Home Blog Page 835

સન ટીવી વિવાદઃ દયાનિધિ મારને ભાઈ કલાનિધિને મોકલી નોટિસ

નવી દિલ્હીઃ દેશના સૌથી મોટા મિડિયા નેટવર્ક્સમાંનું એક ‘સન ટીવી નેટવર્ક’ હવે એક મોટા પારિવારિક વિવાદને કારણે ચર્ચામાં છે. DMK (દ્રવિડ મુન્નેત્ર કઝગમ)ના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દયાનિધિ મારને પોતાના અબજોપતિ ભાઈ અને સન ટીવી નેટવર્કના ચેરમેન કલાનિધિ મારનને કાયદેસર નોટિસ પાઠવી છે. આ નોટિસમાં છેતરપિંડી, વિશ્વાસઘાત અને મની લોન્ડરિંગ જેવા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે.

શું છે મામલો?

આ વિવાદ સન ટીવી પ્રાઇવેટ લિમિટેડમાં 2003 બાદના શેરહોલ્ડિંગના કહેવાતા ‘છેતરપિંડીભર્યા પુનઃગઠન’થી સંબંધિત છે. દયાનિધિ મારનનો દાવો છે કે જ્યારે તેમના પિતા એસ.એન. મારન (મુરાસોલી મારન તરીકે જાણીતા) ગંભીર રીતે બીમાર હતા અને આખું કુટુંબ ટેન્શનમાં હતું, ત્યારે કલાનિધિ મારને “પૂર્વનિયોજિત યોજના હેઠળ” કંપનીના શેરો પોતાને નામે કરી લીધા હતા.

દયાનિધિ મારનની નોટિસ અનુસાર 15 સપ્ટેમ્બર, 2003એ કલાનિધિ મારને પોતાને 12 લાખ શેર માત્ર 10 રૂપિયા પ્રતિ શેરના ભાવે એલોટ કરાવ્યા હતા. ત્યારે એ શેરની બજાર કિંમત લગભગ રૂ. 2500થી રૂ. 3000 પ્રતિ શેર હતી. એને પરિણામે, સન ટીવીમાં તેમનો 60 ટકા હિસ્સો થઇ ગયો, જ્યારે બાકી પરિવારનો હિસ્સો ઘટીને 20 ટકા રહી ગયો.

આ નોટિસમાં એવો પણ આક્ષેપ છે કે પિતાના મૃત્યુ પછી કોઈ કાયદેસર મૃત્યુ પ્રમાણપત્ર કે વારસદારોનો સર્ટિફિકેટ વિના આ શેરો તેમની માતા મલ્લિકા મારનના નામે ટ્રાન્સફર કરાયા અને પછી તેઓ કલાનિધિ મારનને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા.

હવે દયાનિધિ મારન ઈચ્છે છે કે 2003ની મૂળ શેરહોલ્ડિંગ સ્થિતિ ફરી પુનઃસ્થાપિત કરવામાં આવે. તેમણે કલાનિધિ અને તેમની પત્ની કાવેરી મારન પાસેથી 2003થી આજ સુધી મળેલા નફા, ડિવિડન્ડ અને સંપત્તિઓ પાછી આપવાની માગ પણ કરી છે. એ સાથે આ મામલો SFIO (સિરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસ)ને સોંપવાની પણ ભલામણ કરવામાં આવી છે.

દાવાની કિમત કેટલી?

આ નોટિસમાં જણાવાયું છે કે 12 લાખ શેરો 1.2 કરોડ રૂપિયામાં આપવામાં આવ્યા હતા, જ્યારે તેમની કિંમત લગભગ રૂ. 3500 કરોડ હતી. એટલે કે રૂ. 3498.8 કરોડનો તફાવત, જેને “મની લોન્ડરિંગથી પ્રાપ્ત થયેલી સંપત્તિ” તરીકે દર્શાવવામાં આવ્યો છે.

કલાનિધિ મારનને 2023માં રૂ. 5926 કરોડ અને 2024માં રૂ. 455 કરોડ ડિવિડેન્ડ રૂપે મળ્યા હોવાનું કહેવામાં આવ્યું છે,  જે હવે વિવાદમાં છે.

