Chitralekha Gujarati – 07 July, 2025
મોંઘી ખરી, પરંતુ મહાગુણકારી છે આ બદામ
પ્રશ્ન: બદામને શા માટે આખી રાત પલાળીને સવારે લેવી જોઈએ? ક્યારેક પલાળવાનું રહી જાય તો એ કાચી ઉપયોગમાં
લઈ શકાય?
– નેહલ શાહ (અમદાવાદ)
ઉત્તર: બદામને પાણીમાં પલાળી રાખવાથી એનું ડાઈજેશન (પાચન) અને એબ્ઝોર્પ્શન (અવશોષણ) વધુ સારી રીતે થઈ શકે છે. આ ઉપરાંત, બદામને પાણીમાં છથી સાત કલાક પલાળી રાખવાથી એમાં રહેલા એન્ઝાઈમના શરીરમાં થતા ઉપયોગને અવરોધનારાં પરિબળોનો નાશ થાય છે અને ન્યુટ્રિયન્ટ્સનો ઉપયોગ વધુ સારી રીતે થઈ શકે છે. બદામની છાલને કાઢીને ઉપયોગમાં લેવી જોઈએ, જેથી એમાંથી હાનિકારક તત્ત્વોનો નિકાલ થઈ શકે. પલાળેલી બદામની છાલ આસાનીથી કાઢી શકાય છે આથી પણ બદામને પલાળીને ઉપયોગમાં લેવાનું સૂચવવામાં આવે છે.

જો કે એનો અર્થ એવો નથી કે તમે ફક્ત પલાળેલી બદામ જ લઈ શકો. અગર કોઈ કારણસર એને પલાળી ના શકાય તો કાચી બદામ પણ ગુણકારી તો છે જ. એની પોષણકીય વૅલ્યૂ થોડી ઘટે છે, પરંતુ એ ચોક્કસપણે લઈ શકાશે. બદામ એ પ્રોટીન, ફાઈબર્સ તેમ જ હેલ્ધી ફૅટ ધરાવે છે. એ ઉપરાંત, એમાં વિટામિન ઈ, કૅલ્શિયમ અને સારા પ્રમાણમાં મિનરલ્સ છે આથી એનો નિયમિત ઉપયોગ કરી શકાય. રોજની ૨૦થી ૨૮ ગ્રામ જેટલી બદામ લેવાનું સૂચવવામાં આવે છે. થાઈરોઈડ ધરાવતી વ્યક્તિ બદામનો ઉપયોગ ન કરે એ હિતાવહ છે.
પ્રશ્ન: મારી દીકરીને ટાઈફોઈડ થયો છે અને તબીબે એને અનાજ ન આપવાનું સૂચવ્યું છે. આ પરિસ્થિતિમાં એને કયા પ્રકારનો આહાર આપી શકાય?
– રીટા કોટક (રાજકોટ)
ઉત્તર: ટાઈફોઈડ દરમિયાન દરદીને હળવો એટલે કે પચવામાં સહેલો હોય એવો આહાર આપવો જોઈએ, કારણ કે આ બીમારી લીવર, પેન્ક્રિયાઝ તેમ જ આંતરડાંને અસર કરે છે, જેના દ્વારા પાચન શક્ય બને છે. શરીરના આ ભાગોને રાહત આપવા માટે હળવો ખોરાક લેવો જોઈએ, જેમ કે ભાત, ખીચડી, બાફેલાં બટેટાં જેવો કાર્બોહાઈડ્રેટયુક્ત આહાર. આ સાથે સારી ગુણવત્તાવાળું પ્રોટીન મળે એ પણ જરૂરી છે. એ માટે સારી રીતે બફાયેલા મગ તેમ જ મગનું પાણી, ટોફુ, રોસ્ટેડ પનીર, વગેરેનો ઉપયોગ કરી શકાય. ઈંડાનો સફેદ ભાગ (એગ વ્હાઈટ) પણ આપી શકાય. ડિહાઈડ્રેશન ન થાય એ માટે પૂરતા પ્રમાણમાં પાણી, તાજાં ફળોનો જ્યુસ, નાળિયેરપાણી, હર્બલ ટી, બ્લૅક કૉફી, સૂપ, વગેરે લેતાં રહેવું.

