ગાંધીનગર: “મેરા દેશ પહેલે” નામની નાટકીય રજૂઆતનો ગુજરાતનો સૌપ્રથમ શૉ 10 ઓક્ટોબર 2025 ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત મંત્રીમંડળના સભ્યો, સમાજ જીવનના અગ્રણીઓ, વરિષ્ઠ ઉદ્યોગકારો અને વિશાળ સંખ્યામાં નાગરિકો એ મંચન માણ્યું હતું.
“મેરા દેશ પહેલે” વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવનની અદ્વિતિય સફરને મેગા શો દ્વારા જીવંત કરે છે. નરેન્દ્ર મોદીએ હંમેશા રાષ્ટ્રહિત સર્વોપરી રાખીને પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કરેલું છે. તેમના સમગ્ર જીવનની અનેક ઘટનાઓ-પ્રસંગો દેશવાસીઓમાં દેશ પ્રેમ સમર્પણ અને રાષ્ટ્રપ્રથમના ભાવના માટે પ્રેરણાદાયી બન્યા છે.
‘મેરા દેશ પહેલે’ના દેશના અન્ય રાજ્યોમાં સફળ અને પ્રશંસનીય મંચન બાદ ગુજરાતમાં પ્રથમવાર ગિફ્ટ સિટી પરિસરમાં આ શો વિનામૂલ્ય પ્રવેશથી યોજાવામાં આવ્યો હતો.
પ્રસિદ્ધ સર્જક મનોજ મુંતશિર નિર્મિત “મેરા દેશ પહેલે”નું મંચન નિહાળવા માટે આમંત્રિતો સહિત ઑનલાઈન રજીસ્ટ્રેશન દ્વારા પ્રવેશ મેળવેલા નાગરિકો એ પ્રસ્તુતિ માણી હતી.
મનોજ મુંતશિરના “મેરા દેશ પહેલે” કાર્યક્રમની ગિફ્ટ સિટીમાં પ્રસ્તુતિ
ટ્રમ્પની ચીન પર 100% વધારાના ટેરિફની જાહેરાત
અમેરિકા: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર મોટો ટેરિફ બોમ્બ ફેંક્યો છે. 1 નવેમ્બર, 2025થી ચીનમાંથી આયાત થતી પ્રોડક્ટ્સ પર વધારાનો 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. અર્થાત્ ચીન પર પહેલાંથી જે 30 ટકા ટેરિફ લાગુ છે, તેના પર વધારાનો 100 ટકા એટલે કે હવે કુલ 130 ટકા ડ્યુટી લાગુ થશે.
ટ્રમ્પે ટેરિફ ધમકી આપવાની સાથે જાહેરાત કરતા કહ્યું કે, અમેરિકા 1 નવેમ્બરથી ક્રિટિકલ સોફ્ટવેર પર એક્સપોર્ટ કંટ્રોલ પણ લાગુ કરશે. હવે સવાલ ઊભા થઈ રહ્યા છે કે, તમામ ચીજ ધીમે-ધીમે તેના રસ્તે ચાલી રહી હતી, ત્યારે અચાનક ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર કેમ ટેરિફ લાદ્યો છે? જો કે, તેની પાછળ ચીનનો એક નિર્ણય છે.
ચીનનું આ પગલું ટેરિફનું કારણ બન્યું
ચીને એક ડિસેમ્બરથી દુર્લભ ખનિજો (રેર અર્થ મિનરલ્સ) પર આકરા પ્રતિબંધોની જાહેરાત કરી છે. ચીન દુર્લભ ખનિજોનો રાજા છે. તે તેના કુલ ઉત્પાદનના 90 ટકા નિકાસ કરે છે. જેથી ચીનનો આ નિર્ણય વિશ્વ પર સંકટ સમાન બની શકે છે. ચીને કહ્યું હતું કે, આ ખનિજોની નિકાસ પર કડક અંકુશ લાદશે, જેથી પર્યાવરણની રક્ષા થાય અને રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત બને. ચીને ભારત પાસે ગેરેંટી માગી છે કે, તે ખાતરી કરે કે, અમેરિકાને ભારે દુર્લભ ખનિજોનો સપ્લાય નહીં કરે, તો જ ચીન ભારતને તેનો સપ્લાય કરશે. ચીનના આ નિર્ણય બાદ ટ્રમ્પ ચીન પર રોષે ભરાયા છે, જેથી તેમણે ચીન પર વધારાનો 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.
