Home Blog Page 851

અમદાવાદની વિમાન દુર્ઘટના અંગે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના

અમદાવાદઃ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાનાં કારણોની તપાસ કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે કેન્દ્રીય ગૃહ સચિવના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરની બહુ-વિભાગીય સમિતિની રચના કરવામાં આવી છે. નાગરિક હવાઈ પરિવહન મંત્રાલયે આ નિવેદનમાં જણાવ્યું છે કે આ સમિતિએ જે રીતે દુર્ઘટનાની તપાસ કરતી અન્ય એજન્સીઓ કાર્યરત છે તેનો વિકલ્પ નહીં બને. આ સમિતિનો મુખ્ય ઉદ્દેશ ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે SOP (પ્રમાણભૂત કાર્યપદ્ધતિ) તૈયાર કરવાનું રહેશે અને તે ત્રણ મહિનામાં પોતાનો અહેવાલ રજૂ કરશે.

અમદાવાદથી લંડન જતી ‘બોઇંગ 787-8’ વિમાન 12 જૂને ઉડાન પછી તરત જ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને તે એક મેડિકલ કોલેજના કેમ્પસમાં પડી ગયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 લોકોને તથા જમીન પરના વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને મળીને અનેક જણના જીવ ગયા હતા.

વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો (AAIB) પહેલેથી જ આ દુર્ઘટનાની તપાસ કરી રહ્યું છે. મંત્રાલયના 13 જૂનના આદેશ અનુસાર ગૃહ સચિવ ગોવિંદ મોહનની અધ્યક્ષતામાં આ સમિતિમાં નાગરિક ઉડ્ડયન સચિવ અને ગૃહ મંત્રાલયના અતિરિક્ત સચિવ સભ્ય તરીકે જોડાયા છે.

આ સમિતિમાં ગુજરાત ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય આપત્તિ નિવારણ પ્રાધિકરણ, અમદાવાદ પોલીસ કમિશનર, વાયુસેના મહાનિદેશક (ઇન્સ્પેક્શન અને સુરક્ષા), નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરો (BCAS) ના મહાનિર્દેશક અને નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA)ના પ્રતિનિધિઓ પણ સામેલ છે.

વિમાનોના ગુમ થયેલા રેકોર્ડ, કોકપિટ વોઇસ રેકોર્ડર, મેન્ટેનન્સ રેકોર્ડ, ATC લોગ્સ તથા પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો જેવી તમામ વિગતો સમિતિ એકત્રિત કરશે. વિદેશી નાગરિકો અથવા વિમાન નિર્માતાઓ સંકળાયેલી બાબતોમાં સમિતિ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે સહયોગ કરશે.

જ્યારે વિલંબ ‘વરદાન’ સાબિત થાય…

કહેવત છે ને ‘રામ રાખે તેને કોણ ચાખે’. વિમાન દુર્ઘટનાની પીડા વચ્ચે બે લોકો એવા છે, જે આપણને આ કહેવતની યાદ અપાવે છે. એક, રમેશ વિશ્વાસ કુમાર, જેનો આ કરુણ ઘટનામાં ચમત્કારિક બચાવ થયો અને બીજા, ભૂમિ ચૌહાણ, જે એરપોર્ટ પર મોડા પડ્યા ને ફ્લાઈટ જ ન પકડી શક્યા.

ભૂમિ ચૌહાણ

આપણે વાત કરીએ ભરુચના ભૂમિ ચૌહાણની. ભૂમિ પણ આ ફ્લાઈટમાં સવાર હોત, જો તે એરપોર્ટ પર 10 મિનિટ મોડા ન પહોંચ્યા હોત. પણ, આ વિલંબ ભૂમિ માટે વરદાન સાબિત થયો. તેણી અમદાવાદથી લંડન જતી આ ફ્લાઇટમાં જવાના હતા. પરંતુ ટ્રાફિક જામને કારણે તે સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સમયસર પહોંચી શક્યા નહીં. તેની ફ્લાઇટનો સમય બપોરે 1:10 વાગ્યાનો હતો અને તેને 12:10 વાગ્યા પહેલા એરપોર્ટ પહોંચવાનું હતું. રસ્તામાં ઘણો ટ્રાફિક હોવાથી એરપોર્ટ પર ભૂમિ પહોંચ્યા ત્યારે 12:20 થઈ ગયા હતા.

