Home Blog Page 615

રાજ્યમાં ફરી મેઘરાજા બઘડાટી બોલાવશે

ગુજરાતમાં વરસાદે થોડો વિરામ લીધો છે, પણ આવનારા દિવસોમાં હજુ વરસાદ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, નવરાત્રિ દરમિયાન ગરમી સાથે વરસાદી માહોલ રહેશે. છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતભરમાં વરસાદી ઝાપટાં પડશે. એટલું જ નહિ, દિવાળી આસપાસ પણ વાદળછાયું વાતાવરણ રહેશે. છેક નવેમ્બરની શરૂઆત સુધી ગુજરાતમાં વરસાદી અસર રહી શકે છે. ગુજરાતની આસપાસ બે વરસાદી સિસ્ટમો એક્ટિવ છે. જેના કારણે ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ સર્જાઇ છે.

નવરાત્રિમાં વરસાદ આવવાની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે. નવરાત્રિ દરમિયાન પહેલા ગરમી અને બાદમાં વરસાદ પડી શકે છે. આમ, છેક છઠ્ઠા નોરતાથી દશેરા સુધી વરસાદ આવી શકે છે. 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન વલસાડ અને ડાંગમાં 10 થી 20 મીમી વરસાદ ચાલુ રહી શકે છે. 18 થી 25 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય-પૂર્વ ગુજરાતમાં 1 થી 5 મીમી વરસાદની શક્યતા છે.


દક્ષિણ ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતના નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 107.75 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. ઝોન વાઇઝ જોવામાં આવે તો, સૌરાષ્ટ્ર ઝોનમાં હજુ 6.64 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા 13 સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે 14 સપ્ટેમ્બરે સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં વાવાઝોડા જેવી સિસ્ટમે ગુજરાતને ઘમરોળ્યા બાદ કેટલાક જિલ્લાઓમાં વરસાદે તબાહી મચાવી હતી. જોકે, રાહતના સમાચાર એ છે કે, હવે ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. વરસાદ ક્યારથી ઓછો થશે તેની હવામાન વિભાગે આગાહી કરી છે. હજુ બે દિવસની વરસાદની આગાહી છે. ખાસ કરીને કચ્છ બાજુ ભુકકા બોલાવી દીધા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધયમ તો કોઇ-કોઇ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, 16 સપ્ટેમ્બર સુધી હળવો વરસાદ પડી શકે છે. 14થી 16 તારીખ સુધી દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદમાં આગામી 24 કલાકમાં હળવો વરસાદ પડી શકે છે. કચ્છમાં સૌથી વધુ 135 ટકાથી વધુ વરસાદ પડ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી સાત દિવસની આગાહી કરી છે. પરંતુ ફરી ભારે વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે. 15 સપ્ટેમ્બરે છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો 16 તારીખે નવસારી અને વલસાડમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ત્રણ નદીઓનાં સંગમ સ્થળે શ્રાધ્ધ પિતૃ તર્પણ

દક્ષિણ ગુજરાતમાં જ્યાં કાર્તક, ચૈત્ર અને ભાદ્રપદમાં પિતૃઓનું શ્રાધ્ધ વિધિ અને નારણબલી માટેનું જાણીતું સ્થાન એટલે ચાણોદ. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં નર્મદા અને ઓરસંગ નદીના સંગમસ્થાન ઉપર જ સુપ્રસિધ્ધ તીર્થધામ ચાણોદ આવેલું છે. આ ક્ષેત્રમાં દક્ષિણે ડભોઇ- ચાંદોદ નૅરોગેજ રેલવેનું સ્ટેશન હતું. એનું પ્રાચીન નામ ચંડીપુર છે. અત્યારે આ ક્ષેત્ર મરણોત્તર વિધિ માટે ખૂબ જ જાણીતું થયું છે.