શા માટે જરૂરી છે રેર અર્થ મિનરલ્સ?
રેર અર્થ મિનરલ્સ 17 પ્રકારના ચુંબકીય તત્ત્વ છે. જેનો ઉપયોગ સ્માર્ટફોન, ઈલેક્ટ્રિક કાર, કોમ્પ્યુટર ચીપ્સ, સૈન્ય ડિવાઇસિસ, ગ્રીન એનર્જી જેવા ન્યૂ જનરેશન પ્રોડક્ટ્સમાં મોટાપાયે થઈ રહ્યો છે. આ દુર્લભ ખનિજનો સ્રોત ખૂટી જવાના ભય હેઠળ છે. વિશ્વનો 70 ટકાથી વધુ જથ્થો ચીનમાંથી મળે છે.
ટ્રમ્પે ચીન વિરૂદ્ધ લીધા આકરા પગલાં
ટ્રમ્પે ચીનની દુર્લભ ખનિજ નીતિના પગલે રોષે ભરાતાં કહ્યું કે, ચીનના દુર્લભ ખનિજો પર નિર્ણયથી તમામ દેશ પ્રભાવિત થશે. ચીનનું આ પગલું નૈતિક અપમાનજનક છે. તે વિશ્વના વેપાર પર હાવી થવા માટેની તેની લોંગટર્મ રણનીતિ છે. અન્ય દેશ કરે કે ના કરે, અમેરિકા એકતરફી કાર્યવાહી કરશે. 1 નવેમ્બર, 2025થી યુએસએ ચીન પર 100 ટકા વધારાનો ટેરિફ લાદશે. જે વર્તમાનમાં ચૂકવવામાં આવતાં ટેરિફમાં ઉમેરાશે.
PCમાં મહિલા પત્રકારોની NO ENTRY પર સરકારે શું આપ્યો જવાબ?
નવી દિલ્હી: અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોની નો એન્ટ્રીના મામલે વિવાદ સર્જાયો હતો. વિપક્ષના સરકાર અને પુરૂષ પત્રકારો પર આકારા પ્રહારો બાદ કેન્દ્ર સરકારે આ મુદ્દે સ્પષ્ટતા આપી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, આ પ્રેસ કોન્ફરન્સમાં તેમની કોઈ ભૂમિકા નથી. આ કાર્યક્રમ સંપૂર્ણપણે અફઘાનિસ્તાનના દૂતાવાસ તરફથી આયોજિત કરવામાં આવ્યો હતો.
શુક્રવારે દિલ્હીમાં અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે બેઠક કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે મહિલા પત્રકારોને સામેલ થતાં અટકાવ્યા હતાં. મુત્તાકીના આ વલણથી વિવાદ સર્જાયો હતો. સોશિયલ મીડિયા પર આક્રોશ ફેલાયો હતો. વિપક્ષે પણ સરકાર પર પ્રહારો કર્યા હતાં. આ આકરી ટીકાઓ બાદ આજે શનિવારે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા આપી હતી કે, અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી દ્વારા શુક્રવારે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં અમારી કોઈ દખલગીરી ન હતી. તેનું સંપૂર્ણ આયોજન અફઘાનિસ્તાનના પ્રતિનિધિ મંડળના અધિકારીઓએ કર્યું હતું.
વિદેશ મંત્રાલયનુ સ્પષ્ટીકરણ
વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા આપી છે કે, વિદેશ મંત્રી એસ. જયશંકર અને મુત્તાકી વચ્ચે દ્વિપક્ષીય બેઠક બાદ કોઈ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ નથી. માત્ર અફઘાનિસ્તાને પોતાના દૂતાવાસ પરિસરમાં એક અલગથી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુત્તાકીએ ભારત-અફઘાનિસ્તાન સંબંધો, માનવીય સહાયતા, વેપાર માર્ગો અને સુરક્ષા સહયોગ સહિત ક્ષેત્રીય મુદ્દાઓ પર વાત કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં માત્ર પસંદગીના પુરૂષ પત્રકાર અને અફઘાન દૂતાવાસના અધિકારી જ સામેલ થયા હતાં.
