મુંબઈઃ બહુરાષ્ટ્રીય ઉદ્યોગસમૂહ અને 110 વર્ષ જૂના હિંદુજા ગ્રુપના ચેરમેન ગોપીચંદ હિંદુજાની આગેવાની હેઠળના હિંદુજા પરિવારે સતત ચોથા વર્ષે 35.3 અબજ પાઉન્ડની સંપત્તિ સાથે સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટ એ યુનાઇટેડ કિંગડમમાં રહેતા શ્રીમંત લોકો અને પરિવારોની નિશ્ચિત વાર્ષિક યાદી છે, જેમાં 2025ની એડિશનમાં 350 એન્ટ્રીઝનો સમાવેશ થાય છે. વૈશ્વિક પડકારો અને નીતિગત પરિવર્તનો છતાં હિંદુજા પરિવારે અદ્વિતીય વ્યાપાર સ્થિતિસ્થાપકતા અને વૈશ્વિક નેતૃત્વ દર્શાવવાનું ચાલુ રાખ્યું છે.
જી. પી. હિંદુજાના નેતૃત્વ હેઠળ યુકે સ્થિત પરિવારની કંપનીઓનું સમૂહ મોબિલિટી, ડિજિટલ ટેક્નોલોજી, બેંકિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીઝ, મિડિયા, પ્રોજેક્ટ ડેવલપમેન્ટ, લ્યુબ્રિકન્ટ્સ અને સ્પેશિયલ્ટી કેમિકલ્સ, એનર્જી, રિયલ એસ્ટેટ, ટ્રેડિંગ અને હેલ્થકેર જેવાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણો સાથે 38 દેશોમાં કામ કરે છે.
ગયા વર્ષે હિંદુજા ગ્રુપે વેહિકલ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણો સહિત ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટી સેક્ટર પર તેનું ધ્યાન વધાર્યું હતું જે ટકાઉપણા અને ભવિષ્ય માટે તૈયાર નવીનતા તરફ વ્યૂહાત્મક અભિગમને દર્શાવે છે.
હિંદુજા પરિવાર હિંદુજા ફાઉન્ડેશન થકી સામાજિક અસર માટે ગહનપણે પ્રતિબદ્ધ રહે છે જે શિક્ષણ, હેલ્થકેર, ટકાઉ ગ્રામીણ વિકાસ અને જળ સંવર્ધનમાં પરિવર્તનકારી પહેલ પર ધ્યાન આપે છે અને વિવિધ દેશોમાં સમુદાયો પર પ્રભાવ પાડે છે.
ધ સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટ 2025માં સ્થાન મેળવનારા અન્ય પ્રતિષ્ઠિત લોકોમાં 26.873 અબજ પાઉન્ડ સાથે ડેવિડ એન્ડ સિમોન રૂબેન અને પરિવાર, 25.725 અબજ પાઉન્ડ સાથે સર લિઓનાર્ડ બ્લાવત્નિક, 20.8 અબજ પાઉન્ડ સાથે સર જેમ્સ ડાયસન અને પરિવાર, 20.121 અબજ પાઉન્ડ સાથે ઇડેન ઓફર, 17.746 અબજ પાઉન્ડ સાથે ગાય, જ્યોર્જ, અલાન્નાહ અને ગેલન વેસ્ટન અને પરિવાર, 17.046 અબજ પાઉન્ડ સાથે સર જિમ રેટક્લિફ અને 15.444 અબજ પાઉન્ડ નેટવર્થ સાથે લક્ષ્મી મિત્તલ અને પરિવારનો સમાવેશ થાય છે.
નવી દિલ્હી: જાણીતી ટ્રાવેલ બ્લોગર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાન માટે જાસૂસીના આરોપ હેઠળ 17 મે, 2025ના રોજ હરિયાણાની હિસારમાંથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ સાથે સંપર્કમાં રહીને સંવેદનશીલ માહિતી શેર કરી હતી. તેણે આ માહિતી WhatsApp, Telegram અને Snapchat જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા મોકલી હતી.જ્યોતિ મલ્હોત્રા હરિયાણાના હિસારની રહેવાસી છે. તે યૂટ્યુબ ચેનલ “Travel with JO” ચલાવતી હતી. તેણે ભારત અને વિદેશમાં વિવિધ સ્થળોની મુલાકાત લીધી છે, જેમાં પાકિસ્તાન, ભૂતાન, ઈન્ડોનેશિયા અને ચીનનો સમાવેશ થાય છે. જ્યોતિએ પોતાની યુટ્યૂબ ચેનલમાં પાકિસ્તાનની મુસાફરી દરમિયાન શૂટ કરેલા “Indian Girl in Pakistan”, “Indian Girl Exploring Lahore” અને “Indian Girl at Katas Raj Temple” જેવા વિડીયો પણ અપલોડ કર્યા હતા.
જ્યોતિની ઉંમર 33 વર્ષની છે. તેમનું ઘર હિસારની ન્યૂ અગ્રસેન કોલોનીમાં છે. તેણે બી.એ.નો અભ્યાસ કર્યો છે. તે સિંગલ છે અને મોટે ભાગે દિલ્હીમાં રહે છે. પહેલા તે ગુરુગ્રામમાં એક ખાનગી કંપનીમાં કામ કરતી હતી, પરંતુ કોવિડ દરમિયાન તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. આ પછી તે બ્લોગર બની ગઈ. જ્યોતિનો પાસપોર્ટ 22 ઓક્ટોબર 2018ના રોજ બનાવવામાં આવ્યો હતો. તે 21 ઓક્ટોબર 2028 સુધી માન્ય છે.
