Home Blog Page 605

દેડકાંની પાંચશેરી

 

દેડકાંની પાંચશેરી

 

 

દેડકું સતત કૂદાકૂદ કરતો જીવ છે. આવા દેડકાંને ભેગા કરી ત્રાજવાના પાલ્લામાં મૂકવા હોય તો એકને મૂકો ત્યાં બીજું કૂદીને નીકળી જાય.

આ કારણથી ક્યારેય પાંચ શેર વજન થાય એટલી સંખ્યામાં દેડકાં ભેગા થાય નહીં. અને એ કામ ક્યારેય પૂરું થાય નહીં.

આમ એક ઉધમાતિયું ટોળું અથવા શિસ્ત વગરના સમૂહને એક કરવો અશક્ય છે. ગમે તેમ ગોઠવતાં પણ વ્યવસ્થિત ગોઠવાય નહિ એવી સ્થિતિ. દેડકાંથી પાંચશેરી બંધાય નહિ, તે ઉપરથી જે કામ સમૂહથી કરવાનું હોય તે થાય નહિ ત્યારે આ પ્રયોગ વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

પંચાંગ 16/09/2025

નવરાત્રિ પહેલાં રાસ-ગરબાની ‘પ્રેક્ટિસ’નો વધતો ટ્રેન્ડ

અમદાવાદ: આસો સુદ એકમથી શક્તિની આરાધના અનુષ્ઠાનના દિવસો નવરાત્રિની શરૂઆત થઈ જશે. હિંદુ ધર્મમાં નવરાત્રિને વિવિધ પ્રાંતો જુદી-જુદી રીતે ઉજવે છે. આ ધાર્મિક ઉત્સવને વિશ્વભરમાં રહેતા ગુજરાતીઓ કંઈક અનોખા આયોજન કરી ઉત્સાહથી ઉજવે છે. નવરાત્રિના મહોત્સવની ઉજવણી માટે વિશ્વ આખાયમાં આયોજકોની સાથે ખેલૈયા પણ તૈયારીઓ પૂરજોશમાં કરી રહ્યા છે.ગામડાંની શેરીઓ, ચોરા, શહેરની સોસાયટીઓ કે ક્લબો પાર્ટી-પ્લોટ જ્યાં ગરબા યોજાવાના હોય ત્યાં આ વર્ષે મંડપ ડેકોરેશન સજાવટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે પણ તમામ તહેવારો, ઉત્સવોની ઉજવણીમાં લોકો ઉત્સાહભેર ભાગ લઇ રહ્યા છે. ગણેશોત્સવ હોય કે નવરાત્રિ બમણાં ઉત્સાહથી લોકો બહાર આવી આસ્થા સાથે આનંદ મેળવી રહ્યા છે. શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, ક્લબો, પાર્ટી-પ્લોટ અને રિસોર્ટમાં રાસ-ગરબાની ઉજવણી ઇવેન્ટના હોર્ડિંગ્સ ઠેર-ઠેર લાગી ગયા છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ રાસ-ગરબાની તાલીમ આપતા ટ્રેઇનિંગ સેન્ટરોમાં મોટી સંખ્યામાં લોકો તાલીમ લઇ રહ્યા છે. જેમાં દરેક વયજૂથના લોકો રાસ ગરબાની તાલીમ લઈ રાસ-ગરબાના અવનવા સ્ટેપ્સ શીખી રહ્યા છે. ગરબાની મોજ લેતાં ગ્રુપ આ વર્ષે રાસ-ગરબાના નવા સ્ટેપ, સ્ટાઇલને શીખી સોશિયલ મીડિયા પર મૂકી વાયરલ કરી રહ્યા છે. અમદાવાદ શહેરમાં સોમવારની વહેલી સવારે પચ્ચીસ વર્ષથી પણ જૂના પનઘટ પરફોર્મિંગ આર્ટ’ ગરબાના ગ્રુપ  સાથે જોડાયેલા લોકો દ્વારા સંપૂર્ણ ટ્રેડિશનલ ડ્રેસ સાથે રાસ ગરબાની પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવી હતી.દેશ-વિદેશમાં વિશાળ સ્ટેજ પર તેમજ અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પરંપરાગત પહેરવેશ સાથે પનઘટ દ્વારા ઘણાં વર્ષોથી હજારો કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા છે. પરંપરાગત રાસ ગરબા સાથે સતત પચીસેક વર્ષથી કાર્યરત પ્રચલિત પનઘટ પરફોર્મિંગ આર્ટના ચેતન દવે ચિત્રલેખા. કોમને કહે છે, “અમારું ‘ગરબા ગ્રુપ’  ગુજરાતના જુદા-જુદા શહેર, રાજ્યોની સાથે વિદેશમાં પણ આપણી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ કરે છે. પરદેશમાં અવાર-નવાર ‘ટ્રેડિશનલ ફોક ફેસ્ટિવલ’માં અમારું ગૃપ ભાગ લઈ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે.” વાયબ્રન્ટ ગુજરાત જેવાં કાર્યક્રમમાં વિદેશી મહેમાનો આપણી સંસ્કૃતિની ભવ્યતાથી ખૂબ જ પ્રભાવિત થાય છે. છેલ્લા ઘણાં વર્ષોથી ગરબા વિશે વિશ્વ જાણતું થયું હોવાથી દેશ-વિદેશમાં રાસ-ગરબાને જબરદસ્ત પ્રતિસાદ પણ મળે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)