ચણોદમાં કપિલેશ્વર, કાશીવિશ્વનાથ, દામેશ્વર વગેરે છએક શિવમંદિરો છે. કપિલેશ્વર મંદિર 1000 વરસ જૂનું છે. સ્કંદપુરાણના રેવાખંડમાં એનો ઉલ્લેખ છે. કપિલ નાગે અહીં તપ કર્યું હતું. કાશીવિશ્વનાથ કાશીનાથ ગાયકવાડે અને દામેશ્વર દામાજીરાવ ગાયકવાડ બીજાએ બંધાવેલાં છે. રણછોડરાય, શેષનારાયણ, બાલાજી અને ત્રિકમજીનાં મંદિરો અને મહાપ્રભુની બેઠક એ વૈષ્ણવ સંપ્રદાયનાં મંદિરો છે. શેષનારાયણની મૂર્તિ કાળા આરસની છે. આ ઉપરાંત રામચંદ્રજી, હનુમાનજી, વેરાઈ માતા, હરિસિદ્ધિ માતા, ચંડિકા માતા વગેરેનાં મંદિરો પણ છે. ચંડિકા માતાના મંદિરના પ્રાંગણમાં 7 ઘોડાવાળા રથમાં બેઠેલા સૂર્યની મૂર્તિ છે. ચાંદોદથી ઉપરવાસમાં કુબેરભંડારીનું શિવમંદિર આવેલું છે. નર્મદાની પરિકમ્મા કરનારા યાત્રીઓ માટે ચાંદોદ અગત્યનું વિશ્રામસ્થાન છે.

ચાંદોદના વિદ્વાનો સંસ્કૃત અને કર્મકાંડ માટે જાણીતા છે. અહીં બે સંસ્કૃત પાઠશાળાઓ છે.નદી ઉપર મલ્હારરાવ ઘાટ, ચક્રપાણિ ઘાટ, યમ ઘાટ, હરિજન ઘાટ અને કપિલેશ્વર ઘાટ છે. ચૈત્રી પૂનમને દિવસે અહીં મેળો ભરાય છે.આઝાદી પૂર્વે ચાંદોદનો અર્ધો ભાગ ગાયકવાડનો અને બીજો અર્ધો ભાગ માંડવાના રાણાનો હતો. મેજર જેમ્સ ફૉર્બસે ચાંદોદનો તેના પુસ્તક ‘ઓરિયેન્ટલ મૅમોયર્સ’માં ઉલ્લેખ કર્યો છે. ચાણોદ નર્મદાકાંઠાના વિસ્તારનાં ગામો માટેનું બજાર છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

PM મોદી અને મોરિશિયસના PM વચ્ચે દ્વિપક્ષી કરારો થયા

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં મોરિશિયસના વડા પ્રધાન ડો. નવીનચંદ્ર રામગુલામ સાથે દ્વિપક્ષી ચર્ચા કરી હતી. મોદી અને ડો. રામગુલામ વચ્ચેની વાતચીત બાદ બંને દેશો વચ્ચે અનેક કરારો (MoUs) પર હસ્તાક્ષર થયા. આ પ્રસંગે મોદીજી કહ્યું હતું કે મને ગર્વ છે કે ભારત અને મોરિશિયસ માત્ર ભાગીદાર નથી, પરંતુ એક પરિવાર છે.

મોરિશિયસ ભારતની Neighbourhood Firstની નીતિ અને વિઝન મહાસાગરનો એક મહત્વપૂર્ણ સ્તંભ છે. માર્ચમાં તેમને મોરિશિયસના રાષ્ટ્રીય દિવસના સમારોહમાં હાજર રહેવાનો અવસર મળ્યો હતો. તે સમયે બંને દેશોએ પોતાના સંબંધોને વધુ ઊંચી વ્યૂહાત્મક ભાગીદારીનો દરજ્જો આપ્યો હતો. આજે દ્વિપક્ષી સહકારનાં તમામ પાસાંઓની વિગતવાર સમીક્ષા થઈ હતી. બંને નેતાઓએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારવિમર્શ કર્યો. મોદીએ ચાગોસ કરાર પૂર્ણ થવા પર PM રામગુલામ અને મોરિશિયસની જનતાને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.