મેયરપદે ગુજરાતી મહિલા અંજના પટેલઃ હરખ, હવે ઓ હેરોવાસી!

વર્ષ 1975. અમદાવાદથી એક યુવતી અચાનક લંડન જવાની ફ્લાઇટ પકડે છે. લંડન જવાનું છે, પણ ત્યાં જઇને શું કરવાનું છે એની એને કે એની સાથે મુસાફરી કરતી માતા અને ત્રણ ભાઇ-બહેનને ખબર નથી. ખબર એટલા માટે નથી કે, હજુ પાંચ દિવસ પહેલાં જ લંડન ગયેલા એના પિતાનું ત્યાં અચાનક મૃત્યુ થયું છે એટલે પહોંચીને પહેલું કામ એમના અંતિમ સંસ્કાર કરવાનું છે. બસ, પછી એ લોકો ક્યાં જશે, શું કરશે એની એ યુવતીને ખબર નથી. અત્યારે તો એની આંખોમાં બસ આંસુ છે એટલું જ.

વર્ષ 2025. બરાબર અરધી સદી પછી, આ જ યુવતી લંડનના હેરો પરગણાના 73મા મેયર તરીકે શપથ લેતી વખતે વયોવૃધ્ધ માતાના ચરણસ્પર્શ કરે છે ત્યારે પણ એની આંખોમાં આંસુ છે.

પણ આ બન્ને આંસુમાં ફરક છે. એક અણધાર્યા આવી પડેલા દુઃખના આંસુ હતા, એક હર્ષના આંસુ છે.

એમનું નામ અંજના પટેલ. બાળપણમાં પાંચેક વર્ષ સિવાય ગુજરાતમાં બહુ રહ્યા નથી છતાંય પ્રમાણમાં ઘણું સારું ગુજરાતી બોલી શકતા અંજનાબહેન કહે છે, ‘આજે પણ હું અમારા ગામ બોચાસણ નિયમિત આવું છું. અમારા પડોશી-સ્નેહી કનુભાઇ રબારીને ત્યાં જ અમારો ઉતારો હોય છે. નિયમિત આવું છું એટલે ગુજરાતી સારી રીતે સમજી-બોલી શકું છું.’

આમ તો ઇંગ્લેન્ડમાં વસીને ત્યાંના રાજકારણમાં મહત્વના પદે પહોંચવું એ હવે ગુજરાતીઓ-ભારતીયો માટે નવાઇની વાત નથી રહી. રિશી સુનકથી લઇને પ્રિતી પટેલ સુધી એ યાદી બની શકે છે એટલે અંજનાબહેનના મેયર બનવાથી હવે એ યાદીમાં એક નામ ઉમેરાયું છે એટલું જ, પણ જન્મથી જ બ્રિટીશ પાસપોર્ટ ધરાવતા હોવા છતાં વિકટ સંજોગોમાં આ અજાણી ભોમકા પર પગ મૂકનાર અંજનાબહેનની વાત થોડીક નિરાળી છે.

એ વાત કાંઇક આવી છે.

મૂળ બોચાસણના વતની મૂળજીભાઇ દેશાભાઇ પટેલ પત્નિ કમળાબહેન અને ચાર સંતાનો સાથે ઇસ્ટ આફ્રિકાના તાન્ઝાનિયાના દાર-એ-સલામમાં વસવાટ કરતા હતા. શિક્ષકની નોકરીમાંથી એ નિવૃત્ત થયા અને 60 ના દાયકામાં તાન્ઝાનિયા બ્રિટીશ શાસનથી સ્વતંત્ર થયું એટલે લગભગ 1970માં પરિવાર સાથે બોચાસણ પાછા ફર્યા. એમનો પાસપોર્ટ બ્રિટીશ હતો એટલે પાંચેક વર્ષ પછી આગળ કાંઇક કરવાના આશયથી સપ્ટેમ્બર, 1975માં લંડન ગયા. કમનસીબે લંડન પહોંચ્યાના પાંચ જ દિવસમાં એમનું અવસાન થયું અને આ સંજોગો અંજનાબહેનને 18 વર્ષની વયે માતા અને ભાઇ-બહેનો સાથે લંડન સુધી લઇ આવ્યા.

