદિર ખાતે સમાવેશી શિક્ષણ વિદ્યાર્થીઓને ચમકવાનો મોકળો માર્ગ આપે છે. QCI હેઠળ રાષ્ટ્રીય સ્તરે સર્વોત્તમ ગુણાંક મેળવી AVMA એ નીતિશાસ્ત્ર, સમાનતા અને સશક્તિકરણમાં મજબૂત પાયા સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવામાં એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. આ અનોખી સિદ્ધિ સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ, સમર્પિત શિક્ષકો અને સ્થિતિસ્થાપક વિદ્યાર્થીઓનો પુરાવો છે. જે ભવિષ્ય માટે સામાજિક રીતે જવાબદાર વૈશ્વિક નાગરિકોને ઉછેરવાના શાળાના મિશનને મૂર્તિમંત બનાવે છે.

તાજેતરમાં આવેલા બોર્ડના પરિણામોમાં વિદ્યામંદિરના બાળકોએ ઉત્કૃષ્ટ દેખાવ કરી 100 ટકા પરિણામ મેળવ્યું છે. વાર્ષિક 1000 થી વધુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક શિક્ષણ, ભોજન, ગણવેશ, પુસ્તકો, સ્ટેશનરી અને વાહનવ્યવહારની સુવિધા પ્રદાન કરે છે. AVMA છેલ્લા 3 વર્ષથી STEM માટે NIE સિંગાપોર સાથે સહયોગ કરી રહી છે. શાળાએ તમામ 17 UNSDG ને કાર્યના વિવિધ ક્ષેત્રો સાથે જોડ્યા છે.

મૂલ્યાંકન કરતી વેળાએ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રકલ્પોની ડિઝાઈન, શિક્ષકો દ્વારા એક્શન રિસર્ચ, કેમ્પસ કાર્યક્રમો અને તેમાં વિદ્યાર્થીઓનું જોડાણ, ક્રેડિટ પોઈન્ટ સિસ્ટમ થકી સ્વ-શિસ્ત અને સકારાત્મક વર્તન, રિસ્ક રજિસ્ટર વગેરે બાબતોનું બારીકીથી નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.

ગાઝામાં ઈઝરાયલના હવાઈ હુમલા, 22 બાળકો સહિત 65નાં મોત

ઈઝરાયલે મંગળવારે રાત્રે અને બુધવારે વહેલી સવારે ગાઝા પટ્ટીમાં તીવ્ર હવાઈ હુમલા કર્યા, જેમાં 65 લોકોનાં મોત થયા, જેમાં 22 બાળકોનો સમાવેશ થાય છે. આ હુમલા અમેરિકાની મધ્યસ્થીમાં હમાસ દ્વારા એક ઈઝરાયલી-અમેરિકી બંધકની મુક્તિના એક દિવસ બાદ થયા. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું કે, હમાસને નષ્ટ કરવાના લક્ષ્ય સુધી યુદ્ધ ચાલુ રહેશે, જેનાથી યુદ્ધ વિરામની આશાઓ ધૂંધળી થઈ છે. ઈઝરાયલી સેનાએ જબલિયા વિસ્તારના રહેવાસીઓને ખાલી કરવાની ચેતવણી આપી, ત્યારબાદ હમાસના માળખાને નિશાન બનાવ્યું, પરંતુ હુમલા પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો.

ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધી 52,908 લોકો માર્યા ગયા અને 119,721 ઘાયલ થયા, જ્યારે સરકારી મીડિયા ઓફિસે મૃત્યુઆંક 61,700 ગણાવ્યો, જેમાં કાટમાળમાં ગુમ થયેલા હજારો લોકોને પણ મૃત જાહેર કરાયા. હુમલાઓએ ગાઝાના 90% ઘરોને નુકસાન પહોંચાડ્યું, અને મોટાભાગની વસ્તી વિસ્થાપિત થઈ છે.

રશિયા, ચીન અને યુકેએ ગાઝામાં સહાય વિતરણ માટે યુએસ-ઈઝરાયલની યોજનાને ફગાવી, ઈઝરાયલને બે મહિનાથી ચાલતી નાકાબંધી હટાવવા હાકલ કરી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, સાઉદી અરેબિયાની મુલાકાત પહેલાં, શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા હોવાનું જણાવ્યું.

રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો

એક તરફ વિરાટ કોહલી, રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે, તો બીજી તરફ, રવિન્દ્ર જાડેજા ક્રિકેટના આ સૌથી લાંબા અને સૌથી જૂના ફોર્મેટમાં ઇતિહાસ રચી રહ્યા છે. તેણે એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. હવે તમે કહેશો કે રવિન્દ્ર જાડેજા આટલા લાંબા સમયથી સફેદ બોલની ક્રિકેટ કે IPL રમી રહ્યો છે, તો પછી તેણે લાલ બોલની ક્રિકેટ એટલે કે ટેસ્ટમાં ઇતિહાસ કેવી રીતે રચ્યો? તેથી તેણે ટેસ્ટ ઓલરાઉન્ડરોની નવી રેન્કિંગમાં ઇતિહાસ રચી દીધો છે.


રવિન્દ્ર જાડેજા ફરી નંબર વન બન્યા

ICC એ ટેસ્ટ ઓલરાઉન્ડરોની નવી રેન્કિંગ જાહેર કરી છે, જેમાં રવિન્દ્ર જાડેજા 400 રેટિંગ પોઈન્ટ સાથે નંબર વન પર છે. હવે, જાડેજાએ બનાવેલો વિશ્વ રેકોર્ડ એ છે કે તે સૌથી લાંબા દિવસો સુધી ICC ટેસ્ટ ઓલરાઉન્ડર શ્રેણીમાં નંબર વન રહ્યો.

રવિન્દ્ર જાડેજા નંબર વન સ્થાન પર રાજ કરી રહ્યા છે!

રવિન્દ્ર જાડેજા 9 માર્ચ 2022 ના રોજ વેસ્ટ ઈન્ડિઝના જેસન હોલ્ડરને પાછળ છોડીને વિશ્વના નંબર વન ટેસ્ટ ઓલરાઉન્ડર બન્યા. ત્યારથી ૩૮ મહિના થઈ ગયા છે, રવિન્દ્ર જાડેજા ૧૧૫૨ દિવસથી સતત નંબર વન પોઝિશન પર છે. ૨૦૨૨ માં જ્યારે રવિન્દ્ર જાડેજા વિશ્વનો નંબર વન ટેસ્ટ ઓલરાઉન્ડર બન્યો, ત્યારે આ સિદ્ધિ હાંસલ કરવાની તેની બીજી તક હતી. આનું કારણ એ છે કે તે પહેલાં, તે ઓગસ્ટ 2017 માં પણ એક અઠવાડિયા માટે નંબર વન રહ્યો હતો.

જાડેજાની તેમની સાથે સીધી સ્પર્ધા હતી

નવીનતમ ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં નંબર વન સ્થાન જાળવી રાખવા માટે, રવિન્દ્ર જાડેજા બાંગ્લાદેશના મેહદી હસન મિરાઝ સાથે સીધી સ્પર્ધામાં હતા, જેમના 327 રેટિંગ પોઈન્ટ છે. નવા રેન્કિંગમાં, મેહદી હસને માર્કો જેન્સનને હરાવીને નંબર 2 નું સ્થાન મેળવ્યું છે. માર્કો જેન્સન એક સ્થાન ગુમાવીને ત્રીજા નંબરે આવી ગયા છે. તેમના 294 રેટિંગ પોઈન્ટ છે.

પેટ કમિન્સ ચોથા નંબરનો ઓલરાઉન્ડર છે. જ્યારે બાંગ્લાદેશનો શાકિબ અલ હસન પાંચમા સ્થાને છે. જાડેજા સિવાય ટોપ 10 માં બીજો કોઈ ઓલરાઉન્ડર નથી. તેમના પછી, અક્ષર પટેલ ટેસ્ટ ઓલરાઉન્ડરોની યાદીમાં ૧૨મા ક્રમે છે.

દેશની સંરક્ષણ નિકાસમાં એક દાયકામાં 34 ગણો રેકોર્ડ વધારો

નવી દિલ્હીઃ ભારતે સંરક્ષણ ઉત્પાદન અને નિકાસમાં લાંબી છલાંગ ભરી છે. દેશની સંરક્ષણ નિકાસ અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. સંરક્ષણ નિકાસ વિશે માહિતી આપતાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ગયા એક દાયકામાં નિકાસમાં ૩૪ ગણો વધારો થયો છે.

સોશિયલ મિડિયા X પર પોતાના ટ્વીટમાં સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતે રૂ. ૨૩,૬૨૨ કરોડના સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ કરી છે. એક દાયકામાં તેમાં ૩૪ ગણો વધારો થયો છે. વર્ષ ૨૦૧૩-૧૪માં ભારતની સંરક્ષણ નિકાસ રૂ. ૬૮૬ કરોડ હતી.