ભારતની બહારનું પહેલું જન ઔષધિ કેન્દ્ર મોરિશિયસમાં સ્થાપિત થયું છે. હવે ભારત મોરિશિયસમાં આયુષ ઉત્તમતા કેન્દ્ર, ૫૦૦ પથારીવાળું સર શ્રીવસાગર રામગુલામ રાષ્ટ્રીય હોસ્પિટલ (SSRN), પશુચિકિત્સા વિદ્યાલય અને પશુ હોસ્પિટલના નિર્માણમાં સહયોગ આપશે. એ સાથે જ ચાગોસ સમુદ્રી સુરક્ષિત વિસ્તાર, SSR આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો ATC ટાવર, હાઈવે અને રિંગ રોડના વિસ્તરણ જેવા પ્રોજેક્ટ્સને પણ આગળ વધારશે. મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે આ સહાય નહીં પરંતુ અમારા સંયુક્ત ભવિષ્યમાં રોકાણ છે. ગયા વર્ષે મોરિશિયસમાં UPI અને RuPay કાર્ડ લોન્ચ કરવામાં આવ્યાં હતાં. હવે સ્થાનિક ચલણમાં વેપાર સક્ષમ બનાવવા માટે પ્રયાસ કરવામાં આવશે.

આ બેઠક પહેલાં વડા પ્રધાન મોદીએ વારાણસીમાં રોડ શો કર્યો હતો. તેમણે શહેરમાં પોલીસ લાઇનથી હોટેલ તાજ સુધી રોડ શો કર્યો. મોદી ત્યારબાદ બપોરે દહેરાદૂન જવાના છે અને સાંજે ૪:૧૫ વાગ્યે ઉત્તરાખંડના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરશે તથા સાંજે ૫ વાગ્યે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે.

પાન મસાલા જાહેરાત મામલે શાહરુખ, અજય અને ટાઈગરને નોટિસ

વિમલ પાન મસાલાની ભ્રામક જાહેરાત અંગે એક મોટું પગલું ભરતા, રાજસ્થાનના રાજ્ય ગ્રાહક નિવારણ પંચે બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફને નોટિસ ફટકારી છે.કમિશને આ ત્રણેય કલાકારો અને વિમલ પાન મસાલા કંપનીને 8 ઓક્ટોબર 2025ના રોજ રૂબરૂમાં અથવા વકીલ દ્વારા હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. જયપુરના રહેવાસી ગજેન્દ્ર સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.

રાજસ્થાન હાઈકોર્ટના એડવોકેટ સુમન શેખાવતે માહિતી આપી હતી કે ફરિયાદમાં જણાવાયું છે કે વિમલ પાન મસાલા અને જરદામાં કેસરના દાવા ગેરમાર્ગે દોરનારો છે. ફરિયાદમાં જણાવાયું છે કે કેસરની કિંમત પ્રતિ કિલો આશરે 4 લાખ રૂપિયા છે, તેથી આ દાવો અકલ્પનીય અને ગ્રાહકો માટે ગેરમાર્ગે દોરનારો છે. ઉપરાંત, આ ઉત્પાદન સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે અને તેના પ્રચારથી સમાજ પર, ખાસ કરીને યુવાનો પર નકારાત્મક અસર પડી રહી છે.

ફરિયાદમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે શાહરૂખ ખાન અને અજય દેવગન જેવા કલાકારો, જેમને રાષ્ટ્રીય પુરસ્કાર પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે, તેમની નૈતિક અને કાનૂની જવાબદારી છે કે તેઓ સમાજના હિતની વિરુદ્ધ હોય તેવા ઉત્પાદનોનો પ્રચાર ન કરે. તેમ છતાં, તેઓ કરોડો રૂપિયા લઈને વિમલ જેવા પાન મસાલા ઉત્પાદનોનો પ્રચાર કરી રહ્યા છે, જે સામાજિક દુષણને પ્રોત્સાહન આપે છે.