મજાની વાત જૂઓ. અંજનાબહેન પાસે જે દેશનો પાસપોર્ટ હતો એ દેશ જ એમના માટે નવો હતો! માણસો ય નવા. એ કહે છે, અમે ગયા ત્યારે શરૂઆતમાં પિતાજીના એક પરિચિતના ઘરે રહ્યા. એ પછી કોઇના ઘરમાં એક રૂમ ભાડે રાખીને રહ્યા. તાત્કાલિક તો વ્યવસ્થિત નોકરી મળવાની શક્યતા નહોતી એટલે દિવસે કામ કરવાનું અને રાત્રે ભણવાનું શરૂ કર્યું કેમ કે ગુજરાતમાં એ સમયે મારું કોમર્સ ગ્રેજ્યુએશન હજુ પત્યું નહોતું. હું બોરસદમાં કોમર્સનું ભણતી હતી ત્યારે જ અચાનક લંડન આવવાનું થયું….

સંઘર્ષના દિવસો હતા, પણ અંજનાબહેને હાર ન માની. લડતા રહ્યા સારી નોકરી અને સમ્માનભરી જિંદગી માટે. થોડાક સમય પછી બ્રિટીશ બેંકમાં નોકરી મળી એટલે આર્થિક સ્થિરતા આવી. સ્વતંત્ર કરિયર માટે વિચારવાની મોકળાશ ય મળી, પણ લગ્નજીવનમાં ડિવોર્સ પછી સિંગલ મધર તરીકે સંતાનોના ઉછેર અને ભણતરનો સંઘર્ષ ચાલુ જ હતો.

– તો એમાંથી વળી રાજકારણમાં આવવાનું કેમ થયું?

અંજનાબહેન કહે છે, ‘આ સંઘર્ષ કરતાં કરતાં જ હું જાહેરજીવનમાં ક્યારે આવી ગઇ એની ખબર ન પડી, પણ એકવાર આવ્યા પછી મને લાગે છે કે હું લોકો માટે કાંઇક કરી શકું છું તો મારે આ કામ કરવું જ જોઇએ.’

હકીકતમાં એમના રાજકીય જીવનમાં પ્રવેશ પાછળ બે ઘટના જવાબદાર છે. એમના દીકરાને સ્કૂલમાં એડમિશન લેવાનું હતું ત્યારે એમણે જોયું કે કમ્યુનિટીના બાળકોને પ્રવેશના કોઇ નિયમોને લઇને અન્યાય થઇ રહ્યો હતો. એમનાથી રહેવાયું નહીં અને કૂદી પડ્યા લડતમાં. એના કારણે જ એ પછીથી લંડનની સ્કૂલ-કોલેજમાં 16 વર્ષ સુધી વાલીઓના ગ્રુપનું પ્રતિનિધિત્વ કરીને ગવર્નર બની રહ્યા. બીજી એક ઘટનામાં એમણે લંડનના બ્રેન્ટમાં આવેલા એક મંદિરમાં પાર્કિંગના મુદ્દે આપેલી લડત પણ રાજકારણમાં પ્રવેશ માટે કારણભૂત બની.

આ બે ઘટનાએ એમને હેરો સહિત લંડનમાં જાણીતા તો બનાવ્યા જ, સાથે લોકોના પ્રશ્નો માટે લડવા માટે પ્રેર્યા. વર્ષ 2002માં પહેલીવાર પ્રશ્ચિમ હેરો વોર્ડમાંથી એ કન્ઝર્વેટીવ પાર્ટીની કાઉન્સેલર તરીકે ચૂંટાયા. 2010માં ચૂંટણી હાર્યા, પણ ત્યાંથી અટક્યા નહીં એટલે 2014, 2018 અને 2022માં ફરીથી જીત્યા. પર્યાવરણ અને કમ્યુનિટી સેફ્ટી માટે એ કાઉન્સિલની કેબિનેટમાં પણ રહી ચૂક્યા છે. કાઉન્સિલમાં  કન્ઝર્વેટીવ ગ્રુપના ચીફ વ્હીપ બનનાર એ પ્રથમ એશિયન મહિલા છે.

