Home Blog Page 759

દિલ્હીમાં એકસાથે 20થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાડવાની ધમકી

નવી દિલ્હીઃ દિલ્હીમાં 20થી વધુ શાળાઓને ઈમેલ મારફતે બોમ્બ વિસ્ફોટની ધમકી મળી છે એમ અધિકારીઓએ શુક્રવારે આ માહિતી આપી હતી. દિલ્હીના પશ્ચિમ વિહાર વિસ્તારમાં આવેલી રિચમન્ડ ગ્લોબલ સ્કૂલને બોમ્બ વિસ્ફોટની ધમકી આપી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

દિલ્લી અગ્નિશમન વિભાગે જણાવ્યું હતું કે બોમ્બ વિસ્ફોટની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને દિલ્હી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ. આગળની તપાસ ચાલી રહી છે. આ ઘટના ત્યારે બની છે જ્યારે છેલ્લા ત્રણ દિવસમાં રાષ્ટ્રીય રાજધાનીના લગભગ 10 શાળાઓ અને એક કોલેજને ઈમેલ મારફતે બોમ્બ વિસ્ફોટની ધમકી મળી હતી. જેને પગલે પોલીસ કાર્યવાહી કરતાં શાળાઓ અને કોલેજોને તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી.

આ ઈમેલમાં લખ્યું હતું કે નમસ્તે, હું તમને જણાવવા માટે લખી રહ્યો છું કે મેં સ્કૂલના વર્ગખંડોમાં TNT (ટ્રાઇનાઈટ્રોટોલ્યુઈન) જેવાં અનેક વિસ્ફોટક ઉપકરણો મૂક્યા છે. આ વિસ્ફોટકોને કાળા પ્લાસ્ટિકના થેલામાં છુપાવીને ખૂબ જ હોશિયારીથી મૂકવામાં આવ્યા છે. હું તમને બધાને ખતમ કરી નાખીશ. એક પણ જીવતો બચશે નહીં. જ્યારે હું સમાચાર જોઈશ ત્યારે હું ખૂબ હસીને મજા લઈશ, કારણ કે ત્યારે હું જોઉં છું કે માતા-પિતા સ્કૂલ આવે છે અને તેમને તેમનાં બાળકોનાં ઠંડાં અને ખંડિત શરીરો જોવા મળે છે.

તમે બધા દુઃખ સહન કરવાના લાયક છો. મને મારી જિંદગીથી નફરત છે. આ સમાચાર પછી હું આત્મહત્યા કરીશ, મારું ગળું અને નસો કાપીશ. કદી પણ મને સાચી મદદ મળી નથી. ન તો કોઈ મનોવિજ્ઞાની કે મનોચિકિત્સક, કોઈએ કદી મારી ચિંતા કરી નથી અને નહીં કરશે. તમે માત્ર લાચાર અને અજ્ઞાન લોકોને દવાઓ આપો છો. મનોચિકિત્સકો કદી કહેશે નહીં કે આ દવાઓ તમારાં અંગો બગાડી નાખે છે કે એ શરમજનક વજન વધારો કરે છે. તમે લોકોના મગજ બગાડી નાખો છો એ માનવા માટે કે દવાઓ મદદરૂપ છે – પરંતુ એ મદદરૂપ નથી. હું જીવતો પુરાવો છું કે એ ફાયદાકારક નથી.

અધિકારીઓ અનુસાર જેમને ધમકી મળી છે તે શાળાઓમાં દ્વારકાની સેન્ટ થોમસ સ્કૂલ, વસંત કુંજની વસંત વેલી સ્કૂલ, હૌઝ ખાસની ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ, પશ્ચિમ વિહારની રિચમન્ડ ગ્લોબલ સ્કૂલ અને લોધી એસ્ટેટની સરદાર પટેલ વિદ્યાલયનો સમાવેશ થાય છે.

મોર્નિંગ વૉક

દુનિયામાં ફરતી વખતે નાની કેબિન સાઈઝની બેગ સાથે ફરવામાં મારું જીવન વીતી ગયું. `જેટલો ઓછો સામાન તેટલો વધુ આરામ’ એ તત્વ અંગીકાર કર્યું અને પ્રવાસ એ જ મારું જીવન હોવાથી તે સુખમાં વીત્યું.