ફરિયાદીની મુખ્ય માંગણીઓ

ફરિયાદી ગજેન્દ્ર સિંહે કમિશન પાસે અનેક મહત્વપૂર્ણ માંગણીઓ કરી છે. જેમાં વિમલ પાન મસાલાના ઉત્પાદન અને જાહેરાત પર તાત્કાલિક પ્રતિબંધ, સંબંધિત કલાકારો પાસેથી રાષ્ટ્રીય પુરસ્કારો પાછા ખેંચવા અને તેમના પર 50 લાખ રૂપિયાનો નાણાકીય દંડ લાદવાનો સમાવેશ થાય છે.

સમાજમાં જાગૃતિ તરફ પહેલ

કાનૂની નિષ્ણાતો માને છે કે આ કાર્યવાહી સમાજને જાગૃત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. તમાકુ અને પાન મસાલા જેવા ઉત્પાદનોના દુષ્પ્રભાવથી યુવા પેઢીને બચાવવા માટે આવા કિસ્સાઓમાં કડકતા જરૂરી છે. કમિશનની આ કાર્યવાહીને એક ઉદાહરણ તરીકે ગણવામાં આવી રહી છે, જે આગામી સમયમાં જાહેરાતોની જવાબદારી નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

Financial Journalist Jayesh Chitalia talks with Chitralekha – Part 1

 ટ્રમ્પના દબાણ છતાં EU ભારત, ચીન પર ટેરિફ નહીં લગાડે

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એ માગને તેઓ સ્વીકારશે નહીં, જેમાં તેમણે રશિયાથી તેલ ખરીદતા મુખ્ય દેશો, ભારત અને ચીન પર ભારે ટેરિફ લગાવવાનો આગ્રહ કર્યો હતો, એમ યુરોપિયન યુનિયન (EU) ના સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે. EU એવુ કોઈ પગલું ભરવાનું વિચારી રહ્યું નથી, કારણ કે તે રશિયા પર દબાણ બનાવવા કરતાં અનેક અન્ય જોખમો ઊભા થાય એમ છે.

ટેરિફ અને આર્થિક પ્રતિબંધો – બંને અલગ બાબતો છે. ટેરિફ લગાવતાં પહેલાં લાંબી કાનૂની તપાસ કરવી પડે છે, જેમાં મહિનાઓ લાગી જાય છે. હજી સુધી ભારત કે ચીન પર સંભવિત ટેરિફ અંગે કોઈ ચર્ચા થઈ નથી. એ સિવાય યુરોપિયન યુનિયન ભારત સાથે એક મહત્વપૂર્ણ વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે, જેને તે જોખમમાં મૂકવા માગતું નથી, એમ EUના સૂત્રોએ જણાવ્યું હતું.યુરોપિયન યુનિયન પહેલેથી જ રશિયા પર અનેક પ્રતિબંધો લગાવી ચૂક્યું છે. તાજેતરમાં જુલાઈના પેકેજમાં EUએ બે ચીની બેન્કો અને એક મહત્વપૂર્ણ ભારતીય રિફાઇનરીને પણ પ્રતિબંધ યાદીમાં સામેલ કર્યા હતા. જોકે EU એ અત્યાર સુધી માત્ર રશિયા અને બેલારસનાં ખાતરો અને કૃષિ ઉત્પાદનો પર જ ટેરિફ લગાવ્યાં છે. અધિકારીઓનું કહેવું છે કે તેઓ કોઈ ખાસ સંસ્થા પર પ્રતિબંધ મૂકવાનું પસંદ કરે છે, જેથી જો તે સંસ્થા રશિયા સાથેનો વેપાર બંધ કરે તો તેને યાદીમાંથી હટાવી શકાય.

 EUનું આગામી પગલું શું હશે?

