Home Blog Page 702

PM મોદી જશે ચીન , SCO સમિટમાં હાજરી આપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં હાજરી આપવા માટે ચીન જશે. પૂર્વી લદ્દાખના ગલવાનમાં 2020 માં બંને દેશોની સેનાઓ વચ્ચે થયેલી અથડામણ પછી પીએમ મોદીની ચીનની આ પહેલી મુલાકાત હશે. આ મુલાકાત ભારત અને ચીન દ્વારા દ્વિપક્ષીય સંબંધો સુધારવાના પ્રયાસોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.

પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ છેલ્લે ઓક્ટોબર 2024 માં રશિયામાં બ્રિક્સ સમિટ દરમિયાન મળ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં જાપાન અને ચીનની મુલાકાત લેશે. જાપાનની આ મુલાકાતનો હેતુ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો છે, જ્યારે પીએમ મોદી ચીનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની બેઠકમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી મોદી 30 ઓગસ્ટે જાપાન જવા રવાના થશે, જ્યાં તેઓ જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા સાથે ભારત-જાપાન વાર્ષિક સમિટમાં ભાગ લેશે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે વધુ વ્યૂહાત્મક, આર્થિક અને ટેકનોલોજીકલ સહયોગ અંગે ચર્ચા થવાની શક્યતા છે.

ચોમાસુ સત્રઃ સંસદમાં રજૂ થશે નવું ઇન્કમ ટેક્સ બિલ

નવી દિલ્હીઃ સરકાર ટૂંક સમયમાં નવું આવકવેરા બિલ સંસદમાં રજૂ કરી શકે છે. આ બિલ 11 ઓગસ્ટે લોકસભામાં રજૂ થવાની શક્યતા છે. જોકે તેમાં વધુ સુધારાઓ માટે તેને શિયાળા સત્ર સુધી મુલતવી રાખવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ બિલ હાલના ચોમાસુ સત્રના એજન્ડામાં સમાવિષ્ટ છે.

નવા આવકવેરા બિલનો હેતુ

1961ના જૂના આવકવેરા અધિનિયમને સરળ અને આધુનિક બનાવવાનો છે. સરકાર આ બિલને 1 એપ્રિલ 2026થી અમલમાં લાવવાની યોજના બનાવી રહી છે.

શું હશે બિલમાં મુખ્ય ફેરફાર?

સંસદીય પસંદગી સમિતિની ભલામણોને આધારે બિલમાં 285 સુધારાઓ કરવામાં આવ્યા છે. તેમાંના મુખ્ય ફેરફારો નીચે મુજબ છે:

* એલએલપી (LLP) માટે મૂડી લાભ (કેપિટલ ગેઈન)ના નિયમોમાં સુધારો

* કોર્પોરેટ ડિવિડન્ડ ડિડક્શનમાં ફેરફાર

* નક્કી કરાયેલા કેટલીક લેવડદેવડ પર હવે TDS લાગુ નહીં પડે

* આ તમામ સુધારાઓનો મુખ્ય ઉદ્દેશ કર વ્યવસ્થાને સરળ અને પારદર્શક બનાવવાનો છે

સરકારે સંસદીય પસંદગી સમિતિની મોટા ભાગની ભલામણોને સ્વીકારી લીધી છે. સમિતિ માને છે કે બિલને પસાર કરતા પહેલાં તેમાં વધુ ટેક્નિકલ સુધારાઓ જરૂરી છે, જેથી તે લાગુ થયા પછી કોઈ તકલીફ ઊભી ન થાય. સરકારે સ્પષ્ટતા કરી છે કે આ નવો કાયદો 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે. તેની સીધો અસર સામાન્ય કરદાતાઓ, કોર્પોરેટ્સ અને રોકાણકારો પર પડશે.

UPIથી સૌપ્રથમ વાર એક દિવસમાં 70 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન

નવી દિલ્હીઃ UPI (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) એ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. બીજી ઓગસ્ટે સૌપ્રથમ વાર એક જ દિવસમાં 70.7 કરોડથી વધુ લેવડદેવડ થઈ છે. આ આંકડો નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા જારી કરવામાં આવ્યો છે.