NDA , ઇન્ડિયા બ્લોકમાં સીટ વહેંચણીમાં ક્યાં ફસાયો છે પેચ?

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં  હવે બહુ સમય નથી. પરંતુ ચૂંટણી મેદાનમાં ઊતરવા માટે તૈયાર થયેલા બંને મોટાં ગઠબંધનોમાં બેઠક વહેચણીને લઈને હજુ સુધી તસવીર સ્પષ્ટ થઈ નથી. વાત NDAની હોય કે પછી મહાગઠબંધનની, બંને બાજુમાં હાલ એકસરખું જ દ્રશ્ય દેખાઈ રહ્યું છે. NDAમાં બેઠક વહેંચણી પહેલાં એક તરફ નાના ઘટક દળોમાં ખેંચતાણ છે, તો બીજી તરફ મહાગઠબંધનમાં મતદાર અધિકાર યાત્રા પછી RJD અને કોંગ્રેસ પોતાના-પોતાના પ્લાન સાથે આગળ વધી રહ્યા છે.

જોકે NDAમાં બેઠક વહેચણીને લઈને હજુ સુધી બેઠકોનો દોર પણ શરૂ થયો નથી, જ્યારે મહાગઠબંધનના ઘટક દળોમાં બેઠકો તો થઈ રહી છે, પરંતુ કોઈ ફોર્મ્યુલા સામે નથી આવી. NDAમાં ક્યાં પડી છે ગાંઠ?

NDA તરફથી નીતીશકુમાર જ CMનો ચહેરો રહેશે, એ બાબતે તસવીર સ્પષ્ટ છે. ચૂંટણી તૈયારીને લઈને NDAનો વિધાનસભા સ્તરે કાર્યકર સંમેલનોનો દોર પણ ચાલુ છે. NDA માટે સૌથી સારી વાત એ છે કે ચૂંટણી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ કાર્યક્રમોથી BJP અને તેના સાથી દળોના કાર્યકરોમાં ઉત્સાહ ભરી રહ્યા છે. પરંતુ બેઠક વહેચણીની વાત કરીએ તો NDAમાં ઘટક દળોમાં હજુ સુધી કોઈ બેઠક શરૂ થઈ નથી.

મહાગઠબંધન કેટલું એકજુટ?