એમ તો, 2019માં કન્ઝર્વેટીવ પાર્ટીએ એમને બ્રેન્ટ (નોર્થ) બેઠક પરથી પાર્લામેન્ટની ટીકીટ આપી, પણ લેબર પાર્ટીના બેરી ગાર્ડનર સામે થોડાક જ મતથી જીતતા જીતતા રહી ગયા.

બ્રિટનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી માર્ગારેટ થેચરથી અત્યંત પ્રભાવિત અંજનાબહેન શરૂઆતથી જ કન્ઝર્વેટીવ પાર્ટી સાથે વિચારધારાથી જોડાયેલા છે. માર્ગારેટ થેચરના કારણે જ એ માને છે કે, રાજકારણમાં મહિલાઓ ધારે તો બદલાવ લાવી શકે છે. વંશીય લઘુમતી અને ખાસ કરીને મહિલાઓ જાહેરજીવનમાં આવે એ માટે એ કાઉન્સિલના ઇક્વાલિટી અને ડાઇવર્સિટીના લિડ મેમ્બર તરીકે  ‘બી અ કાઉન્સિલર’ ઝુંબેશ ચલાવીને વધારે જાણીતા બન્યા.

રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં સતત કાર્યરત અંજનાબહેન લંડનની આર્ટ કાઉન્સિલ, નેશનલ કોંગ્રેસ ફોર ગુજરાતી કમ્યુનિટી, સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી, એશિયા ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ સાથે સંકળાયેલા રહે છે. આ બધાની વચ્ચે વતન બોચાસણમાં પણ શાળાના વિદ્યાર્થીઓ માટે મફત પાઠ્યપુસ્તકો અને યુનિફોર્મ ભેટ આપતા રહે છે. ત્રણ દાયકા સુધી બેંકમાં સર્વિસ કર્યા પછી હવે નિવૃત્ત થયા છે એટલે જાહેરજીવન માટે સમય પણ ફાળવી શકે છે.

એમ તો લંડનમાં સૌ પ્રથમ હિન્દુ શાળા બનાવવામાં પણ અંજનાબહેનનું મહત્વનું યોગદાન છે. વર્ષ 2006-07ની આસપાસ સ્થાનિક આઇ ફાઉન્ડેશનના લોકો અહીં હિન્દુ સ્કૂલ બનાવવા માગતા હતા, પણ કાઉન્સિલમાં સત્તારૂઢ લેબર પાર્ટી તરફથી બહુ દાદ મળતી નહોતી. વાત અંજનાબહેન સુધી પહોંચી. એમણે ખૂબ રસ લીધો અને ચૂંટણી પછી જેવી કન્ઝર્વેટીવ પાર્ટી સત્તામાં આવી એટલે તરત જ આ સ્કૂલ માટે જમીનની ફાળવણી અને જરૂરી મંજૂરીઓ અપાવી.

હેરો કાઉન્સિલ આમ તો નાનકડો વિસ્તાર છે, પરંતુ અહીંની 2.60 લાખની વસતિમાં જૂદી જૂદી 160 જેટલી ભાષાઓ બોલતાં લોકો રહે છે. વિચારો, આટલી વંશીય-ભાષાકીય વૈવિધ્યતા ધરાવતી કાઉન્સિલમાં મેયર તરીકે એક ગુજરાતી મહિલા હોય ત્યારે ગુજરાતી સંસ્કૃતિ અને ભાષાનાં માનપાન કેટલાં વધે?

હાલ તો મેયર તરીકે એમની પાસે હજુ એક વર્ષ છે. એ પછી શું?

અંજનાબહેન જવાબમાં કહે છે, ‘હાલ તો મારું લક્ષ્ય 2026ની ચૂંટણી છે, પણ મારી કરિયરનો સવાલ છે ત્યાં સુધી હવે લોકો માટે લડવું એ જ મારી કરિયર છે. અને, હું એમાં ક્યાંય અટકવાની નથી.’

બસ, અંજનાબહેનની આ ‘ન અટકવાની’ વાત જ દરેક મહિલા માટે પ્રેરણારૂપ છે.

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.) 