વધુપડતો તીખો, તળેલો તથા કાચો આહાર પાચનશક્તિને અવરોધે છે આથી આવા પ્રકારના ખોરાકનો ઉપયોગ ટાળવો. સારી રીતે બફાયેલાં શાકભાજી જેવાં કે બટેટાં, ગાજર, ફણસી, મશરૂમ, વગેરેનો ઉપયોગ કરી શકાય. પાકેલાં કેળાં, સક્કરટેટી, તરબૂચ, સફરજન જેવાં ફ્રૂટ્સ પણ લઈ શકાય. તેલ, ઘી, બટર, ચીઝનો ઉપયોગ ટાળવો. રસોઈમાં પણ બને એટલો તેલ-ઘીનો ઉપયોગ ઓછો કરવો, જેથી ખોરાક પચવામાં આસાન રહે.
પ્રશ્ન: મને ખૂબ પાણી પીવાની આદત છે. મારો પ્રશ્ન એ છે કે દિવસ દરમિયાન કેટલું પાણી લેવું જોઈએ? અગર એનું પ્રમાણ વધુ કે ઓછું હોય તો એની આડઅસર થઈ શકે?
– સેજલ દલાલ (મુંબઈ)
ઉત્તર: નૉર્મલ વ્યક્તિએ દિવસ દરમિયાન ઓછામાં ઓછું ત્રણથી ચાર લિટર એટલે કે બારથી ૧૪ ગ્લાસ પાણી પીવું જોઈએ. પાણી એ આપણી પ્રાથમિક જરૂરત છે, જેના દ્વારા આપણે રિહાઈડ્રેટ થઈ શકીએ છીએ.
પાણી આપણા શરીરના તાપમાનને નિયંત્રણમાં રાખે છે, બ્લડ સર્ક્યુલેશનમાં મદદ કરે છે અને કિડનીને સાફ રાખવામાં મદદ કરે છે. આમ, પાણી દ્વારા આપણે શરીરને હેલ્ધી રાખી શકીએ છીએ. આથી જ એનું પ્રમાણ અગર ઓછું હોય તો આ ફાયદામાં વિપરીત અસર થઈ શકે છે. શરીર ડિહાઈડ્રેટ થઈ શકે છે.

બીજી બાજુ, પાણીનું પ્રમાણ વધુ થાય ત્યારે એ વધારાના પ્રવાહી રૂપે યુરિન દ્વારા નિકાલ પામે છે. પાણી વધુ પીવાથી ચોક્કસપણે નૉર્મલ વ્યક્તિને એ નુકસાન નહીં કરે, પરંતુ અગર કોઈ વ્યક્તિને કિડનીની અથવા તો લીવરને લગતી કે પછી હૃદયની અમુક પ્રકારની બીમારી હોય તો એ સ્થિતિમાં પ્રવાહીનું નિયંત્રણ લાદવામાં આવે છે, કારણ કે આ પ્રકારની વ્યાધિમાં પાણીનું વધુપડતું પ્રમાણ શરીરને નુકસાન કરી શકે છે.
હેલ્થ ટિપ્સ:
દેશના અનેક વિસ્તારોમાં મેઘરાજાની વિધિવત્ પધરામણી થઈ ગઈ છે તેમ છતાં વચ્ચે વચ્ચે ઉનાળા જેવો આકરો તડકો પણ પડે છે. આવી વિચિત્ર ઋતુ આરોગ્ય માટે બહુ સારી નહીં. પાંચ-સાત દિવસ પથારીભેગા કરી રાખે એવા તાવના વાયરા ઉપરાંત હવે અમુક પાણીજન્ય રોગ પણ દેખા દેવા લાગ્યા છે. બહેતર છે કે બહારનું ખાવાનું ટાળો અને પાણી ઉકાળીને પીવો.