મળતી માહિતી અનુસાર, જ્યોતિએ વર્ષ 2023માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. હાઇ કમિશન દ્વારા વિઝા મેળવ્યા બાદ તેણે આ પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન, જ્યોતિ પાકિસ્તાન હાઈ કમિશનના કર્મચારી એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશને મળી હતી, જેની સાથે તેના ગાઢ સંબંધો થઈ ગયા. દાનિશ દ્વારા, જ્યોતિનો પરિચય પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના અન્ય એજન્ટો સાથે થયો, જેમાં અલી અહસાન અને શાકિર ઉર્ફે રાણા શાહબાઝ હતા. તેણે આ પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્ક નંબર “Jatt Randhawa” જેવા નામોથી સેવ કર્યા હતા, જેથી શંકા ન ઊભી થાય. તેણી પર ભારતના સત્તાવાર ગુપ્તચર અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.આ કેસના અનુસંધાનમાં, ઓડિશાના પુરીની યૂટ્યુબર પ્રિયંકા સેનાપતિ પણ તપાસના ઘેરામાં આવી છે, કારણ કે તેણી જ્યોતિ સાથે સંપર્કમાં હતી અને બંનેએ સાથે યાત્રા પણ કરી હતી. જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ, ભારતીય ટ્રાવેલ વ્લોગર્સ અને ઈન્ફ્લુએન્સર્સ પર પણ નજર રાખવામાં આવી રહી છે, ખાસ કરીને તેઓ જેઓ પાકિસ્તાનની મુલાકાતે ગયા છે અથવા જ્યોતિ સાથે સંબંધિત છે . તેણી પર લાગેલા આરોપોની તપાસ હાલ ચાલુ છે અને સુરક્ષા એજન્સીઓ વધુ માહિતી એકત્રિત કરી રહી છે.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શરણાર્થીઓ વિશે મહત્વની ટિપ્પણી કરી હતી. કોર્ટે એક કેસની સુનાવણીમાં કહ્યું હતું કે ભારત કોઈ ધર્મશાળા નથી, દુનિયાભરમાંથી આવેલા દરેક શરણાર્થીને આપણે શરણ કેમ આપીએ? આપણે પહેલેથી જ 140 કરોડ લોકો સાથે સંઘર્ષ કરી રહ્યા છીએ. દરેક જગ્યાએથી આવેલા શરણાર્થીઓને આપણે શરણ આપી નથી શકતા.
કોર્ટમાં ન્યાયમૂર્તિ દીપાંકર દત્તાએ શ્રીલંકાથી આવેલા એક તમિળ શરણાર્થીને હિરાસતમાં લેવાના કેસમાં હસ્તક્ષેપ કરવા ઇનકાર કર્યો હતો અને આ વાત કહી હતી. શ્રીલંકાના એક નાગરિકની અટકની વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી, પણ કોર્ટે તેમાં દખલ કરવા ઈનકાર કર્યો. ખંડપીઠે મદ્રાસ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં જણાવ્યું હતું કે અરજીકર્તાએ UAPA કાયદા હેઠળ મળેલી સાત વર્ષની સજા પૂરી કર્યા બાદ તરત ભારત છોડવું પડશે.
શ્રીલંકાના અરજીકર્તાના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે તે શ્રીલંકાની તમિળ જાતિનો છે, જે વિઝા પર ભારતમાં આવ્યો હતો અને પોતાના દેશમાં તેને જાનનો ખતરો હતો. અરજીકર્તા વિસ્થાપિત (deportation) પ્રક્રિયા વિના લગભગ ત્રણ વર્ષથી નજરકેદ છે.
ન્યાયમૂર્તિ દત્તાએ પૂછ્યું કે અહીં વસવાટ કરવાનો તમારો શો અધિકાર છે? વકીલે પુનઃ કહ્યું હતું કે અરજીકર્તા એક શરણાર્થી છે. ન્યાયમૂર્તિ દત્તાએ જણાવ્યું હતું કે સંવિધાનના કલમ 19 અનુસાર ભારતમાં વસવાનો મૂળભૂત અધિકાર માત્ર નાગરિકોને જ છે. જ્યારે વકીલે કહ્યું હતું કે અરજીકર્તાને તેના દેશમાં જાનનો ખતરો છે, ત્યારે ન્યાયમૂર્તિ દત્તાએ જણાવ્યું કે તો કોઈ બીજો દેશ શોધો.
વર્ષ 2015માં અરજીકર્તાને બે અન્ય લોકોને સાથે LTTE સંચાલક હોવાની આશંકામાં ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2018માં તેને UAPAની કલમ 10 હેઠળ ટ્રાયલ કોર્ટે દોષિત ઠેરવ્યો હતો અને તેને 10 વર્ષની કેદની સજા થઇ હતી. મદ્રાસ હાઈકોર્ટે વર્ષ 2022માં તેની સજા ઘટાડીને સાત વર્ષ કરી હતી, પણ આ આદેશ આપ્યો હતો કે સજા પૂરી થતાં જ તે ભારત છોડે અને તે ત્યાં સુધી શરણાર્થી શિબિરમાં રહે.
એવું કહેવાય છે કે, ચૅમ્પિયન રાતોરાત નથી જન્મતા, તેમની જીત પાછળ વર્ષોનું સમર્પણ, શિસ્ત અને સપોર્ટ રહેલો હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્ષમ નેતૃત્વમાં ભારત સરકાર દેશના ખૂણે-ખૂણેથી પ્રતિભાને બહાર લાવવા માટે અથાક પ્રયાસો કરી રહી છે.
કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને પહેલો રમતવીરોને વિશ્વ ચૅમ્પિયન બનવા માટે સતત પ્રોત્સાહન આપી રહી છે. આમાંની એક મુખ્ય પહેલ છે- ખેલો ઇન્ડિયા, જેનો ઉદ્દેશ પાયાના સ્તરે રમતગમતની સંસ્કૃતિને પુનર્જીવિત કરવાનો અને સ્પોર્ટ્સમાં ભારતની વૈશ્વિક સ્તરે ઓળખ બનાવવાનો છે. તાજેતરમાં આ પહેલ અંતર્ગત ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ રમતોમાં ગુજરાતના ખેલાડીઓએ કુલ 13 મૅડલ જીતીને રાજ્યનું નામ રોશન કર્યું છે.
ખેલાડીઓએ વિવિધ રમતોમાં કર્યું ઉત્કૃષ્ટ પ્રદર્શન
સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા બિહાર ખાતે 4 મેથી 15 મે દરમ્યાન ખેલો ઇન્ડિયા અંતર્ગત 7મી ‘ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ-2025’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં અન્ડર-18 જૂથના ખેલાડીઓએ 28 જેટલી રમતોમાં ભાગ લીધો હતો. ગુજરાતમાંથી વૉલીબૉલ, જુડો, આર્ચરી, સ્વિમિંગ, જીમ્નાસ્ટિક, વેઇટલિફ્ટિંગ, કુસ્તી, મલખમ, ટેનિસ, એથલેટિક્સ, થાનગ થા, યોગાસન, ગતકા, કલરીપયટ્ટુ, ફેન્સિંગ, સાઇકલિંગ અને શૂટિંગ એમ કુલ 17 વ્યક્તિગત અને ટીમ ગેમમાં કુલ 107 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ-2025માં ગુજરાતના ચૅમ્પિયન્સની વાત કરીએ તો, ખેલાડીઓએ જુડો રમતમાં 2 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ મૅડલ, યોગાસનમાં 1 સિલ્વર મૅડલ, ફેન્સિંગમાં 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ મૅડલ, સ્વિમિંગ રમતમાં 1 બ્રોન્ઝ મૅડલ, વૉલીબૉલમાં 1 બ્રોન્ઝ મૅડલ અને કુસ્તીમાં 1 બ્રોન્ઝ મૅડલ એમ કુલ 13 મૅડલ પ્રાપ્ત કરીને રાજ્યનું નામ રોશન કર્યું છે.
ભારત 2036માં ઓલિમ્પિક લાવવાના પ્રયાસો કરી રહ્યું છે: વડાપ્રધાન
7મી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના ઉદ્ઘાટન દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “આ પ્લેટફૉર્મ ખેલાડીઓના શ્રેષ્ઠતમ સ્તરને બહાર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. સરકાર દેશમાં રમતગમતના માળખાગત સુવિધાઓના આધુનિકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. છેલ્લા દાયકામાં રમતગમતનું બજેટ ત્રણ ગણાં કરતાં પણ વધુ વધારવામાં આવ્યું છે. ભારત 2036માં ઓલિમ્પિક લાવવાના પણ પ્રયાસો કરી રહી છે. દેશમાં ઉત્કૃષ્ટ ખેલાડીઓ તૈયાર કરવાના ઉદ્દેશ સાથે અમે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં રમતગમતને મુખ્ય પ્રવાહના શિક્ષણનો ભાગ બનાવ્યો છે.”
ગુજરાત સરકારે છેલ્લા 20 વર્ષમાં રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે વિશ્વ સ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે. 2002 પહેલાં ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ માત્ર રૂપિયા 2.5 કરોડ હતું, જે 2024માં રૂપિયા 487.95 કરોડ કરતાં પણ વધી ગયું છે. આ ઉપરાંત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં સ્પોર્ટ્સ પોલિસી 2022-2027 લૉન્ચ કરવામાં આવી છે, જેનો હેતુ રાજ્યમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ ડેવલપ કરવાનો છે. આ પોલિસીથી રાજ્ય આવનારા સમયમાં સ્પોર્ટ્સમાં અગ્રણી બનશે અને રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓને તેમના સપનાં સાકાર કરવાની વધુ તકો મળશે.
ઉલ્લેખનીય છે કે, ભારત 2030 કૉમનવેલ્થ ગેમ્સની યજમાનીની રેસમાં ઉતર્યું છે. જો ભારતને આ ઇવેન્ટનું આયોજન કરવાની તક મળશે, તો તે અમદાવાદમાં યોજાશે. આ માટે અમદાવાદ અને ગાંધીનગરમાં એક સ્પોર્ટ્સ વિલેજ પણ બનાવવામાં આવી રહ્યું છે.
અમદાવાદ: ઇસરોના નિવૃત વૈજ્ઞાનિક ડૉ. મધુકાંત પટેલે ‘સ્માર્ટ મધપૂડા’ વિકસાવ્યા છે. જે મધમાખી ઉછેરને વધુ કાર્યક્ષમ, સરળ અને ફળદાયી બનાવી રહ્યા છે. તેમના આ સ્માર્ટ મધપૂડાથી મધની ગુણવત્તા સુધરે છે અને ખેતીવાડીને પણ ફાયદો થાય છે. ટ્રેડીશનલ બી-કિપીંગ એટેલ કે પરંપરાગત મધમાખી ઉછેરમાં કેટલીક મર્યાદાઓ હોય છે, જેમ કે મધપેટી કે મધપૂડાની નિયમિત–વારંવાર તપાસ કરવી મુશ્કેલ છે. મધમાખીના સમૂહોનું દૂરથી નિરીક્ષણ કરવાથી સંપૂર્ણ જાણકારી મળતી નથી.