એરપોર્ટ પર સમયસર ન પહોંચવાને કારણે ભૂમિ ચેક-ઈન કરી શક્યા નહીં અને સુરક્ષા કર્મચારીઓએ તેણી પરત જવાનું કહ્યું. માત્ર 10 મિનિટને કારણે તેણી ફ્લાઇટ ચૂકી ગઈ. સ્વાભાવિક છે આવી સ્થિતિમાં આપણે પહેલા આપણી જાતને કોસીએ અને મનમાં વિચારોનું વંટોળ શરૂ થઈ જાય. એમ જ, ભૂમિને પણ શરૂઆતમાં થયું કે જો હું થોડી વહેલી આવી હોત તો કોઈ નુકસાન ન થાત. મોડી ન પહોંચી હોત ફ્લાઇટ પકડી શકી હોત વગેરે. પણ બાદમાં તેણીને લાગ્યુ  કે તે જે કંઈ થયું તે સારા માટે હતું.

મનમાં ચાલતાં અનેક વિચારો સાથે ભૂમિ એરપોર્ટથી ઘરે પરત ફરવા રવાના થયા અને રસ્તામાં તેને ખબર પડી કે તે જે ફ્લાઇટમાં ચઢવાના હતા તે ક્રેશ થઈ ગઈ છે. આ સાંભળી તે ખરેખર ધ્રૂજી ઉઠ્યા અને અચંબિત થઈ ગયા. તે કંઈ પણ બોલી શકે એવી સ્થિતિમાં નહોતા. તેણીને લાગ્યું કે તેના કોઈ સારા કર્મોને કારણે ફ્લાઇટ ચૂકી ગયા…પરંતુ અન્ય લોકો સાથે જે બન્યું તે ખૂબ જ ભયાનક ઘટના છે.

ચિત્રલેખા ડૉટ કૉમે ભૂમિ ચૌહાણ સાથે વાત કરી હતી. ભૂમિએ કહ્યું કે ‘હું અત્યારે આના વિશે કંઈ પણ વધારે બોલી શકું તેવી સ્થિતિમાં નથી.’ આ ઘટનામાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. ભૂમિએ ઘટનાનો ભોગ બનેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો અને પ્રાર્થના કરી.

નોંધનીય છે કે લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી બપોરે લગભગ 1.38 વાગ્યે ઉડાન ભરી અને થોડીવાર પછી એરપોર્ટ નજીક મેઘાણીનગરમાં ક્રેશ થઈ. ફ્લાઈટમાં 242 મુસાફો સવાર હતાં. જેમાંથી રમેશ વિશ્વાસ કુમારનો ચમત્કારિક બચાવ થયો અને બાકીના 241 મુસાફરો રાખ થઈ ગયા. ફ્લાઈટ ચૂકી જવાથી ભરૂચના ભૂમિ ચૌહાણનો પણ જીવ બચી ગયો.

(નિરાલી કાલાણી, મુંબઈ)

ભૂતકાળનો બોજ આપણને સંપત્તિના આનંદથી પણ વંચિત રાખે છે

થોડા દિવસો પહેલાંની વાત છે. હું સોશિયલ મીડિયા પર એક વિડિયો જોઈ રહ્યો હતો. તેમાં એક વૃદ્ધ બૌદ્ધ ભિખ્ખુ અને એમના શિષ્ય જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. જંગલની મધ્યમાં નદી વહી રહી હતી. તેઓ નદીમાં પગ મૂકવાની તૈયારીમાં જ હતા ત્યાં એક યુવતીએ એમની પાસે મદદ માગી. એ યુવતી નદી પાર કરવા માગતી હતી. બન્ને ભિખ્ખુઓએ એકબીજા સામું જોયું. એ વૃદ્ધ ભિખ્ખુએ યુવતીને ખભે ઉપાડીને નદી પાર કરાવી દીધી. નદીના સામા કિનારે એને ઉતારીને તેઓ ચાલવા લાગ્યા. એકાદ કલાક થયો હશે ત્યાં યુવાન શિષ્યને બેચેની થવા લાગી. એ પોતાના ગુરુને કંઈક પૂછવા માગતા હતા, પરંતુ સંકોચ થતો હતો. આખરે એમનાથી રહેવાયું નહીં અને એમણે પૂછ્યું, “આપણને મહિલાઓ સાથે બોલવા-ચાલવાની મનાઈ છે, છતાં તમે એ યુવતીને ખભે ઉપાડીને નદી પાર કરાવી?” ગુરુએ જવાબ આપ્યો, “મેં તો એ ભાર ક્યારનો ઉતારી દીઘો, તું કેમ હજી તારા મનમાં એ ભાર લઈને ફરે છે?”

