Home Blog Page 908

ભાજપે અસિમ મુનિરની રાહુલ ગાંધી સાથે કરી તુલના

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂરને લઈને ભાજપના IT સેલ પ્રમુખ અમિત માલવિયાએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે એક ફોટો પોસ્ટ કરીને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પર આક્ષેપ કર્યો છે. ફોટામાં અડધી તસવીર રાહુલ ગાંધીની છે અને બાકીની અડધી પાકિસ્તાનના સેનાપ્રમુખ અસીમ મુનિરની. આ ફોટો શેર કરતાં અમિત માલવીયાએ લખ્યું કે રાહુલ ગાંધી પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે.

તેમણે લખ્યું હતું કે આ આશ્ચર્યજનક નથી કે રાહુલ ગાંધી પાકિસ્તાન અને તેના સમર્થકોની ભાષા બોલી રહ્યાં છે. તેમણે ઓપરેશન સિંદૂર માટે વડા પ્રધાનને શુભેચ્છા સુધ્ધાં આપી નથી, જે સ્પષ્ટપણે ભારતની સર્વભૌમતા દર્શાવે છે.

તેમણે વધુમાં લખ્યું છે કે તેઓ (રાહુલ ગાંધી) વારંવાર પૂછે છે કે આપણે કેટલા જેટ ગુમાવ્યા? એક પ્રશ્ન જે પહેલેથી જ DGMOની બ્રીફિંગમાં ઉલ્લેખિત થયો છે.

રસપ્રદ વાત એ છે કે તેમણે એક વાર પણ નથી પૂછ્યું કે અથડામણ દરમિયાન કેટલાં પાકિસ્તાની જેટ તોડી પાડવામાં આવ્યા, અથવા જ્યારે ભારતીય સેના દ્વારા પાકિસ્તાની એરબેઝ પર બોમ્બવર્ષા થઈ ત્યારે કેટલાં વિમાનો હેંગરમાં ઊભાં-ઊભાં નષ્ટ થયાં. રાહુલ ગાંધી હવે આગળ શું કરશે? નિશાન-એ-પાકિસ્તાન મળશે?

રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?
ઓપરેશન સિંદૂર બાદ વિદેશ મંત્રી એસ. જયશંકરના એક નિવેદન પર પ્રશ્ન ઉઠાવતાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સરકાર પર નવા આક્ષેપ મૂક્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે આપણા હુમલાથી પહેલાં પાકિસ્તાનને જાણ કરવી એ ગુનો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વિદેશ મંત્રીએ જાહેરમાં સ્વીકાર્યું છે કે ભારત સરકારે એવું કર્યું છે. રાહુલે સવાલ કર્યો છે કે આપણી વાયુસેનાએ કેટલાં વિમાનો ગુમાવ્યાં?

દબાણો દૂર કરવાના બીજા તબક્કાનો પ્રારંભઃ 2.5 લાખ સ્કવેર મીટર ખુલ્લી કરાશે

અમદાવાદઃ ચંડોળા તળાવ અને આસપાસ કરવામાં આવેલા ગેરકાયદે દબાણ હટાવવાના પહેલા તબક્કામાં આશરે દોઢ લાખ ચોરસ મીટર જમીન ખાલી કરાવવામાં આવી હતી. એવામાં આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ચાર દિવસમાં ડિમોલિશન પૂર્ણ કરી બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે. 

આ ડિમોલિશનની કાર્યવાહી સવારે સાતથી બપોરના એક તથા બપોરે ત્રણથી સાંજના છ વાગ્યા સુધી ચાલશે. જેના માટે 50થી વધુ JCBનો ખડકલો કરી દેવામાં આવ્યો છે. અસરગ્રસ્તોને ખસદેવા માટે AMTSની બસો તથા મેડિકલ ટીમો પણ તહેનાત કરવામાં આવી છે.આ અંગે વધુ માહિતી આપતાં પોલીસ કમિશનર જી. એસ. મલિકે જણાવ્યું છે કે ડિમોલિશનની કાર્યવાહીમાં 3000 પોલીસ કર્મચારી, SRPની 25 કંપનીઓ બંદોબસ્ત માટે તૈનાત રહેશે. બીજા તબક્કામાં અઢી લાખ ચોરસ મીટર જમીન પરનું દબાણ દૂર કરવામાં આવશે.