આ વૃદ્ધિ પાછળ ‘આત્મનિર્ભરતા’ અને ‘મેક ઇન ઇન્ડિયા’
સંરક્ષણ નિકાસમાં થયેલી શાનદાર વૃદ્ધિ અંગે સંરક્ષણ મંત્રીના કાર્યાલયનું કહેવું છે કે આ સફળતાની પાછળ દેશમાં સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની ભાવના છે. મંત્રાલયનું કહેવું છે કે ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ કાર્યક્રમો અંતર્ગત સંરક્ષણ ક્ષેત્રે ભારતે અનેક યોજનાઓ શરૂ કરી છે, જેમાં ઉત્પાદનને લગતા પ્રોત્સાહનનો પણ સમાવિષ્ટ છે. તેનો હેતુ વૈશ્વિક બજારમાં ભારતીય સંરક્ષણ ઉત્પાદનોને વધુ સ્પર્ધાત્મક બનાવવો, નિકાસમાં વધારો કરવો, વૈશ્વિક સપ્લાય ચેઇન સાથે ભારતને જોડવું અને આયાત પરની નિર્ભરતા ઘટાડવી છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર ‘મેક ઇન ઇન્ડિયા’ની પહેલ પર સરકારે જે રીતે ભાર મૂક્યો છે, તેની અસર હેઠળ સંરક્ષણ ઉત્પાદન રેકોર્ડ સપાટીએ પહોંચી ગયું છે. સંરક્ષણ ઉત્પાદન વધતા મોટી સંરક્ષણ ઉત્પાદન કંપનીઓમાં વિદેશી રોકાણ આવ્યું છે. માત્ર એટલું જ નહીં, સરકારે સંરક્ષણ અને એરોસ્ટેસ મેન્યુફેક્ચરિંગમાં પણ ઘણું મૂડીરોકાણ કર્યું છે. જેને પરિણામે વિશ્વની જાણીતી કંપનીઓ પણ જટિલ સંરક્ષણ અને એરોસ્પેસ ટેક્નોલોજી શેર કરવાની ઇચ્છા વ્યક્ત કરી રહી છે. નાણાં મંત્રાલયના ડેટા અનુસાર આ નાણાકીય વર્ષમાં ગોળા-બારુદ, હથિયારો, સબ સિસ્ટમ્સ/સિસ્ટમ્સ સહિત અનેક સંરક્ષણ સાધનો આશરે ૮૦ દેશોમાં નિકાસ કરવામાં આવ્યાં છે. સરકારનું લક્ષ્ય છે કે વર્ષ ૨૦૩૦ સુધીમાં સંરક્ષણ નિકાસને પ્રતિ વર્ષ રૂ. ૫૦,૦૦૦ કરોડ સુધી લઈ જવામાં આવે.

 

સાઉદીમાં એક ખુંખાર ‘આતંકવાદી’ ને મળ્યા ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં મધ્ય પૂર્વના પ્રવાસે છે. તેમણે ગઈકાલે ઇન્વેસ્ટમેન્ટ ફોરમના પ્લેટફોર્મ પરથી જાહેરાત કરી હતી કે તેઓ સીરિયા પર લાદવામાં આવેલા તમામ પ્રતિબંધો હટાવી રહ્યા છે. એક દિવસ પછી, બુધવારે સવારે, ટ્રમ્પ સીરિયન નેતા અલ-શારાને મળ્યા. અલ-શારા અમેરિકા દ્વારા જાહેર કરાયેલ આતંકવાદી યાદીમાં સામેલ છે અને તેના પર દસ લાખ ડોલરનું ઇનામ છે.

અલ-શરા સીરિયન ઉગ્રવાદી સંગઠન હયાત તહરિર અલ-શામનો વડા છે. આ જ સંગઠને સીરિયામાંથી બશર અલ-અસદને ઉથલાવી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે; આ સંગઠન અમેરિકાની પ્રતિબંધિત યાદીમાં પણ સામેલ છે. ટ્રમ્પની આ મુલાકાત બાદ તેમના પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આતંકવાદને નાબૂદ કરવાના નામે મધ્ય પૂર્વના ઘણા દેશોમાં બોમ્બ ફેંકનાર અમેરિકાનો નેતા આજે એક ‘આતંકવાદી’ને મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે 25 વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે સીરિયા અને અમેરિકાના ટોચના નેતાઓ એકબીજાને મળ્યા છે.