`વૉક પર આવવું છે?’ `નહીં રે, મને હમણાં લખવું છે, અગિયાર વાગ્યાની ડેડલાઈન છે.’ `ઓકે હું જાઉં છું, આજે શેની પર લખી રહ્યા છો?’ `મોર્નિંગ વૉક’ મેં કહ્યું અને ખુરશીમાંથી ઊભી થઈ. `સુધીર ઊભો રહે, મોર્નિંગ વૉક પર લખવાનું અને મોર્નિંગ વૉકની દાંડી મારવાની? યે નહીં હો સકતા, બોલે તેમ ચાલે’ મારી અંદર એકદમ સંત ભાવના જાગૃત થઈ. ખુરશીમાં બેસીને મોર્નિંગ વૉક પર બોલવાનું આ વિરોધાભાસ મને ગમતો ન હતો. મોકળાશ મનથી અને ઉત્સાહથી ઊભી થઈ અને મોર્નિંગ વૉક કરી આવી. એકવાર વૉક થઈ ગયા પછી શરીરમાં સો હાથીનું બળ આવે છે, મનમાં ઉત્સાહના ફૂવારા ફૂટવા લાગે છે, નવા-નવા વિચાર મનમાં આવવા લાગે છે, દિવસ એકદમ મસ્ત વીતે છે.

સાંજે `લવ યુ  જિંદગી’ એમ ખુશીથી કહેવાનું મન થાય છે. હવે આટલા બધા મોર્નિંગ વૉકના ફાયદા છે, પણ તે મોર્નિંગ વૉકને નિત્યક્રમમાં અપનાવતાં જીવનની ચાળીશી આવી ગઈ. મોર્નિંગ વૉક માટે ચોક્કસ સારો સમય કયો તેની પર ચર્ચાસત્ર થયા. મોર્નિંગ વૉક માટે કયા શૂઝ સારા? વચ્ચે જ જોગિંગ અથવા રનિંગ કરવાનું મન થાય તો? એવા કમ્બાઈન્ડ બેનિફિટ્સવાળા શૂઝ હોય છે? તો પછી શૂઝનો કલર કયો લેવાનો? બે-ત્રણ રંગના બે-ત્રણ બ્રાન્ડેડ કંપનીના શૂઝ લેવા જોઈએ? જે શૂઝનું તે જ કપડાંનું. કોટન કે સિંથેટિક? લૂઝ કે ફિટ, એન્કલ લેંગ્થ કે શોર્ટસ? કલરફૂલ કે બ્લેક એન્ડ વ્હાઈટ? બાપ રે બાપ! કબાટનો એક મોટો ભાગ આ મોર્નિંગ વૉકનાં કપડાંથી જ ભરાઈ ગયો. આ બધું અહીં અટક્યું નહીં. નવા જમાનામા નવી-નવી ટેક એસેસરીઝ આવી અને મોર્નિંગ વૉકના સમયે ચાલતી વખતે આપણે સ્માર્ટ અને એકદમ ન્યૂ એજ પર્સન દેખાવા નહીં જોઈએ?

આ વિચારથી ગ્રસ્ત પછી રિસ્ટ વોટર બોટલ, બેલ્ટ બેગ ફેની પેક, હેડ બેન્ડ્સ, હેટ, આર્મ બેન્ડ્સ, ઈયર મફ્સ, હેડફોન્સ અથવા એર પોડ્સના સપોર્ટથી કબાટમાં વધુ જગ્યા રોકાઈ. આ બધું પહેરીને પહેલા દિવસે હું જ્યારે વૉક પર જવા તૈયાર થઈ ત્યારે મને એસ્ટ્રોનોટ હોવા જેવું લાગ્યું. પગ, કમર, કાંડા, હાથ, ગળું, માથું આ બધાનો કબજો કોઈકને કોઈક વસ્તુએ લીધો હતો. એટલે કે, મોર્નિંગ વૉક પર જતા સમયે હલકું લાગવું જોઈએ, તેને બદલે હું એકાદ ભારે વસ્તુ હોય તેમ લાગવા માંડ્યું. આને કારણે પરિણામ પણ તે જ આવ્યું. મોર્નિંગ વૉક બંધ થયો. પહેલાં જ બધી વસ્તુઓ શોધવામાં અને લાવવામાં દમ નીકળી ગયો હતો અને તે પહેર્યા પછી તો જડત્વ આવી ગયું હોય તેવું લાગ્યું. તેમાં મારો વધુ એક પ્રોબ્લેમ. વૉક કરતાં-કરતાં મોબાઈલ પર પોડકાસ્ટ સાંભળવા માટે એરપોડ્સ નહીં જોઈએ? જો કે મારા કાનમાં ગમે-તેમ કરીને એરપોડ્સ ફિટ થયા નહીં. મેં અને સુનિલાએ યુ.એસ.એ.માં અનેક સ્ટોર્સ ખૂંદી કાઢ્યા પણ મારા કાનમાં જનારા એરપોડ્સ કાંઈ મળ્યા નહીં. તે એપલના સેલ્સમેનને પૂછ્યું, `આઈ શૂડ સૂ યુ ફોર નોટ મેકિંગ ધ ડિઝાઈન સૂટેબલ ફોર ઓલ.’ તે પણ તેટલો જ હાજર જવાબી હતો. તેણે કહ્યું, `ધીઝ આર ફોર નોર્મલ પીપલ.’ સુનિલાએ કહ્યું, `ઈના તારા કાન નાના છે. તું હલકા કાનની.’ કશું પણ સાંભળવું પડે છે.