આ પડકારોનો સામનો કરવા માટે “ઇન્ટિગ્રેટેડ હાઇવ મેનેજમેન્ટ સિસ્ટમ” વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમમાં સ્માર્ટ મધપૂડાઓનો ઉપયોગ થાય છે જે તાપમાન, ભેજ, વજન (લોડ સેલ) અને મધપૂડાનો અવાજ (મધમાખીઓનો ગણગણાટ) ડિટેક્ટ કરવાના સેન્સરથી સજ્જ હોય છે. આ સેન્સરથી મધપૂડાની અંદરની પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કરી શકાય છે અને જરૂરી ડેટા મેળવી શકાય છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) મોડેલ દ્વારા આ ડેટાનું વિશ્લેષણ કરીને મધમાખી ઉછેર કરનારાઓને મધઉછેરની ઉપયોગી માહિતી અને સૂચનો આપવામાં આવે છે. આનાથી મધપૂડામાં થતી અસામાન્ય ઘટનાઓ જેવી કે મધમાખીઓનું એકસાથે ઉડી જવું (સ્વાર્મિંગ) કે પછી આખા મધપૂડાનું નાશ પામવું (કોલોની કોલેપ્સ ડિસઓર્ડર) જેવી સમસ્યાઓને ઉકેલવામાં મદદ મળે છે.
આ સિસ્ટમમાં “જી.આઈ.એસ મેપિંગ” (GIS mapping) અને “રિમોટ સેન્સિંગ” (remote sensing) ટેકનોલોજીનો પણ સમાવેશ થાય છે. તેનાથી મધપૂડાના સ્વાસ્થ્યનું રિયલ ટાઇમ નિરીક્ષણ કરી શકાય છે અને પરાગનયન (cross-pollination) ને વધુ સારું બનાવી શકાય છે.
વધુમાં, એક હાથમાં પકડી શકાય તેવું “સ્પેક્ટ્રોમીટર” (spectrometer) મધની ગુણવત્તા અને શુદ્ધતાનું અનુમાન લગાવે છે અને મધ ક્યાંથી આવ્યું છે તે પણ જાણી શકાય છે (traceability). આ ટેકનોલોજીનો ઉદ્દેશ મધ અને મધમાખીના અન્ય ઉત્પાદનો જેવા કે રોયલ જેલી, પરાગ, પ્રોપોલિસ, અને મીણનું ઉત્પાદન વધારવાનો છે. આનાથી મધમાખી ઉછેર કરનારાઓને ફાયદો થાય છે અને પરાગનયનની કાર્યક્ષમતામાં સુધારો થવાથી ખેતીવાડીને પણ મદદ મળે છે.
ડૉ. મધુકાંત પટેલે મધની ગુણવત્તા ચકાસવા માટે એક સ્પેક્ટ્રોમીટર પણ વિકસાવ્યું છે, જે મધમાં રહેલા પ્રોટીન, ભેળસેળ અને ભેજનું પ્રમાણ જેવા નાનામાં નાના ઘટકોનું પણ વિશ્લેષણ કરી શકે છે. આ બધું “એડવાન્સ મશીન લર્નિંગ” (Advanced Machine Learning) અને “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ” (Artificial Intelligence)ની મદદથી શક્ય બને છે.
ઉલ્લેખનીય છે કે, મધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં અગ્રણી દેશ છે. આપણે ત્યાં મધમાખી ઉછેર (બી કિપીંગ) ઉદ્યોગ નોંધપાત્ર છે. આંતરરાષ્ટ્રીય અહેવાલો અનુસાર 2024માં ભારતમાં મધમાખી ઉછેર બજારનું મૂલ્ય 2839.44 કરોડ રૂપિયા હતું. ભારતે 2023-24 દરમિયાન 1,07,963.21 મેટ્રિક ટન મધની નિકાસ કરી હતી, જેનું મૂલ્ય 1518.86 કરોડ રૂપિયા હતું. મધમાખી ઉછેર સહિત કૃષિમાં AI, ઈન્ટરનેટ ઓફ થીંગ્ઝ જેવી આધુનિક તકનીકો અપનાવવાનું ચલણ વધી રહ્યું છે. મધ ઉત્પાદનમાં પણ નવીન તકનીકોનો વિનિયોગ કરીને ઉભરતા ઉદ્યોગને નવા આયામ અને ગતિ આપવાનો સ્તુત્ય પ્રયાસ ડૉ. મધુકાંત પટેલે કર્યો છે.
ડૉ. મધુકાંત પટેલ જણાવે છે કે, મધ સંપૂર્ણ ખોરાક છે, સંપૂર્ણ સ્વાદ અને સંપૂર્ણ દવા છે. અલગ-અલગ ફૂલોમાંથી 140 પ્રકારના મધ બને છે. તમામ રોગના નિદાનમાં મધ ઉપયોગી છે. કયા પ્રકારની શારીરિક તકલીફમાં કયા મધનો પ્રયોગ કરવો તે માટે તજજ્ઞ વૈદ્યની સલાહ લેવી જોઈએ. માનુકા મધ મધુપ્રમેહ પણ મટાડે છે.