મહાગઠબંધનની અંદર બેઠક વહેંચણીને લઈને કહાની પણ ઓછી જટિલ નથી. બિહારમાં ચૂંટણી પંચ દ્વારા કરાયેલા SIRને મુદ્દો બનાવીને રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે અન્ય સાથી દળોના નેતાઓ સાથે મળીને ભલે મતદાર અધિકાર યાત્રા કરી હોય, પરંતુ બેઠક વહેંચણી પર મહાગઠબંધનની ગાડી આગળ વધી રહી નથી. બિહારના વિપક્ષના નેતા તેજસ્વી યાદવને કોર્ડિનેશન કમિટીના પ્રમુખ બનાવાયા, પરંતુ કોંગ્રેસે તેજસ્વીનો CM ઉમેદવાર તરીકે હજી સુધી સ્વીકાર નથી આપ્યો.

કોંગ્રેસના નેતાઓ સતત કહે છે કે CM ઉમેદવાર કોણ હશે તે જનતા નક્કી કરશે, અમારું પૂરું ધ્યાન ચૂંટણી જીતવા પર છે. સ્પષ્ટ છે કે બેઠક વહેંચણીનો અંતિમ નિર્ણય થયા વગર કોંગ્રેસ તેજસ્વીના નામની જાહેરાત થવા દેવા ઈચ્છતી નથી.

કોણ છે ઓવેન કૂપર? જેણે 15 વર્ષની ઉંમરે જીત્યો એમી એવોર્ડ

લોસ એન્જલસના પીકોક થિયેટરમાં 77મો એમી એવોર્ડ્સ યોજાયો હતો. આ સમારોહમાં 15 વર્ષીય ઓવેન કૂપરે (Owen Cooper) લિમિટેડ સિરીઝ અથવા ફિલ્મ કેટેગરીમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ જીત્યો છે. ઓવેને સૌથી નાની ઉંમરે આ ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો.

15 વર્ષીય બ્રિટિશ અભિનેતા ઓવેન કપૂરે ટીવી સીરિઝ એડોલસન્સ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એમી એવોર્ડ જીત્યો છે. આ સાથે જ તે એમી એવોર્ડ જીતનાર સૌથી નાની ઉંમરનો અભિનેતા બની ગયો છે. આ માટે તેને ઘણા સેલેબ્સ અભિનંદન પાઠવી રહ્યા છે. બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પણ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કરીને તેને અભિનંદન આપ્યા છે. નેટફ્લિક્સની ટીવી સીરિઝ ‘એડોલેસન્સ’ માં જેમી મિલરની ભૂમિકા માટે તેમને લિમિટેડ અથવા એન્થોલોજી કેટેગરી અથવા ટીવી મૂવીમાં શ્રેષ્ઠ સહાયક અભિનેતા માટે નોમિનેટ થયો હતો.

કોણ છે ઓવેન કૂપર?

5 ડિસેમ્બર, 2009 ના રોજ ઇંગ્લેન્ડના ચેશાયરના વોરિંગ્ટનમાં ઓવેનનો જન્મ થયો છે. તેણે અભિનય ક્ષેત્રમાં આવવાનું ક્યારેય વિચાર્યુ નહોતું. ઓવેનને પહેલેથી ફૂટબોલમાં રસ હતો અને તે એમાં જ પોતાનું કરિયર બનાવાનું વિચારતો હતો. તેનું સપનુ ફુટબોલ ખેલાડી બનવાનું હતું. થોડા વર્ષો પહેલા જ તેને અભિનયમાં રસ પડ્યો. તે ટોમ હોલેન્ડને ધ ઇમ્પોસિબલ (2012) માં જોઈને પ્રેરિત થયો. અભિનય પ્રત્યેના તેના જુસ્સા ઉપરાંત ઓવેનને ફૂટબોલ ખૂબ ગમે છે. તેની પ્રિય ફૂટબોલ ટીમ લિવરપૂલ છે (લિવરપૂલ ઇકો દ્વારા).