યુવાન ભિખ્ખુ આસપાસના કુદરતી સૌંદર્યનો આનંદ માણવાને બદલે બીજું જ કંઈક વિચારી રહ્યા હતા. આથી કુદરતની મહેરથી વંચિત રહી ગયા.

આ યુવા ભિખ્ખુ જેવું જ આપણું પણ વર્તન હોય છે. આપણે હંમેશાં ભૂતકાળનો ઘણો મોટો બોજ લઈને ચાલતા હોઈએ છીએ અને તેને કારણે વર્તમાનની આનંદની ક્ષણોને માણવાનું ચૂકી જઈએ છીએ. ભૂતકાળનો બોજ એક સમયે એટલો બધો વધી જાય છે કે આપણે તેનાથી ગૂંગળાઈ જઈએ છીએ અને એ બોજ એક યા બીજા સ્વરૂપે શરીર અને મનની બીમારી બની જાય છે. જો આપણે એ બોજને માથા પરથી ઉતારી શકીએ તો જ વર્તમાનનો આનંદ માણી શકીએ છીએ.

“એણે મારી સાથે જે કર્યું એ હું ક્યારેય ભૂલી નહીં શકું”, એવું કોઈના મોંઢે તમે સાંભળો ત્યારે સમજી જવાનું કે એ લાગણી ભવિષ્યમાં એને કોઈક રીતે નુકસાન કર્યા વગર નહીં રહે. એ માણસ કોઈકના વર્તનથી એક વખત તો વ્યથિત થયો, પણ એ ઘટનાને યાદ રાખીને જીવનમાં વારંવાર વ્યથિત થયા કરશે.

મારા એક ક્લાયન્ટ – અશ્વિન કશ્યપે મને એક દિવસ કહ્યું હતું, “મારી કિશોરવસ્થામાં મારા પરિવારની આર્થિક સ્થિતિ સાધારણ હતી. અમે રોજના ખર્ચ પૂરા કરી શકતા હતા, પરંતુ બચત કરવાનું અમારા માટે શક્ય ન હતું. મારા મિત્રો હંમેશાં મારી અવગણના કરતા. આજે હવે મારી પાસે પૈસા આવી ગયા છે તેથી હું એમને મારો રુબાબ બતાવવાનું ક્યારેય ચૂકીશ નહીં.” અશ્વિનના મિત્રોએ ખરેખર એની અવગણના કરી હતી કે નહીં એ તો આપણને ખબર નથી, પરંતુ એણે મિત્રોના વર્તનનું જે અર્થઘટન કર્યું તેના પરથી કહી શકાય કે આજે પણ એને મિત્રો સાથે ફાવતું નહીં હોય; કદાચ એને કોઈની સાથે ગાઢ મૈત્રી પણ નહીં હોય.

યોગિક સંપત્તિ બીજાને ‘દેખાડી દેવું‘, અન્યોના જીવનધોરણ સાથે સરખામણી કરવી, બીજાઓ પોતાના વિશે શું વિચારશે એવો વિચાર કરવો એ બધા બોજથી મુક્ત થવાનું શીખવે છે. જો સંપત્તિનો આનંદ માણવો હોય તો આ બધા બોજ દૂર કર્યે જ છૂટકો. બોજ હેઠળ દબાઈને સર્જાયેલી સંપત્તિ ક્યારેય સુખ આપી શકે નહીં. મહેનતથી રળેલી સંપત્તિનો પ્રસન્નતાપૂર્વક ઉપભોગ કરવા માટે બોજથી હળવા થવું જરૂરી છે. ભગવાને આપણને સંપત્તિ આપીને કરુણા દાખવી છે. આપણે જાતે ઊભા કરેલા બોજ હેઠળ દબાઈ જઈએ છીએ અને ઈશ્વરકૃપાની અવગણના કરીએ છીએ.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