આ પહેલાં ચંડોળા તળાવની આસપાસ રહેતા 200થી વધુ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા છે જ્યારે હજુ અન્ય બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા ચાલુ છે.

ચંડોળમાં રહેતા લોકોને મકાનો ખાલી કરી દેવા માટે જાહેરાત કરાઈ હતી.આ ઉપરાંત જે લોકો વર્ષ 2010 પહેલા રહેતા હોય તેઓને શરતોને આધીન EWS આવાસ યોજનાના મકાન મળવાપાત્ર હોવાથી દાણીલીમડા ખાતે આવેલી વોર્ડ ઓફિસથી ફોર્મ મેળવી લે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. ચંડોળામાં આજે વહેલી સવારથી છોટા તળાવ વિસ્તારમાં દબાણો તોડાયા હતાં. આ ઉપરાંત લલ્લા બિહારીના ફાર્મ હાઉસની બાજુના દબાણો પણ તોડી પડાયા હતાં. પોલીસે અહીં ફૂટ પેટ્રોલિંગ પણ શરૂ કર્યું હતું.

કુણાલ કોહલીની ‘હમતુમ’ સૈફઅલી ખાનના નસીબમાં હતી

નિર્દેશક કુણાલ કોહલીએ ‘હમતુમ’ (૨૦૦૪) નું આયોજન કર્યું ત્યારે એમાં સૈફઅલી ખાન ન હતો. ત્રણ જાણીતા હીરોએ ના પાડ્યા પછી સૈફ ફિલ્મમાં આવ્યો હતો. કુણાલે હોલિવૂડની ફિલ્મ ‘વ્હેન હેરી મેટ સેલી’ ની રિમેક તરીકે ‘હમતુમ’ ની સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી. સ્ક્રિપ્ટ મોકલીને જ્યારે એ ફિલ્મના નિર્માતા પાસેથી સત્તાવાર રીતે અધિકાર માંગવામાં આવ્યા ત્યારે એમણે એમ કહીને ના પાડી હતી કે વાર્તા ૭૦ ટકા સુધી એમની ફિલ્મ પર આધારિત હોવી જોઈએ. કુણાલ એ વાર્તા પર સંપૂર્ણ ફિલ્મ બનાવવા માગતા ન હતા. તેથી ‘હમતુમ’ ને અલગ ફિલ્મ તરીકે બનાવવામાં આવી હતી.

શરૂઆતમાં યશ ચોપડા એની અલગ વાર્તા પર વિશ્વાસ ધરાવતા ન હતા અને આદિત્યને કહ્યું હતું કે આ જોખમી પગલું છે. પરંતુ ફિલ્મ જોયા પછી યશજીએ કુણાલની પ્રશંસા કરી હતી. યશરાજ ફિલ્મ્સની ‘હમતુમ’ માટે સૌથી પહેલાં રિતિક રોશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કેમકે એ એમની જ ‘મુઝસે દોસ્તી કરોગે’ (૨૦૦૨) કરી ચૂક્યો હતો. રિતિકને સ્ક્રિપ્ટ ગમી હતી પણ એને કોમેડી શૈલીમાં સફળતા માટે આત્મવિશ્વાસ ન હતો. તેની ઘણી બધી ફિલ્મો ફ્લોપ થઈ ચૂકી હતી. ત્યારે તે ‘કોઈ મિલ ગયા’ કરી રહ્યો હતો અને એમ માનતો હતો કે એક હિટ આપ્યા પછી આ ફિલ્મ કરી શકે છે.

કુણાલ બે વર્ષ સુધી રાહ જોઈ શકે એમ ન હતો એટલે ‘હમતુમ’ માટે આમિર ખાનનો સંપર્ક કર્યો હતો. ત્યારે આમિરના પત્ની રીના દત્તા સાથેના છૂટાછેડાની વાત ચાલી રહી હતી. આમિરે કહ્યું હતું કે તે અત્યારે સ્ક્રિપ્ટ સાંભળવાની સ્થિતિમાં પણ નથી. એ પછી વિવેક ઓબેરોયને સ્ક્રિપ્ટ સંભળાવી. એણે ફિલ્મ કરવા માટે હા પાડીને તારીખો ફાળવી દીધી હતી. પછી એ તારીખો રદ કરીને એમાં કેટલાક ફેરફાર સૂચવ્યા હતા. જે કુણાલ કરી શકે એમ ન હતો એટલે વિવેકને પડતો મૂક્યો. ત્રણ હીરોએ ના પાડ્યા પછી કુણાલ અલગ પાકિસ્તાનના મુદ્દાવાળી વાર્તા પર ફિલ્મ બનાવવાનું વિચારવા લાગ્યો હતો ત્યારે આદિત્ય ચોપડાએ સૈફના નામનું સૂચન કર્યું હતું.