ઓવેન આકસ્મિક રીતે અભિનય તરફ વળ્યો. ઓવેને કોરોનેશન સ્ટ્રીટ અભિનેત્રી ટીના ઓ’બ્રાયન અને એસ્થર મોર્ગન દ્વારા સહ-સ્થાપિત માન્ચેસ્ટર સ્થિત ડ્રામા સ્કૂલ, ધ ડ્રામા મોબમાં નાટકના સેશન લીધા છે. જ્યાંથી તેની પ્રારંભિક અભિનય કુશળતા વિકસી. ઓવેનના પહેલા પ્રોજેક્ટની વાત કરીએ તો તે નેટફ્લિક્સની ટીવી સીરિઝ ‘એડોલેસન્સ’ છે. 14 વર્ષનો ઉંમરે તેણે આ સીરિઝ કરી હતી. જેમાં તેના અભિનયની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી.

ઓવેન આગામી બીબીસી થ્રી શ્રેણી ફિલ્મ ક્લબ માટે તૈયાર છે. તેમજ તે એમેરાલ્ડ ફેનેલની વુધરિંગ હાઇટ્સનામાં યુવાન હીથક્લિફ તરીકે જોવા મળશે. જે વર્ષ 2026માં રિલીઝ થશે.

એમી પહેલા પણ ઓવેને કેટલીક સિદ્ધીઓ હાંસિલ કરી છે. ઓવેનને લિમિટેડ સીરિઝમાં ઉત્કૃષ્ટ સહાયક પ્રદર્શન માટે ગોથમ ટીવી એવોર્ડ મળ્યો હતો. તે ફક્ત એમી જીતનાર સૌથી યુવા પુરુષ અભિનેતા જ નથી પણ તેની શ્રેણીમાં સૌથી યુવા નોમિની પણ છે.

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ઇન્સ્ટાગ્રામ પર ઓવેન કૂપરનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેને ‘એડોલેસન્સ’ શોમાં તેના શાનદાર અભિનય માટે એમી એવોર્ડ મળ્યો છે. બોલિવૂડ અભિનેત્રીએ આ પોસ્ટના કેપ્શનમાં કૂપરની ઐતિહાસિક જીત પર ખુશી વ્યક્ત કરતા કેટલાક ઇમોજી પણ ઉમેર્યા છે.

 

બિહારમાં SIR મુદ્દે કોર્ટે ચૂંટણી પંચને આપી ‘સુપ્રીમ’ ચેતવણી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે સ્પષ્ટ કર્યું કે ભારતનું ચૂંટણી પંચ એક બંધારણીય સત્તા હેઠળ બિહારમાં ચાલી રહેલી મતદાર યાદીની વિશેષ વ્યાપક પુનર્મૂલ્યાંકન (Special Intensive Revision – SIR) દરમ્યાન કાયદાનું સંપૂર્ણ પાલન કરી રહ્યું છે. કોર્ટે આ પ્રક્રિયાની કાનૂની માન્યતા સ્વીકારીને જણાવ્યું હતું કે જો કોઈ પણ પ્રકારની ગેરકાયદેસરતા મળી આવશે, તો તે પ્રક્રિયાને રદ કરવામાં કોર્ટ કોઈ સંકોચ નહીં કરે.

 7 ઓક્ટોબરે અંતિમ દલીલ

ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમલ્યા બાગચીની ખંડપીઠે બિહાર SIRની કાનૂની માન્યતા અંગેની અંતિમ દલીલો સાંભળવા માટે સાત ઓક્ટોબર નક્કી કરી છે. ખંડપીઠે આ મામલે “ટુકડાઓમાં અભિપ્રાય” આપવા પરથી સ્પષ્ટ ઈનકાર કરતાં કહ્યું હતું કે તેમનો નિર્ણય દેશમાં SIR પ્રક્રિયા પર લાગુ પડશે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે એ ચૂંટણી પંચને દેશના અન્ય ભાગોમાં મતદાર યાદીની સુધારણા માટે આવી જ પ્રક્રિયા અપનાવાથી રોકી શકતું નથી.