ભારતનો ખોટો નકશો દેખાડતાં ઇઝરાયેલી આર્મીએ માફી માગી 

નવી દિલ્હીઃ ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે પોતાની ભૂલ માટે માફી માગી છે, જેમાં ભારતની આંતરરાષ્ટ્રીય સરહદને ખોટી રીતે બતાવતાં જમ્મુ અને કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ દર્શાવવામાં આવ્યો હતો. ભારતનો આ ખોટો નકશો ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સે X હેન્ડલ પર શેર કર્યો હતો.

આ મેપને શેર કરીને સોશિયલ મિડિયા પર દર્શાવતાં વિવાદ સર્જાયો છે. આ નકશામાં ઇરાની મિસાઇલોની રેન્જ દર્શાવવામાં આવી હતી, પરંતુ તેમાં ભારતની સરહદને ખોટી રીતે દર્શાવવામાં આવી હતી, જેને કારણે સોશિયલ મિડિયા પર હોબાળો મચી ગયો હતો. આ નકશામાં જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ અને અરુણાચલ પ્રદેશને ચીનનો ભાગ દર્શાવી દીધો હતો. ત્યાર બાદ ભારતીય સોશિયલ મિડિયા યુઝર્સ વાંધો ઉઠાવતાં IDFએ માફી માગવી પડી હતી.

શું છે મામલો?

IDFએ એક ગ્રાફિકલ વર્લ્ડ મેપ ‘X’ પર પોસ્ટ કર્યો હતો, જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે ઈરાનની મિસાઈલો કયા-કયા વિસ્તારોમાં હુમલો કરી શકે છે. આ પોસ્ટમાં લખ્યું હતું કે ઈરાન એક વૈશ્વિક ખતરો છે. ઈઝરાયલ તેનું અંતિમ લક્ષ્ય નથી, તે ફક્ત શરૂઆત છે. અમારી પાસે કાર્યવાહી કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. જોકે નકશામાં ભારતની સરહદો સચોટ રીતે દર્શાવવામાં આવી ન હતી, જેના કારણે વિવાદ સર્જાયો હતો.

IDFએ માફી માગી

આ મામલે વિવાદ વધતો જોઈને IDFએ 13મી જૂને ફરી એક પોસ્ટ કરી, તેમાં લખ્યું હતું કે આ પોસ્ટમાં ફક્ત વિસ્તારનો નકશો છે. આ નકશો સરહદોનું સચોટ ચિત્રણ કરતો નથી. આ તસવીરને કારણે થયેલા કોઈ પણ ગુના માટે અમે માફી માગીએ છીએ. આ ઉપરાંત ભારતમાં ઈઝરાયલી રાજદૂતે પણ આ અંગે સ્પષ્ટતા કરતાં લખ્યું હતું કે ‘આ એક ખરાબ રીતે અનિચ્છનીય ઇન્ફોગ્રાફિક છે. તેને દૂર કરવા/સુધારવા માટે પહેલેથી જ કહેવામાં આવ્યું છે.

આ કોઈ અકસ્માત નથી, આ એક બેદરકારી છે: પ્લેન ક્રેશ પીડિતનો ભાઈ ઈમ્તિયાઝ

“આ કોઈ અકસ્માત નથી, આ એક બેદરકારી છે. મેં મારા સગા નાના ભાઈને ગૂમાવ્યો છે. હું જે દુ:ખ અને પીડામાંથી પસાર થઈ રહ્યો છું તે કોઈ નહીં સમજી શકે. મને અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.” આ શબ્દો છે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુંબઈના જાવેદ અલીના મોટા ભાઈ ઈમ્તિયાઝના.

દુર્ઘટનાનો ભોગ બનેલા બાળકો

અમદાવાદ વિમાન દુર્ઘટનાથી સમગ્ર દેશ શૉકમાં ગરકાવ છે. કઠણ કાળજાને પણ કંપાવી મૂકે એવી આ ઘટનાના આક્રંદને તો શબ્દમાં કેવી રીતે વ્યક્ત કરી શકાય! અમદાવાદથી લંડન જતુ એર ઈન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન સાથે ગોઝારો અકસ્માત થાય છે અને એક હોસ્ટેલ પર તૂટી પડે છે. જેમાં સવારે 242 મુસાફરોમાંથી એકનો જ ચમત્કારિક બચાવ થાય છે અને બાકીના 241 લોકો બળીને રાખ થઈ જાય છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું છે. આ વિમાનમાં મૂળ મુંબઈના જાવેદ અલીનો પરિવાર પણ મુસાફરી કરી રહ્યો હતો.