કુણાલે એ પાત્રમાં સૈફની કલ્પના કરી અને થયું કે એ યોગ્ય રહે એમ છે. એણે ત્યાં સુધીમાં સોલો હીરો તરીકે એકપણ હિટ ફિલ્મ આપી ન હતી. તેનો આત્મવિશ્વાસ જોઈને કુણાલે સૈફને સાઇન કરી લીધો હતો. નિર્દેશક કુણાલ કોહલીએ એક મુલાકાતમાં જૂની યાદો સાંભરી કહ્યું છે કે પ્રિમિયરમાં રિતિક આવ્યો હતો અને એણે કહ્યું હતું કે સૈફ મારાથી વધુ શ્રેષ્ઠ પસંદગી છે. હું એના જેવું કામ કરી શક્યો ના હોત. યશરાજ બેનરની આ સૌથી ઓછા બજેટની ફિલ્મ હતી. એ સમય પર રૂ.૧૦ કરોડથી વધુના બજેટમાં એમની ફિલ્મો બનતી હતી ત્યારે ‘હમતુમ’ નું બજેટ રૂ.૭.૫ કરોડનું જ હતું. કેટલાક દ્રશ્યોનું ફિલ્માંકન બદલવામાં આવ્યું હતું. સૈફ અને રાની મુખર્જીના બાથરૂમના ઝઘડાનું દ્રશ્ય પહેલાં ગેટવે ઓફ ઈન્ડિયા પર ફિલ્માવવામાં આવનાર હતું. રાની ગુસ્સે થઈને ગેટ વે ઓફ ઈન્ડિયાને બદલે બાથરૂમમાં જાય એ વાસ્તવિક લાગે એવું હતું. તેથી બાથરૂમમાં ફિલ્માવવામાં આવ્યું હતું.

ફરજ ફક્ત વહુની કે જમાઈની પણ?

ઋધિના પિતાને હ્રદયરોગનો હુમલો આવ્યો. સારવાર માટે તાત્કાલિક બે લાખની જરૂર પડી. ઋધિ ઘરની મોટી દીકરી હતી. ભાઈ તો હજી 12માં ધોરણમાં ભણતો હતો. પિતાજીના પેન્શનમાંથી જ ઘર ચાલતું.

હવે અચાનક બીમારીના કારણે પૈસાની જરૂરિયાત ઊભી થઈ. ઋધિ ચિંતિત હતી, પણ પતિ મૃદુલે એક ક્ષણ પણ વિચાર કર્યા વગર પોતાના બચત ખાતામાંથી પૈસાની વ્યવસ્થા કરી આપી. ઋધિની આંખોમાં કૃતજ્ઞતા ઝળકી. એને આજે પોતાના પતિમાં એક સાચો સાથીદાર દેખાયો.

પણ આ વાત જ્યારે મૃદુલના માતા-પિતાને ખબર પડી ત્યારે નવો જ વળાંક આવ્યો.

‘તારે શું જરૂર હતી પૈસા આપવાની’? મૃદુલની માતાએ કડક અવાજે પૂછ્યું. પિતા બકુલભાઈએ ઉમેર્યું, ‘તું તો એ ઘરનો જમાઈ કહેવાય. એના ઘરના ખર્ચમાં તારે પૈસા આપવાની ક્યાં જરૂર હતી’?

મૃદુલે ધીમેથી કહ્યું, ‘મમ્મી… જયારે ઋધિ પોતાનો પગાર તમારી દવાઓ માટે કે ઘરના ખર્ચ માટે આપે છે ત્યારે આપણે કદી એમ નથી કહ્યું કે એ કેમ આપે છે? આપણે તો ગર્વથી બધાને કહીએ છીએ કે આ તો અમારી વહુ નહીં, દીકરી છે. તો પછી આજે મેં એના પપ્પાને મદદ કરી એમાં ખોટું શું છે?’

‘તમને જે રીતે પોતાની વહુમાં દીકરી દેખાય છે એવી જ રીતે મને પણ મારા સાસરિયામાં માતા-પિતા દેખાય છે.’