આપણા વેદોમાં મધ ઉપર 100થી વધારે શ્લોકો લખાયા છે. વેદોમાં મધને ‘વાહિની’ – સ્માર્ટ કેરિયર કહેવામાં આવ્યું છે. શરીરના જે કોષ- સેલનું રીપેરીંગ કરવાનું છે, જ્યાં દવાની જરૂર છે મધ તેને ત્યાં પહોંચાડે છે. દવા તેના ગંતવ્ય કોષ સુધી પહોંચે નહીં ત્યાં સુધી મધ તેની આસપાસ રક્ષણાત્મક આવરણ બનાવી રાખે છે. એટલે જ તબીબ દવા મધ સાથે લેવાની સલાહ આપે છે.
મધમાખી સ્માર્ટ પર્યાવરણ રક્ષક પણ છે. જેમ એક ગોત્રમાં લગ્નના કરાય તેવો વૈજ્ઞાનિક મત છે, તેવી જ રીતે મધમાખી એક જ પ્રજાતિના છોડ વચ્ચે ફલીકરણ કરતી નથી. પુષ્પ, ફળ કે અનાજના અલગ-અલગ પ્રજાતિના છોડ વચ્ચે જ તે પરાગનયન અને ફલીકરણ (ક્રોસ પોલિનેશન) કરે છે. જેથી પર્યાવરણમાં સક્ષમ અને રોગપ્રતિકારક વનસ્પતિઓ પુષ્પો, ફળો અને અનાજનું ઉત્પાદન જળવાઈ રહે છે. જો મધમાખી નાશ પામે તો પૃથ્વી પરથી મોટાભાગના સજીવો અને ખાસ કરીને મનુષ્યજાતિ પણ નાશ પામે. આખું વિશ્વ મધમાખી પર ટકેલું છે.
જેમ વેદોમાં મધનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે, તેમ આધુનિક વિજ્ઞાન પણ તેના મૂલ્યને સમજી રહ્યું છે અને તેના સંવર્ધન માટે નવા રસ્તાઓ ખોલી રહ્યું છે. વૈજ્ઞાનિક ડૉ. મધુકાંત પટેલ દ્વારા વિકસાવવામાં આવેલી સ્માર્ટ મધપૂડા અને સંલગ્ન ટેક્નોલોજી મધમાખી ઉછેર ક્ષેત્રે એક ક્રાંતિકારી પગલું સાબિત થઈ શકે છે. આ નવીન અભિગમ માત્ર મધ ઉત્પાદકો માટે જ ફાયદાકારક નથી, પરંતુ કૃષિ અને પર્યાવરણ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. મધમાખીઓના સ્વાસ્થ્યનું રક્ષણ કરીને અને પરાગનયનની પ્રક્રિયાને સુધારીને, ડૉ. પટેલનું કાર્ય એક ટકાઉ અને સમૃદ્ધ ભવિષ્યની દિશામાં એક સિંહફાળો છે.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે ટેલિકોમ કંપનીઓ એરટેલ, વોડાફોન આઇડિયા (Vi) અને ટાટા ટેલિસર્વિસેઝની અરજીને ફગાવી દીધી છે. આ કંપનીઓએ AGRનાં લેણાંમાં વ્યાજ, દંડ અને દંડ પર વ્યાજ માફ કરવાની માગ કરી હતી. આ નિર્ણયના એક દિવસ પહેલાં જ વોડાફોન આઇડિયાએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કંપનીએ કહ્યું હતું કે તેના પર રૂ. 45,000 કરોડથી વધુનું AGR લેણાં બાકી છે અને હાલત એટલી ખરાબ છે કે જો સહાય મળી નહીં તો કંપની બંધ થવાની સ્થિતિમાં આવી જશે.
AGR લેણાં: એરટેલે કેટલી રાહત માગી?
એરટેલ અને તેની બીજી કંપની ભારતી હેક્સાકોમે કોર્ટમાંથી રૂ. 34,745 કરોડની રાહત માગી હતી. એરટેલે કહ્યું હતું કે તે પહેલાંના ચુકાદાને બદલવા માગતી નથી, પણ તેને વ્યાજ અને દંડનો ભાર અત્યંત ભારે લાગી રહ્યો છે. વોડાફોન આઇડિયાએ સરકારે કહ્યું છે કે જો તેને વધુ સહાય નહીં મળે, તો કંપી 2025-26 પછી તેનો ધંધો બંધ કરી દેશે. કંપનીએ કહ્યું હતું કે જો આવું થશે તો તેને દેવાળિયા જાહેર કરવા માટે કોર્ટમાં અરજી કરવાની ફરજ પડશે.
Viનું નિવેદન શું હતું?
Vi (વોડાફોન આઇડિયા)એ જણાવ્યું હતું કે તેણે રૂ. 26,000 કરોડની નવી મૂડી ભેગી કરી છે અને સરકારે તેનાં લેણાંને શેરમાં તબદિલ કર્યાં છે. છતાં પણ બેંકો તેને લોન આપવા તૈયાર નથી. કંપનીએ સરકારને એ પણ જણાવ્યું કે જો Vi બંધ થઈ જશે તો સરકાર તેનો 49 ટકા હિસ્સો ગુમાવી દેશે. કારણ કે સરકારે અગાઉ લેણાંને 1.18 લાખ કરોડના સ્પેક્ટ્રમનાં લેણાંને શેરોમાં ફેરવી દીધું છે.
AGR લેણાં શું છે?