જો અર્થ અલગ હોય તો પણ અહીં મેં તે બદલી નાખ્યો. હલકા કાનની હોવાથી, એક કાનથી સાંભળવાનું, બીજા કાનથી કાઢી નાખવાનું. જો કે એપલે નહીં કર્યું તેથી શું થયું, સુધીર એકવાર જર્મનીમાં ગયો હતો, ત્યાંથી તે `શોક્સ’ના હેડફોન્સ લાવ્યો અને મારો પ્રશ્ન ઉકેલાઈ ગયો. મારા કાન પર ઈલાજ મળી ગયો. હવે તો `બોસ’ કંપનીએ પણ કાનમાં બંધ બેસે તેવાં એરફોન્સ રજૂ કર્યા છે. તે ક્યારે લેવા તેની હું તક શોધી રહી છું. એ બાબતનો બહુ સંતોષ થયો કે અમારા જેવા આ સો કોલ્ડ સબનોર્મલ-એબ્નોર્મલ કાન પર કોઈક કામ કરતું હતું. અમારી દખલ લેતું હતું અને ત્યાં જ જાણે દુનિયા જીત્યાનો આનંદ મળ્યો. નવા-નવા નવ દિવસ એટલે આ એસેસરીઝવાળી બધી બાબતો પહેરીને મોર્નિંગ વૉક કરવાનો ઉત્સાહ નવ દિવસ પણ ટક્યો નહીં અને આ બધી બાબતનું ઘેલું છોડીને હું રાબેતા મુજબ મારા સાદા સિંપલ અવતારમાં મોબાઈલ અને શોક્સના હેડફોન્સની સહાયથી વૉક કરવા લાગી. આ પછી મોર્નિંગ વૉક પર ક્યારેય દાંડી મારવાનું મન થયું નહીં.

દુનિયામાં ફરતી વખતે નાની કેબિન સાઈઝની બેગ સાથે ફરવામાં મારું જીવન વીતી ગયું. `જેટલો ઓછો સામાન તેટલો વધુ આરામ’ આ તત્વ અંગીકાર કર્યું. પ્રવાસ એ જ મારું જીવન હોવાથી તે સુખમાં વીત્યું. આ નાની બેગમાં પણ મોર્નિંગ વૉકનો ટ્રેક સૂટ અને સ્વિમિંગ કોશ્ચ્યુમ રાખતી હોય છે. શૂઝ પગમાં જ રહેતા જેથી ફક્ત એક નોર્મલ ફૂટવેરને જગ્યા આપવી પડતી. પર્યટકોને હું આ મિનિમાલીઝમની સલાહ આપતી નથી, કારણ કે તેમને જરૂરી સજવાનું ધજવાનું રુઆબ છાંટવાનું, ભરપૂર ફોટોઝ પાડવાના, તે ફેસબુક ઈન્સ્ટા પર મૂકવાના અને તે બધાંનો મન મૂકીને આનંદ લેવાનો. જો કે તે છતાં બહુ ભારે બેગ લેવી નહીં, મિડિયમ સાઈઝની ફોર વ્હીલ સૂટકેસ જ હોવી જોઈએ. પ્રવાસમાં બોજ લઈને થાકવાનું નહીં. હવે તમે ટુર પર હોય ત્યારે મોર્નિંગ વૉક કરવા માગતા હોય તો સામાન્ય રીતે મોટાભાગના લોકો માટે તે અશક્ય છે. તે માટે પછી તમને કસ્ટમાઈઝડ હોલીડેની જ મદદ લેવી પડશે. ગ્રુપ ટુરમાં અમારે તેમને એટલું બધું બતાવવાનું હોય છે કે આ ટુર પ્રકારમાં મોર્નિંગ વૉકનો સમય જ હોતો નથી. અર્થાત, અમુક ઉત્સાહી લોકોને વહેલા ઊઠવાની આદત હોય છે તેઓ મોર્નિંગ વૉક માટે ટુરમાં પણ સમય વિતાવે છે.