યુરોપિયન યુનિયન ટૂંક સમયમાં પોતાના 19મા પ્રતિબંધ પેકેજમાં બે મધ્ય એશિયાઈ દેશોની બેન્કો સાથે સાથે કેટલીક ચીની રિફાઇનરીઓને પણ પ્રતિબંધિત કરવાની યોજના બનાવી રહ્યું છે.

ચિંતા છોડ હે ચતુર…

થોડા દિવસોથી 35 વર્ષના માઈક્રોસોફ્ટ એન્જિનિયર પ્રતીક પાંડેનુ અચાનક અવસાન સિલિકોન વેલી જ નહીં, પણ ભારતીય આઈટી ઈન્ડસ્ટ્રીમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. કહે છે કે પ્રતીક ભારે તાણ હેઠળ હતો, એને કામનો બોજો હતો, પરંતુ કોઈ બીમારી નહોતી. 19 ઓગસ્ટના સાંજના 7:50 વાગ્યે પાંડેએ માઈક્રોસોફ્ટની કેલિફોર્નિયા સ્થિત માઉન્ટન વ્યુ ઓફિસમાં કામ શરૂ કર્યું. રાતે 2 વાગ્યે કંપનીના કેમ્પસમાં એનો મૃતદેહ મળ્યો.

મૃત્યુનું કારણ? હાર્ટ અટૅક.

બહારથી સ્વસ્થ દેખાતી, યુવાન, ચુસ્તસ્ફુર્ત વ્યક્તિ અચાનક હૃદયમાં દુખાવાની ફરિયાદ કરે ને કોઈ કંઈ સમજે તે પહેલાં મૃત્યુ પામે છે. નિષ્ણાતો આ માટેનું મહત્વનું કારણ આપે છેઃ સ્ટ્રેસ. આજકાલ યુવાનો જાતજાતના સ્ટ્રેસ મગજ પર લઈને ફરે છે.

નાની વાતોએ અકળાઈ જવું, ગુસ્સે થવું, હતાશા, ચિંતા જેવા અનેક માનસિક વ્યાધિને વળગાડનારનું નામ છેઃ સ્ટ્રેસ.

વિશેષજ્ઞો સ્ટ્રેસ આવવાનાં મુખ્ય ૩ કારણો જણાવે છે. 1)  જીવનમાંથી કશુંક ગુમાવી દેવાનો ડર, 2)  નકારાત્મક વાતાવરણને લીધે બંધાઈ જતી લઘુતાગ્રંથિ, 3) કોઈ કામને સારી રીતે સમયસર પાર પાડવાનું દબાણ.

એક ઉદાહરણ જોઈઃ શિક્ષકે ક્લાસમાં એક વિદ્યાર્થીને પાણીથી અડધો ભરેલો ગ્લાસ હાથમાં પકડાવીને ઊભો રાખ્યો. બે મિનિટમાં વિદ્યાર્થી થાકી ગયો અને પ્યાલો મૂકી દીધો.

શિક્ષકે સ્ટુડન્ટને પૂછ્યું કે, ધારો કે ગ્લાસ આખો દિવસ આમ પકડી રાખવાનો હોય તો?’ સ્ટુડન્ટ કહે, ‘તો તો મારો હાથ જ ખડી પડે.’

જો બસ્સો ગ્રામ જેવી હલકી વસ્તુ પણ લાંબા સમય સુધી ઉપાડવાથી આવી પરિસ્થિતિ સર્જાય તો રોજિંદા જીવનમાં કરવામાં આવતી સર્વે ક્રિયાઓનો ભાર માથે લઈને ફરીએ તો આપણા તન-મનની શું હાલત થાય?

સામાન્ય માણસ કઈ મોટી ભૂલ કરે છે જેથી આ તફાવત સર્જાય છે તે દર્શાવતાં ભક્તકવિ નરસિંહ મહેતા કહે છેઃ હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે… અર્થાત્ બળદગાડા નીચે ચાલતો કૂતરો વિચારે છે કે આ ગાડાનો ભાર હું જ વહન કરું છું. આને કહેવાય જ્ઞાન-ગરીબી.