AGR એટલે કે Adjusted Gross Revenue, જે ટેલિકોમ કંપનીઓની આવકનો એક ભાગ હોય છે, જેના પર સરકાર ટેક્સ અને ફી વસૂલે છે. સુપ્રીમ કોર્ટે અગાઉથી જ કહી દીધું છે કે કંપનીઓએ જૂનાં લેણાં ચૂકવવાં જ પડશે. હવે આ કંપનીઓએ માત્ર વ્યાજ અને દંડ માફ કરવાની અપીલ કરી હતી, પણ કોર્ટએ તે પણ નામંજૂર કરી દીધી છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી)એ આઈપીએલ 2025ના પ્લેઓફમાં પ્રવેશ્યા બાદ ટીમમાં મહત્ત્વનો ફેરફાર કર્યો છે. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર લુંગી એન્ગિડીના સ્થાને ઝિમ્બાબ્વેના 6 ફૂટ 8 ઇંચ ઊંચા બોલર બ્લેસિંગ મુઝરબાનીને સામેલ કરવામાં આવ્યો છે. એન્ગિડી 23 મેના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચ રમીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલની તૈયારી માટે 26 મે બાદ દક્ષિણ આફ્રિકા જશે. આઈપીએલે અનકેપ્ડ મુઝરબાનીને 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો, જે 2022માં લખનઉ સુપર જાયન્ટ્સ માટે નેટ બોલર હતો.
મુઝરબાની ઝિમ્બાબ્વે માટે 12 ટેસ્ટ, 55 વનડે અને 70 ટી20 મેચમાં રમી ચૂક્યો છે. તાજેતરમાં બાંગ્લાદેશ સામે ટેસ્ટમાં 9 વિકેટ ઝડપીને તેણે ‘પ્લેયર ઑફ ધ મેચ’નો ખિતાબ જીત્યો હતો. તે પાકિસ્તાન સુપર લીગ, ILT20 અને કેરેબિયન પ્રીમિયર લીગમાં રમ્યો છે. તેની ઝડપી બોલિંગ બેટ્સમેનોને પરેશાન કરી શકે છે.
બોલિંગ ઉપરાંત મુઝરબાની બેટિંગમાં પણ સક્ષમ છે. 2023માં પાકિસ્તાન સામે ટી20માં 11મા નંબરે બેટિંગ કરતાં તેણે 24 બોલમાં 50 રન ફટકાર્યા હતા. આરસીબીના કોચ આંદી ફ્લાવરની વ્યૂહરચના અને મુઝરબાનીની ઓલરાઉન્ડ ક્ષમતા ટીમને પ્લેઓફમાં મજબૂતી આપશે. જોશ હેઝલવુડ પણ ઇજામાંથી સાજા થઈને પ્લેઓફ પહેલાં જોડાઈ શકે છે. આરસીબી 17 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને છે અને પ્રથમ ટાઇટલ જીતવા માટે મજબૂત દાવેદાર છે.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન મલ્ટી-સ્ટેટ કો-ઓપરેટિવ ગ્રુપ હાઉસિંગ સોસાયટી લિમિટેડ (SCBAMSCGHS)ના વરિષ્ઠ વકીલ અને કાર્યકારી ચેરમેન પ્રવીણ એચ. પારેખે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA)ના ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારીની ઔપચારિક જાહેરાત કરી છે. આ મહત્વપૂર્ણ ચૂંટણી મંગળવાર, 20 મે, 2025ના રોજ SCBA લાયબ્રેરી નં. 1 ખાતે યોજાશે, જ્યાં પ્રવીણ પારેખ બેલેટ નં. 6 પરથી ચૂંટણી લડશે.
વર્ષો જૂના રહેઠાણ પ્રોજેક્ટ પર ધ્યાન
પ્રવીણ પારેખે પોતાના સંબોધનમાં 2005થી પેન્ડિંગ રહેઠાણ સંકટને ઉકેલવા માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે લગભગ બે દાયકાથી ઘણા વચનો અને અપેક્ષાઓ હોવા છતાં કોઈ મજબૂત પગલાં લેવાતા નથી, જેના કારણે સોસાયટીના સભ્યોને હજુ સુધી ઘરો મળ્યા નથી.
“હવે વચન નહિ, કાર્ય જરૂરી છે”
પ્રવીણ પારેખે કહ્યું કે જો તેઓ ઉપપ્રમુખ તરીકે પસંદ થશે, તો તેઓ SCBA અને સરકારી એજન્સીઓ સામે સભ્યોના આઝાદ અવાજ તરીકે ઉભા રહેશે અને તમામ સભ્યોને યોગ્ય દરે કાયમી રહેઠાણ મળે એ માટે પ્રયાસ કરશે. આ માત્ર એક ચૂંટણી નથી, પણ વર્ષોથી અધૂરી રહેલી એક સામૂહિક આશા પૂર્ણ કરવાની તક છે.
સુપ્રીમ ટાવર પ્રોજેક્ટ પૂરો કરવાની પ્રતિબદ્ધતા
2005માં શરૂ થયેલો સુપ્રીમ ટાવર પ્રોજેક્ટ હજુ અધૂરો છે. પ્રવીણ પારેખે વાયદો કર્યો કે તેઓ આ પ્રોજેક્ટને આર્થિક રીતે શક્ય બનાવશે અને તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરવા માટે તમામ પ્રયાસ કરશે.
“વ્યક્તિગત હિત નહિ, સામૂહિક કલ્યાણ પહેલા”
તેમણે તમામ વકીલોને અનુરોધ કર્યો કે તેઓ પોતાના વ્યક્તિગત સંબંધો કરતા ઊંચે ઊઠીને એકતાપૂર્વક બેલેટ નં. 6 પર મત આપે અને મજબૂત નેતૃત્વ પસંદ કરે.