આજના સમયમાં જ્યાં લગ્ન માત્ર લાગણી નહીં, પણ સહયોગ અને વ્યવહાર પર નિર્ભર છે ત્યાં આ પ્રશ્ન ખૂબ ગંભીર બની જાય છે કે, પુત્રવધૂની માફક જમાઈની પણ સાસરિયાંઓ માટે કોઇ જવાબદારી ખરી?  

આર્થિક સંવાદિતા આદરથી શરૂ થાય છે

જો પુત્રવધુ પોતાની આવકમાંથી પોતાના સાસરિયાંને સહાય કરે છે, ઘરના ખર્ચમાં પોતાનું યોગદાન આપે છે, તો શું એ જ હક જમાઈને પણ મળવો જોઈએ? શું જમાઈ પણ પોતાની કમાણીમાંથી પોતાના સાસરિયાને મદદ કરી શકે? અને જો કરે, તો શું એને રોકવાનો કોઈને નૈતિક અધિકાર છે?

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા, ડિસ્કવરીલેન્ડ પ્રાઇવેટ લિમિટેડમાં સેન્ટ્રલ હેડ આશિતા મહેતા કહે છે કે, “લગ્ન પછી નાણાકીય જવાબદારી અને આવકનું સંચાલન ઘણીવાર જટિલ બની જાય છે. પુત્રવધૂને પોતાની આવકનો કઈ રીતે ઉપયોગ કરવો એ બાબતે સંપૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ. એના સાસરિયાંએ એના પગાર પર નિયંત્રણ રાખવું યોગ્ય નથી. જેમ પુત્ર પોતાના માતા-પિતાની ફરજ નિભાવે છે એમ પુત્રવધૂને પણ લગ્ન પછી પોતાના માતા-પિતાને આર્થિક ટેકો આપવાનો સમાન અધિકાર હોવો જોઈએ. નાણાકીય નિર્ણયો દંપતીએ મળીને લેવા જોઈએ, જેમાં એમના સામાન્ય લક્ષ્યો અને પ્રાથમિકતાઓને ધ્યાનમાં લેવી જરૂરી છે. પુત્રવધુ જેમ સાસરીમાં પોતાની આવક આપે એ રીતે જમાઈ પણ પોતાની સાસરી વિશે વિચારે એમાં જરાય ખોટુ તો નથી જ.”

સમાજ માટે આ સકારાત્મક સંદેશ છે

અત્યારનો સમય એવો છે કે દીકરા અને દીકરીને સમાન નજરે જોવામાં આવે છે. દરેક કામમાં એ બંને સાથે મળીને કામ કરે છે. એટલું જ નહીં, આજે તો લગભગ દરેક યુવતી પગભર બને છે. સ્વતંત્રતા સાથે આવક કરતી થઈ છે. એ જ રીતે આજના યુવાનોમાં પણ હકારાત્મક વિચારશૈલી જોવા મળે છે.

પારિવારિક બિઝનેસમાં એકાઉન્ટ વિભાગ સંભાળતા સેજલ પટેલ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતાં કહે છે, “મેં ઘણાં એવા ઘરોમાં જોયું છે જ્યાં જમાઈ પણ પુત્રની જેમ રહે છે. જરૂર પડે ત્યારે સાસરીયાને મદદરૂપ બને છે. પહેલાંના સમયમાં જમાઈ સાસરીમાં મહેમાન બનીને જતા, પરંતુ આજકાલની પેઢી જમાઈ તરીકે સાસુ-સસરાને માતા-પિતાની જેમ પ્રેમ કરે છે, એમની સાર સંભાળ લે છે. જેમ દીકરી લગ્ન પછી પુત્રવધૂ બનીને પોતાના સાસરીયાની ફરજ નિભાવતી હોય છે. એમ દીકરાએ પણ જ્યારે જમાઈ બને ત્યારે પોતાના સાસરીયા માટે ફરજ નિભાવવી જોઈએ. આજે ઘણા એવા પરિવારો છે જેમને સંતાનમાં એક દીકરી જ હોય છે. આવા સમયે જમાઈ પુત્ર બનીને સાસુ-સસરાની સેવા કરે છે. ઘણા જમાઈ તો પોતાના સસરા માટે ઘર ખરીદે છે અને આર્થિક રીતે પણ પૂરતું યોગદાન આપે છે. સમાજ માટે આ એક સકારાત્મક સંદેશ છે કે પુત્રવધૂ અને જમાઈ, બંને પોતાના સાસરીયાં માટે સમાન રીતે જવાબદારી વહન કરે.”