આવી જ રીતે માણસ પણ સર્વ ક્રિયાનો ધણી થઈને ફરે છે માટે સ્ટ્રેસનો શિકાર થઈ જાય છે. આનાથી વિપરીત મહાપુરુષો સર્વ ક્રિયાનો ભાર ભગવાનના શિરે મૂકીને હળવાફૂલ રહે છે.  આ જ છે સાચું સ્ટ્રેસ મૅનેજમેન્ટ: ભગવાનના કર્તૃત્વનો સ્વીકાર.

વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજ જ્યારે દિલ્હી અક્ષરધામના નિર્માણ વખતે નિરીક્ષણ માટે પધાર્યા ત્યારે આશરે સો એકરની ભૂમિ પર ચોતરફ મોટા મોટા પથ્થર પડેલા. તે દર્શાવતાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ પૂછ્યું કે, ‘આટલું મોટું કાર્ય ઉપાડ્યું છે તો તમને ટેન્શન નથી રહેતું?’

ત્યારે પ્રમુખસ્વામી મહારાજના શબ્દોમાં પણ આ જ સમજણ છતી થઈ કે, ‘આટલા બધા પથ્થર પડ્યા છે, પણ છાતી પર એક કાંકરી જેટલો પણ ભાર નથી કેમ કે બધું ભગવાન ગોઠવે છે.’

અર્થાત્ સામાન્ય માણસો નાનું કામ કરવામાં પણ આરંભથી જ વ્યગ્ર બની જાય છે, જ્યારે મહાન પુરુષો મોટાં કાર્યો કરવા છતાં આકુળ વ્યાકુળ થતા નથી. આપણા અને મહાન પુરુષોના જીવનમાં તફાવત ક્યાં સર્જાય છે? સામાન્ય માણસ કઈ મોટી ભૂલ કરે છે, જેથી આ તફાવત સર્જાય છે તે નરસિંહ મહેતાએ દર્શાવ્યું.

ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન્…. અર્થાત્ કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળમાં નહીં, કારણ કે ફ્ળ ભગવાનના હાથમાં હોય છે. ફળની ચિંતા કર્યા વિના પોતાની પૂર્ણ શક્તિથી, પ્રમાણિકપણે પુરુષાર્થ કરવો એ જ તણાવમુક્ત જીવનની ચાવી છે. હા, બધું ભગવાન પર છોડી ન દેવું. કોઈ કાર્ય પાર પાડવા સો નહીં, પણ બસ્સો ટકા પ્રયાસ કરવો. તેમ છતાં પણ એ કાર્ય પાર ન પડે તો જેવી ભગવાનની મરજી કહીને ભૂલી જવું, પણ સતત એનો ભાર લઈને ફર્યા ન કરવું.

બસ તો, આપણે પણ ‘મહાજનો યેન ગતઃ સ પન્થાઃ એમ મહાપુરુષો જે માર્ગે ચાલ્યા છે એ જ માર્ગે પગલાં માંડીએ અને ભગવાનને આપણી સર્વક્રિયાનો ભાર સોંપી સ્ટ્રેસથી મુક્ત રહીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

EDના રૂ. 650 કરોડના GST કૌભાંડ મુદ્દે રાજ્યોમાં દરોડા

નવી દિલ્હીઃ EDએ દેશનાં વિવિધ રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી 650 કરોડ રૂપિયાના સંભવિત નકલી GST ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) દાવાઓ અને તે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં હાથ ધરવામાં આવી હતી. આ ઓપરેશનની તૈયારી ઘણા દિવસોથી ચાલી રહી હતી અને ગુરુવારની સવારે જ અનેક ટીમોએ અલગ-અલગ રાજ્યોમાં એકસાથે કાર્યવાહી શરૂ કરી હતી. EDનું આ અભિયાન ગુવાહાટી કચેરીની આગેવાની હેઠળ ચાલી રહ્યું છે.

અરુણાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, તમિલનાડુ અને તેલંગાણામાં અનેક સંવેદનશીલ સ્થળોએ તલાશી લેવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ રાજ્યોમાં વિવિધ કંપનીઓ અને વેપારીઓ પર શંકા હતી કે તેઓ નકલી દસ્તાવેજો દ્વારા ટેક્સ ક્રેડિટનો દાવો કરી રહ્યા હતા અને પછી આ જ પૈસાને જુદી-જુદી ચેનલો મારફતે કાળાં નાણાંને વ્યહાઇટ બનાવવા ઉપયોગ કરી રહ્યા હતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું.તપાસ એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે દરોડાનો હેતુ માત્ર પુરાવા એકત્ર કરવો જ નથી, પરંતુ નેટવર્કનો પર્દાફાશ કરવો પણ છે, જેમાં વેપારીઓ, દલાલો અને શેલ કંપનીઓનો ઉપયોગ કરનારાઓ સામેલ હોઈ શકે છે. EDના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે નકલી બિલો અને વ્યવહારો દ્વારા ટેક્સ ચોરી કરીને સરકારના ખજાનાને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

મની લોન્ડરિંગ અધિનિયમ (PMLA) હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તલાશી દરમિયાન અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો, ડિજિટલ રેકોર્ડ અને વ્યવહારો સાથે સંબંધિત કાગળો જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલીક શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. એજન્સીનું માનવું છે કે શરૂઆતના સ્તરે આ કૌભાંડ 650 કરોડ રૂપિયાનું છે, પરંતુ આગળની તપાસમાં આ રકમ વધુ પણ થઈ શકે છે.

જાપ-સ્મરણ: મનની શાંતિ અને ભક્તિનો શિરમણિ

 

નામ રસાયન પ્રેમ રસ, પીવત અધિક રસાલ,

કબીર પીવન દુર્લભ હૈ, માગે શીશ કલાલ.

 

ભક્તિમાર્ગમાં કર્મકાંડ, વેશ, બાહ્યા આડંબરનું મહત્ત્વ ઓછું છે. જાપનું મહત્ત્વ વિશેષ છે. નામ-જાપ માટે ગુરુ નાનકે પણ એ જ ઉપદેશ આપ્યો છે. દરેક ધર્મમાં જાપ-સ્તવન કરવા કહ્યું છે, કારણ કે તેના દ્વારા ચિત્તના તરંગો શાંત થાય છે.

યોગ સંબંધી વૈજ્ઞાનિક અભ્યાસના તારણો પણ એ જ છે કે શાંત સમાધિ દ્વારા મનના તરંગો ધીમા પડી જાય છે. આથી જ કહ્યું છે કે, કળિયુગમાં પ્રભુપ્રાપ્તિનો સરળમાં સરળ માર્ગ નામ-જાપ છે. મનની શાંતિ માટે પણ જાપ-સ્મરણ ઉપયોગી છે.

મન જ્યારે ઈચ્છાના આવેગમાં તણાય છે ત્યારે તેને ગતિ કે દિશાનો ખ્યાલ નથી રહેતો. આજના ઝડપી પરિવર્તનના સમયમાં ઈશ્વર- સ્મરણ દ્વારા જીવનને સાર્થક કરી શકાય છે. કબીરજી નામરસાયણ પીવામાં આવતી મુશ્કેલી દર્શાવવા દુર્લભ શબ્દ વાપરે છે.