એકમાત્ર ધ્યાન રાખવાનું એ કે મોર્નિંગ વૉક પર જતી વખતે સુરક્ષિત સ્થળે જ વૉક કરવાનું. નિર્જન સ્થળે જવાનું નહીં. ટુર મેનેજરને કહીને જવાનું. આ જ રીતે વૉક કરતી વખતે ફૂટપાથ, ઝેબ્રા ક્રોસિંગ, સિગ્નલ્સનો જ આધાર લેવાનો, વચ્ચે-વચ્ચે ક્યાંય પણ ક્રોસિંગ અથવા હાઈવે પર મોર્નિંગ વૉક કરવાનું નહીં. એટલે કે, મારાથી આ મૂરખાઈ અથવા અતિશાણપણ થઈ ગયું છે. કશું થયું નહીં પણ સરિયામ જે કાંઈ ઘટના બને છે તે જોઈને રૂવાડાં ઊભાં થઈ જાય છે. યુ.એસ.એ.માં યુરોપમાં ક્યાંય પણ હું જતી ત્યારે મોર્નિંગ વૉકનું ભૂત માથામાં એટલું રહેતું કે સવારે છ-સાડા છ વાગ્યે બહાર નીકળીને કમ સે કમ દોઢ કલાક વૉક કરવાનું. તે સમયે દુનિયા એટલી અસુરક્ષિત નહોતી, જેથી ચાલી ગયું એમ કહી શકાય. એટલે કે, આખી દુનિયા અસુરક્ષિત નથી. અમસ્તા જ ગભરાવવાનું નહીં. સાવધાની રાખવાની, સાવચેત રહેવાનું એટલું જ. દુનિયામાં અનેક સ્થળે મોર્નિંગ વૉક કર્યો. જો કે મોર્નિંગ વૉક માટે મનગમતી જગ્યા એટલે સ્વિત્ઝર્લેન્ડનું કોઈ પણ ગામ, આપણા ભારતનું મનાલી, ખાસ કરીને હિડિંબા ટેમ્પલની પાછળનું પાઈન ફરનું જંગલ, લંડનનો કેન્સિંગ્ટન પાર્ક, સ્કોટલેન્ડ અને ન્યૂઝીલેન્ડમાં કોઈ પણ ગામ, ઓસ્ટ્રેલિયાનો સિડની હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસનો વિસ્તાર… આ સ્થળે ગયા પછી મોર્નિંગ વૉક કર્યો નહીં એવું બને જ નહીં.

થોડા દિવસ પૂર્વે ગોરેગાવની શકુમાઈ ચુરી અમારી હિતચિંતક અને સાસુજીની માસિયાઈ બહેન મળવા આવી હતી. ઉંમર 90 વર્ષ, પણ મેં તેને ચાળીસ વર્ષ પૂર્વે જોઈ તેવી જ તે દેખાતી હતી. કડક અવાજ, બોલવામાં તે જ ઉત્સાહ, ટટ્ટાર ઊભા રહેવાનું, પીઠ બિલકુલ વાંકી નહીં. `શકુમાઈને પૂછ્યું, `શું ખાય છે તું અને ચોક્કસ શું કરે છે કે ૯૦માં પણ મને તું એકદમ ચાળીસ વર્ષ પૂર્વે હતી તેવી જ દેખાય છે? ‘મને લાગ્યું શાકભાજી, ફળો ડાયેટ એવું અમારી જેમ મોટું ટાઈમટેબલ તે કહેશે, કારણ કે મને તે જાપાન અથવા દુનિયાના અન્ય ઠેકાણાના `બ્લુ ઝોન્સ’માંથી આવી હોય તેવું લાગ્યું. એટલે કે જીન્સ આ એક ભાગ હતો, બીજું શું તે સાંભળવા અમે ઉત્સુક હતા. આમ તો ડાયેટ જેવું કશું નહોતું, તે બધાં પ્રકારની શાકભાજી ખાતી નહોતી. પણ એક બાબત તેણે કહી તે એટલે વૉક. તે બહુ ચાલે છે. મોર્નિંગ વૉક-ઈવનિંગ વૉક-ઈન બિટવિન વૉક આ શક્ય ત્યારે તે કરતી જ રહે છે. તે સ્થળે બેઠેલા અમે બધાની સામે મોર્નિંગ વૉકનું મહત્વ શકુમાઈએ દાખલા સહિત ઊભું કરી દીધું.