ઈમ્તિયાઝ અલી પીડિત ભાઈ જાવેદ અને તેના પરિવાર સાથે

જાવેદ અલી સૈયદ 11 વર્ષની લંડનમાં સ્થાયી હતાં. તે પોતાની પત્ની અને બે બાળકો સાથે મુંબઈના મલાડ સ્થિત પોતાના પરિવાર સાથે ઈદની ઉજવણી કરવા આવ્યા હતાં. જાવેદ અલીના ભાઈ ઈમ્તિયાજ અલીએ ચિત્રલેખા ડૉટ કૉમ સાથે વાત કરતાં જણાવ્યું કે, મારી માતાની સર્જરી થઈ હતી અને ઈદનો તહેવાર પણ આવી રહ્યો હતો. અમે આ તહેવાર આખો પરિવાર સાથે મળીને ઉજવવા ઈચ્છતા હતાં. તેથી મારો નાનો ભાઈ જાવેદ, તેની પત્ની અને બાળકો સાથે આવ્યો હતો. અમે ચાર ભાઈ-બહેન છીએ. અમારી બધાની સાથે ખુશીનો સમય વિતાવ્યા બાદ તે લંડન પરત ફરી રહ્યો હતો.

પીડિત જાવેદના ભાઈ ઈમ્તિયાજ અલીએ વધુમાં જણાવ્યુ કે આ કોઈ અકસ્માત નથી. આ એક બેદરકારી છે. જેમાં મારા ભાઈનો જીવ ગયો છે. અત્યારે હું જે દુ:ખ અને પીડામાંથી પસાર થઈ રહ્યો છું તે કોઈ નહીં સમજી શક. મારા મનમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. આ સવાલો હું ચોક્કસ ઉઠાવીશ.

(નિરાલી કાલાણી, મુંબઈ)

CM હિમંતાનો ઉપદ્રવીઓને દેખો ત્યાં ઠારનો આદેશ

ગૌહાટીઃ આસામના CM હિમંતા બિસ્વા સરમાએ ધુબરી જિલ્લામાં સાંપ્રદાયિક ટેન્શનને ખાળવા માટે ઉપદ્રવીઓને દેખો ત્યાં ઠાર કરવાના આદેશ આપ્યા છે. બાંગ્લાદેશની સરહદે આવેલા આ જિલ્લાના હિંસા પ્રભાવિત વિસ્તારો ગૌમાંસ ફેંકવાની ઘટના ક્યારેય ના થવી જોઈએ. એમાં સામેલ લોકોને છોડવામાં નહીં આવે. તેમણે કહ્યું હતું કે ધુબરી જિલ્લામાં રાત્રે દેખો ત્યાં ઠાર કરવાનો આદેશ લાગુ કરવામાં આવ્યો છે. CMએ તેમના ધુબરી પ્રવાસમાં કહ્યું હતું કે મારા ગૌહાટી પહોંચતાંની સાથે જ આ આદેશ જારી કરવામાં આવશે તેમ જ રાત્રે બહાર ફરનારા અથવા પથ્થરમારો કરનારાઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે.

શું છે ઘટના?

CM હિમંતા બિસ્વા સરમાએ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ધુબરીની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે કહ્યું હતું કે જિલ્લામાં રેપિડ એક્શન ફોર્સ (RAF) અને CRPF જવાનો તૈનાત કરવામાં આવશે તેમ જ ધુબરીમાં તમામ ગુનેગારોની ધરપકડ કરવામાં આવશે.