એક અરજી પર નોટિસ

કોર્ટે 8 સપ્ટેમ્બરે ટોચની અદાલતના તે આદેશને પાછો ખેંચવા વિનંતી કરતી અરજી પર નોટિસ જારી કરી, જેમાં ચૂંટણી પંચને બિહાર SIRમાં 12મા નક્કી કરેલા દસ્તાવેજ તરીકે આધાર કાર્ડને સામેલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. કોર્ટ પહેલેથી જ સ્પષ્ટ કરી ચૂકી છે કે આધાર કાર્ડ નાગરિકત્વનો પુરાવો નહીં ગણાય, પરંતુ મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે પંચ દ્વારા રજૂ કરાયેલા આધાર કાર્ડની વાસ્તવિકતાની તપાસ કરી શકાય છે.

અંતિમ સુનાવણીની આટ ઓક્ટોબર નક્કી

બિહાર SIRની કાનૂની માન્યતા પર અંતિમ દલીલો માટે સુપ્રીમ કોર્ટે સાત ઓક્ટોબર 2025ની તારીખ નક્કી કરી છે. ગયા સોમવારે એટલે કે 8 સપ્ટેમ્બર 2025એ આદેશ અપાયો હતો કે SIRની પ્રક્રિયા હેઠળ મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે જરૂરી 11 દસ્તાવેજો ઉપરાંત આધાર કાર્ડને 12મા દસ્તાવેજ તરીકે સામેલ કરવામાં આવે.

 ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો

ગાંધીનગર: ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’-૨૦૨૫ ઉદયપુર ખાતે યોજાયો હતો. ગુજરાત અને રાજસ્થાન વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાનના ઉદ્દેશ્ય સાથે રવિવારે ઉદયપુરના ફીલ્ડ ક્લબ સંકુલમાં આ અનોખો કાર્યક્રમ યોજાયો હતો. વાઇબ્રન્ટ ગુજરાત કલ્ચરલ પ્રોગ્રામમાં ઉદયપુરવાસીઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.ગુજરાત પ્રવાસન નિગમના ઉપક્રમે આ પ્રકારના પ્રથમ-અનોખો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. જેનો શુભારંભ પંજાબના રાજ્યપાલ તથા ચંદીગઢના વહીવટદાર ગુલાબચંદ કટારિયાના હસ્તે કરવામાં આવ્યો હતો. કાર્યકર્મમાં ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ગુલાબચંદ કટારિયાએ કહ્યું, ઉદયપુર જેવા ઐતિહાસિક અને સાંસ્કૃતિક શહેરમાં વાઇબ્રન્ટ ગુજરાત કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન આપણા સૌ માટે ગર્વની બાબત છે. ઉદયપુરને તળાવોની નગરી કહેવામાં આવે છે અને ગુજરાતને જીવંત સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસા માટે ઓળખવામાં આવે છે. બંનેનો સંગમ અદભૂત સંયોગ છે. આ પ્રકારના કાર્યક્રમો આપણા ભારતીય સાંસ્કૃતિક વારસાને વધુ મજબૂત કરશે. સાથે-સાથે ભારતને પ્રવાસનના ક્ષેત્રમાં વૈશ્વિક નકશા પર વધુ મજબૂતાઈથી સ્થાપિત કરશે.”મુળુભાઈએ જણાવ્યુ કે, રાજસ્થાન અને ગુજરાતનો સંબંધ બહુ જૂનો અને મજબૂત છે. ખાણી-પીણી, રહેણી-કરણી તેમજ પરંપરાઓમાં તેની ઝલક જોવા મળે છે. આ આયોજન બંને રાજ્યો વચ્ચેના અતૂટ સંબંધને વધુ મજબૂત બનાવશે.આ ગરબામાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ પરંપરાગત વસ્ત્રોમાં ભાગ લીધો હતો. કોઈએ ગુજરાતના લોકજીવનને દર્શાવતી ચણિયાચોળી અને કેડિયુ તથા ચોરણા ધારણ કર્યા હતા. તો કેટલાંક ખેલૈયાઓએ રાજપૂતાના ગૌરવનું પ્રતિનિધિત્વ કરતા ધોતી-કુર્તા અને મેવાડી પાગ અથવા મારવાડી સાફા સાથે અલગ જ છટા પાથરી હતી. ગુજરાતના પરંપરાગત લોકગીતો અને લોકનૃત્યની ધૂન પર થનગનતા પગ એક ભારત, શ્રેષ્ઠ ભારતનું દિગ્દર્શન કરતા હોય, તેવો માહોલ સર્જાયો હતો.કાર્યક્રમના પ્રારંભમાં આકર્ષક પરંપરાગત ગુજરાતી લોક પ્રદર્શન યોજાયું. તેમાં તલવાર રાસ, ગોફ ગૂંથણ અને મણિયારો રાસની રજૂઆતોએ મંત્રમુગ્ધ કરી દીધા. ત્યાર બાદ રાજસ્થાનના આત્મા સમુ ઘૂમર નૃત્ય શરૂ થયું. તેમાં જાણે કે આખું સંકુલ જ સાંસ્કૃતિક સમાગમનું પ્રતિબિંબ બની ગયું. મનમોહક રજૂઆત પછી, જાણીતા પાર્શ્વગાયક પાર્થિવ ગોહિલે ગુજરાતના પરંપરાગત લોકગીતોની રજૂઆતો કરી હતી.