મોર્નિંગ વૉક શરીર માટે, મન માટે, સારા વિચારો માટે, સમાજ માટે અને દેશ માટે મહત્વનું ઘટક છે એવું મને લાગે છે. શરીર તંદુરસ્ત તો મન હકારાત્મક અને તેથી સમાજ અને દેશ શક્તિવાન. વધુ એક કનેકશન મોર્નિંગ વૉકનું મને મળ્યું તે એ કે જે ગામમાં, જે શહેરમાં, જે રાજ્યમાં અને જે દેશમાં આપણા જેવી સામાન્ય જનતા મોર્નિંગ વૉક કરી શકે તે ગામ, શહેર, રાજ્ય અને દેશ સુરક્ષિત.

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)

છત્તીસગઢના ભૂતપૂર્વ CM ભૂપેશ બઘેલના ઘરે EDના દરોડા

નવી દિલ્હીઃ EDએ છત્તીસગઢના ભૂતપૂર્વ CM ભૂપેશ બઘેલના નિવાસસ્થાન પર તેમના પુત્ર ચૈતન્ય બઘેલ સામે ચાલી રહેલી કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગની તપાસ હેઠળ ફરીથી દરોડા પાડ્યા હતા. આ કેસમાં નવા પુરાવા મળ્યા પછી EDએ મની લોન્ડરિંગ (PMLA) હેઠળ દુર્ગ જિલ્લામાં ભિલાઈ શહેરમાં આવેલા તેમના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા. આ ઘર ભૂપેશ બઘેલ અને તેમના પુત્ર બંનેનું સંયુક્ત નિવાસ છે.

આ તપાસની કાર્યવાહી ચૈતન્ય બઘેલ સામે કરવામાં આવી છે, જેમના પર દારૂ કૌભાંડના કેસમાં તપાસ ચાલી રહી છે. તેમના ઘરે બહાર ભારે પોલીસ બંદોબસ્ત તહેનાત જોવા મળ્યો હતો અને કેટલાક કોંગ્રેસ સમર્થકો પણ એકત્રિત થયા હતા.

ભૂપેશ બઘેલે X  પર પોસ્ટ કરી હતી કે ED વિધાનસભાના મોનસૂન સત્રના અંતિમ દિવસે તેમના ઘરે આવી છે, જ્યારે રાયગઢ જિલ્લાના તમનારમાં અદાણી જૂથની કોલ ખાણ પ્રોજેક્ટ માટે વૃક્ષોના કાપ અંગે પ્રશ્ન ઉઠાવાનો હતો. ભૂપેશ બઘેલે આ મહિનાની શરૂઆતમાં તમનારની મુલાકાત લીધી હતી અને સ્થાનિક ગ્રામજનોને ટેકો આપ્યો હતો, જેઓ ખાણ પ્રોજેક્ટ માટે વૃક્ષ કાપ સામે વિરોધ કરી રહ્યા છે.

EDએ અગાઉ દાવો કર્યો હતો કે ચૈતન્ય બઘેલ કથિત દારૂ કૌભાંડમાં મળેલા રૂપિયા મેળવનારોમાંથી એક છે. આ કૌભાંડથી રાજ્ય ખજાનાને ભારે નુકસાન થયું છે અને દારૂ સિન્ડિકેટના લાભાર્થીઓએ અંદાજે રૂ. 2100 કરોડની કમાણી કરી હતી.

EDના જણાવ્યા અનુસાર છત્તીસગઢમાં આ કથિત દારૂ કૌભાંડ 2019થી 2022 વચ્ચે થયું હતું, જ્યારે રાજ્યમાં ભૂપેશ બઘેલના નેતૃત્વ હેઠળ કોંગ્રેસની સરકાર હતી. તપાસ દરમિયાન અત્યાર સુધીમાં ED દ્વારા અંદાજે રૂ. 205 કરોડની મિલકતો જપ્ત કરવામાં આવી છે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