ચોમાસામાં માપસર ભજિયાં-પકોડા ખાવ એનો વાંધો નહીં, પણ સાથે આ સીઝનમાં મળતાં શાકભાજી અને ફ્રૂટ્સ પણ ખાવાનું રાખજો.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)
આજે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા
આજે અષાઠી બીજ એટલે 27 જૂન, 2025ના રોજ ગુજરાત સહિત દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. ત્યારે અમદાવાદમાં 148મી રથયાત્રા યોજાઈ રહી છે. ‘જય રણછોડ, માખણચોર’ના જયધોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળી રહ્યા છે.

ભગવાન જગન્નાથ રથયાત્રા દરમિયાન પરંપરાગત રૂટ પર ફરશે. આજની આ રથયાત્રા માં 18 ગજરાજ, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ રથયાત્રાનુ આકર્ષણ બનશે. આ સાથે 3 બેન્ડવાજા, મોટી સંખ્યામાં સાધુ-સંતો પણ રથયાત્રામાં જોડાશે.

હર્ષ-ઉલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદના પોલીસતંત્રએ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટેની જરૂરી તમામ બાબતોનું જીણવટપૂર્વકનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અમદાવાદમાં જગન્નાથ ભગવાને આભૂષણ અને સોનાનો મુગટ ધારણ કર્યા છે, ત્યારે દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે.

દર વર્ષ અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથ નીજ મંદિરમાંથી બહાર આવી નગરચર્યા પર જાય છે. ભગવાનના મોસાળ સરસપુરમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જગન્નાથજીનું મામેરું થાય છે. લાખો સંતો-ભક્તો સરસપુરની પોળમાં જમણવાર કરે છે અને ત્યારબાદ રથયાત્રા નીજ મંદિર પરત આવવા પ્રસ્થાન થાય છે. હાથી, ટેબ્લો, અખાડા, વેશભૂષા અને ભજન મંડળીઓ રથયાત્રામાં જોડાઈને ખાસ આકર્ષણ જમાવશે. આમ સમગ્ર રથયાત્રા ભક્તિ સાથે આનંદ અને ઉલ્લાસનો પર્વ બની રહે છે. રથયાત્રામાં દેશભરમાંથી અઢી હજારથી વધુ સાધુ-સંતો રથયાત્રામાં જોડાશે. રથયાત્રા પહેલા જળયાત્રા, નેત્રોત્સવ વિધિ યોજાઈ ચૂકી છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના લાઈવ દર્શન તમે https://www.jagannathjiahd.org/ પર જોઈ શકો છો.
અમિત શાહે ભગવાન જગન્નાથની મંગળા આરતી ઉતારી
ભગવાન જગન્નાથ આજે નગરચર્યાએ નીકળવાના છે. આજે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા છે. દર વર્ષે ચુસ્ત સુરક્ષા વચ્ચે આ યાત્રા કાઢવામાં આવે છે. અમદાવાદ રથયાત્રા ઔપચારિક રીતે મંગળા આરતીથી શરૂ થાય છે. અમદાવાદના જમાલપુરમાં આવેલા ભગવાન જગન્નાથ મંદિરમાં સવારે 4 કલાકે જ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પહોંચી ગયા છે અને તેમણે મંગળા આરતીમાં ભાગ લીધો છે. અમિત શાહે ભગવાન જગન્નાથની આરતી ઉતારી. મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો મંગળા આરતીમાં ભાગ લેવા જોડાયા છે.