જમાઈને પણ દીકરો માનવો જોઈએ

આજના સમયમાં લગ્ન ફક્ત સંબંધનું બંધન નથી, પરંતુ બે વ્યક્તિ વચ્ચેની સમજણ, સહયોગ અને સાથે મળીને જીવન બનાવવાની સફર છે. આજના યુવાનોને જીવનસાથીમાંથી ફક્ત ભાવનાત્મક સહારો જ નહિ, પણ આર્થિક અને માનસિક રીતે પણ સમાન ભાગીદારીની અપેક્ષા હોય છે. ઘણા યુવાનો માટે એ મહત્વપૂર્ણ છે કે, એમની ભાવિ પત્ની સ્વાવલંબી હોય, પોતાની ઓળખ અને આર્થિક સ્થિરતા ધરાવતી હોય.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સરોજ ચૌહાણ કહે છે કે, ‘આજે દીકરો અને દીકરી બંને કમાતા થયા છે એટલે હવે સમયની સાથે માનસિકતા બદલવી જોઈએ. અને હા, પુત્રવધુને દીકરી કહેવા કરતા દીકરી માનવી જરૂરી છે. એ જ રીતે જમાઈને પણ દીકરો માનવો જોઈએ. જમાઈએ પણ પત્ની જેમ એના પરિવાર માટે ફરજ નિભાવે છે, એ જ રીતે એને પણ પોતાની સાસરી માટે ફરજ અદા કરવી જોઈએ.’

હેતલ રાવ

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૦ મે ૨૦૨૫

પંચાતિયાનાં છોકરાં ભૂખે મરે

 

પંચાતિયાનાં છોકરાં ભૂખે મરે

 

પંચાતિયો એટલે પંચાત કરવાની ટેવવાળો. આ પંચાત શબ્દ પંચાયત ઉપરથી આવ્યો છે. ગામમાં અથવા સમાજમાં કોઈ પણ મુદ્દે ચર્ચાઓ કરી એ અંગે મંતવ્ય ઊભું કરવાનું અથવા ચુકાદો આપવાનું કામ પંચ અથવા પંચાયત કરે છે. આમ પંચ અથવા પંચાયતનું કામ જ પારકાની ચિંતા કરવાનું અથવા ચર્ચા કરવાનું છે.

આ અર્થમાં પંચાતિયો એટલે ભાંજગડ કરનાર માણસ. આ પ્રકારના વ્યક્તિ પારકી પંચાતમાં જ રોકાયેલા રહે છે. જેની સાથે એને કાંઇ લેવાદેવા ન હોય એવી બિન ઉપયોગી અને બિન ઉપજાઉ વાતો પાછળ એ સમય બગાડે છે. સ્વાભાવિક છે આમ થવાને કારણે તે પોતે કોઈ પણ પ્રકારનું ઉપજાઉ અથવા પૈસા મળે તેવું કામ કરી શકતો નથી. આવક ન હોય એટલે પાછળ પરિવારની સ્થિતિ હાંડલા કુસ્તી કરે તેવી થાય. આ સંદર્ભમાં આ કહેવત બની છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

પંચાંગ 20/05/2025

એક્સિસ બેંકે ‘પ્રોજેક્ટ નમન’ માટે સેના, CSC ઈ-ગવર્નન્સ સાથે MoU કર્યા

નવી દિલ્હીઃ દેશની ખાનગી  ક્ષેત્રની એક્સિસ  બેંકે  ભૂતપૂર્વ સૈનિકો  અને તેમના  પરિવારો  માટેની  સમર્પિત  પહેલ  પ્રોજેક્ટ  નમનને  ટેકો  આપવા  માટે  ભારતીય સેના  તથા  CSC  ઇ-ગવર્નન્સ  સર્વિસીઝ  ઈન્ડિયા  લિમિટેડ  સાથે  ત્રિપક્ષી  એમઓયુ  કર્યા  છે.  લેફ્ટેનન્ટ  જનરલ  રણજિત  સિંહ,  ડીજી,  ડીસીએન્ડડબ્લ્યુ,  બ્રિગેડિયર  મનદીપ  સિંહ,  એસએમ,  બ્રિગ ડીઆઈએવી,  એક્સિસ  બેંકના  એક્ઝિક્યુટિવ  વાઇસ  પ્રેસિડેન્ટ – ભારત  બેંકિંગ  મોહિત  જૈન  તથા  CSC  ઇ-ગવર્નન્સ  સર્વિસીઝ  ઈન્ડિયા  લિમિટેડના  વાઇસ  પ્રેસિડેન્ટ  હરિશ  ઓબેરોયેની  ઉપસ્થિતિમાં  આ  એમઓયુ  પર  હસ્તાક્ષર  કરવામાં  આવ્યા  હતા.  આ પ્રોજેક્ટ  હેઠળ  એક્સિસ બેંક  ભૂતપૂર્વ  જવાનો, યુદ્ધમાં  શહીદ  થયેલા  સૈનિકોની  વિધવાઓ  અને  એનકેઓને  આવશ્યક  સેવાઓ  પૂરી  પાડવા  માટે  ફેસિલિટેશન  સેન્ટર્સ  ઊભા  કરવામાં  મદદ  કરશે, જેથી  કલ્યાણ  તથા  પેન્શન  સંબંધિત  સહાયની  સરળ  પહોંચ  સુનિશ્ચિત  થઈ  શકે.