Chitralekha Gujarati – 28 July, 2025

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

પ્રભુનિષ્ઠ વ્યક્તિ માટે પરમાત્મા જ એકમાત્ર આકર્ષણ

સંસારમાં કેટલીક વ્યક્તિઓ વસ્તુનિષ્ઠ હોય છે, કેટલાક લોકો વ્યક્તિનિષ્ઠ હોય છે, તો કેટલાક લોકો મૂલ્યોમાં નિષ્ઠા રાખે છે. પરંતુ પ્રભુનિષ્ઠ વ્યક્તિ માટે સંસારમાં પરમાત્માથી વધીને કોઈ બીજું આકર્ષણમૂર્ત હોતું નથી. પ્રભુમાં નિષ્ઠા રાખવા કરતાં અન્ય વ્યકિતઓમાં નિષ્ઠા રાખવી સહેલી છે. પ્રભુનિષ્ઠ વ્યક્તિને પરમાત્મા એક ચુંબકની જેમ ખેંચે છે. તેમના આ ગુણને લીધે તેમનું એક નામ કૃષ્ણ (નિરાકાર ભગવાનને કૃષ્ણ પણ કહેવાય, કારણકે તેઓ પવિત્ર આત્માઓને ખેંચે છે.) પણ છે. તેઓ આપણને ઇન્દ્રિયોના આકર્ષણથી ઉપરામ અતીન્દ્રિય સુખમાં રમણ કરાવે છે. આવી અશરીરી અવસ્થામાં આત્મા તથા પરમાત્માના મિલનથી આધ્યાત્મિક શક્તિ પ્રવાહીત થાય છે. તાર ઊપર ચઢેલ આવરણની જેમ શરીરનો પણ કોઈ અર્થ નથી.

દેહ એક આવરણનું કામ કરે છે. પરંતુ ઈશ્વરીય શક્તિઓનો આત્મામાં પ્રવાહ થાય તેના માટે શરીરનો કોઈ હસ્તક્ષેપ નથી. કર્મેન્દ્રિયો પોતાનું કામ કરે છે અને ચૈતન્ય આત્મા પોતાનું ચિંતન. જેવી રીતે થર્મોસના બે આવરણની વચ્ચે રહેલ હવા બહારના વાતાવરણની અસર અંદર નથી થવા દેતી, એવી જ રીતે આત્માની ચારે બાજુ ઈશ્વરીય શક્તિઓનો ઘેરાવ કર્મેન્દ્રિયોના વિવિધ પ્રભાવને આત્મા સુધી પહોંચવા દેતો નથી. બે યુગો સુધી ઇન્દ્રિયોના આકર્ષણથી ટેવાયેલ આત્મા માટે સૌથી મોટી દવા પરમાનંદ જ છે. જે પુરુષોત્તમ સંગમયુગની સૌથી મોટી પ્રાપ્તિ છે.

સંસારની રચનામાં ત્રણ શક્તિઓ પરમાત્મા, આત્મા અને પ્રકૃતિની જ મૂળ ભૂમિકા છે. પરમાત્મા પિતા સત-ચિત્ત- આનંદ સ્વરૂપ છે. આત્મા સત ( અવિનાશી) તથા ચિત્ત છે. અને પ્રકૃતિને ફક્ત સત (અવિનાશી) માનવામાં આવે છે. પ્રકૃતિ પોતાના પાંચ તત્વો સહિત આત્માને જીવનનો આધાર આપે છે. આ પાંચમાંથી કોઈ પણ એક તત્વનો અભાવ મનુષ્ય જીવન માટે મુશ્કેલી ઉભી કરે છે. થોડા વર્ષો પહેલા ગુજરાત, રાજસ્થાન તથા ભારતના અમુક પ્રદેશોમાં પણ ભયંકર ભૂખમરાની અસર જોવા મળી હતી. રાજસ્થાન તો અનાજ, પાણી ઘાસચારાની અછતના કારણે ખૂબ વ્યાકુળ થયું. બે-ત્રણ વર્ષો સુધી વાદળો દ્વારા અંગુઠો બતાવવાનું પરિણામ એ આવ્યું કે, જમીન ઉપરના પાણીના સ્ત્રોત સુકાઈ ગયા. તથા જમીનમાં પાણીનું લેવલ ખૂબ જ નીચે જતું રહ્યું. પાણીની તંગીના કારણે પશુ, પક્ષી તથા માણસોના મૃત્યુ થવા લાગ્યા. દૂર દૂર સુધી રાજસ્થાનની ધરતી પર ફેલાયેલ અરવલ્લી પર્વતો ઉપર સુકાયેલ વૃક્ષોની વચ્ચે એક પણ લીલા પાંદડાના દર્શન દુર્લભ થઈ ગયા. સુમસામ સડકો તથા ઉજ્જડ ખેતરો, સ્મશાનમાં શાંતિ લપેટાયેલ નજર આવવા માંડી. આ તમામ ચહલ-પહલ, ઉમંગ- ઉત્સાહ પાણીના પ્રશ્નમાં ગુચવાઈ ગયા.

