Home Blog Page 650

સોશિયલ મિડિયા કન્ટેન્ટ નિયંત્રણ માટે કેન્દ્રને ‘સુપ્રીમ’ નિર્દેશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોશિયલ મિડિયામાં પ્રસારિત થતા કન્ટેન્ટને નિયંત્રિત કરવા માટે તેના પ્રસ્તાવિત માર્ગદર્શનો, જેમાં વિવિધ પ્રકારની સામગ્રી પણ સમાવેશ થાય છે, તે અંગે રેકોર્ડ રજૂ કરવાનો કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે આ માર્ગદર્શનો સમાચાર પ્રસારણ ધોરણ પ્રાધીકરણ (NBSA) સાથેની ચર્ચા બાદ તૈયાર કરવામાં આવે. સરકારને આ મામલે આવનારા નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.

અભિવ્યક્તિની સ્વતંત્રતાનું વેપારીકરણ

સુપ્રીમ કોર્ટએ સોમવારે જણાવ્યું હતું કે સોશિયલ મિડિયામાં પ્રભાવશાળી લોકો અભિવ્યક્તિની સ્વતંત્રતાનું વેપારીકરણ કરે છે. તેમની ટિપ્પણીઓથી વિવિધ સમાજના વર્ગોની લાગણીઓને ઠેસ પહોંચવાની શક્યતા રહે છે, જેમાં દિવ્યાંગ, મહિલાઓ, બાળકો, વરિષ્ઠ નાગરિકો અને અલ્પસંખ્યકોનો સમાવેશ થાય છે.

સુપ્રીમ કોર્ટના જજ સૂર્યકાંત અને જજ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે પોડકાસ્ટ જેવા ઓનલાઇન શો સહિત સોશિયલ મિડિયામાં આચરણને નિયમિત કરવા માટે રાષ્ટ્રીય પ્રસારકો અને ડિજિટલ એસોસિયેશન સાથેની ચર્ચા બાદ માર્ગદર્શનો પર કામ કરો. તેનો હેતુ એ છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને વિવિધ સમુદાયોને સમાજમાં સન્માન સાથે જીવવાનો સમાન રૂપે મહત્વનો અધિકાર — બન્ને વચ્ચે સંતુલન જાળવાય.

જજ બાગચીએ કહ્યું હતું કે જ્યારે તમે અભિવ્યક્તિની સ્વતંત્રતાનું વેપારીકરણ કરો છો, ત્યારે તમારે ધ્યાન રાખવું જોઈએ કે સમાજના કેટલાક વર્ગોની લાગણીઓને ઠેસ ન પહોંચે. જજ કાંતે કહ્યું હતું કે દિવ્યાંગ લોકો અંગે અસંવેદનશીલ જોક્સ બનાવીને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાનો બંધારણીય હેતુ સંપૂર્ણપણે ખંડિત થાય છે.

જજ બાગચીએ માન્યું કે હાસ્ય જીવનનો અભિન્ન અંગ છે, પરંતુ હળવાશમાં સંવેદનશીલતાનું હનન ન થવું જોઈએ. કેન્દ્ર તરફથી હાજર એટર્ની જનરલ આર. વેંકટરમણીએ જવાબ આપ્યો હતો કે પ્રસ્તાવિત માર્ગદર્શનોનો પ્રાથમિક હેતુ સોશિયલ મિડિયા યુઝર્સને સંવેદનશીલ બનાવવાનો રહેશે, પરંતુ જો કોઈ ઉલ્લંઘન કરે છે તો તેણે જવાબદારી લેવી પડશે. આમાંથી ઘણા મિડિયા બ્લોગ્સ તમારા પોતાના અહંકારને પોષણ કરનારા હોય છે.

જારંગેના અલ્ટીમેટમ પર CM ફડણવીસનું નિવેદન,’આશા છે કે ગણેશ ઉત્સવમાં કોઈ….’

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આશા વ્યક્ત કરી છે કે મરાઠા અનામત કાર્યકર્તા મનોજ જરાંગે મુંબઈમાં ગણેશ ઉત્સવની ઉજવણીમાં ખલેલ પહોંચાડવા માટે કંઈ કરશે નહીં. જરાંગેએ મહારાષ્ટ્ર સરકારને ચેતવણી આપી છે કે મંગળવાર (26 ઓગસ્ટ) સુધીમાં મરાઠા સમુદાયને અન્ય પછાત વર્ગો (OBC) હેઠળ 10 ટકા અનામત આપવામાં આવે નહીંતર વિરોધનો સામનો કરવો પડશે. મરાઠા નેતાએ કહ્યું છે કે જો સરકાર અનામતની માંગણી નહીં સ્વીકારે તો 27 ઓગસ્ટ, ગણેશ ચતુર્થીના રોજ મુંબઈ તરફ કૂચ શરૂ થશે. તેઓ 29 ઓગસ્ટના રોજ અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ પર બેસશે.