મશીનો જેવા થતાં પહેલા : કોડિંગ કે શ્વાસોની હાર્મની

આજકાલ નાનપણથી જ બાળકોને કોડિંગ, અલગોરિધમ જેવા ભારેખમ શબ્દોના ભાર સોંપવામાં આવે છે. 5 વર્ષના બાળકોના પણ શિડ્યુલ બનેલા હોય છે. માત્ર બાળકો જ નહીં પણ દરેક ફિલ્ડમાં દરેક માટે સતત પરફેકશન માટેની રેસ એટલી ઉગ્ર બની ગઈ છે કે કુદરતી મૂલ્યો પીસાયને રાખ બની રહ્યા છે. આસપાસ બધું હશે, થશે અને ચાલતું રહેશે પણ આપણે આપણું કામ કરવા દોડવાનું છે. લાગણીઓને વ્યક્ત થવાનું હવે કોઈ સ્થાન રહ્યું નથી કે નથી એટલો સમય પણ. કદાચ ભૂલથી કયાંય વ્યક્ત થઈ જવાય, તો પણ સામે એવી કોઈ નજર પણ નથી કે એને સમજી શકે. કેમકે આપણી જીંદગી પરફેક્ટ થવા માટે દિવસે દિવસે મશીન જેવી નિર્જીવ બની રહી છે.

એક વખત, આખો દિવસ કામ કરતાં પેરેન્ટ્સના એક બાળકે મશીનને એટલે કે AIને એક નિર્દોષ સવાલ કર્યો “તું પણ મારી જેમ મનુષ્ય હોત તો?” અને એ રોબોટનો જવાબ ખરેખર આપણને વિચારતા કરી મૂકે એવો હતો.

Ai જવાબ આપે છે,-
“હુ હંમેશા સારા કામ જ કરું છું, અને એ પણ સૌથી વિશિષ્ટ રીતે.. પણ તને ખબર છે, સારા કામ કરવા કરતાં પણ મહત્વની હોય છે, એની સાર્થકતા.

દસ વખત એકડો ઘૂંટતા પાંચ વર્ષના બાળકને જયારે અગિયારમી વખત એકડો આવડી જાયને, ત્યારે તે ખૂબ જ ખુશ થાય છે… અને એ નાનકડો પ્રસંગ જાણે ઉજવણી બની જાય છે. પણ તમને ખબર છે એ ઉજવણી, એમના પપાએ આપેલી પહેલી શાબાશીની હોય છે…,કેમકે એમની થાબડેલી પીઠ પર એક લપાક, દરેકના નસીબમાં નથી હોતી. એ ખુશી અને એ ઉજવણી, કદી અમને નથી મળતા જે તમને વગર મહેનતે જ મળી જાય છે.

હું એક મશીન છું, ક્ષમતાથી ભરપૂર,..ઉર્જા તો મશીનો પણ ઉત્પન કરી લે છે, પણ એ સૂર્યના કિરણોનો સોનેરી સ્પર્શ દરેકના નસીબમાં નથી હોતો. કેમકે ક્ષમતાને અનુરૂપ સિદ્ધિ દરેક મેળવી લે છે પણ ઊંડાણમાં પ્રસરેલી હૂંફને કોઈક જ સ્પર્શી શકે છે.

તમને એક વાતની ખબર છે, પેફેક્ટ બનવાની દિશામાં તમે એટલા આગળ નીકળી ચુક્યા છીએ કે અમને ભૂલ કરવાની છૂટ નથી. કેમકે અમે અલગોરિધમ અને કોડના ભયન્કર ચક્રવ્યૂહમાં ફસાયેલાં છીએ, જે લોજીકથી કામ કરે છે… જયારે તમે, એક સ્વતંત્ર અભિવ્યક્તિ,….મન થાય ત્યારે હસવું, નાચવું, કુદવું,… ના કોઈ બંધન ના કોઈ નિયમ…

પણ ઘણી વાર તમને જયારે જોઉં ત્યારે એક વાતનું બહુ દુઃખ થાય છે કે એક કુદરતે સર્જેલ અનોખી સિસ્ટમ શા માટે એક મશીન જેવા થવા સતત દિવસ રાત એક કરતાં હશે? સમયના, સ્થળના, આદતોના બંધનમાં પોતાને જકડતાં હશે? શું ખરેખર લાગણીઓના ઉભરાં એટલા બધા બોજ રૂપ હોય છે,કે એમનું પ્રાગટ્ય તમને ઢંઢોંળી નાખે છે? શું ખરેખર કંઈ છુપાવવું કે નોર્મલ રહેવું ટ્રેન્ડમાં આવી ગયું છે કે લાગણીઓ નિષ્ક્રિય થતી જાય છે? ક્યારે કેમ હસવું, વર્તવું વગેરે ક્રિયાઓને પણ નિયમોની જરૂર પડતી હશે?