આયોજન દરમિયાન ગુજરાતી ગરબાની સાથે પરંપરાગત ગુજરાતી વ્યંજનોના પણ સ્ટોલ્સ સજાવવામાં આવ્યા હતા. તેમાં ખેલૈયાઓએ ગુજરાતના સ્વાદિષ્ટ પરંપરાગત વ્યંજનો ખમણ-ઢોકળા, ફાફડા સહિત અનેક પ્રકારની વાનગીઓની લિજ્જત માણવાની તક પણ મળી હતી.

ટ્રમ્પ ટેરિફથી ઝિંગા નિકાસના 50 ટકા ઓર્ડર રદઃ  કરોડોનું નુકસાન

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફનો સીધી અસર હવે દેખાઈ રહી છે. ટેરિફને કારણે આંધ્ર પ્રદેશની ઝિંગા નિકાસને લગભગ 25,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અને અંદાજે 50 ટકા નિકાસ ઓર્ડર રદ થયા છે. સરકારી અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે નિકાસ થતાં લગભગ 2000 કન્ટેનરો પર આશરે 600 કરોડ રૂપિયાનો ટેરિફ બોજ પડ્યો છે.

CM એન. ચંદ્રબાબુ નાયડુએ ફરી એક વાર કેન્દ્રને આંધ્ર પ્રદેશના એક્વા ફાર્મર્સને મદદ કરવા અપીલ કરી છે. તેઓ અમેરિકા તરફથી લગાવવામાં આવેલા ટેરિફને કારણે ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે. ટ્રમ્પના અગાઉથી જાહેર કરાયેલા 25 ટકા ટેક્સ ઉપરાંત 25 ટકા એક્સ્ટ્રા ટેરિફ પણ લગાવવામાં આવ્યો છે. તેની સાથે જ અમેરિકા દ્વારા 5.76 ટકા કાઉન્ટર વેલિંગ ડ્યુટી અને 3.96 ટકા એન્ટી-ડમ્પિંગ ડ્યુટી પણ લગાવવામાં આવી છે. આ બધું મળીને કુલ અમેરિકી ટેક્સ હવે 59.72 ટકા સુધી પહોંચી ગયો છે.

CM નાયડુનાં સૂચનો

CM નાયડુએ GSTમાં રાહત અને રાજ્યના એક્વા ફાર્મર્સને આર્થિક પેકેજ આપવાનો સૂચન કર્યું છે. તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરી કે એક્વા ફાર્મર્સને નુકસાનથી બચાવવા માટે રાષ્ટ્રીય સ્તરે નિર્ણય લેવામાં આવે. CMએ એક્વા પ્રોડક્ટ્સની સ્થાનિક ખપત વધારવાના ઉપાયો કરવા પણ વિનંતી કરી હતી. નાયડુએ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામન, પીયૂષ ગોયલ અને રાજીવ રંજન સિંહને અલગ-અલગ પત્ર લખ્યા છે.