છેલ્લા બે વર્ષમાં UPI ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા દ્વિગણિત થઇ છે. ઓગસ્ટ 2023માં જ્યાં દરરોજ આશરે 35 કરોડ ટ્રાન્ઝેક્શન થયા કરતા હતા, ત્યાં ઓગસ્ટ, 2024માં એ વધીને 50 કરોડ અને હવે ઓગસ્ટ, 2025માં 70 કરોડનો આંક વટાવી ગયો છે.

 દરરોજ 100 કરોડ ટ્રાન્ઝેક્શનનું લક્ષ્ય

હવે સરકારનું આગામી મોટું લક્ષ્ય છે કે UPI  દ્વારા દરરોજ 100 કરોડ ટ્રાન્ઝેક્શન થાય. હાલના વૃદ્ધિદર જોઈને લાગે છે કે આ લક્ષ્ય આગામી વર્ષ સુધી પૂર્ણ થઈ શકે છે.

UPI પર ચાર્જ લાગશે?

જોકે આ વૃદ્ધિને જાળવી રાખવા માટે કેટલીક મહત્વની ચર્ચાઓ થઈ રહી છે કે શું આ સર્વિસ આગળ પણ મફત રહેશે? ફિનટેક કંપનીઓ અને પેમેન્ટ યુનિયનનું કહેવું છે કે તેટલા મોટા ટ્રાન્ઝેક્શન વોલ્યુમને સાથ આપવા માટે હવે MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) ફરીથી લાગુ કરવો જરૂરી બની શકે છે.

RBI એ તાજેતરમાં કહ્યું છે કે UPI સિસ્ટમને આર્થિક રીતે ટકાઉ બનાવવી જરૂરી છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે આ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કિંમત કોઈએ તો ઉઠાવવી જ પડશે. સરકારે આ પહેલાં 2024 નાણાકીય વર્ષે UPI સિસ્ટમ માટે આશરે રૂ. 4500 કરોડની સબસિડી આપી હતી, પરંતુ FY25 માટે તે ઘટાડી રૂ. 1,500 કરોડ કરી દેવામાં આવી છે.

UPIએ  Visa ને પણ પાછળ છોડ્યું

UPI  હવે માત્ર ભારત જ નહીં પણ આખા વિશ્વમાં સૌથી વધુ રિયલ-ટાઇમ ડિજિટલ પેમેન્ટસ પ્રક્રિયા કરે છે. ગયા મહિને UPI દ્વારા લગભગ રૂ. 25 લાખ કરોડના 19.5 બિલિયન ટ્રાન્ઝેક્શન થયા હતા. એટલે કે દરરોજ સરેરાશ 65 કરોડ ટ્રાન્ઝેક્શન અને અંદાજે રૂ. 83,000 કરોડનું વોલ્યુમ. UPI ભારતમાં થતા તમામ ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સમાં આશરે 85 ટકા હિસ્સો ધરાવે છે અને વિશ્વના રિયલ-ટાઇમ પેમેન્ટસમાં અંદાજે 50 ટકા ભાગ લે છે.

બિહાર વિધાનસભા ચૂંટણીઃ તેજસ્વી યાદવ મુશ્કેલીમાં?

પટના: બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. રાજકીય પક્ષો પોતપોતાના સમીકરણો ગોઠવવામાં લાગેલા છે. ચૂંટણી પંચની તૈયારીઓ અને રાજકીય ગઠબંધનોની જાહેરાતો આ વાત સાબિત કરે છે કે આવતા દિવસોમાં બિહારના રાજકારણમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે.

RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે ચૂંટણી પહેલાં પાંચ પક્ષો સાથે મળીને મેદાનમાં ઉતરવાનું એલાન કરીને પોતાના ભાઈ તેજસ્વી યાદવ સામે મુશ્કેલી ઊભી કરે એવી શક્યતા છે. RJDમાંથી છ વર્ષ પહેલા નીકળ્યા બાદ તેજ પ્રતાપે ટીમ તેજ પ્રતા’ના બેનર હેઠળ પાંચ પક્ષો – વિકાસ વંચિત ઇન્સાન પાર્ટી (VVIP), ભોજપુરિયા જન મોરચા, પ્રગતિશીલ જનતા પાર્ટી, વાજિબ અધિકાર પાર્ટી અને સંયુક્ત કિસાન વિકાસ પાર્ટી – સાથે ગઠબંધન કરવાનું એલાન કર્યું છે.તેમના આ પગલાએ બિહારની રાજકારણમાં હલચલ મચાવી છે. એ સાથે જ તેમણે RJD અને કોંગ્રેસને પણ ગઠબંધનમાં જોડાવાનું આમંત્રણ આપ્યું છે અને કહ્યું છે કે જેને જે વિચારવું હોય તે વિચારે. જાણકારો કહે છે કે તેજ પ્રતાપનું આ નિવેદન તેમના ભાઈ તેજસ્વી યાદવ અને RJD પ્રત્યેની નારાજગી દર્શાવે છે.

મોટો પ્રશ્ન એ છે કે પાર્ટી અને પરિવારથી દૂર બેઠેલા તેજ પ્રતાપ યાદવમાં  છટપટાટ સ્પષ્ટ દેખાઈ રહી છે, પણ શું તેઓ સાચો નિર્ણય લઈ રહ્યા છે? તેજ પ્રતાપ યાદવ સામે સૌથી મોટો પડકાર એ છે કે RJDનું મજબૂત સંગઠન અને તેજસ્વી યાદવની લોકપ્રિયતા. RJDનો મુખ્ય મતદાતા વર્ગ – યાદવ, મુસ્લિમ અને પછાત વર્ગ – હજુ પણ તેજસ્વી યાદવ સાથે મજબૂતીથી જોડાયેલો દેખાય છે.

ICC ટેસ્ટ રેન્કિંગ: યશસ્વી જયસ્વાલ નંબર 1 ભારતીય બેટ્સમેન બન્યો

ટીમ ઈન્ડિયાના શ્રેષ્ઠ ઓપનર યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ પ્રવાસમાં જોરદાર બેટિંગ કરીને ચાહકોના દિલ જીતી લીધા. તેણે ઈંગ્લેન્ડના બોલરોને કડક પાઠ ભણાવ્યો અને ટીમ ઈન્ડિયા માટે કિંમતી રન બનાવ્યા. યશસ્વીને આ માટે એક શાનદાર ભેટ પણ મળી છે અને તેણે ICC મેન્સ ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં મોટો ઉછાળો નોંધાવ્યો છે. તેણે આ ટેસ્ટ શ્રેણીમાં 400 થી વધુ રન બનાવ્યા. આ શ્રેણીમાં 754 રન બનાવનારા ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલને મોટો નુકસાન સહન કરવો પડ્યો છે.

યશસ્વી જયસ્વાલે લાંબી છલાંગ લગાવી

યશસ્વી જયસ્વાલ હવે ICC ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં પાંચમા સ્થાને પહોંચી ગયો છે. તે ટીમ ઈન્ડિયા તરફથી આ યાદીમાં ટોચ પર છે. આનું કારણ એ છે કે જો રૂટ ICC ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે જ્યારે તેનો સાથી હેરી બ્રુક બીજા સ્થાને છે. આ યાદીમાં ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન ત્રીજા નંબરે છે જ્યારે ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથે ચોથા નંબરે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.

ભારતના ઋષભ પંત આઠમા સ્થાને આવી ગયો છે જ્યારે શુભમન ગિલને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 754 રન બનાવવા છતાં મોટો ઝટકો લાગ્યો છે. તેમનું રેન્કિંગ નીચે ગયું છે અને તે 13મા સ્થાને આવી ગયો છે. અગાઉ તે 9મા સ્થાને હતો. ગિલે ઇંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચમાં 75.40 ની સરેરાશથી 754 રન બનાવ્યા હતા. તેમણે એક બેવડી સદી પણ ફટકારી હતી. જોકે, તેમ છતાં, તેમના રેન્કિંગમાં ચાર સ્થાનનો ઘટાડો જોવા મળ્યો હતો.