Ahmedabad, Gujarat: The 148th Rath Yatra is being held in Ahmedabad today. Union Home Minister Amit Shah arrives at the Jagannath Temple to attend the Mangala Aarti. Devotees and saints gathered for Lord Jagannath’s darshan, and tight security was deployed at the temple pic.twitter.com/h06SQSjoas
— IANS (@ians_india) June 26, 2025
આ પહેલા ધાર્મિક વિધિ કરવામાં આવે છે અને પછી સવારે 7 વાગ્યે રથયાત્રા શરૂ થાય છે. જગન્નાથજીની રથયાત્રા માટે ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. ભાવિ ભક્તોને ભગવાન જગન્નાથજી આજે દર્શન આપશે. પોલીસ પણ રથયાત્રાની સુરક્ષાને લઇને સતત સતર્ક છે. આ વખતે સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી નજર રખાશે. ભક્તોનો વહેલી સવારથી જ મંદિરમાં જમાવડો જોવા મળી રહ્યો છે. રથયાત્રાના દર્શન માટે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Ahmedabad, Gujarat: Ahead of Ahmedabad’s 148th Rath Yatra, Gujarat Home Minister Harsh Sanghavi and officials inspected security. Union Home Minister Amit Shah joined Mangala Aarti. Devotees gathered for Lord Jagannath’s darshan as heavy security was deployed at the temple pic.twitter.com/Aw5GZ9f262
— IANS (@ians_india) June 26, 2025
રથયાત્રાના આગમન પહેલાં સોનાના ઝાડુંથી કેમ કરવામાં આવે છે સફાઈ?
હિન્દુ ધર્મમાં ભગવાન જગન્નાથના રથયાત્રાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ હોય છે. દર વર્ષે, આ ભવ્ય રથયાત્રા અષાઢી બીજે દિવસે કાઢવામાં આવે છે. આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા 27 જૂન, શુક્રવારે આયોજિત થશે. આ યાત્રામાં, ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા રથ પર સવાર થઈને શહેરનું ભ્રમણ કરશે. આ પવિત્ર પ્રસંગે, લાખો ભક્તો ભગવાનના દર્શનાર્થે આવે છે. એવું માનવામાં આવે છે કે આ યાત્રામાં ભાગ લેવાથી અને રથ ખેંચવાથી, જીવનના બધા પાપોનો નાશ થાય છે.

આ યાત્રા સાથે જોડાયેલા કેટલાંક અનોખા રીતિ-રિવાજો સદીઓથી ચાલી આવે છે, જેમાં સોનાની સાવરણીથી રસ્તો સાફ કરવો એ સૌથી ખાસ રિવાજોમાંનો એક છે. ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ-બહેનોનો રથ જે રસ્તાઓ પરથી પસાર થાય છે તે રસ્તાઓને સોનાના સાવરણીથી સાફ કરવામાં આવે છે. આમ કરીને, ભક્તો ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રા પ્રત્યે આભાર અને ભક્તિ વ્યક્ત કરે છે.
કેમ સોનાના ઝાડુંથી કરવામાં આવે છે સફાઈ?
પૌરાણિક માન્યતા અનુસાર, સોનું એક પવિત્ર ધાતુ છે, જે દેવી-દેવતાઓની પૂજામાં વિશેષ સ્થાન ધરાવે છે. યાત્રા શરૂ કરતા પહેલા, ત્રણ રથોના માર્ગને સોનાના સાવરણીથી સાફ કરવામાં આવે છે અને વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવે છે. આ માત્ર આધ્યાત્મિક શુદ્ધતાનું પ્રતીક નથી, પરંતુ તે એવી ભાવના પણ દર્શાવે છે કે ભગવાનના સ્વાગતમાં કંઈ કમી ન રહેવી જોઈએ. આ પરંપરા સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, સોનાના ઝાડૂથી રસ્તો સાફ કરવાનો હેતુ ભગવાનના માર્ગને શુદ્ધ અને પવિત્ર બનાવવાનો છે.
CM ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાની પૂર્વસંધ્યાએ ભગવાન જગન્નાથજીની પૂજા-અર્ચના કરી
ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં યોજાનાર 148મી રથયાત્રાની પૂર્વસંધ્યાએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર ખાતે પૂજા-અર્ચના અને સંધ્યાઆરતીમાં સહભાગી થયા હતા. ભગવાન જગન્નાથજીનાં દર્શન કરીને મુખ્યપ્રધાન ધન્યતા અનુભવી હતી.