સીએમ ફડણવીસે આ મામલે જણાવ્યું કે, “જે લોકો પોતાને મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજના સાચા અનુયાયી કહે છે તેઓ હિન્દુઓના સૌથી મોટા તહેવાર ગણેશ ચતુર્થીને ખલેલ પહોંચાડવા માટે કંઈ કરશે નહીં.” મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે દરેકને લોકશાહી રીતે વિરોધ કરવાનો અને પોતાની માંગણીઓ ઉઠાવવાનો અધિકાર છે.

સરકારે 10 ટકા અનામતની જાહેરાત કરી હતી

વધુમાં સીએમે કહ્યું કે, “બધા જાણે છે કે અમે મરાઠા સમુદાયની એકતા માટે કામ કર્યું છે અને 10 ટકા ક્વોટા આપ્યો છે. અમે સમુદાયમાંથી 1.5 લાખ ઉદ્યોગપતિઓ ઉભા કર્યા છે “. રાજ્ય સરકારે ગયા વર્ષે મરાઠા સમુદાય માટે એક અલગ શ્રેણી હેઠળ 10 ટકા અનામતની જાહેરાત કરી હતી.

જરાંગેની માંગ શું છે?

જરાંગે બધા મરાઠાઓને કુણબી (ઓબીસી શ્રેણીમાં સમાવિષ્ટ કૃષિ જાતિ) તરીકે માન્યતા આપવા માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે, જેનાથી તેઓ શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામત માટે લાયક બને.

જરાંગેના આરોપ પર કે તેમણે (ફડણવીસ) નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને મરાઠાઓ માટે કામ કરવાની મંજૂરી આપી ન હતી, મુખ્યમંત્રીએ કહ્યું, “શિંદેએ એવું કહ્યું નથી… ભલે કોઈ અમારી વચ્ચે મતભેદો પેદા કરવાનો પ્રયાસ કરે… અમે સાથે છીએ અને યોગ્ય રીતે કામ કરી રહ્યા છીએ.”

જ્યારે જરાંગે દ્વારા તેમના પર કરવામાં આવેલી ટીકા વિશે પૂછવામાં આવ્યું ત્યારે ફડણવીસે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજનો સાચો અનુયાયી ક્યારેય હલકી કક્ષાની ભાષાનો ઉપયોગ કરશે નહીં અને મહિલાઓ વિરુદ્ધ બોલશે નહીં. તેમણે વધુમાં કહ્યું, ‘મને મારી માતા, આપણી દેવીઓ અને મહારાષ્ટ્રના લોકોના આશીર્વાદ છે.’ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ જરાંગે પર ફડણવીસની માતા વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો છે. જોકે, કાર્યકર્તાએ આ આરોપને નકારી કાઢ્યો છે.

શિંદેએ પુનર્વિચારણા કરવા વિનંતી કરી
અગાઉ, નાયબ મુખ્યમંત્રી શિંદેએ સોમવારે કાર્યકર્તાને તેમના વિરોધના સમય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી હતી કારણ કે તેમણે ગણેશ ઉત્સવ દરમિયાન મુંબઈ તરફ કૂચ કાઢવાની ધમકી આપી હતી. શિંદેએ કહ્યું કે દરેકને વિરોધ કરવાનો અધિકાર છે પરંતુ અન્ય લોકોને અસુવિધા ન થવી જોઈએ.

ભારત પર લાગશે 50 ટકા ટેરિફઃ USએ જાહેર કર્યું નોટિફિકેશન

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય માલસામાન પર ટેરિફને 50 ટકા સુધી વધારવાની જાહેરાત બાદ અમેરિકન કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શને (CBPએ) ભારતમાંથી આયાત થતાં ઉત્પાદનો પર વધારાના શૂલ્કના અમલીકરણ અંગે એક ડ્રાફ્ટ નોટિસ બહાર પાડવામાં આવી છે.

આ નોટિસ મુજબ વધારાના ટેરિફ રાષ્ટ્રપતિના 6 ઓગસ્ટ, 2025ના એક્ઝિક્યુટિવ ઓર્ડરને અમલમાં મૂકવા માટે લગાવવામાં આવી રહ્યો છે, જેનું શીર્ષક છે — રશિયન ફેડરેશનની સરકાર દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ માટે ઊભા થયેલા ખતરાઓને પહોંચી વળવા.