તાલિબાનના શાસનમાં મહિલાઓ પર અનેક પ્રતિબંધો
અફઘાનિસ્તાનમાં તાલિબાને ઓગસ્ટ, 2021માં સત્તા સંભાળ્યા બાદ અફઘાનિસ્તાની મહિલાઓ પર અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. જેની વિશ્વભરમાં તેમજ યુ.એન.માં આકરી ટીકા થઈ રહી છે. યુ.એન. દ્વારા તાલિબાનના મહિલા વિરોધી વલણને વિશ્વનું સૌથી ગંભીર મહિલા અધિકાર સંકટ ગણાવ્યું છે. તાલિબાને મહિલાઓની સ્વતંત્રતા છીનવી લીધી છે. તેણે તેમનું જાહેર અસ્તિત્વ ગાયબ કરી દીધુ છે.
મહિલા પત્રકારોનું અપમાન
શુક્રવારે અફઘાનિસ્તાનના દૂતાવાસમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને નો એન્ટ્રીનો આદેશ આપતાં બહાર કાઢ્યા હતાં. જેથી દેશભરમાં આક્રોશ ફેલાયો હતો. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ આ ઘટના પર સ્પષ્ટતા આપવાની માગ કરી હતી. તેમણે આ ઘટનાને ભારતની મહિલા પત્રકારોનું અપમાન ગણાવ્યું હતું.
રાજસ્થાનના અલવરથી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ના જાસૂસની ધરપકડ
રાજસ્થાન પોલીસે જણાવ્યું હતું કે એક પાકિસ્તાની મહિલાએ અલવર કેન્ટોનમેન્ટ વિસ્તાર અને ભારતના અન્ય વ્યૂહાત્મક સ્થળો સંબંધિત સંવેદનશીલ માહિતી મેળવવા માટે રાજસ્થાનના એક પુરુષને ફસાવ્યો હતો.

રાજસ્થાન ઇન્ટેલિજન્સે પાકિસ્તાનની ISI માટે જાસૂસી કરતા અલવરના રહેવાસી મંગત સિંહની ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ 1923 હેઠળ ધરપકડ કરી છે. મંગત સિંહ એક વર્ષ સુધી બે પાકિસ્તાની નંબરો સાથે સંપર્કમાં હતો અને તેમને અલવર આર્મી કેન્ટ સહિત સેના વિશે મહત્વપૂર્ણ માહિતી મોકલી રહ્યો હતો. બદલામાં, તેને પાકિસ્તાન તરફથી ઘણી વખત મોટી રકમ મળી છે. તે હજુ પણ તેમના સંપર્કમાં છે અને સતત માહિતી શેર કરી રહ્યો છે. ગુપ્તચર તપાસમાં બહાર આવ્યું છે કે એક નંબર હની ટ્રેપ સાથે જોડાયેલો છે, જ્યારે બીજો નંબર પાકિસ્તાનનો છે. તેની તપાસ ચાલુ છે.
ઓપરેશન સિંદૂર પછી, રાજસ્થાન ઇન્ટેલિજન્સ રાજ્યના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ વિસ્તારો પર નજીકથી નજર રાખી રહ્યું છે. અલવર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રનો ખૂબ જ મહત્વપૂર્ણ વ્યૂહાત્મક અને સંવેદનશીલ વિસ્તાર છે. અલવરમાં છાવણી વિસ્તારની દેખરેખ દરમિયાન, અલવરના ગોવિંદગઢના રહેવાસી મંગત સિંહની પ્રવૃત્તિઓ શંકાસ્પદ મળી આવી હતી. છેલ્લા બે વર્ષથી, મંગત સિંહ સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના હેન્ડલર્સ સાથે સંપર્કમાં હતો. ઓપરેશન સિંદૂર પહેલા અને પછી, મંગત સિંહ પૈસા અને હની ટ્રેપની લાલચ હેઠળ, સોશિયલ મીડિયા દ્વારા અલવર શહેરના સૌથી મહત્વપૂર્ણ છાવણી વિસ્તાર અને દેશના અન્ય વ્યૂહાત્મક સ્થળો વિશે મહત્વપૂર્ણ માહિતી સતત એક મહિલા પાકિસ્તાની હેન્ડલરે, ઉપનામ ઇશા શર્મા સાથે શેર કરી રહ્યો હતો.