સુરતમાં યુવકનો આપઘાત, પૂર્વ પત્ની સહિત 10 લોકો પર દુષ્પ્રેરણાનો આરોપ

સુરત: ગુજરાતમાં પ્રેમ કરીને પ્રપંચ કરવાની ઘટના અવાર-નવાર પ્રકાશમાં આવતી હોય છે. સુરત શહેરમાં પણ એવું જ કંઈક બન્યું, 30 વર્ષીય યુવકને પ્રેમનું પરિણામ દગો મળ્યોને અંત યુવક વીડિયો બનાવી વ્યથા ઢાલવી પોતાના જીવનને ટૂંકાવી દીધું.મૃતકે આપઘાત કરતા પહેલાં વીડિયો બનાવ્યો હતો અને વીડિયોમાં તેણે પૂર્વ પત્ની શીતલ પર આપઘાત માટે દુષ્પ્રેરણાનો આરોપ લગાવ્યો હતો. હાલ પોલીસે આ મામલે આરોપીના દાવા અનુસાર, તેની પૂર્વ પત્ની અને પ્રેમીની ધરપકડ કરી અન્ય 10 આરોપીઓની શોધખોળ કરી આ મામલે તપાસ હાથ ધરી છે.

સુરતના વરાછા વિસ્તારમાં 30 વર્ષીય વેપારી જયદીપ સાટોડિયાના આપઘાતે ચકચાર મચાવી છે. જયદીપે ઝેરી દવા પીને જીવન ટૂંકાવતા પહેલાં એક વીડિયો રેકોર્ડ કર્યો, જેમાં તેણે પૂર્વ પત્ની શીતલ રાઠવા અને તેના સાથીઓ પર માનસિક ત્રાસ આપી આપઘાત માટે દુષ્પ્રેરણા કરવાનો આરોપ લગાવ્યો. ઉત્રાણ પોલીસે શીતલ અને તેના કથિત પ્રેમી મોહસિન ઉર્ફે ટાઇગરની ધરપકડ કરી, અન્ય 10 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

જયદીપે 2023માં શીતલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નજીવનમાં વારંવાર ઝઘડા થતા. વીડિયોમાં જયદીપે જણાવ્યું, “શીતલે મને અને મારા પરિવારને હેરાન કર્યા. તેણે ખોટા કેસ કરાવ્યા, ઘરે આવી ધમકીઓ આપી. મારી હિંમત તૂટી ગઈ.” તેણે શીતલના આગ્રહ પર અન્ય સગાઈ તોડી લગ્ન કર્યા હોવાનું પણ ઉલ્લેખ્યું, પરંતુ શીતલે તેની “જિંદગી બગાડી નાખી.” જયદીપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી કે, “પુરુષો માટે પણ કાયદો બનાવો, જેથી અમારે મરીને સાચું સાબિત ન કરવું પડે.”

જયદીપના આપઘાતના સમાચાર મળતા જ તેની પૂર્વ પત્ની શીતલ અને તેનો પ્રેમી નવસારી ખાતે એક હોટલમાં છુપાઈ ગયા હતા. પોલીસે નવસારીની હોટલમાંથી બન્નેને ઝડપી પાડ્યા હતા. સાથે જ અન્ય 10 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. યુવકે આપઘાત પહેલા સુસાઇડ નોટ અને મોબાઈલમાં વીડિયો પણ બનાવ્યો હતો. જયદીપે એક વાર નહીં પણ ત્રણ વાર આપઘાત કરવાના પ્રયત્ન કર્યા હતા કેમ કે તેના મોબાઈલમાંથી ત્રણ વીડિયો મળ્યા છે. બે વખત અગાઉ પણ તેણે વીડિયો બનાવ્યા હતા પરંતુ ત્યારે તેને આપઘાત કરવાની હિંમત થઈ ન હતી. જોકે ત્યાર બાદ યુવક પર ફરી ત્રાસ વધતા તેણે વીડિયો બનાવી આપઘાત કરી લીધો હતો. આ વીડિયો સમગ્ર કેસમાં મહત્વનો સાબિત થયો છે, જેના આધારે પોલીસે 12 સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને જયદીપની મોપેડમાંથી સ્યુસાઇડ નોટ મળી, જેમાં શીતલના માનસિક ત્રાસની વિગતો હતી. ઉત્રાણ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 (આપઘાત માટે દુષ્પ્રેરણા) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી. આ ઘટનાએ સમાજમાં પુરુષોના માનસિક સ્વાસ્થ્ય અને કાનૂની રક્ષણના મુદ્દે ચર્ચા જગાવી છે.