વર્ષ 2023માં  લોન્ચ  થયેલો  પ્રોજેક્ટ  નમન  સુરક્ષા કર્મચારીઓ  માટે  પેન્શન  સંબંધિત  પ્રક્રિયાઓ  સરળ  બનાવવા  માટે સંરક્ષણ   મંત્રાલય  દ્વારા  લોન્ચ  કરાયેલી  ડિજિટલ  પેન્શન  સિસ્ટમ  SPARSH (System for Pension Administration – Raksha)નો અમલ  કરવા  પર  ધ્યાન  આપે  છે.  આ  ભાગીદારી  હેઠળ  મહારાષ્ટ્ર,  ગુજરાત,  તમિળનાડુ,  પંજાબ,  ઉત્તર  પ્રદેશ,  જમ્મુ-કાશ્મીર,  પશ્ચિમ  બંગાળ, અરુણાચલ  પ્રદેશ,  આસામ,  નાગાલેન્ડ,  રાજસ્થાન  અને અન્ય  સહિતનાં  13 રાજ્યોમાં  25  ડીઆઈ એવી  સ્થળોએ  CSC  ઊભાં કરવામાં  આવશે.  આ  ફેસિલિટેશન  સેન્ટર્સ  વિવિધ  પ્રશ્નો  તથા  સમસ્યાઓને  સાંભળવા  માટે  સજ્જ  રહેશે  અને  દેશની  સેવા  કરનારા  જવાનો  માટે  વ્યાપક  ટેકો  પૂરો  પાડશે.

દરેક  CSC  સેન્ટર્સ  પસંદ  કરેલા  ભૂતપૂર્વ  સૈનિકોની  વીએલઈ  અથવા  લોકલ  મિલિટરી ઓથોરિટીઝ  (LMA)  દ્વારા  પસંદ  કરાયેલા  એનઓકે  દ્વારા  મેનેજ કરવામાં  આવશે.  CSC  ઇ-ગવર્નન્સ  સર્વિસીઝ  ઈન્ડિયા  લિમિટેડ  આ  વીએલઈને  ઓનબોર્ડ  કરશે  અને  ભૂતપૂર્વ  જવાનો તથા  તેમના  પરિવારોને  સેવાઓ  આપવા  માટે  તેમને તાલીમ   આપશે.  આ  સેન્ટર  સ્પર્શ-એનેબલ્ડ  પેન્શન  સર્વિસીઝ,  ગવર્મેન્ટ-ટુ-સિટીઝન  (જીટુસી)  સર્વિસીઝ  અને  બિઝનેસ-ટુ-કન્ઝ્યુમર  (બીટુસી)  ઓફ રિંગ્સ  માટે  સિંગલ  વિન્ડો  પ્લેટફોર્મ  બની  રહેશે.

આ  ભાગીદારી  અંગે  એક્સિસ  બેંકના  એક્ઝિક્યુટિવ  ડિરેક્ટર  મુનીશ  શારદાએ  જણાવ્યું  હતું  કે એક્સિસ  બેંકમાં  અમે  પ્રોજેક્ટ  નમનને  ટેકો  આપવા  માટે  ભારતીય  સૈન્ય  તથા  સીએસસી  ઇ-ગવર્નન્સ  સાથે  ભાગીદારી  કરતાં  ખૂબ  જ સન્માનિત  છીએ.   અમે  માનીએ  છીએ  કે  આ  ભાગીદારી  ભૂતપૂર્વ  સૈનિકો  અને  તેમના  પરિવારો  માટે  વધુ  સમાવેશક  અને  સહાયાત્મક  માહોલ  ઊભો  કરવામાં  મદદ  કરશે.