આ આદેશમાં ભારતમાંથી આવનારા માલસામાન પર નવા શૂલ્કની દરખાસ્ત નક્કી કરવામાં આવી છે. 27 ઓગસ્ટ, 2025એ પ્રકાશિત થનાર ડ્રાફ્ટ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે હોમલેન્ડ સિક્યોરિટી સચિવે એક્ઝિક્યુટિવ ઓર્ડરના અનુસંધાનમાં યુનાઇટેડ સ્ટેટ્સ હાર્મોનાઇઝ્ડ ટેરિફ શેડ્યૂલ (HTSUS) માં સુધારો જરૂરી ગણ્યો છે.CBPએ આગળ સ્પષ્ટ કર્યું છે કે નવા શૂલ્ક 27 ઓગસ્ટ, 2025થી અમલમાં આવશે. એ દિવસે સવારે 12:01 વાગ્યાથી વધારાના ટેરિફ ભારતનાં તમામ ઉત્પાદનો પર લાગુ પડશે, જે યુનાઇટેડ સ્ટેટ્સમાં વપરાશ માટે લાવવામાં આવ્યા છે અથવા વપરાશ માટે ગોડાઉનમાંથી બહાર પાડવામાં આવ્યાં છે.

આ પહેલાં, 30 જુલાઈએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે યાદ રાખો, ભારત આપણો મિત્ર છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણે તેમના સાથે તુલનાત્મક રીતે ઓછો વેપાર કર્યો છે, કારણ કે તેમના ટેરિફ ખૂબ ઊંચા છે, જે દુનિયામાં સૌથી વધારે છે. PM મોદીએ 27 ઓગસ્ટથી લાગુ થનારા ભારતીય માલસામાન પર 50 ટકા અમેરિકન ટેરિફ પહેલાં સોમવારે પોતાનું મજબૂત વલણ સ્પષ્ટ કર્યું હતું અને કહ્યું હતું કે તેમની સરકાર આર્થિક દબાણની પરવા કર્યા વિના રસ્તો કાઢી લેશે.

જર દેખી મુનિવર ચળે

 

જર દેખી મુનિવર ચળે

 

 

આ કહેવતના સંદર્ભમાં નીચેની પંક્તિઓ ખૂબ અસરકારક રીતે એનો મર્મ સમજાવી દે છે.

જર દેખી મુનિવર ચળે, ત્રિયા પસારે હાથ,

ચડ્યાં રણ ઊતરે, જો ગાંઠે હોયે ગરથ

(ત્રિયા – સ્ત્રી, રણ – ઋણ; દેવું, ગરથ – ધન) પૈસો આવે તો મુનિ, પત્ની, લેણદાર બધાં દોડ્યાં આવે. પૈસો ભલભલાને લોભાવે છે અને એમાંથી સંસાર ત્યાગીને સન્યસ્ત અપનાવી ચૂકેલા સાધુઓ અથવા તપોનિષ્ઠ મુનિઓ પણ બાકાત નથી.

આમ લક્ષ્મી માત્ર સંસારીને જ લલચાવે છે એવું નહીં ભલભલા સંયમીને પણ આકર્ષે છે અને એવી વ્યક્તિ ઉચ્ચ સાધનામાં રત એવા મુનિ હોય તો પણ એ ચલિત થાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

આપ નેતા સૌરભ ભારદ્વાજના નિવાસસ્થાને EDના દરોડા

નવી દિલ્હીઃ EDએ કથિત હોસ્પિટલ બાંધકામ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના સંબંધમાં આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજના નિવાસસ્થાન સહિત દિલ્હી-NCR વિસ્તારમાં 13 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દિલ્હી હોસ્પિટલ બાંધકામના કથિત કૌભાંડમાં નોંધાયેલા એક ECIR સાથે સંબંધિત છે.