10 ઓક્ટોબરના રોજ ધરપકડ
જયપુરના સેન્ટ્રલ ઇન્ટરોગેશન સેન્ટર ખાતે વિવિધ ગુપ્તચર એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પૂછપરછ અને તેમના મોબાઇલ ફોનની ટેકનિકલ તપાસ દ્વારા ઉપરોક્ત હકીકતોની પુષ્ટિ થતાં, મંગત સિંહ વિરુદ્ધ જયપુરના સ્પેશિયલ પોલીસ સ્ટેશનમાં ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ,1923 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને રાજસ્થાનના સીઆઈડી ઇન્ટેલિજન્સ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.
તપાસ અધિકારીએ શું કહ્યું
ગુપ્તચર ડીઆઈજી રાજેશ મીલે જણાવ્યું હતું કે મંગત સિંહ લાંબા સમયથી બે પાકિસ્તાની નંબરો સાથે સંપર્કમાં હતો અને નિયમિતપણે તેમને સૈન્ય સંબંધિત માહિતી મોકલતો હતો. આ પ્રથા હજુ પણ ચાલુ હતી. બદલામાં, તેને ત્યાંથી મોટી રકમ મળતી હતી. તેને અસંખ્ય નાણાં ટ્રાન્સફર મળ્યા છે. તેની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે, અને પૂછપરછ દરમિયાન મહત્વપૂર્ણ ખુલાસા થઈ રહ્યા છે.
અલવર આર્મી હેડક્વાર્ટરથી મોકલવામાં આવેલી માહિતી
અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે પાકિસ્તાન માટે જાસૂસી કરતો એજન્ટ અલવર આર્મી હેડક્વાર્ટર સહિત સેનાના વિવિધ ક્ષેત્રો વિશે પાકિસ્તાનની ISI ને માહિતી મોકલી ચૂક્યો છે. તેણે સેનાને લગતી ઘણી મહત્વપૂર્ણ માહિતી પણ મોકલી છે.
મોટી રકમ મેળવી, હની ટ્રેપમાં પણ ફસાયો
રાજસ્થાનમાં એવું બહાર આવ્યું છે કે મંગત સિંહને ISI અને પાકિસ્તાન તરફથી જાસૂસી માટે મોટી રકમ મળી છે. ગુપ્તચર એજન્સીઓ તપાસ કરી રહી છે કે આ પૈસા કેટલી વાર અને કયા માધ્યમથી મંગત સિંહ સુધી પહોંચ્યા. તપાસમાં જાણવા મળ્યું છે કે મંગત સિંહ પણ હની ટ્રેપમાં સામેલ હતો અને તેના દ્વારા સેના વિશે મહત્વપૂર્ણ માહિતી પણ મોકલી રહ્યો હતો.
મગની દાળના અપ્પે
સૌથી પૌષ્ટિક એવા સ્વાદિષ્ટ મગની દાળના અપ્પે બાળકોને ટિફિનમાં પણ આપી શકાય!

સામગ્રીઃ
- મગની દાળ 1 કપ
- લીલા વટાણા ½ કપ
- આદુનો ટુકડો 2 ઈંચ
- લીલા મરચાં 3
- કોથમીર ધોયેલી 1 કપ
- સિમલા મરચું 1
- ગાજર અડધું
- કાંદો 1
- રાઈ 1 ટી.સ્પૂન
- સફેદ તલ 2 ટી.સ્પૂન
- કળી પત્તાના પાન 4-5
- તેલ વઘાર માટે 1 ટે.સ્પૂન
- હીંગ ¼ ટી.સ્પૂન
- અપ્પે શેકવા માટે ઘી
- ચાટ મસાલો 1 ટી.સ્પૂન
- મીઠું સ્વાદ પ્રમાણે
રીતઃ મગની દાળને 2-3 પાણીએથી ધોઈને 6-7 કલાક માટે પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેને મિક્સીમાં વાટીને એક બાઉલમાં કાઢી લો. હવે તેમાં લીલા વટાણા, આદુ, મરચાં, કોથમીર ઉમેરીને પીસી લઈ વાટેલી મગની દાળમાં મેળવી દો. તેમાં ચાટ મસાલો તેમજ મીઠું સ્વાદ પ્રમાણે મેળવો.