આ  પ્રસંગે  ડીઆઈએવીના  બ્રિગેડિયર મનદીપ સિંહ,  એસએમ,  બ્રિગ ડીઆઈએવીએ  જણાવ્યું  હતું  કે  એક્સિસ  બેંક  અને  CSC  ઇ-ગવર્નન્સના  સમર્થનથી  અમે રાષ્ટ્રની  સેવા  કરનારાઓને  સરળ  અને ગૌરવપૂર્ણ  સેવાઓ  પૂરી  પાડવા  માટે  પ્રતિબદ્ધ  છીએ.

CSC ઇ-ગવર્નન્સ  સર્વિસીઝ  ઈન્ડિયા  લિમિટેડના  MD  અને  CEO  સંજય  રાકેશે  જણાવ્યું  હતું  કે CSC  ખાતે  અમને પ્રોજેક્ટ  નમનમાં  યોગદાન  આપવાનો  ગર્વ  છે,  જે ડિજિટલ  સમાવેશ  દ્વારા  સૈન્યના  ભૂતપૂર્વ સૈનિકો  અને  તેમના  પરિવારોને  સશક્ત  બનાવવાના  અમારા  સહિયારા  વિઝનનું  પ્રતિબિંબ  છે.  ડીઆઈએવી  સ્થાનો  પર  ફેસિલિટેશન  સેન્ટર્સ  સ્થાપીને  અમે  એ  સુનિશ્ચિત  કરવાનો  ધ્યેય  રાખીએ  છીએ  કે મહત્વપૂર્ણ  પેન્શન  અને  કલ્યાણ  સેવાઓ  દેશના  દૂરના  ભાગો  સુધી  પણ  પહોંચે.

અસાધ્ય રોગને સરળ બનાવતો સેમિનાર

અમદાવાદ: કેન્સરનું નામ પડે એટલે ભલભલાના હોશ ઉડી જાય.. આવું જ એક બત્રીસ વર્ષના યુવાન જોડે થયું. એક દીકરો અને એક દીકરી સાથેનો મધ્યમવર્ગનો પણ સુખી પરિવાર..કોરોનાના સંક્રમણ બાદ લોહીની તપાસ પછી ડોકટરને શંકા ગઇ જયભાઇ તમારે બીજા રીપોર્ટ માટે તૈયાર રહેવું પડશે. જયભાઇએ અન્ય રિપોર્ટ કરાવ્યા અને એમાં લોહીનું કેન્સર (સી.એમ.એલ.) આવ્યું. આ યુવાન ગભરાઇ ગયો, રાતની ઉંઘ ઉડી ગઇ. હવે અચાનક શરીરમાં પ્રવેશેલો આ ભયાનક રોગ કેન્સર અને પરિવારને સાચવવાનું મુસીબત થઇ જશે. એટલે આત્મહત્યા કરી જીવન કેવી રીતે ટૂંકાવવું એવા વિચારો આવવા માંડ્યા….એક રાત્રે યુવાન જાગતો પથારીમાં પડ્યો રહ્યો. અડધી એક રાત્રે ઉઠ્યો અને લાઇટ ચાલુ કરી બહાર જતો હતો ત્યાં માસુમ દીકરીએ કહ્યું પાપા કહાં જા રહે હો અભી તો અંધેરા હૈ.. થોડી દેર મે ઉજાલા હો જાયેગા…આ શબ્દો સાંભળી યુવાન જયના શરીરના રુંવાડા ઉભા થઇ ગયા. દીકરીના શબ્દોએ એને જીવવાની એક નવી રાહ અપાવી દીધી. ત્યાર પછી અમદાવાદની જાણીતી હોસ્પિટલમાં ગયો જ્યાં એની સારવાર શરૂ થઇ. ડોકટરે સાંત્વના આપી અને કહ્યું આ કેન્સર સામે હું તને જીતાડીશ. લ્યુકેમિયાની સારવાર સરળ છે. જયને મળતી સારવાર એક જ ગોળીથી એનું જીવન બદલાઇ ગયું. જીવનની ગાડી એકદમ બરાબર ચાલી રહી છે. આજ દિવસ સુધી ઘર પરિવારના કે પડોશમાં કોઈને ખબર નથી કે જય ( નામ બદલેલ છે) લોહી સંબંધિત કેન્સર સાથે જીવી રહ્યા છે.લોહીને સંલગ્ન આવા કેન્સરના અનેક દર્દીઓ કે જે કેન્સર નામ સાંભળતા જ હતાશ થઇ જાય છે. એ વળી પાછા ઉભા થઇ જાય છે એમને ઉભા કરી દોડતા કરવાનું માર્ગદર્શન, શિક્ષણ અને સહાય આપતો અનોખો મેળાવડો શહેરના અમદાવાદ મેનેજમેન્ટ એસોશિયેશન ખાતે યોજાયો હતો. આ ઉત્સાહ વર્ધક મેળાવડાનું આયોજન મેક્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું.મેક્સના પ્રોગ્રામ ઓફિસર આસિકા નાઇક ચિત્રલેખા.કોમને કહે છે મેક્સ નામ સાંભળીને એવું લાગે કે આ કોઇ કંપનીનું નામ હશે. પરંતુ ના આ એક કેન્સર સામે ઝઝુમ્યો એ લેટિન અમેરિકન બાળક મેક્સના નામ પરથી આ સંસ્થાનું નામ પડ્યું. 1997માં અમેરિકામાં કેન્સર તેમજ ગંભીર બીમારીઓથી પીડાતા લોકોને મદદ કરવા મેક્સ ફાઉન્ડેશનની સ્થાપના થઇ. જે નિરંતર જુદા-જુદા દેશના અનેક શહેરોમાં સમયાંતરે સેમિનારોનું આયોજન કરી. કેન્સરના દર્દીઓને માર્ગદર્શન શિક્ષણ તો આપે જ છે એ સાથે એમના જેવાં બીજા લોકો પણ છે એમને મેળવી એક સંગઠન તૈયાર કરે છે. દર્દીઓને એક બીજાને મળી સંવાદ કરવાની તક મળતાં જ એ લોકોમાં જીવવાનો જુસ્સો વધે છે.