સૌરભ ભારદ્વાજના નિવાસસ્થાને દરોડા બાદ આપ પાર્ટીએ ભાજપ પર હુમલો કર્યો છે. દિલ્હીની ભૂતપૂર્વ CM આતિશીએ X પર પોસ્ટ કરીને લખ્યું છે કે આજે સૌરભજીના ઘરે દરોડા શા માટે પડ્યા? કારણ કે દેશમાં મોદીજીની ડિગ્રી પર સવાલ ઊભા થઈ રહ્યા છે. શું મોદીજીની ડિગ્રી ખોટી છે? આ ચર્ચાથી ધ્યાન હટાવવા માટે જ દરોડા પાડવામાં આવ્યા છે. જે સમયના કેસની વાત કરવામાં આવી રહી છે, તે સમયે સૌરભજી મંત્રી પણ ન હતા. એટલે આખો કેસ જ ખોટો છે. સત્યેન્દ્રજીને પણ ત્રણ વર્ષ જેલમાં રાખ્યા બાદ અંતે CBI/EDને ક્લોઝર રિપોર્ટ આપવો પડ્યો હતો. આથી સાબિત થાય છે કે આપ પાર્ટીના નેતાઓ પર લગાવાયેલા બધા કેસ માત્ર ખોટા અને રાજકીય પ્રેરિત છે.

હોસ્પિટલ બાંધકામ સંબંધિત છે મામલો?

આ હોસ્પિટલ બાંધકામનું કથિત કૌભાંડ રૂ. 5590 કરોડનું છે. 2018-2019માં અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળ દિલ્હીની સરકારે 24 હોસ્પિટલોના બાંધકામ માટે રૂ. 5590 કરોડની યોજનાઓને મંજૂરી આપી હતી. ICU હોસ્પિટલનું બાંધકામ છ મહિનામાં પૂરું થવાનું હતું, પરંતુ ત્રણ વર્ષ બાદ પણ કામ અધૂરું જ છે. રૂ. 800 કરોડ ખર્ચવા છતાં ફક્ત 50 ટકા કામ જ પૂરું થઈ શક્યું છે. LNJAP હોસ્પિટલની કિંમત રૂ. 488 કરોડથી વધી રૂ. 1135 કરોડ થઈ ગઈ. અનેક સ્થળોએ બાંધકામનું કામ મંજૂરી વગર શરૂ કરવામાં આવ્યું હતું અને કોન્ટ્રેક્ટરોની ભૂમિકા શંકાસ્પદ હોવાનું જણાયું હતું. HIMSનું કામ 2016થી જ લંબિત છે અને તેમાં જાણીબૂજીને વિલંબ કરવાના આક્ષેપ લાગ્યા છે. આ મામલામાં સૌરભ ભારદ્વાજ સિવાય આપ નેતા સત્યેન્દ્ર જૈન પણ તપાસના દાયરામાં છે.

‘એક દો તીન’ થી રવિ બહલ ‘નરસિમ્હા’માં હીરો બન્યો!  

બાળ કલાકાર તરીકે ફિલ્મ ‘મોર્ચા’ (1980) માં મુખ્ય ભૂમિકા ભજવનાર રવિ બહલની ડાન્સર તરીકેની આવડતને કારણે યુવા હીરો તરીકે નિર્દેશક એન. ચંદ્રાની ‘નરસિમ્હા’ (1991) મળી હતી. રવિએ ‘મોર્ચા’ માં કામ કર્યા પછી એની ઉંમર એવી હતી કે બાળ કલાકાર કે યુવા હીરો તરીકે આવી શકે એમ ન હતો. એટલે કોલેજનો અભ્યાસ પૂરો કરવાનો નિર્ણય લીધો હતો. એ કોલેજમાં હતો ત્યારે અખિલ ભારતીય ડાન્સ સ્પર્ધાઓમાં ભાગ લેતો હતો અને વિજેતા બનતો હતો.

કોલેજ પૂરી કરીને એ કામ મેળવવા માટે સંઘાર્ષ શરૂ કરી રહ્યો હતો ત્યારે એક દિવસ નિર્દેશક એન. ચંદ્રાએ એને પોતાના ઘરે બોલાવ્યો. રવિને નવાઈ લાગી હતી કે ‘તેજાબ’ (1988) ના નિર્દેશક તેને કેમ બોલાવી રહ્યા હતા. કેમકે બધાને એમ જ હતું કે તે ફરી અનિલ- માધુરીની જોડી સાથે જ કોઈ ફિલ્મ બનાવશે.