યશસ્વી જયસ્વાલે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 5 મેચમાં 41.10 ની સરેરાશથી 411 રન બનાવ્યા હતા. તેમણે આ શ્રેણીમાં બે સદી અને બે અડધી સદી ફટકારી હતી. તેમનો શ્રેષ્ઠ સ્કોર 118 રન હતો. આ ઓપનિંગ બેટ્સમેન અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયા માટે 24 ટેસ્ટ મેચોમાં 50.2 ની સરેરાશથી 2209 રન બનાવી ચૂક્યો છે અને તેનો શ્રેષ્ઠ સ્કોર 214 રન છે. આ ભારતીય ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટમાં છ સદી, બે બેવડી સદી અને 12 અડધી સદી ફટકારી છે. ભારતીય ચાહકો ભવિષ્યમાં રમાનારી મેચોમાં પણ તેની પાસેથી મજબૂત પ્રદર્શનની અપેક્ષા રાખશે.

આ પંથકમાં છે પૌરાણિક મંદિરોનો સમુહ…

ભારતવર્ષમાં અનેક સ્થળોએ પૌરાણિક મંદિરો, સ્થાપત્યો, કિલ્લા-મહેલો-હેવેલીઓ જર્જરિત ખંડેર હાલતમાં આવેલી હશે. એમાંનું એક આવું સ્થળ એટલે સાબરકાંઠા જિલ્લામાં આવેલું એક પક્ષી મંદિર, કળાત્મક કુંડ સહિતનો સ્થાપત્યનો સમુહ.

ઉત્તર ગુજરાતમાં હિંમતનગરથી 18 કિ.મી.ના અંતરે ખેડ અને સાયસિંગપુરાની સીમમાં રોડા તરીકે એકદમ પ્રાચીન મંદિરોનો સમુહ છે. આ મૈત્રક કાલનાં સાત મંદિરોનો સમૂહ માનવામાં આવે છે. એમાંના કેટલાક મંદિર એકદમ જર્જરિત હાલતમાં છે. આ મંદિરો પૈકી એક સિવાયનાં બધાં મંદિર કદમાં નાનાં છે. એ ચોરસ કે લંબચોરસ ગર્ભગૃહ અને એવા ઘાટની શૃંગારચોકી કે અર્ધમંડપ ધરાવે છે. આ મંદિરો સોલંકી કાળના આરંભની વચગાળાની અવસ્થા ધરાવતા હોય એવું માનવામાં આવે છે.

રોડાનું એક મંદિર પૂર્વાભિમુખ છે, જંઘાના ગવાક્ષોમાં આવેલાં શૈવ શિલ્પો પરથી આ મંદિર શિવાલય હોવાનું સૂચિત થાય છે. અહીં કળાત્મક કુંડ પાસે આવેલું મંદિર એનાં દીવાલોમાંનાં શિલ્પો પરથી વિષ્ણુમંદિર હોવાનું જણાય છે. એક સ્થાપત્ય સૂર્યમંદિર હોવાનું એમાંનાં શિલ્પો પરથી સ્પષ્ટ થાય છે. ત્રણ મંદિર ત્રિરથ પ્રકારનાં છે; જ્યારે બે મંદિર પંચરથ પ્રકારનાં છે. એક મંદિર એકરથ પ્રકારનું છે. મંદિરોના આ સમુહમાં ગૂઢમંડપ વિશાળ છે. એની આગળ આવેલી શૃંગારચોકી નાશ પામી છે. લાડચી માતાના કુંડ તરીકે ઓળખાતા કુંડના ચાર ખૂણે આવેલાં ચાર નાનાં મંદિર સ્થાપત્ય-સ્વરૂપમાં એમાંના બે મંદિરો સાથે સામ્યતા ધરાવે છે.