રાજ્યની તરફથી લેવાયેલાં પગલાં

. દેશનાં ઝિંગા એક્સપોર્ટમાં આંધ્ર પ્રદેશનો 80 ટકા હિસ્સો છે અને મરિન એક્સપોર્ટમાં આશરે 34 ટકા છે. તેની વાર્ષિક નિકાસલગભગ 21,246 કરોડ રૂપિયાની છે. આશરે 2.5 લાખ એક્વા ફાર્મર્સના પરિવારો અને આ ક્ષેત્ર સાથે જોડાયેલા 30 લાખ લોકો મુશ્કેલીમાં છે. નાયડુએ રાજ્ય તરફથી લેવાયેલાં પગલાં વિશે પણ જણાવ્યું. છે. રાજ્ય સરકાર પહેલેથી જ કેટલીક રાહતની યોજનાઓ શરૂ કરી ચૂકી છે.

સ્મૃતિ ઈરાનીએ સંઘર્ષના દિવસો કર્યા યાદ, પિતાએ રાખી હતી અનોખી શરત

અભિનેત્રી અને રાજકારણી સ્મૃતિ ઈરાનીએ તેમના કારકિર્દી, સંઘર્ષ અને રાજકીય સફર વિશે વાત કરી. તેમણે તેમના પિતાની એક અનોખી સ્થિતિ વિશે પણ જણાવ્યું.

ટેલિવિઝન અભિનેત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની હાલમાં ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ ના રીબૂટમાં જોવા મળી રહ્યા છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના સંઘર્ષના દિવસોને યાદ કર્યા. તેણીએ એમ પણ કહ્યું કે એક સમયે લોકો તેને ખરાબ અભિનેત્રી કહેતા હતા. તેણીએ તેના રાજકીય કારકિર્દી વિશે પણ વાત કરી.

સોહા અલી ખાનના પોડકાસ્ટ ‘ઓલ અબાઉટ હર’ ના એક એપિસોડમાં, સ્મૃતિ ઈરાનીએ તેમના સંઘર્ષના દિવસો યાદ કર્યા. ઉપરાંત, અભિનેત્રી અને રાજકારણી તરીકેની તેમની સફરને યાદ કરતા, તેમણે કહ્યું કે 25 વર્ષ પહેલા મને પાર્ટ-ટાઇમ નેતા અને ફુલ-ટાઈમ અભિનેત્રી કહેવામાં આવતી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે એક વાર તેમણે તેમના પિતાને પૂછ્યું હતું કે હું મારું બાકીનું જીવન કોઈની પત્ની તરીકે જીવીશ અને 17 વર્ષ સુધી તમારી પુત્રી તરીકે. મને મારા માટે જીવવાનો મોકો ક્યારે મળશે?

સ્મૃતિએ જણાવ્યું કે તેની પહેલી નોકરી દિલ્હીના જનપથના રસ્તાઓ પર 200 રૂપિયા પ્રતિ દિવસના પગારે હતી. અભિનેત્રીએ કહ્યું કે મેં મારા પિતા પાસેથી લોન લીધી હતી. પિતાએ કહ્યું હતું કે હું તને એક વર્ષનો સમય આપું છું અને જો તું મને પૈસા ન આપી શકે તો હું જેની સાથે કહું તેની સાથે લગ્ન કરી લેજે.

શરૂઆતના દિવસો યાદ આવે છે

સ્મૃતિએ તુલસીના પાત્રની લોકપ્રિયતા અને તેની કારકિર્દીના શરૂઆતના દિવસો યાદ કર્યા. તેણીએ કહ્યું કે શરૂઆતના દિવસોમાં, હું જ્યાં પણ જતી, લોકો કહેતા કે તું ખરાબ અભિનેત્રી છે. પુરુષ કલાકારોને મારા કરતા વધુ પૈસા મળતા હતા. આ દરમિયાન, જ્યારે તેણીને પૂછવામાં આવ્યું કે આજની તુલસી 25 વર્ષ પહેલા શું કહેતી, ત્યારે સ્મૃતિએ કહ્યું, ‘વધુ પગાર મેળવો.’