રવિએ પોતાના પરિચય માટે એક વિડીયો કેસેટ બનાવી હતી. જેમાં પોતાના અભિનયવાળી ‘મોર્ચા’ અને ‘ઇન્તેહા’ જેવી ફિલ્મોના દ્રશ્યો સાથે ડાન્સ સ્પર્ધાના ફૂટેજ મૂક્યા હતા. એન. ચંદ્રાને મળવા ગયો ત્યારે એ કેસેટ સાથે લઈ ગયો હતો. એમણે પૂછ્યું કે શું કામ કર્યું છે ત્યારે એ કેસેટ બતાવી. કેસેટ જોઈને એ વિચારમાં પડી ગયા. થોડીવાર પછી કહ્યું કે ડાન્સ કરી બતાવ. અને રવિએ એમની જ ફિલ્મ ‘તેજાબ’ ના ‘એક દો તીન’ ગીત પર ડાન્સ કર્યો. એનો ડાન્સ જોઈને એમણે કોઈ પ્રતિભાવ આપ્યો નહીં અને અંદર ગયા. થોડી વાર પછી પાછા આવ્યા ત્યારે એમની પત્ની અને બાળકો સાથે હતા.

એન. ચંદ્રાએ રવિને ‘એક દો તીન’ ગીત પર ફરી ડાન્સ કરવા કહ્યું. રવિએ ફરીથી એવો જ ડાન્સ કર્યો. એ ડાન્સ જોઈને એન. ચંદ્રાના પરિવારે તાળીઓ પાડી અને બહુ પ્રશંસા કરી. એ પછી એન. ચંદ્રા આવું છું કહીને ગયા. ઘણો સમય થઈ ગયો પણ એ આવ્યા જ નહીં. રવિએ બહાર આંટો માર્યો પણ કોઈ દેખાયું નહીં. તે રાહ જોતો હતો ત્યારે કોઈએ આવીને કહ્યું કે તમારો કોન્ટ્રાક્ટ તૈયાર થઈ રહ્યો છે. અને એન. ચંદ્રાએ જ્યારે એને ‘નરસિમ્હા’ નો કોન્ટ્રાક્ટ લેટર આપ્યો ત્યારે એ સાચું માની ના શક્યો. એણે કહ્યું કે મારે ઘરે પૂછવું પડશે. ત્યારે એન. ચંદ્રાએ કહ્યું કે એ તેની સાથે પરિવારને મળવા આવશે. અને એ ખરેખર રવિ બહલના ઘરે ગયા.

ફિલ્મ માટે તે સાઇન કરી રહ્યા હોવાનું જણાવ્યું અને પરવાનગી મેળવી લીધી. ફિલ્મનો હીરો સની દેઓલ હતો. શરૂઆતમાં રવિને એક-બે ગીતમાં ડાન્સ કરવાનો હતો. પણ એની કાબેલિયત જોઈને એન. ચંદ્રાએ ચાર-પાંચ ગીત એને આપી દીધા. એમાં ઉર્મિલા માતોંડકર સાથેના ગીત ‘હમ સે તુમ દોસ્તી કર લો’ અને ‘જાઓ તુમ ચાહે જહાં’ બહુ લોકપ્રિય થયા હતા.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

રવા માવા લાડુ

દૂંદાળા દેવને પ્રેમથી બનાવેલો પ્રસાદ ધરાવ્યો હોય અને બાપ્પા પ્રસન્ન ન થાય તેવું તો ના જ બને!

સામગ્રીઃ

  • રવો ½ કપ
  • ખાંડ વિનાનો મોળો માવો ½ કપ
  • ખાંડ ½ કપ
  • ઘી ¼ કપ
  • કાજુના ટુકડા 1 ટે.સ્પૂન
  • એલચી પાઉડર 1 ટી.સ્પૂન

રીતઃ સાકરને મિક્સીમાં પીસીને બારીક પાઉડર કરી લો.

એક પેન અથવા કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં કાજુના ટુકડા સોનેરી રંગના તળીને એક વાસણમાં કાઢી લો. એ જ પેનમાં રવો ગેસની ધીમી આંચ કરીને શેકી લો અને બીજા વાસણમાં કાઢી લો. હવો એ જ પેનમાં માવો પણ દસેક મિનિટ ધીમા ગેસ પર ગરમ કરીને માવો નરમ થાય એટલે રવાવાળા વાસણમાં કાઢી લો. રવો અને માવો ચમચા વડે મેળવી લો.

થોડીવાર બાદ આ મિશ્રણ હાથમાં લઈ શકાય તેવું સહેજ ઠંડું થાય એટલે દળેલી સાકર અને એલચી પાઉડર ભેળવી દો. સાથે કાજુના ટુકડા પણ મેળવીને મિશ્રણના જોઈતી સાઈઝના ગોળા વાળીને લાડુ વાળી લો.

લાડુ એરટાઈટ જારમાં ભરી લો. આ લાડુ 4-5 દિવસ સુધી રહી શકે છે.

૨૬ ઓગસ્ટ ૨૦૨૫

પંચાંગ 26/08/2025