આ ઘટના અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે બકરી ઇદના બીજા દિવસે 7 જૂને જિલ્લા મુખ્યાલયમાં હનુમાન મંદિરની સામે એક ગાયનું માથું મળી આવ્યું હતું. ‘નબીન બાંગ્લા’ નામના સંગઠને બકરી ઈદ પહેલાં ઉશ્કેરણીજનક પોસ્ટરો લગાવ્યાં હતાં, તેમાં ધુબરીને બાંગ્લાદેશમાં ભેળવી દેવાની વાત કરવામાં આવી હતી, જેને સરકાર સહન કરી નહિ લે.

 

રાજ્યના સાર્વભૌમત્વ પર સીધો હુમલો

CMએ આ ઘટનાને રાજ્યના સાર્વભૌમત્વ પર સીધો હુમલો ગણાવ્યો અને કહ્યું હતું કે આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને RAFના જવાનોને તૈનાત કરવામાં આવશે. કાયદો પોતાના હાથમાં લેનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ટૂંક સમયમાં બધા ગુનેગારોની ઓળખ કરીને ધરપકડ કરવામાં આવશે.

આ વખતે બકરી ઇદના પ્રસંગે પશ્ચિમ બંગાળથી હજારો પશુઓ ધુબરી લાવવામાં આવ્યા હતા અને એક નવા બીફ માફિયા સક્રિય થયા છે, જેણે મોટા પાયે પશુઓ ખરીદ્યા હતા. આ મામલાની તપાસ થશે અને ગેરકાયદે વેપારમાં સામેલ લોકોની ધરપકડ કરવામાં આવશે. ‘રાજ્ય સરકાર ધુબરીમાં કોઈ પણ પ્રકારના સાંપ્રદાયિક કાવતરાને સફળ થવા દેશે નહીં. ધુબરી આપણા હાથમાંથી જશે નહીં. જરૂર પડશે તો હું પોતે આખી રાત હનુમાન મંદિરની દેખરેખ રાખીશ, એમ તેમણે કહ્યું હતું.

‘તેજાબ’ ના એક દ્રશ્ય માટે ‘શોલે’ માંથી પ્રેરણા લેવાઈ

નિર્દેશક એન. ચંદ્રાએ ફિલ્મ ‘શોલે’ (1975) ના એક દ્રશ્ય પરથી પ્રેરણા લઈને ‘તેજાબ’ (1988) ના અનિલ-માધુરીના દ્રશ્યમાં ફેરફાર કર્યો હતો. ‘તેજાબ’ ની સ્ક્રિપ્ટમાં એક દ્રશ્ય હતું. જેનું બીજા દિવસે શુટિંગ થવાનું હતું. જેમાં માધુરી દીક્ષિત અનિલ કપૂરને કહે છે કે તારી સાથે મને જોઈને પિતાએ મને મારી હતી. હું ઘર છોડીને આવી ગઈ છું. આપણે લગ્ન કરી લઈએ. એન. ચંદ્રાએ એ દ્રશ્ય વાંચ્યું પછી લેખક કમલેશ પાંડેને કહ્યું કે આ બહુ સામાન્ય અને સરળ દ્રશ્ય લાગે છે. એમાં મજા આવી રહી નથી.

બીજા દિવસે સવારે નવ વાગે શુટિંગ હતું. એન. ચંદ્રાને નહાતી વખતે એક વિચાર આવ્યો અને એમણે નક્કી કર્યું કે એ દ્રશ્યને અલગ રીતે કરવું જોઈએ અને એમને ‘શોલે’ નું એક દ્રશ્ય યાદ આવી ગયું. જેમાં અમિતાભ અને ધર્મેન્દ્રને સંજીવકુમાર બોલાવે છે અને માણસને એમનો રૂમ બતાવવા કહે છે. જેવા એ અંદર જાય છે અને કેટલાક ગુંડા આવી જાય છે. બંને એમની સાથે લડે છે અને મારીને ભગાવી દે છે. ગુંડાઓએ હુમલો કર્યો એની એમને નવાઈ લાગી રહી હતી ત્યારે સંજીવકુમાર ત્યાં આવે છે અને કહે છે કે પહેલાં મેં તમને લડાઈ કરતાં જોયા હતા પણ હવે હું એ જોવા માગતો હતો કે તમારી બાજુઓમાં હજુ એ દમ છે કે નહીં. એ મારે જોવું હતું એ મતલબનું દ્રશ્ય હતું.