હવે તેમાં સિમલા મરચું, કાંદો તેમજ ગાજર ઝીણાં સમારીને ઉમેરી દો.
એક વઘારીયામાં તેલ ગરમ કરી રાઈનો વઘાર કરી દો. રાઈ તતડે એટલે ગેસ બંધ કરી, સફેદ તલ તેમજ કળી પત્તાના પાન ઉમેરી દો. આ વઘાર મગની દાળના મિશ્રણમાં મેળવી દો.
અપ્પે પેનમાં દરેક ખાનામાં જરા જરા ઘી લગાડી દો. આ પેનને ગેસ પર ગરમ કરવા મૂકો. ત્યારબાદ ગેસ ધીમો કરી દો. અપ્પે પેનના દરેક ખાનામાં મગની દાળનું મિશ્રણ એક-એક ચમચી જેટલું રેડીને પેન ઢાંકીને ગેસની ધીમી આંચે 4-5 મિનિટ થવા દો. ત્યારબાદ તેમાંના અપ્પે ઉપર સહેજ ઘી અથવા તેલના 2-3 ટીપાં રેડી, ચમચી વડે અપ્પ્ ઉથલાવી ફરીથી 4-5 મિનિટ માટે થવા દો.
આ અપ્પે ચટણી સાથે પીરસો.

નમ્રતા વગરની સંપત્તિ શાપરૂપ છે
જે સંપત્તિ સાથે મનુષ્યમાં નમ્રતા ન આવે એ સંપત્તિ શાપરૂપ કહી શકાય. આવી સંપત્તિ ધૃષ્ટતા, ઘમંડ લાવે છે અને તેનું
સ્વરૂપ તામસી હોય છે. મોટાભાગે તો આવી સંપત્તિ બીજી પેઢી સુધી પણ પહોંચતી નથી. આંબા પર વધુ કેરીઓ ઊગે ત્યારે ઝાડ નમી જાય છે (લચી પડે છે). આ જ રીતે જ્યારે સંપત્તિ વધે ત્યારે નમ્રતાપૂર્વક નમી જવાનું હોય છે.
ઉક્તિ છે કે ‘પૈસો મોટા અવાજે બોલે છે અને સંપત્તિ ગણગણે છે’. રામકૃષ્ણ મિશનના એક સ્વામીએ મને કહ્યું હતું, “પૈસો જ્યાં સુધી માણસના ખિસામાં હોય છે ત્યાં સુધી સમસ્યા નથી, એ જ્યારે માણસના મગજમાં ઘૂસી જાય છે ત્યારે સમસ્યા સર્જે છે.” ખરેખર સાચી વાત છે. મગજમાં ઊતરી ગયેલો પૈસો ઉત્પાત મચાવે છે. આપણે જે ઘડીએ પૈસાને મહત્ત્વ આપવા લાગીએ છીએ એ જ ઘડીથી સમસ્યાઓ સર્જાવા લાગે છે.
મારા મિત્ર અને ‘રાઇડિંગ અ રોલર કોસ્ટરઃ લેસન્સ ફ્રોમ ફાઇનાન્શિયલ માર્કેટ સાયકલ્સ વી ઓફન ફરગેટ’ના લેખક અમિત ત્રિવેદી કહે છે, “જીવન કરતાં જીવનશૈલીને ક્યારેય વધારે મહત્ત્વ આપવું નહીં.” એમની વાત સો ટકા સાચી છે. જીવનશૈલી એટલે નર્યો ભૌતિકવાદ. જીવન એટલે મૂલ્યો, ચરિત્ર, વગેરે સદગુણો.

પ્રૅક્ટિસિંગ ફાઇનાન્શિયલ પ્લાનર તરીકે મેં ઘણી વાર જોયું છે કે જીવન કરતાં જીવનશૈલીને વધુ મહત્ત્વ આપનારા લોકો ઝડપથી પૈસા કમાવા માગતા હોય છે. એમના મનને ક્યારેય નિરાંત હોતી નથી. તેઓ કાયમ બીજાઓ સાથેની હોડમાં ઊતરેલા હોય છે અને એમના વર્તનમાં ઈર્ષ્યા, અહમ્, અસલામતી, વગેરે ડોકાતાં હોય છે. બીજી બાજુ, એવા માણસો હોય છે, જેઓ જીવનશૈલી કરતાં જીવનને વધુ મહત્ત્વ આપે છે. તેઓ પરિપક્વ, સ્થિર, શાંત હોય છે. લાંબા ગાળે તેઓ પવિત્ર રીતે સંપત્તિનું સર્જન કરે છે. એમનું ધન પેઢીઓ સુધી ચાલે છે.