લખનૌઃ સંભલની જામા મસ્જિદ અને હરિહર મંદિરસંબંધિત વિવાદમાં અલાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો છે. હાઈકોર્ટે મુસ્લિમ પક્ષને મોટો આંચકો આપ્યો છે અને સિવિલ રિવિઝન પિટિશન ફગાવી દીધી છે. કોર્ટે ટ્રાયલ કોર્ટે જારી કરેલા એડવોકેટ કમિશનની તપાસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. આ ચુકાદો જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની અદાલતે આપ્યો હતો.
ટ્રાયલ કોર્ટે જે આદેશ આપ્યો હતો તે મહંત ઋષિરાજ ગિરિ સહિતના આઠ વાદીઓએ દાખલ કરેલા કેસના આધારે હતો. તેમનો દાવો હતો કે સંભલ મસ્જિદનો નિર્માણ 1526માં ત્યાં આવેલા હિન્દુ મંદિર તોડીને કરવામાં આવ્યો હતો. મસ્જિદ સમિતિએ અલાહાબાદ હાઈકોર્ટમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો કે સિવિલ જજે તેમને કોઈ નોટિસ આપ્યા વિના તાત્કાલિક સર્વેનો આદેશ આપી દીધો હતો. મસ્જિદનો સર્વે તે જ દિવસે 19 નવેમ્બર અને ત્યાર બાદ 24 નવેમ્બર, 2024એ કરવામાં આવ્યો હતો.
હિન્દૂ પક્ષનો શો દાવો છે?
હિન્દૂ પક્ષના દાવા મુજબ વિવાદિત મસ્જિદ મૂળરૂપે ભગવાન વિષ્ણુના અંતિમ અવતાર કલ્કિનું હરિહર મંદિર હતું. વર્ષ 1526માં મોગલ શાસક બાબરના આદેશથી આ મંદિર તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેને મસ્જિદમાં ફેરવી દેવામાં આવ્યું હતું. સંભલમાં ગયા વર્ષે 24 નવેમ્બરથી તંગદિલીભર્યું વાતાવરણ છે. કોર્ટે સર્વેનો આદેશ આપ્યા બાદ સ્થાનિક લોકો અને વહીવટી તંત્ર વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ચાર લોકોનાં મોત થયાં હતાં અને ઘણા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. આ હિંસા બાદ સુપ્રીમ કોર્ટે આ મામલે નીચલી કોર્ટમાં ચાલતી કાર્યવાહી પર સ્ટે મૂક્યો હતો અને આદેશ આપ્યો હતો કે મસ્જિદ સમિતિ દ્વારા દાખલ અરજી હાઈકોર્ટમાં ફાઇલ થયા સુધી કોઈ કાર્યવાહી ન થાય.
હરિશંકર જૈનનો પ્રતિસાદ
હાઈકોર્ટએ સંભલની શાહી જામા મસ્જિદના સર્વેના ટ્રાયલ કોર્ટે આપેલા આદેશને યથાવત્ રાખ્યો છે. મુસ્લિમ પક્ષની રિવિઝન યાચિકા નકારી કાઢી છે. ગાઝિયાબાદના વરિષ્ઠ વકીલ હરિ શંકર જૈને કહ્યું હતું કે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરેલી રિવિઝન પિટિશન નકારી છે. કોર્ટે કહ્યું છે કે સર્વે યોગ્ય છે. જે પણ સર્વે થયો છે તેને વાંચીને રેકોર્ડનો ભાગ બનાવવામાં આવશે. જો તેઓ (મુસ્લિમ પક્ષ) સુપ્રીમ કોર્ટે જાય છે, તો અમે તેમનું સ્વાગત કરવા તૈયાર છીએ.’ ASI રિપોર્ટ પછી હાઈકોર્ટે ફરી સર્વે કરવા આદેશ આપ્યો હતો.
પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતના કિલ્લા અબ્દુલ્લા જિલ્લામાં આવેલા જબ્બાર માર્કેટ નજીક રવિવારે રાત્રે થયેલા શક્તિશાળી વિસ્ફોટથી ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં ચાર લોકોનાં મોત થયાં છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટની તીવ્રતા એટલી હતી કે આસપાસની ઘણી દુકાનો ધ્વસ્ત થઈ ગઈ અને કેટલીકમાં આગ ફાટી નીકળી, જેનાથી વિસ્તારમાં વ્યાપક નુકસાન થયું. આ ઘટના બાદ અજાણ્યા હુમલાખોરોએ ફ્રન્ટિયર કોર્પ્સ (એફસી)ની બિલ્ડિંગ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેનાથી વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ.
કિલ્લા અબ્દુલ્લાના નાયબ કમિશનર રિયાજ ખાને જણાવ્યું કે, “જબ્બાર માર્કેટ નજીક ફ્રન્ટિયર કોર્પ્સની બિલ્ડિંગ પાછળ આ શક્તિશાળી વિસ્ફોટ થયો. આ ઘટનામાં ચાર લોકોનાં મોત થયાં, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા, જેમાં આદિવાસી નેતા હાજી ફૈઝુલ્લા ખાન ગાબીઝાઈનો એક સુરક્ષા ગાર્ડ પણ સામેલ છે.” વિસ્ફોટ બાદ હુમલાખોરોએ એફસી કર્મચારીઓ પર ગોળીબાર કર્યો, જેનાથી સ્થિતિ વધુ તંગ બની. અધિકારીઓએ તાત્કાલિક વિસ્તારને ખાલી કરાવી, સીલ કરી દીધો અને હુમલાખોરોને શોધવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું.