એ દ્રશ્યનો મુદ્દો એમણે ઉઠાવ્યો અને અનિલ-માધુરીનું દ્રશ્ય રચ્યું. જેમાં માધુરી એને છોડીને જવાની વાત કરે છે. ત્યારે અનિલ એના પર ગુસ્સે થાય છે અને બંનેએ પ્રેમ કર્યો હોવાનું કહે છે. ત્યારે માધુરી કહે છે કે હું ઘર છોડીને આવી છું અને એ જોવા માંગતી હતી કે તારામાં હજુ એ આગ છે કે નહીં.

આ વાત એન. ચંદ્રાએ લેખક કમલેશને કહી ત્યારે એમણે કહ્યું કે હમણાં શુટિંગ છે અને દ્રશ્ય નવેસરથી કેવી રીતે લખવાનું? એન. ચંદ્રાએ કહ્યું કે આમ કરવું પડશે અને લેખકે ફરીથી દ્રશ્ય અને સંવાદ લખ્યા. જેમાં માધુરી અનિલને છોડી જવાની વાત કરે છે ત્યારે અનિલ કહે છે કે,‘તૂને સમઝ ક્યા રખા હૈ મુઝે? તૂ મેરી જિંદગી સે ચલી જાયેગી ઔર મેં તુઝે દેખતા રહુંગા? અમીરઝાદી, મેં તેરે લિયે મર સકતા હૂં તો માર ભી સકતા હૂં. મગર મેં કિસી ભી કિંમત પર તુઝે મુઝસે અલગ હોને નહીં દૂંગા.’ ત્યારે માધુરી ગાંડપણ આવ્યું હોય એમ બહુ હસીને પછી કહે છે કે,‘મેં તુમ્હારા યેહી રૂપ દેખના ચાહતી થી… મેં દેખના ચાહતી થી કી જિસ આગ મેં મૈં જલ રહી હૂં ઉસમે તુમ શામિલ હો કે નહીં.’ અને ‘તેજાબ’ નું આ દ્રશ્ય એ બાબતનું ઉદાહરણ બની ગયું હતું કે કોઈપણ દ્રશ્યને વધારે નાટકીય કેવી રીતે બનાવી શકાય છે. એન. ચંદ્રાએ એક સામાન્ય દ્રશ્યને ‘શોલે’ ના દ્રશ્યના વિચારની પ્રેરણા લઈને યાદગાર બનાવી દીધું હતું.

ઇરાને ઇઝરાયેલ પર કર્યો હુમલોઃ તેલ અવિવમાં ભારે નુકસાન

નવી દિલ્હીઃ ઇઝરાયલના હુમલા બાદ ઈરાની હુમલા આશરે 1.30 વાગ્યે શરૂ થયા હતા. પહેલા તબક્કામાં અનેક વ્યૂહાત્મક ઇઝરાયેલી સ્થાનોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. ઇસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ કોર્પ્સ (IRGC)એ આ ઓપરેશનની પુષ્ટિ 24 કલાકથી પણ ઓછા સમયમાં કરી હતી. ઇરાને ઇઝરાયેલમાં બે વારમાં આશરે 150 બેલેસ્ટિક મિસાઇલોથી પ્રહાર કર્યો હતો. આ હુમલામાં ઇઝરાયેલનાં અનેક શહેરોમાં ધડાકા થયા અને તેલ અવિવમાં ભારે નુકસાનના અહેવાલ છે.

ઈરાને પણ ઇઝરાયલ પર મિસાઈલથી હુમલા શરૂ કર્યા છે. આ હુમલામાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી મળી રહી છે. ઈરાને લગભગ 150 જેટલી મિસાઈલથી ઈઝરાયલને રાતભર હચમચાવી નાખ્યું હતું.

તહેરાન ટાઈમ્સના અહેવાલ અનુસાર ઈરાને ઇઝરાયલ પર 100થી વધુ મિસાઇલથી હુમલો કર્યો છે. ઈરાન દ્વારા આ હુમલાને ‘ઓપરેશન ટ્રુ પ્રોમિસ 3’ નામ આપવામાં આવ્યું છે. આ હુમલામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.