સિંદૂર પછી ભારતીય સેનાનું નવું ઓપરેશન શરૂ

ઓપરેશન સિંદૂરની સફળતાને કારણે ભારતીય સેનાનું મનોબળ ઊંચું છે. દરમિયાન, સેનાએ હવે આતંકવાદ સામે એક નવો મોરચો ખોલ્યો છે. તેને ‘ઓપરેશન કેલર’ નામ આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે મંગળવારે ભારતીય સેનાએ કાશ્મીરના શોપિયા જિલ્લાના કેલરના ગાઢ જંગલ વિસ્તારમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. અગાઉ, રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટે શોકલ કેલર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે સચોટ ગુપ્ત માહિતી આપી હતી. જે બાદ સેનાએ આ ઓપરેશન શરૂ કર્યું.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં સેનાના સત્તાવાર નિવેદનમાં નવા ઓપરેશન વિશે માહિતી આપવામાં આવી છે. પોસ્ટમાં લખ્યું હતું, “ઓપરેશન કેલર. 13 મે 2025 ના રોજ, રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટ પાસેથી મળેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, ભારતીય સેનાએ શોપિયાંના શોકલ કેલરમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું.” સેનાએ કહ્યું છે કે ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ ભારે ગોળીબાર કર્યો હતો, જેનો યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં ત્રણ કટ્ટર આતંકવાદીઓ માર્યા ગયા. અને આ કામગીરી હજુ પણ ચાલુ છે.

લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ માર્યા ગયા

અહેવાલો અનુસાર, કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. જોકે, બાદમાં આતંકવાદીઓએ શોપિયામાં પણ ગોળીબાર શરૂ કરી દીધો. ભારતીય સેનાએ આખરે ઓપરેશન દરમિયાન આતંકવાદીઓને ઠાર માર્યા. સુરક્ષા દળોએ કહ્યું છે કે આ સમય દરમિયાન શાહિદ કુટ્ટે, અદનાન શફી ડાર અને હરિસ નઝીર નામના આતંકવાદીઓ માર્યા ગયા હતા. તે બધા પાકિસ્તાન સમર્થિત લશ્કર-એ-તૈયબા (LeT) સાથે સંકળાયેલા હતા. તમને જણાવી દઈએ કે આ આતંકવાદીઓ ખીણમાં ઘણા આતંકવાદી હુમલાઓમાં સામેલ હતા.

પહેલગામ ગુનેગારોના પોસ્ટરોમાંથી સંદેશ

દરમિયાન, ભારતીય ગુપ્તચર એજન્સીઓએ શોપિયામાં પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓ, આદિલ હુસૈન ઠોકર, અલી ભાઈ અને હાશિમ મુસાના પોસ્ટર ચોંટાડ્યા છે. સેનાએ ફોટોગ્રાફ્સ નીચે “આતંકવાદ મુક્ત કાશ્મીર” સૂત્ર પણ લખ્યું હતું. તે જ સમયે, આ આતંકવાદીઓ વિશે વિશ્વસનીય માહિતી આપનાર વ્યક્તિ માટે 20 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે.

પાકિસ્તાન હાઇ કમિશનમાં તૈનાત અધિકારીઓને દેશ છોડવા આદેશ

ભારત સરકારે પાકિસ્તાન હાઈ કમિશનમાં કામ કરતા એક અધિકારીને “પર્સોના નોન ગ્રેટા” (પર્સોના નોન ગ્રેટા) જાહેર કર્યા છે. સરકાર દ્વારા અનિચ્છનીય જાહેર કરાયેલ કોઈપણ વ્યક્તિને ભારતમાં રહેવા માટે અયોગ્ય ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં, હવે આ પાકિસ્તાની અધિકારીને તાત્કાલિક દેશ છોડવો પડશે. આ પગલું અધિકારીની પ્રવૃત્તિઓ અંગે લેવામાં આવ્યું છે, જે ભારતમાં તેમની સત્તાવાર ભૂમિકા અનુસાર ન હતી. આ નિર્ણય ભારતની સુરક્ષા અને રાજદ્વારી ગરિમાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

વિદેશ મંત્રાલયે શુક્રવારે આ સંદર્ભમાં એક સત્તાવાર નિવેદન જારી કર્યું અને કહ્યું કે સંબંધિત અધિકારીને 24 કલાકની અંદર ભારત છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. પાકિસ્તાન હાઈ કમિશનના ચાર્જ ડી અફેર્સને વિદેશ મંત્રાલયમાં બોલાવવામાં આવ્યા હતા અને ઔપચારિક રીતે નિર્ણયની જાણ કરવામાં આવી હતી અને એક મજબૂત ડિમાર્ચ (રાજદ્વારી વિરોધ નોંધ) સોંપવામાં આવી હતી.