આ વાત પરથી મને ઘણાં વર્ષો પહેલાંનો કિસ્સો યાદ આવે છે. એક ખ્યાતનામ દંપતિ વિમાનમાં પ્રવાસ કરી રહ્યું હતું. તેઓ બિઝનેસ ક્લાસમાં બેઠાં હતાં. પતિ દક્ષિણ ભારતના જાણીતા બિઝનેસ પરિવારનો હતો. એ વખતે એ સુપ્રસિદ્ધ ક્રિકેટર પણ હતો. કોઈ પણ વ્યક્તિ એમની પાસે જતી, તો એ એમને ઑટોગ્રાફ આપતો અને એમની સાથે થોડી વાતો પણ કરી લેતો. એની પત્ની દક્ષિણ ભારતની જ ફિલ્મ અભિનેત્રી હતી. શરૂઆતમાં એણે બોલીવૂડમાં એકાદ-બે ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ એને સફળતા મળી ન હતી. જોકે, પછીથી એની હિન્દી ફિલ્મો પણ સારી ચાલી હતી. ઑટોગ્રાફ આપતી વખતે એ સંપૂર્ણપણે ઔપચારિક બની જતી અને કહેવા ખાતર સહી કરી આપતી હતી. ઑટોગ્રાફ લેનાર વ્યક્તિની સામે જોવાની તસદી પણ લેતી ન હતી. ઍર હોસ્ટેસ સાથે પણ એ પતિ અને પત્ની બન્નેનું વર્તન અલગ અલગ પ્રકારનું હતું. પતિ સાથે લોકો આરામથી વાત કરતા અને પત્ની સાથે વાત કરવાનો તો સવાલ જ આવતો ન હતો.

શક્ય છે કે તેઓ જ્યારે વિમાનમાં પ્રવાસ કરી રહ્યાં હતાં ત્યારે પત્ની થાકેલી હોય, પણ તેના લીધે વાતચીતના અંદાજમાં અને હાવભાવમાં તોછડાઈ ન આવે. એના વિશે હું વધારે કોઈ ટિપ્પણી કરું એ ઉચિત નથી. મારે તો અહીં એટલું જ કહેવું છે કે જીવનમાં પ્રગતિ કરનાર માણસ નમતો જવો જોઈએ. નમવું એ નમ્રતા અને મનુષ્ય તરીકેની પ્રગતિ દર્શાવે છે.
યોગિક વેલ્થનો સંબંધ શાંતિ અને શીતળતા સાથે છે. એ શાંતિ પ્રાપ્ત કરવામાં દાયકાઓ નીકળી જતા હોય છે, પરંતુ એક વખત એ સ્થિતિ આવી જાય ત્યારે પછીની પેઢીઓ સુધી પહોંચે છે.
આપણા દેશમાં હાલ તહેવારોની મોસમ છે. ચાલો, આપણે ઉન્નતિ કરીએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તેઓ આપણને નમ્રતા બક્ષે. સ્વભાવમાં નમ્રતા આવી ગયા પછી કંઈ હાંસલ કરવાનું રહેતું નથી. બાકીની બધી વસ્તુઓ ભગવાનને જ્યારે આપણા માટે યોગ્ય લાગશે ત્યારે તેઓ સામેથી આપી દેશે.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)
અર્જુનની ફિલ્મોમાં ધર્મેન્દ્ર સાથે ત્રણ ‘K’ નો પણ કમાલ હતો!
નિર્દેશક અર્જુન હિંગોરાનીએ પોતાની નિર્માતા તરીકેની ફિલ્મમાં પણ ત્રણ ‘K’ ના ઉપયોગની જીદ પૂરી કરી હતી. સિંધી
ફિલ્મ ‘અબાના’ બનાવનાર અર્જુન હિંગોરાનીએ નિર્દેશક તરીકેની પહેલી હિન્દી ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’ (1960) માં ધર્મેન્દ્ર અને સાધનાને અભિનયમાં પહેલી વખત તક આપી હતી. આ ફિલ્મ નિષ્ફળ રહ્યા પછી અર્જુન હિંગોરાનીએ બીજી ફિલ્મ માટે 10 વર્ષ સુધી રાહ જોવી પડી હતી.