IRGSએ સત્તાવાર નિવેદન જાહેર કરી કહ્યું છે કે ઇઝરાયલે કરેલા હુમલાના જવાબમાં ઈરાને સશક્ત અને સટિક કાર્યવાહી કરી છે. ઈરાનના સુપ્રીમ લીડર ખોમિનીએ સોશિયલ મિડિયા પર કહ્યું હતું કે ઈરાનના લોકો અમારી સાથે છે. ઈરાની સશસ્ત્ર દળો ઇઝરાયલ પર જીત હાંસલ કરશે.

બીજી તરફ ઇઝરાયલની સેનાએ પણ ઈરાનના હુમલાની પુષ્ટિ કરતાં કહ્યું છે કે અમે મિસાઇલોને ધ્વસ્ત કરવાની કાર્યવાહી કરી રહ્યા છીએ. આગામી નિર્દેશ સુધી ઇઝરાયલના તમામ નાગરિકોને સુરક્ષિત સ્થાન પર આશ્રય લેવા નિર્દેશ આપવામાં આવ્યા છે. ઈરાને ભારે કિંમત ચૂકવવી પડશે.

અમદાવાદ પ્લેન ક્રેશ: વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી અમેરિકાથી પરત ફર્યા

અમદાવાદ: વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચાર બાદ રાજકીય શોકનો માહોલ છે. ત્યારે આજે વહેલી સવારે તેમના પુત્ર ઋષભ રૂપાણી ગાંધીનગર આવી પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે અંજલિબહેન રૂપાણી શુક્રવારે (13 જૂને) લંડનથી સ્પેશિયલ ચાર્ટડ પ્લેન મારફતે અમદાવાદ ઍરપોર્ટ પહોંચ્યા હતા, જ્યારે ઋષભ રૂપાણી શનિવારે (14 જૂને) વહેલી સવારે અમેરિકાથી ગાંધીનગર પહોંચ્યા હતા. રાજકીય નેતાઓ ગાંધીનગર ખાતે આવેલા તેમના બંગલે પહોંચી રહ્યા છે. ત્યારે દિવંગત વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટમાં કરવામાં આવશે.

12 જૂને સર્જાયેલી અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વિજય રૂપાણીનું કરૂણ મોત નીપજતાં તેમના વતન રાજકોટમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આજે બપોરે 2 વાગ્યા સુધી અડધો દિવસ બજારો સહિત સ્વૈચ્છિક બંધનો નિર્ણય વિવિધ સંસ્થાઓએ જાહેર કર્યો છે.

રાજકોટમાં વિવિધ સંસ્થાઓ (1) ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (2) શહેર કોંગ્રેસ સમિતિ (3) રાજકોટ ગોલ્ડ ડિલર્સ એસોસિએશન (4) ગુડ્ઝ એન્ડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન (5) હોલસેલ ટેક્સટાઈલ્સ મરચન્ટ એસોસિએશન (6) સર લાખાજીરાજ રોડ મરચન્ટ એસોસિએશન તેમજ અન્ય મંડળો, સંસ્થાઓએ ઉંડા શોકની લાગણી વ્યક્ત કરીને શનિવારે તા. 14ના તમામ બજારો બપોરના 2 વાગ્યા સુધી બંધ રાખીને વિજયભાઈને શ્રધ્ધાંજલિ આપવા નિર્ણય લીધો છે અને અપીલ કરી છે. 

શાળાઓ પણ બંધ

આ ઉપરાંત રાજકોટ શહેર આચાર્ય સંઘ, શહેર શાળા સંચાલક મંડળે આજે તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અનધ્યયન રાખવાનો નિર્ણય જાહેર કરાયો છે. આમ, આજે ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલો પણ બંધ રહેશે.  દરમિયાન વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રા તેઓ પૂર્વ મુખ્યમંત્રી હોય પૂરા પ્રોટોકોલ સાથે રાજકોટમાં યોજવામાં આવશે. રાજકોટમાં પ્રકાશ સોસાયટીમાં આવેલા તેમના ઘરથી અંતિમયાત્રા પ્રસ્થાન કરશે અને જ્યાં તેઓ મોટા થયા તે દિવાનપરા ખાતે પણ અંતિમયાત્રા પહોંચશે. આ માટે વ્યવસ્થા માટે વિવિધ ટીમો બનાવવા સહિત તૈયારીઓ શરૂ કરાઈ છે.

ગુલકંદ – ૧૪ જૂન ૨૦૨૫