આ મંદિર-સમૂહની શૃંગાર ચોકીઓ પરનાં ફાંસના પ્રકારનું છાવણ ખાસ નોંધપાત્ર છે. આ છાવણોની આગળ આવેલી રથિકાઓમાંનાં શૂરસેન મૂર્તિ શિલ્પોથી અલંકૃત છે. આ મંદિરોનાં શિખરો પરની જાલક-ભાત સૂત્રાપાડા, પાછતર અને ધ્ર્ર્રાલણવેલનાં મંદિરોનાં શિખરોની જાલક-ભાત કરતાં વધુ વિકસિત છે. આ તમામ મંદિરોની દીવાલો એના પર આવેલા સુશોભિત ગવાક્ષો સિવાય સાદી છે. આ મંદિરોનાં ગર્ભગૃહોની દ્વારશાખાઓનાં વૈવિધ્ય અને કોતરકામ એકદમ ઉત્કૃષ્ટ છે. એમાંના એક મંદિરની દ્વારશાખા એકદમ ધ્યાનાકર્ષક છે. પંચશાખ પ્રકારની આ દ્વારશાખામાં શિવ, ઉમા-મહેશ્વર, અર્ધનારીશ્વર, વિષ્ણુ અને લક્ષ્મી-નારાયણનાં શિલ્પ દર્શનીય છે. ઉત્તરાંગની ગવાક્ષ-પંક્તિમાં બ્રહ્મા, કુબેર, વિષ્ણુ, શિવ અને ગણેશનાં શિલ્પ નોંધપાત્ર છે. પ્રાય: આ મંદિર હરિ-હરનું છે. આ મંદિરોના સ્તંભ ચોરસ (રુચક) ઘાટના છે.

આમાંનાં કોઈ મંદિરોમાં અભિલેખ નથી. પરંતુ તેમના સ્થાપત્ય-સ્વરૂપ પરથી આ મંદિરોનું નિર્માણ આઠમી સદીના પૂર્વાર્ધમાં થયું લાગે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

સુપ્રીમ કોર્ટે યાદીમાંથી કાઢવામાં આવેલા મતદાતાઓની માગી વિગતો  

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો કે તે બિહારની મતદાતા યાદીના ડ્રાફ્ટમાંથી બહાર કરવામાં આવેલા લગભગ 65 લાખ મતદાતાઓનું વિગતવાર વિવરણ નવ ઓગસ્ટ સુધી રજૂ કરે. ન્યાયમૂર્તિ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ ઉજ્જલ ભૂઇયાં અને ન્યાયમૂર્તિ એન. કોટિશ્વર સિંહની ખંડપીઠે ચૂંટણી પંચના વકીલને કહ્યું હતું કે તેઓ કાઢી નાખેલા મતદાતાઓની વિગતો રજૂ કરે અને તેની એક નકલ NGO એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ને પણ આપે. જોકે આ વિગતો અગાઉ રાજકીય પક્ષો સાથે વહેંચવામાં આવી ચૂકી છે.

NGO દ્વારા ચૂંટણી પંચના 24 જૂનના એ આદેશને પડકારતા નવા અરજપત્રમાં અપીલ કરવામાં આવી છે, જેમાં બિહારમાં મતદાતા યાદીના ખાસ વિશેષ નિરીક્ષણ (Special Intensive Revision – SIR)માં આલેખાયેલા અંદાજે 65 લાખ લોકોને યાદીમાંથી કાઢી નાખવાની વિગતવાર સૂચિ પ્રકાશિત કરવા માટે કહેવામાં આવ્યું છે, જેમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ લોકો મૃત છે, કાયમ માટે સ્થળાંતર કરી ચૂક્યા છે કે કોઈ અન્ય કારણસર તેમનું નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે.

ખંડપીઠે NGO તરફથી રજૂ થયેલા વકીલ પ્રશાંત ભૂષણને જણાવ્યું  હતું કે નામો હટાવવાનાં કારણો પછી જણાવવામાં આવશે, કેમ કે હાલ તો આ માત્ર એક ડ્રાફ્ટ યાદી છે. ભૂષણે દલીલ કરી હતી કે કેટલાક રાજકીય પક્ષોને હટાવેલા મતદાતાઓની યાદી આપવામાં આવી છે, પણ તેમાં એ સ્પષ્ટ નથી કરાયું કે આ લોકો મરી ચૂક્યા છે કે તેમણે સ્થળાંતર કર્યું છે.

ખંડપીઠે ચૂંટણી પંચના વકીલને કહ્યું હતું કે અમે દરેક અસરગ્રસ્ત મતદાતાઓ સાથે સંપર્ક કરીશું અને જરૂરી માહિતી મેળવીશું. તમે શનિવાર સુધી જવાબ દાખલ કરો અને ભૂષણને તે જોવાની મંજૂરી આપો, ત્યાર બાદ અમે જોઇશું કે શો ખુલાસો થયો છે અને શું નહોતો થયો.