આ જ સંસ્થાના પ્રિયંકા કહે છે અમે અત્યારે એ.એમ.એ અમદાવાદમાં જે સેમિનારનું આયોજન કર્યું. એમાં સી.એમ.એલ. અને જી.આઇ.એસ.ટી.ના દર્દીઓને ભેગા કર્યા. એમને માર્ગદર્શન આપતી પુસ્તિકાઓ સાહિત્ય આપ્યું. આ સાથે શહેરના જાણીતા નિષ્ણાંત ડોક્ટર્સને બોલાવી એમના વક્તવ્યોનું આયોજન કર્યું. આ સાથે દર્દીએ આ કેન્સરમાં શું કરવું જોઇએ એની માહિતી મેળવી.. દર્દીઓના પ્રશ્નોના જવાબ મેડિકલ ટર્મિનોલોજીની સાથે સરળતાથી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમે આપ્યા. આ સેમિનારમાં વર્કશોપની જેમ ટીમો તૈયાર કરી કેન્સર સામે લડવા કેવી રીતે પોઝિટીવ રહેવું. એવા દરેકના જીવનમાં વિતેલો સકારાત્મક ઘટનાક્રમ રજૂ કરવો. જે સંવેદનશીલ સ્ટોરીથી બીજા લોકો પ્રેરણા મેળવી શકે.મેક્સ ફાઉન્ડેશન દ્વારા આયોજીત સેમિનારમાં દર્દીઓનું એક સકારાત્મક પ્રવૃત્તિ કરતું એક ગૃપ ફ્રેન્ડ્સ ઓફ મેક્સના સભ્યોએ સક્રિય રીતે ભાગ લીધો. જ્યારે વેદાંત હોસ્પિટલ તેમજ શહેરના નિષ્ણાંત ડોકટર્સ દ્વારા આ કેન્સરના દર્દીઓએ કેવી રીતે સ્વસ્થ રહી શકે એવી સકારાત્મક વાતો કરી. લોહી સાથે સંબંધિત કેન્સરના દર્દીઓએ અનેક રમૂજ કરી એમાં કહ્યું કેન્સર એટલે કેન્સર નહીં…આ લ્યુકેમિયા લોહીનું કેન્સર તો રાજરોગ કહેવાય..કોઇને ખબર પડે જ નહી. દિવસમાં એક જ ચોકલેટ (ટેબલેટ) ખાવ એટલે નિરાંત..!

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)