ભૌતિક જીવન માટે જે પ્રકારે પાણી તથા અન્ય પ્રાકૃતિક તત્વોની જરૂરિયાત છે તેવી જ રીતે માનવીના આધ્યાત્મિક અસ્તિત્વને બનાવી રાખવા માટે સત્ય તથા સત્યની અનુભૂતિ અને ધારણા પણ અતિમહત્વ પૂર્ણ છે. પરમપિતા પરમાત્મા શિવ દ્વારા ઉચ્ચારાયેલ સત્ય જ્ઞાનના આધારે આપણે જાણીએ છીએ કે, ચક્રના ચાર યુગોમાં પહેલા બે યુગ સતયુગ અને ત્રેતાયુગમાં દરેક મનુષ્ય દૈવી ગુણની ધારણાઓથી સંપન્ન હોય છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

પંચાંગ 18/07/2025

બેલેસ્ટિક મિસાઇલો પૃથ્વી-II અને અગ્નિ-I નું સફળતાપૂર્વક પરીક્ષણ

ભારતે સુરક્ષા ક્ષેત્રમાં વધુ એક મોટું પગલું ભર્યું છે. ગુરુવારે બે શક્તિશાળી સ્વદેશી રીતે વિકસિત ટૂંકી અંતરની બેલેસ્ટિક મિસાઇલો પૃથ્વી-2 અને અગ્નિ-1 નું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણ ઓડિશાના ચાંદીપુર ખાતેના ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જથી કરવામાં આવ્યું હતું. બંને બેલેસ્ટિક મિસાઇલો તમામ ઓપરેશનલ અને ટેકનિકલ ધોરણોને પૂર્ણ કરે છે. સંરક્ષણ મંત્રાલયે આ અંગે માહિતી આપી છે. આ પરીક્ષણો સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડના નેજા હેઠળ કરવામાં આવ્યા હતા. અગાઉ બુધવારે ભારતે લદ્દાખમાં આકાશ એર ડિફેન્સ સિસ્ટમના એડવાન્સ્ડ વર્ઝન આકાશ પ્રાઇમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.

સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડના નેજા હેઠળ હાથ ધરવામાં આવેલા આ સફળ પરીક્ષણમાં તમામ ઓપરેશનલ અને ટેકનિકલ પરિમાણો સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. માહિતી અનુસાર, અગ્નિ-1 મિસાઇલનું પ્રથમ પરીક્ષણ અબ્દુલ કલામ ટાપુ પરથી કરવામાં આવ્યું હતું, જ્યારે થોડા સમય પછી પૃથ્વી-2 મિસાઇલને ચાંદીપુર સ્થિત ITR ના લોન્ચ પેડ નંબર 3 પરથી છોડવામાં આવી હતી.

બેલિસ્ટિક મિસાઇલ પૃથ્વી-2 ની વિશેષતા શું છે?

પૃથ્વી-2 એ સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકસિત મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઇલ છે. તેની લંબાઈ લગભગ 9 મીટર છે. પૃથ્વી-2 મિસાઇલની રેન્જ 350 કિલોમીટર છે. તે 500 થી 1,000 કિલોગ્રામ વજનના શસ્ત્રો વહન કરવામાં સક્ષમ છે. તે સપાટીથી સપાટી પર 350 કિલોમીટર સુધી પ્રહાર કરવામાં પણ સક્ષમ છે. આ મિસાઇલમાં બે પ્રવાહી બળતણ એન્જિન સ્થાપિત કરવામાં આવ્યા છે. તેને પ્રવાહી અને ઘન બળતણ બંનેથી ચલાવી શકાય છે. આ મિસાઇલમાં એક અદ્યતન માર્ગદર્શન પ્રણાલી છે, જેના કારણે તે સરળતાથી તેના લક્ષ્યને હિટ કરી શકે છે. પૃથ્વી-2 મિસાઇલને DRDO દ્વારા ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP) હેઠળ વિકસાવવામાં આવી છે.