અમદાવાદમાં યોજાનાર ૧૪૮મી રથયાત્રાની પૂર્વસંધ્યાએ શ્રી જગન્નાથ મંદિર ખાતે પૂજા-અર્ચના અને સંધ્યાઆરતીમાં સહભાગી થઈને ભગવાન જગન્નાથજીનાં દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
રથયાત્રા માટેનો સૌનો ઉત્સાહ હરહંમેશ જળવાઈ રહે અને રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ સતત વધતી રહે, ભગવાન… pic.twitter.com/QGyyMnHrcN
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 26, 2025
અમદાવાદના જગન્નાથજી મંદિરે પૂજા-અર્ચના અને સંધ્યા આરતી કર્યાં બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, આ પરંપરાગત રથયાત્રા સમાજના તમામ વર્ગો માટે સામાજિક સમરસતા મહોત્સવ બની છે. આવતીકાલે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી સાથે રથમાં બેસીને નગરચર્યાએ નીકળવાના છે અને લોકોને સામે ચાલીને દર્શન આપવાના છે. મુખ્યપ્રધાને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના પર્યાયરૂપ ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના મોસાળ સરસપુર ખાતે ભારતીય જનતા પાર્ટી – સરસપુર રખિયાલ વોર્ડ આયોજિત ભજન સંધ્યા કાર્યક્રમમાં પક્ષના સાથીઓ અને સ્થાનિક શ્રદ્ધાળુઓની સાથે ઉપસ્થિત રહેવાનો અવસર ખૂબ હર્ષપૂર્ણ રહ્યો.
આ અવસરે, રથયાત્રામાં પધારતા ભક્તજનો માટે ભોજન પ્રસાદ બનાવતા રસોડાની મુલાકાત… pic.twitter.com/myDBDtCfpF
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 26, 2025
રથયાત્રા માટેનો સૌનો ઉત્સાહ હરહંમેશ જળવાઈ રહે અને રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ સતત વધતી રહે, ભગવાન જગન્નાથજીની કૃપા ગુજરાત અને સમગ્ર દેશ પર સદાય વરસતી રહે તે માટે ભગવાનન જગન્નાથજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અમદાવાદ વિમાન દુર્ઘટના: બ્લેક બોક્સ ડેટા ડાઉનલોડ થઈ ગયો
અમદાવાદ વિમાન દુર્ઘટના પછી, તેનું બ્લેક બોક્સ મળી આવ્યું હતું. હવે બોક્સનો ડેટા ડાઉનલોડ થઈ ગયો છે. હવે ખબર પડશે કે એર ઈન્ડિયા AI 171 કેવી રીતે ક્રેશ થયું. હાલમાં, નિષ્ણાતો ડેટા સમજી રહ્યા છે. ડેટાની તપાસ કર્યા પછી, નિષ્ણાતો કોઈ નિષ્કર્ષ પર પહોંચશે.

હોસ્ટેલની છત પર બ્લેક બોક્સ મળી આવ્યું
ઉડાન ભર્યા પછી, એર ઈન્ડિયાનું વિમાન બીઆર મેડિકલ કોલેજની છત પર ઉતર્યું અને અકસ્માતનો ભોગ બન્યું. અકસ્માત પછી, સુરક્ષા દળ ઘટનાસ્થળે પહોંચી ગયું અને બચાવ કાર્ય શરૂ કર્યું. આ સમય દરમિયાન, હોસ્ટેલની છત પર બ્લેક બોક્સ મળી આવ્યું. ત્યારબાદ તેને કબજે કરીને ડેટા ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી.
તપાસ પછી વિમાનોની સુરક્ષા વધારવામાં આવશે
આ કિસ્સામાં, સરકારનું કહેવું છે કે કોકપીટ વાયર રેકોર્ડર (CVR) અને ફ્લાઇટ વોઇસ રેકોર્ડર (FDR) ડેટા વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. અકસ્માતની જાણ થયા પછી વિમાનોની સુરક્ષા વધારવામાં આવશે.