20 વર્ષ પછી ફરી સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘પરિણીતા’ ફિલ્મ

અભિનેત્રી વિદ્યા બાલનની ફિલ્મ ‘પરિણીતા’ વર્ષ 2005 માં રિલીઝ થઈ હતી. હવે નિર્માતાઓએ ફરીથી ફિલ્મનું નવું ટ્રેલર રિલીઝ કરીને ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે. આ વખતે આ ફિલ્મ દર્શકોને એક શાનદાર અનુભવ આપી શકે છે. જાણીએ કે આ ફિલ્મ ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે અને તેનું ટ્રેલર કેવું છે.

વિદ્યા બાલને વર્ષ 2005 માં બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેમની પહેલી ફિલ્મનું નામ ‘પરિણીતા’ હતું. હવે આ ફિલ્મ ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ થશે, જેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલરમાં ફરી એકવાર સૈફ અલી ખાન અને વિદ્યા બાલનનો રોમેન્ટિક અંદાજ જોવા મળે છે. ઉપરાંત, ટ્રેલરની ગુણવત્તા દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે.’પિયા બોલે’ ગીત ક્લાસિક ફિલ્મનો અહેસાસ આપી રહ્યું છે.

વિદ્યા બાલન અભિનીત ફિલ્મ ‘પરિણીતા’ 29 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થશે. આ વખતે નિર્માતાઓએ ફિલ્મને 8K ક્વોલિટીમાં અપગ્રેડ કરીને મોટા પડદા પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે, જે દર્શકોને એક નવો અને રોમાંચક અનુભવ આપશે. ‘પરિણીતા’નું ટ્રેલર દર્શાવે છે કે બે દાયકા પછી પણ ફિલ્મ તેના સંગીત, શાનદાર અભિનય અને મજબૂત વાર્તા સાથે પુનરાગમન કરવા માટે તૈયાર છે.

‘પરિણીતા’ ફિલ્મનું દિગ્દર્શન પ્રદીપ સરકારે કર્યું હતું. ફિલ્મમાં વિદ્યા બાલન (લલિતા) અને સૈફ અલી ખાન (શેખર) ઉપરાંત, સંજય દત્ત (ગિરીશ) અને દિયા મિર્ઝા (ગાયત્રી) પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો બતાવવામાં આવ્યું છે કે લલિતા અને શેખર બાળપણના મિત્રો છે, પછી તેમની મિત્રતા પ્રેમમાં ફેરવાય છે. આ પછી તેમનો પ્રેમ સમાજ અને પરિવારના નિયમો સામે સંઘર્ષ કરતો જોવા મળે છે.

મુસ્લિમ પૃષ્ઠભૂમિને કારણે સાધુને મઠમાંથી કાઢી મુકાયો

બેંગલુરુઃ કર્ણાટકના ચામરાજનગર સ્થિત એક મઠમાં સોમવારે 22 વર્ષના એક સંતને પોતાનું પદ છોડવું પડ્યું. તેનું કારણ એ રહ્યું કે ગ્રામજનોએ જાણી લીધું કે લિંગાયત સંતની પૃષ્ઠભૂમિ મુસ્લિમ સમુદાયથી છે. જેને કારણે લોકોએ બસવ દીક્ષા અને તેની નિયુક્તિ પર વાંધો ઉઠાવ્યો અને અંતે તેને મઠમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

લિંગાયત મઠના આ સંતનું નામ નિજલિંગ સ્વામી છે, જેમણે ગુંડલુપેટ તાલુકામાં એક વર્ષ જૂના મઠના મહંત તરીકે માત્ર છ અઠવાડિયા સુધી સેવા આપી હતી. નિજલિંગે પાંચ વર્ષ પહેલાં એટલે કે 17 વર્ષની ઉંમરે ધાર્મિક દીક્ષા લીધી હતી અને મૂળ રૂપે તેઓ કર્ણાટકના યાદગીર જિલ્લાના રહેવાસી છે.