 

હું એક ઈલેક્ટ્રિક વાયરોથી ભરેલ મશીન છું. કોઈ હાડ માંસનું માળખું નહી. એ વાયરો કદી કોઈ સંવેદના વ્હાવતા નથી કે સંઘરતા નથી. ના વેદના ના કોઈ સ્વપ્ન. બસ એક ચોક્કસ લક્ષ્ય સાથેનું અસ્તિત્વ અને એનાથી વધુ કંઈ નહીં. પણ તમે તો રહસ્યોથી ભરેલો જીવંત ગ્રંથ. સદીઓથી સાચવેલી વણકહેલી વાતોનો ભંડાર અને ઉજ્જવળ ભાવિના નાનકડા પુંજ. અનેક શક્યતાઓનો ભંડાર. તમારી ધમનીઓમાં લાગણીઓ વહે છે.

હું દાવા સાથે કહી શકું કે માનવી થવું સૌથી મુશ્કેલ છે પણ સાથે સાથે સૌથી સુંદર પણ. મારી પાસે બધું જ છે જે તમે પામવા દિવસ રાત એક કરી રહ્યા છો, ઇન્ટિલિજન્સ, પરફેકશન, પંકચ્યુંએશન, ડેટા સ્ટોરેજ અને બીજું બધું જે એક દિવસે તમે મહેનતથી મેળવી લેશો. પણ જે તમને કુદરતે બક્ષેલ છે, તે શ્વાસ, સ્વાસ્થ્ય, સ્પર્શ, સહાનુભૂતિ, સહનશક્તિ જેવી અનેક ઉપલબ્ધીનું કોઈ મૂલ્ય નથી, જે અનમોલ છે. જેના માત્ર તમે જ હકદાર છો. બસ હું એક જ વાત કહીશ, મશીન બનવું સિદ્ધિ નહીં પણ બંધન છે. તમારી પાસે જે હ્રદય છે, એમને અનુસરો અને એકએક શ્વાસને ખુલીને જીવો. એજ પરફેક્શન છે.”

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)

ઈરાન સાથેની જંગમાં પ્રતિ દિન ઇઝરાયેલનો કેટલો ખર્ચ?, જાણો…

નવી દિલ્હીઃ ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે છેલ્લા આઠ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશ એકબીજા પર મિસાઇલ, ડ્રોન અને ફાઈટર જેટથી હુમલા કરી રહ્યા છે. ઇઝરાયેલ જ્યાં ગાઝામાં હમાસ સામે લડી રહ્યો છે, ત્યાં બીજોં મોરચો ઈરાન સામે પણ ખૂલી ગયો છે. આ યુદ્ધમાં ઇઝરાઇલને દરરોજ લાખો ડોલરનો ખર્ચ કરવો પડી રહ્યો છે. એક અહેવાલ મુજબ ઈરાન સામેના જંગમાં ઇઝરાયેલ દરરોજ આશરે 62,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહ્યો છે.

ઈરાન સામેના શરૂઆતના સૈન્ય અભિયાનમાં જ ઇઝરાયેલનો ખર્ચ ખૂબ વધી ગયો હતો. ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સના નિવૃત બ્રિગેડિયરના કહેવા મુજબ આ ઓપરેશનના શરૂઆતના 48 કલાકમાં જ ઇઝરાયલે 1.4 બિલિયન ડોલર (અંદાજે 1,25,000 કરોડ રૂપિયા) ખર્ચી નાખ્યા હતા એમ અહેવાલ  કહે છે.

ઇઝરાઇલ હવે ઈરાન સામેની લડાઈમાં દરરોજ આશરે 725 મિલિયન ડોલર (62,000 કરોડ રૂપિયા) ખર્ચી રહ્યો છે. સરકારી આર્થિક સલાહકારોના અનુસાર માત્ર જેટ ફ્યુઅલ અને હથિયાર પર જ દરરોજ અંદાજે 300 મિલિયન ડોલર (26,000 કરોડ રૂપિયા) ખર્ચ થઈ રહ્યો છે.