સતત સંઘર્ષ પછી નિર્દેશક અર્જુને જાતે નિર્માતા બનીને ફિલ્મ ‘કબ? ક્યૂં? ઔર કહાં?’ નું નિર્માણ કર્યું હતું. અગાઉ અભિનયમાં પહેલી વખત તક આપી હતી એ અહેસાનને કારણે ધર્મેન્દ્ર તૈયાર થઈ ગયા હતા અને કોઈ ફી લીધી ન હતી. ફિલ્મ સફળ રહ્યા પછી અર્જુન ફિલ્મના નામમાં ત્રણ ‘K’ ને લકી માનવા લાગ્યા હતા.

એ પછીની એમની કારકિર્દીની નિર્માતા- નિર્દેશક તરીકેની દરેક ફિલ્મમાં અભિનેતા ધર્મેન્દ્ર અને ફિલ્મના નામમાં ત્રણ ‘K’ અચૂક રહેતા હતા. જેમ કે, કહાની કિસ્મત કી (1973), ખેલ ખિલાડી કા (1977), કાતિલોં કે કાતિલ (1981), કરિશ્મા કુદરત કા (1985), કૌન કરે કુરબાની (1991) અને ‘કૈસે કહું કે… પ્યાર હૈ (2003) હતી. એમાં 1986 ની ફિલ્મ ‘સલ્તનત’ નો ઉલ્લેખ અલગ રીતે કરવો પડે એમ છે. કેમ કે, એની એક અલગ કહાની છે. 1981 માં મુકુલ એસ. આનંદ પાસે એક વાર્તા હતી અને એના પરથી ‘સલ્તનત’ નામથી ફિલ્મ બનાવવા માગતા હતા. એ માટે શશી કપૂર અને અમિતાભ બચ્ચનને વાત કરવામાં આવી.
અમિતાભે એવી શરત મૂકી કે નિર્દેશન મુકુલ નહીં પણ કોઈ જાણીતા નિર્દેશક કરે. કેમ કે મુકુલે કોઈ ફિલ્મનું નિર્દેશન કર્યું ન હતું. ‘સલ્તનત’ ની વાર્તા મોટા ફલક પર હતી એટલે એમને મુકુલમાં વિશ્વાસ ન હતો. મુકુલે નક્કી કર્યું કે પોતે વાર્તા લખી હોવાથી બીજાને નિર્દેશન કરવા દેશે નહીં. અમિતાભની શરત ન માની અને એ યોજના બંધ રહી. એ પછી મુકુલે ગુજરાતી ફિલ્મ ‘કંકુ ની કિમત’ (1981) નું નિર્દેશન કર્યું અને પહેલી હિન્દી ફિલ્મ ‘કાનૂન ક્યા કરેગા’ (1984) થી બોલિવૂડમાં શરૂઆત કરી હતી. ત્યાર બાદ‘એતબાર’ (1985) નું નિર્દેશન કર્યું.

એ દરમ્યાનમાં મુકુલની મુલાકાત નિર્દેશક અર્જુન હિંગોરાની સાથે થઈ અને એમને ‘સલ્તનત’ ની વાર્તા સંભળાવી. અર્જુને નિર્માતા તરીકે લીલી ઝંડી આપી પણ ફિલ્મના નામમાં ત્રણ ‘K’ રાખવાનો આગ્રહ રાખ્યો અને ‘કારનામે કમાલ કે’ નામ આપ્યું. મુકુલ આનંદે આ નામ રાખવાની ના પાડી દીધી અને ‘સલ્તનત’ જ રાખ્યું. પરંતુ ગમે તે રીતે અર્જુને એ નામ વાપર્યું. ફિલ્મના શરૂઆતના ટાઈટલ્સમાં ‘પ્રોમિસ યુ- કારનામે કમાલ કે’ લખાવ્યું. એટલું જ નહીં એક પોસ્ટર એવું તૈયાર કરાવ્યુ જેમાં ‘કારનામે કમાલ કે- સલ્તનત’ લખેલું વંચાતું હતું.