ઘટના બાદ ઘાયલોને તાત્કાલિક ચમનની ડિસ્ટ્રિક્ટ હેલ્થ હેડક્વાર્ટર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. બલૂચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગટીએ આ હુમલાની નિંદા કરી અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે હોસ્પિટલોને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવાની સૂચના આપી છે.
બલૂચિસ્તાનમાં છેલ્લા બે દાયકાથી અશાંતિનો માહોલ છે, જેમાં સ્થાનિક બલૂચ સમુદાય અને રાજકીય જૂથો પાકિસ્તાનની કેન્દ્ર સરકાર પર પ્રાંતના ખનીજ સંપત્તિના શોષણનો આરોપ લગાવે છે. તાજેતરના મહિનાઓમાં બલૂચ લિબરેશન આર્મી (BLA) જેવા બળવાખોર જૂથોએ સુરક્ષા દળો પર હુમલાઓ તેજ કર્યા છે. આ પહેલાં ખુજદાર જિલ્લાના નાલ વિસ્તારમાં એક ચેકપોસ્ટ પર થયેલા ગોળીબારમાં ચાર સુરક્ષા કર્મચારીઓનાં મોત થયા હતા.
બલૂચિસ્તાનમાં વધતી અશાંતિના કારણે પ્રાંતની સુરક્ષા સ્થિતિ ગંભીર બની છે. ગત મહિને જાફર એક્સપ્રેસ ટ્રેનનું અપહરણ અને 26 લોકોની હત્યા સહિત અનેક હુમલાઓએ પાકિસ્તાન સરકારની ચિંતા વધારી છે. બલૂચ નેતાઓએ દાવો કર્યો છે કે પાકિસ્તાન સરકારે પ્રાંતના 80% વિસ્તાર પરનું નિયંત્રણ ગુમાવી દીધું છે, અને તેઓ આંતરરાષ્ટ્રીય સમર્થનની માંગ કરી રહ્યા છે.
ભારત શરણાર્થીઓ માટે કોઈ ધર્મશાળા નથીઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શરણાર્થીઓ વિશે મહત્વની ટિપ્પણી કરી હતી. કોર્ટે એક કેસની સુનાવણીમાં કહ્યું હતું કે ભારત કોઈ ધર્મશાળા નથી, દુનિયાભરમાંથી આવેલા દરેક શરણાર્થીને આપણે શરણ કેમ આપીએ? આપણે પહેલેથી જ 140 કરોડ લોકો સાથે સંઘર્ષ કરી રહ્યા છીએ. દરેક જગ્યાએથી આવેલા શરણાર્થીઓને આપણે શરણ આપી નથી શકતા.
કોર્ટમાં ન્યાયમૂર્તિ દીપાંકર દત્તાએ શ્રીલંકાથી આવેલા એક તમિળ શરણાર્થીને હિરાસતમાં લેવાના કેસમાં હસ્તક્ષેપ કરવા ઇનકાર કર્યો હતો અને આ વાત કહી હતી. શ્રીલંકાના એક નાગરિકની અટકની વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી, પણ કોર્ટે તેમાં દખલ કરવા ઈનકાર કર્યો. ખંડપીઠે મદ્રાસ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં જણાવ્યું હતું કે અરજીકર્તાએ UAPA કાયદા હેઠળ મળેલી સાત વર્ષની સજા પૂરી કર્યા બાદ તરત ભારત છોડવું પડશે.
શ્રીલંકાના અરજીકર્તાના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે તે શ્રીલંકાની તમિળ જાતિનો છે, જે વિઝા પર ભારતમાં આવ્યો હતો અને પોતાના દેશમાં તેને જાનનો ખતરો હતો. અરજીકર્તા વિસ્થાપિત (deportation) પ્રક્રિયા વિના લગભગ ત્રણ વર્ષથી નજરકેદ છે.
ન્યાયમૂર્તિ દત્તાએ પૂછ્યું કે અહીં વસવાટ કરવાનો તમારો શો અધિકાર છે? વકીલે પુનઃ કહ્યું હતું કે અરજીકર્તા એક શરણાર્થી છે. ન્યાયમૂર્તિ દત્તાએ જણાવ્યું હતું કે સંવિધાનના કલમ 19 અનુસાર ભારતમાં વસવાનો મૂળભૂત અધિકાર માત્ર નાગરિકોને જ છે. જ્યારે વકીલે કહ્યું હતું કે અરજીકર્તાને તેના દેશમાં જાનનો ખતરો છે, ત્યારે ન્યાયમૂર્તિ દત્તાએ જણાવ્યું કે તો કોઈ બીજો દેશ શોધો.
વર્ષ 2015માં અરજીકર્તાને બે અન્ય લોકોને સાથે LTTE સંચાલક હોવાની આશંકામાં ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2018માં તેને UAPAની કલમ 10 હેઠળ ટ્રાયલ કોર્ટે દોષિત ઠેરવ્યો હતો અને તેને 10 વર્ષની કેદની સજા થઇ હતી. મદ્રાસ હાઈકોર્ટે વર્ષ 2022માં તેની સજા ઘટાડીને સાત વર્ષ કરી હતી, પણ આ આદેશ આપ્યો હતો કે સજા પૂરી થતાં જ તે ભારત છોડે અને તે ત્યાં સુધી શરણાર્થી શિબિરમાં રહે.