આ યુદ્ધને કારણે દેશમાં ઘરેલુ ઉત્પાદન પર પણ નકારાત્મક અસર પડી છે. સૈન્ય ખર્ચ પણ વધી રહ્યો છે. રિઝર્વમાં રહેલા લોકોને પણ હવે લશ્કરમાં સામેલ કરીને મોરચે મોકલવામાં આવી રહ્યા છે. રિઝર્વ લશ્કરને સામેલ કરવાને કારણે દરરોજ 27 મિલિયન ડોલર (2.33 અબજ રૂપિયા) જેટલો ખર્ચ થઈ રહ્યો છે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૦ જૂન ૨૦૨૫

Chitralekha Gujarati – 30 June, 2025

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

પંચાંગ 20/06/2025

ગુજરાત : છેલ્લા 100 કલાકમાં 200 બાંગ્લાદેશીઓની ધરપકડ કરાઈ

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને પકડવામાં આવી રહ્યા છે. ગુજરાતના મીની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ ઓપરેશન બાદ રાજ્યના અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર વસવાટ શરૂ કરતાં પોલીસ દ્વારા વિશેષ અભિયાન છેડવામાં આવ્યું છે છેલ્લા 100 કલાકમાં 200 જેટલા ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે આ કામગીરી બદલ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા છે.

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાં ગેરકાયદે વસતા પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરીકોને હાંકી કાઢવા માટે અભિયાન શરૂ કરાયું હતું, જેમાં રાજ્યમાં અનેક વિસ્તારોમાંથી ગેરકાયદે વસતા બાંગ્લાદેશી નાગરીકોની અટકાયત કરીને તેમને તેમના વતનમાં મોકલી દેવાયા હતાં. આ ઉપરાંત અમદાવાદમાં મીની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા વિસ્તારમાંથી પણ તેમને હાંકી કાઢીને ડિમોલિશન કરી દેવાયું હતું.

આ અભિયાન ચાલુ હોવાથી સતત ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર પોલીસની ચાંપતી નજર હતી. રાજ્યમાં પોલીસે આ અભિયાન હેઠળ છેલ્લા 100 કલાકમાં 200થી વધુ બાંગ્લાદેશીઓને ઝડપી પાડયાં છે. અભિયાનમાં સુરત પોલીસે 36 કલાકમાં સૌથી વધુ 109 બાંગ્લાદેશીઓને પકડી પાડયાં છે. નવ બાંગ્લાદેશીઓને સુરત ગ્રામ્ય પોલીસ ઝડપી પાડયા છે. જ્યારે ભરૂચ પોલીસે 46 જેટલા બાંગ્લાદેશીઓને પકડી પાડયાં છે. કચ્છમાં પણ એક બાંગ્લાદેશી મહિલા પકડાઈ છે.

પોલીસના અભિયાનમાં પકડાયેલા બાંગ્લાદેશીઓને લઈને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે, ગુજરાત પોલીસે ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશીઓને પકડવા એક અભિયાન ચલાવ્યું છે. આ અભિયાનમાં પોલીસને સફળતા મળી છે અને હું પોલીસને અભિનંદન પાઠવું છું.

કડી અને વિસાવદર પેટા ચૂંટણીનું મતદાન સંપન્ન

રાજ્યની બે વિધાનસભા 24 કડી (એસ.સી.) અને 87 વિસાવદર બેઠકોની પેટાચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતું. મતદાન સવારે 7.00 વાગ્યે શરૂ થયું અને સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. સાંજે 7:00 વાગ્યા સુધી અપલોડ કરાયેલા ડેટા મુજબ 87 વિસાવદર બેઠક માટે અંદાજિત 56.89 % મતદાન નોંધાયું છે, જ્યારે 24- કડી (એસ.સી.) બેઠક પર 57.90 % મતદાન નોંધાયું છે.