પૃથ્વી-2 મિસાઇલમાં ઉચ્ચ વિસ્ફોટક, ઘૂંસપેંઠ, ક્લસ્ટર મ્યુનિશન, ફ્રેગમેન્ટેશન, થર્મોબેરિક, રાસાયણિક શસ્ત્ર અને વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રો સ્થાપિત કરી શકાય છે. આ મિસાઇલ પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ છે અને એક અદ્યતન ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમથી સજ્જ છે, જે તેને ઉચ્ચ ચોકસાઈ સાથે લક્ષ્યોને હિટ કરવા સક્ષમ બનાવે છે. પૃથ્વી-II ને 2003 માં ભારતના સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડમાં સામેલ કરવામાં આવ્યું હતું.

અગ્નિ-1 મિસાઇલની ખાસ વિશેષતાઓ શું છે?

અગ્નિ-1 પણ એક ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલ છે. તેને DRDO દ્વારા પણ વિકસાવવામાં આવી છે. આ મિસાઇલની રેન્જ 700-900 કિલોમીટર સુધીની છે. આ મિસાઇલનું વજન 12 ટન છે અને તે 1,000 કિલોગ્રામ પરમાણુ હથિયાર વહન કરી શકે છે. તે સિંગલ સ્ટેજ મિસાઇલ છે અને ઘન ઇંધણનો ઉપયોગ કરે છે. અગ્નિ 1 મિસાઇલને DRDO અને રિસર્ચ સેન્ટર ઇમારત (RCI) ના સહયોગથી એડવાન્સ્ડ સિસ્ટમ્સ લેબોરેટરી દ્વારા વિકસાવવામાં આવી છે. આ મિસાઇલ હૈદરાબાદ સ્થિત ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે.

અમિત ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે નિયુક્ત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મહત્વપૂર્ણ સંગઠનાત્મક ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો પર કોંગ્રેસ હાઇકમાન્ડે પૂર્ણવિરામ મૂકી દીધું છે. કોંગ્રેસ હાઈકમાન્ડે અમિત ચાવડાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે જ તુષાર ચૌધરીને ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

ફેરફારોને આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કરાયા

આ ફેરફારોને આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષને વધુ મજબૂત અને સંગઠિત બનાવવાની કવાયત તરીકે જોવામાં આવી રહ્યા છે.

સરકાર નિમિષા પ્રિયાને મદદ કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે : MEA

યમનમાં મૃત્યુદંડની સજાનો સામનો કરી રહેલી ભારતીય નર્સ નિમિષા પ્રિયાના કિસ્સામાં, વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું કે ભારત સરકાર તેમને મદદ કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું, ‘અમે કાનૂની મદદ પૂરી પાડી છે અને તેના પરિવારને મદદ કરવા માટે એક વકીલની પણ નિમણૂક કરી છે. અમે સ્થાનિક અધિકારીઓ અને તેના પરિવાર સાથે સંપર્કમાં છીએ જેથી આ મામલાનો કોઈ ઉકેલ શોધી શકાય.’

તેમણે વધુમાં કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં પીડિત પરિવારને વધુ સમય આપવાના પ્રયાસો કરવામાં આવ્યા છે જેથી તેઓ બીજા પક્ષ સાથે પરસ્પર સમજૂતી કરી શકે. ભારત સરકાર આ મામલા પર સતત નજર રાખી રહી છે અને ભવિષ્યમાં દરેક શક્ય રીતે મદદ કરવાનું ચાલુ રાખશે. આ ઉપરાંત, સરકાર આ મામલે કેટલાક મિત્ર દેશો સાથે પણ સંપર્કમાં છે.

રશિયન તેલ પર નાટો ચીફની ટિપ્પણી પર ભારતની પ્રતિક્રિયા

વિદેશ મંત્રાલયે નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટની ટિપ્પણીનો પણ જવાબ આપ્યો, જેમાં તેમણે કહ્યું હતું કે રશિયા પાસેથી તેલ ખરીદનારા દેશોને ગૌણ પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે. આ અંગે રણધીર જયસ્વાલે કહ્યું, ‘અમે આ વિષય પરના સમાચાર જોયા છે અને બધી પ્રગતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ભારતના લોકોની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવી એ અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે. આ દિશામાં, અમે બજારમાં ઉપલબ્ધ વિકલ્પો અને વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણયો લઈએ છીએ.’ તેમણે કહ્યું કે આ બાબતમાં કોઈ બેવડા ધોરણો અપનાવવા જોઈએ નહીં.