વિમાન 26 સેકન્ડમાં અકસ્માતનો ભોગ બન્યું
તમને જણાવી દઈએ કે 12 જૂને એર ઈન્ડિયાનું AI 171 બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના માત્ર 36 સેકન્ડ પછી ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 234 મુસાફરો અને વિમાનમાં સવાર લગભગ 34 અન્ય લોકોના મોત થયા હતા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ આ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
AAIB ના ડાયરેક્ટર જનરલના નેતૃત્વમાં તપાસ ચાલી રહી છે
એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના ડાયરેક્ટર જનરલના નેતૃત્વમાં સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને બ્લેક બોક્સની તપાસ કરવામાં આવી રહી છે. તેનો ડેટા AAIB ની દિલ્હી સ્થિત લેબમાં ડાઉનલોડ કરવામાં આવ્યો છે. સરકારે સ્પષ્ટતા કરી હતી કે બ્લેક બોક્સની તપાસ કરનારી ટીમ આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર બનાવવામાં આવી રહી છે.
આ અધિકારીઓ AAIB ટીમમાં પણ સામેલ છે
AAIB ના ડાયરેક્ટર જનરલની ટીમમાં યુએસ NTSB ના ટેકનિકલ નિષ્ણાતો, એક એવિએશન મેડિકલ એક્સપર્ટ અને ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (ICAO) ના નિયમો અનુસાર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) અધિકારીનો પણ સમાવેશ થાય છે.
ચેન્નઈ ડ્રગ મામલે પોલીસે કરી અભિનેતા કૃષ્ણાની ધરપકડ
પોલીસે ગુરુવારે તમિલ અભિનેતા કૃષ્ણ કુલશેખરનની ડ્રગ્સના ઉપયોગના આરોપમાં ધરપકડ કરી હતી. આ કેસ સાથે જોડાયેલા અન્ય લોકોની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અગાઉ ધરપકડ કરાયેલા લોકોમાં તેમના સાથી અભિનેતા શ્રીકાંત અને એક શંકાસ્પદ ડ્રગ ડીલરનો સમાવેશ થાય છે.

ચેન્નાઈ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અઠવાડિયાની શરૂઆતમાં પોલીસે અટકાયતમાં લીધેલા અભિનેતા શ્રીકાંતની પૂછપરછ દરમિયાન કૃષ્ણનું નામ સામે આવ્યું હતું. શ્રીકાંતે તપાસકર્તાઓને જણાવ્યું હતું કે કૃષ્ણ ઘણીવાર ચેન્નાઈમાં ખાનગી પાર્ટીઓમાં હાજરી આપતો હતો જ્યાં ડ્રગ્સનો ઉપયોગ થતો હતો.
કૃષ્ણાની સાથે પોલીસે કેવિન નામના શંકાસ્પદ ડ્રગ ડીલરની પણ ધરપકડ કરી છે. સમગ્ર કેસમાં અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રથમ ધરપકડ કરાયેલા વ્યક્તિઓમાં AIADMK IT વિંગના ભૂતપૂર્વ કાર્યકારી પ્રસાદનો સમાવેશ થાય છે.
તપાસ પ્રદીપ નામના વ્યક્તિની ધરપકડ સાથે શરૂ થઈ હતી, જે શહેરમાં માદક દ્રવ્યોનો મુખ્ય સપ્લાયર માનવામાં આવે છે. પ્રદીપે કથિત રીતે પ્રસાદને ડ્રગ્સ સપ્લાય કર્યો હતો. પૂછપરછ દરમિયાન પોલીસે કોલીવુડ સેલિબ્રિટીઝ અને રાજકીય કાર્યકરો સાથે સંકળાયેલા એક મોટા ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો હતો.
ચેન્નાઈ પોલીસે બેસંત નગરમાં કૃષ્ણના ઘરે બે કલાક દરોડો પાડ્યો હતો અને પછી તેને કસ્ટડીમાં લીધો હતો. અહેવાલો સૂચવે છે કે કૃષ્ણા અગાઉ પોલીસ સમન્સ ટાળીને કેરળ ભાગી ગયો હતો, ત્યારબાદ તેને પકડવા માટે ચાર ખાસ ટીમો બનાવવામાં આવી હતી.