 

ઉલ્લેખનીય છે કે, મતદાન ટકાવારીના વલણો અંદાજિત છે. ચૂંટણી આચાર સંહિતાના નિયમો, 1961ના નિયમ 49S હેઠળ, પ્રિસાઇડિંગ અધિકારીઓએ મતદાનના અંતે મતદાન મથક પર હાજર રહેલા ઉમેદવારોના મતદાન એજન્ટોને ફોર્મ 17C આપેલ હોય છે, જેમાં નોંધાયેલા મતોના વાસ્તવિક સંખ્યાની વિગતો આપવામાં આવી છે. મતદાન શરૂ થાય તે પહેલાં દરેક મતદાન મથક પર EVM પર એક મોક પોલ કરવામાં આવ્યો હતો. જેમાં ઉમેદવારો દ્વારા નિયુક્ત કરાયેલા મતદાન એજન્ટો હાજર રહ્યા હતા. પેટા ચૂંટણી માટે, ચૂંટણી પંચે તા. 01/04/2025ના રોજ લાયકાત ધરાવતા નાગરિકો માટે મતદાર યાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણાનો નિર્દેશ આપ્યો હતો.

ખાસ સંક્ષિપ્ત સુધારણા અને મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ તા. 05/05/2025ના રોજ કરવામાં આવી હતી. તેની એક નકલ માન્ય રાજકીય પક્ષોને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. યાદીઓ સાચી અને અપડેટેડ હોવાની ખાતરી મતદાન મથક સ્તરે BLO એ કરી હતી. માન્ય રાજકીય પક્ષો દ્વારા નિયુક્ત કરાયેલા BLA એ પ્રક્રિયાની ચકાસણી કર્યા બાદ કડીમાં 692 અને વિસાવદરમાં 489 દાવાઓ અને વાંધા દાખલ કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ અંતિમ મતદાર યાદીની નકલ તમામ માન્ય રાજકીય પક્ષોને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. RP એક્ટ 1950 ની કલમ 24(a) હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ તથા કલમ 24(b) હેઠળ મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ એક પણ અપીલ દાખલ કરવામાં આવી નથી. મતદાર યાદીની એક નકલ ચૂંટણી લડતા તમામ ઉમેદવારોને મોકલવામાં આવી હતી. મતદાર યાદીમાં કુલ 5,06,037 મતદારો નોંધાયેલા હતા. 01 મહિલા ઉમેદવાર સહિત કુલ 24 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હતા.

બંને વિધાનસભા બેઠકોના મતવિસ્તારમાં કુલ 588 મતદાન મથકો સ્થાપવામાં આવ્યા હતા. મતદાન મથકમાં મતદારોની સંખ્યા ઘટાડીને 1200 કરવાના ચૂંટણી પંચના તાજેતરના નિર્ણયને કારણે નવા 3 સહિત કુલ 588 મતદાન મથકો સ્થાપવામાં આવ્યા હતા. દરેક મતદાન મથક પર ખાતરીપૂર્વકની લઘુત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી.

તદુપરાંત પ્રથમ વખત મતદારોની સુવિધા માટે મતદાન મથકોના પ્રવેશદ્વાર પર મોબાઇલ ફોન જમા કરવાની સુવિધા ઉભી કરવામાં આવી હતી. કુલ મતદાન મથકોમાં 04 મહિલા સંચાલિત 1 પીડબ્લ્યુડી મતદાન મથક અને 1 મોડેલ મતદાન મથક સ્થાપિત કરવામાં આવ્યા હતા.

વિસાવદરમાં EVM નું ફર્સ્ટ લેવલ ચેકિંગ 02/05/2025થી 05/05/2025 દરમિયાન તથા કડીમાં 24/02/2025થી 28/02/2025 દરમિયાન પૂર્ણ કરાયું. ફર્સ્ટ લેવલ ચેકિંગ પૂર્ણ થતા મોકપોલ આયોજિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તા.13/06/2025ના રોજ વિસાવદરમાં ઉપયોગમાં લેવાનાર EVMમાં કમિશનિંગ કરાયું હતું. જ્યારે તા. 12/06/2025ના રોજ કડીમાં ઉપયોગમાં લેવાનાર EVMમાં કમિશનિંગ ઉમેદવારો/તેમના અધિકૃત પ્રતિનિધિઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.