આ કામ અલભ્ય નથી પણ તે પામવા માટે મદિરા વેચતો કલાલ જેમ દારૂ માટે પૈસા માગે છે તેમ પ્રભુસ્મરણ સાથે સમર્પણ માગે છે. આ માટે ત્યાગ સાથે સર્વસ્વ છોડવાની તૈયારી દર્શાવવાના હેતુથી કબીરજી માથું ધરી દેવાનું આહ્વાન કરે છે. ભક્તિ એ તો શીરતણું છે સાટુ.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

UNમાં અલ્પસંખ્યકોને મુદ્દે સ્વિટ્ઝર્લેન્ડને ભારતની ફટકાર

સંયુક્ત રાષ્ટ્રઃ સંયુક્ત રાષ્ટ્રમાં સ્વિટ્ઝર્લેન્ડે અલ્પસંખ્યકો સાથેના વર્તન પર ચિંતા વ્યક્ત કરી, જેના જવાબમાં ભારતે તીખી પ્રતિક્રિયા આપી હતી. સ્વિટ્ઝર્લેન્ડે ભારતને અલ્પસંખ્યકોની સુરક્ષા કરવાની સલાહ આપતાં ભારતે તેને એવો પાઠ શીખવ્યો છે કે તે હંમેશાં યાદ રાખશે. ભારતે સ્વિટ્ઝર્લેન્ડને યાદ અપાવ્યું કે તેના પોતાના દેશમાં જાતિવાદ, ભેદભાવ અને વિદેશીઓ પ્રત્યેની નફરત (ઝેનોફોબિયા) જેવી ગંભીર સમસ્યાઓ છે. એ પછી સ્વિટ્ઝર્લેન્ડ ચૂપ થઈ ગયું હતું.

આંતરિક મુદ્દાઓ પર ધ્યાન આપે સ્વિટ્ઝર્લેન્ડ

ભારતે સ્વિટ્ઝર્લેન્ડને મહાસભામાં ફટકારતાં કહ્યું હતું કે તે અન્ય દેશો પર આંગળી ઉઠાવવાને બદલે પોતાના આંતરિક મુદ્દાઓ પર ધ્યાન આપે, જે તેનાથી સંભાળી શકાતા નથી. ભારતના સ્થાયી મિશનમાં પરામર્શદાતા ક્ષિતિજ ત્યાગીએ સંયુક્ત રાષ્ટ્રમાં સ્વિસ પ્રતિનિધિના નિવેદનનો જવાબ આપતા કહ્યું હતું કે સ્વિટ્ઝર્લેન્ડે પોતાના આંતરિક પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, અન્યને સલાહ આપવાનો તેને કોઈ અધિકાર નથી.

સ્વિટ્ઝર્લેન્ડનું નિવેદન

સંયુક્ત રાષ્ટ્રમાં સ્વિસ પ્રતિનિધિએ ભારતને અલ્પસંખ્યકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમ જ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને મિડિયા સ્વતંત્રતા જાળવવાની અપીલ કરી હતી. સ્વિટ્ઝર્લેન્ડે ભારતને અસરકારક પગલાં લેવા કહ્યું હતું, જેથી દેશમાં બધા નાગરિકોને તેમની મૂળભૂત સ્વતંત્રતાઓ મળી શકે.

ભારતની આકરી પ્રતિક્રિયા

ભારતે સ્વિટ્ઝર્લેન્ડની આ સલાહ પર આકરી પ્રતિક્રિયા આપી હતી. ભારતીય પ્રતિનિધિ ક્ષિતિજ ત્યાગીએ સ્વિટ્ઝર્લેન્ડને તેના પોતાના સામાજિક મુદ્દાઓ તરફ ઈશારો કરતાં કહ્યું હતું કે ત્યાં “જાતિવાદ, ભેદભાવ અને ઝેનોફોબિયા” જેવી સમસ્યાઓ છે. સ્વિટ્ઝર્લેન્ડે પહેલાં પોતાના આંતરિક પ્રશ્નો ઉકેલવા જોઈએ. એ સાથે જ ભારતે સ્પષ્ટ કરી દીધું કે તે આવી ટીકા સ્વીકારશે નહીં, ખાસ કરીને ત્યારે જ્યારે ટીકા કરનાર પોતે ગંભીર આંતરિક સમસ્યાઓનો સામનો કરી રહ્યો હોય.