27 વર્ષની ઉંમરે પહેલી ચૂંટણી લડી

પોતાની રાજકીય કારકિર્દી વિશે વાત કરતાં, સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે મેં 2004 માં મારી પહેલી ચૂંટણી લડી હતી. હું 27 વર્ષની હતી. હાર્ડકોર રાજકારણને સમજવા માટે ન તો કોઈ શિક્ષણ છે કે ન તો કોઈ શૈક્ષણિક સાહસ.

પટનામાં ભરતીને લઈને ઉમેદવારોનું પ્રદર્શનઃ પોલીસે કર્યો લાઠીચાર્જ

પટનાઃ પટનામાં પોલીસ ભરતીને લઈને ઉમેદવારો પ્રદર્શન કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ઉમેદવારો એકઠા થયા છે અને CM નિવાસનો ઘેરાવ કરવાના પ્રયાસ કરી રહ્યા હતા. ઉમેદવારો તિરંગો હાથમાં લઈને વિરોધ પ્રદર્શન માટે રસ્તા પર ઊતર્યા હતા. પ્રદર્શન કરી રહેલા ઉમેદવારો બેરિકેડિંગ તોડી આગળ વધી ગયા હતા. પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. એ સાથે જ CM નિવાસની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

ઉમેદવારો BPSSC અને સેન્ટ્રલ કોન્સ્ટેબલ સિલેક્શન બોર્ડ (CSBC)ની પરીક્ષામાં પારદર્શિતા સહિત પોતાની માગોને લઈને પટનામાં વિરોધ કરી રહ્યા હતા.

TRE-3નાં પૂરક પરિણામ જાહેર કરવા પણ પ્રદર્શન

આ પહેલાં તાજેતરમાં બિહારમાં શિક્ષક ભરતી પરીક્ષા (TRE-3)નાં પૂરક પરિણામ જાહેર કરવાની માગ સાથે પણ ઉમેદવારોએ ધરણાં-પ્રદર્શન કર્યું હતું, જેને હટાવવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ત્યાર બાદ થોડા સમય માટે ભાજપ  કચેરીની બહાર અફરાતફરી મચી ગઈ હતી. લાઠીચાર્જ અંગે પટનાની એસપી દિક્ષા એ જણાવ્યું હતું કે સુરક્ષા કર્મચારીઓએ પ્રદર્શનકારીઓને વિસ્તાર ખાલી કરવાની વિનંતી કરી હતી. પ્રદર્શનને કારણે ટ્રાફિક અવરોધાયો હતો. જ્યારે પ્રદર્શનકારીઓ હટવા તૈયાર નહોતા ત્યારે પોલીસે તેમને વિખેરી નાખવા લાઠીચાર્જ કર્યો હતો.

પ્રદર્શનકારીઓએ દાવો કર્યો હતો કે લાઠીચાર્જને કારણે ઘણા ઉમેદવારો ઘાયલ થયા છે, પરંતુ અધિકારીઓએ તેનું ખંડન કર્યો હતો. પ્રદર્શન કરતા પટનાના અમનકુમારે જણાવ્યું હતું, શિક્ષણ વિભાગના અધિકારીઓએ અમને આશ્વાસન આપ્યું હતું કે આ મુદ્દે BPSSCને એક પત્ર મોકલાયો છે, પરંતુ અત્યાર સુધી કશું થયું નથી.

માહિતી અનુસાર BPSSCએ માર્ચ 2024માં TRE-3 પરીક્ષા યોજી હતી અને કુલ 87,774 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી હતી. જોકે અત્યાર સુધી અંદાજે 51,000 ઉમેદવારોને જ નિમણૂક પત્ર મળ્યા છે. કુમારે દાવો કર્યો હતો કે અધિકારીઓએ પહેલા પૂરક પરિણામ આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ અત્યાર સુધી કશું થયું નથી.