તેની ધરપકડ પછી કૃષ્ણાએ એક નિવેદન બહાર પાડીને માદક દ્રવ્યોમાં કોઈ પણ સંડોવણીનો ઇનકાર કર્યો હતો. તેણે મીડિયાને કહ્યું હતું કે ‘હું ડ્રગ્સનો વ્યસની નથી. મને હૃદય અને પેટની બીમારીઓ છે, તેથી હું આવા પદાર્થોનું સેવન કરી શકતો નથી.’
કૃષ્ણા તમિલ ફિલ્મ નિર્માતા વિષ્ણુ વર્ધનના નાના ભાઈ છે અને તેમણે ઘણી તમિલ ફિલ્મોમાં અભિનય કર્યો છે.
બિલાવલ ભુટ્ટોના બડાઈ મારવા પર મંત્રી સીઆર પાટીલનો જવાબ
સિંધુ જળ સંધિ પર, કેન્દ્રીય જળ ઉર્જા મંત્રી સીઆર પાટીલે કહ્યું, ‘આ નિર્ણય ભારત સરકાર અને વડા પ્રધાનનો છે. સંધિને સ્થગિત કરવા અંગે કોઈ અપડેટ નથી. જે પણ નિર્ણય લેવામાં આવશે, તેનો લાભ દેશને મળશે. સંધિ પર બિલાવલ ભુટ્ટોના કથિત નિવેદન પર, પાટીલે કહ્યું, ‘પાણી ક્યાંય જશે નહીં, તેઓ જે કહે છે તે તેમનો પોતાનો પ્રશ્ન છે. અમે ખોટી ધમકીઓથી ડરતા નથી.

આ પહેલા, પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ એક નકામું નિવેદન આપ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે જો ભારત સિંધુ જળ સંધિ હેઠળ ઇસ્લામાબાદને પાણીનો વાજબી હિસ્સો આપવાનો ઇનકાર કરશે, તો તેમનો દેશ યુદ્ધ તરફ આગળ વધશે. હકીકતમાં, 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે 1960 ના કરારને સ્થગિત કરી દીધો હતો. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. ગૃહમંત્રી અમિત શાહે ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે આ ઐતિહાસિક કરાર ક્યારેય પુનઃસ્થાપિત થશે નહીં.
ક્યારે અને કોની વચ્ચે સંધિ પર હસ્તાક્ષર થયા
19 સપ્ટેમ્બર 1960 ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે કરાચીમાં સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર થયા હતા. આ કરાર સિંધુ નદી અને તેની ઉપનદીઓના પાણીના ઉપયોગ અંગે હતો. વિશ્વ બેંકની પહેલ પછી, આ કરાર કરવા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવિધ સ્તરે ૯ વર્ષ સુધી વાટાઘાટો ચાલી. ભારતના વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મોહમ્મદ અયુબ ખાને આ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા.
સિંધુ જળ સંધિ શું છે?
સિંધુ જળ સંધિ 1960 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે હસ્તાક્ષર કરાયેલ પાણી વહેંચણી કરાર હતો. તે વિશ્વ બેંક દ્વારા મધ્યસ્થી કરવામાં આવ્યો હતો. આ કરારનો હેતુ સિંધુ નદી અને તેની ઉપનદીઓના પાણીના ઉપયોગ અંગે બંને દેશો વચ્ચેના વિવાદોને રોકવાનો હતો. આ સંધિ હેઠળ, હિમાલયના સિંધુ નદી તટપ્રદેશની છ નદીઓને બે ભાગમાં વહેંચવામાં આવી હતી. ભારતને પૂર્વીય નદીઓ બિયાસ, રાવી અને સતલજનું પાણી મળ્યું, જ્યારે પશ્ચિમી નદીઓ સિંધુ, ઝેલમ અને ચિનાબનું નિયંત્રણ પાકિસ્તાન પાસે આવ્યું.