આધાર કાર્ડથી ખૂલ્યું રહસ્ય

નિજલિંગને લઈને વિવાદની શરૂઆત ગયા અઠવાડિયે થઈ હતી, જ્યારે એક સ્થાનિક વ્યક્તિએ તેમનું આધાર કાર્ડ જોઈ લીધું હતું. આમાંથી તેમની જૂની ઓળખ બહાર આવી, જેમાં તેમનો ધર્મ ઇસ્લામ નોંધાયેલો હતો. આ જાણકારી બહાર આવતાં ભક્તોના એક વર્ગે વિરોધ નોંધાવ્યો અને દાવો કર્યો કે તેમને નિયુક્તિ પહેલાં સંતની પૃષ્ઠભૂમિ વિશે જાણ ન હતી.

નિજલિંગ સ્વામીએ જણાવ્યું હતું કે તેમનો જન્મ એક મુસ્લિમ પરિવારમાં “મોહમ્મદ નિસાર” તરીકે થયો હતો. તેઓ નાની ઉંમરમાં જ બસવન્ના અને તેમના વિચારોથી પ્રભાવિત થઈ ગયા હતા. હું પણ અન્ય કોઈ લિંગાયતની જેમ પૂજા-અર્ચના કરતો હતો. મારાં માતા-પિતા ડરી ગયાં હતાં અને મને મદરેસામાં ભણવા મોકલ્યો હતો, પરંતુ ત્યારથી મારું જીવન બદલાયું અને 17 વર્ષની ઉંમરે મેં લિંગાયત બનવા માટે દીક્ષા લીધી હતી, એમ તેણે જણાવ્યું હતું.

મઠ માટે ઓસ્ટ્રેલિયને આપી જમીન

ઓસ્ટ્રેલિયામાં રહેતા મહાદેવ પ્રસાદ નામની એક વ્યક્તિએ ચામરાજનગર જિલ્લાના ચૌડાહલ્લી ગામમાં એક મઠ બનાવવા માટે જમીન દાનમાં આપી હતી. આ જગ્યા પર ગુરુમલ્લેશ્વર શાખા મઠની સ્થાપના કરાઈ હતી અને ત્યાર બાદ નિજલિંગ સ્વામીને તેનું વડપણ સોંપાયું હતું.

અમિત શાહ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કેસ મામલે રાહુલ ગાંધીને કોર્ટે જામીન આપ્યા

કોંગ્રેસ પાર્ટીના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે બુધવારે ઝારખંડના ચૈબાસા સ્થિત સાંસદ/ધારાસભ્ય કોર્ટમાં હાજર થયા હતા. મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી વર્ષ 2018માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ તેમની સામે દાખલ કરાયેલા માનહાનિના કેસમાં કોર્ટમાં હાજર થયા હતાં. આ મામલે કોર્ટે તેમને જામીન આપ્યા છે.

રાહુલ ગાંધી પર શું આરોપ છે?

મળતી માહિતી મુજબ, પ્રતાપ કુમાર નામના વ્યક્તિ દ્વારા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. વ્યક્તિનો આરોપ છે કે રાહુલ ગાંધીએ 2018માં ચૈબાસામાં એક રેલી દરમિયાન અમિત શાહ વિરુદ્ધ માનહાનિભર્યા નિવેદનો આપ્યા હતા. પ્રતાપ કુમારે ચૈબાસાની મેજિસ્ટ્રેટ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીએ અમિત શાહની છબી ખરાબ કરવાના ઈરાદાથી જાણી જોઈને માનહાનિભર્યા નિવેદનો આપ્યા હતા.

કોર્ટમાં હાજર થવા માટે રાહુલ ગાંધીના આગમનને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા ચૈબાસામાં સુરક્ષા વધારી દેવામાં આવી હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વહીવટીતંત્ર દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. ટાટા કોલેજ ગ્રાઉન્ડ પર હેલિપેડ બનાવવામાં આવ્યું હતું. કોર્ટ કાર્યવાહી પછી રાહુલ ગાંધી રાંચી પાછા ફરશે.

તમને જણાવી દઈએ કે લોકસભામાં વિપક્ષના નેતા ગાંધી મંગળવારે ઝારખંડના વરિષ્ઠ આદિવાસી નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ પછી, બુધવારે, તેઓ માનહાનિના કેસમાં ચાઇબાસા કોર્ટમાં હાજર થયા.