Home Blog Page 503

કેન્દ્રીય કેબિનેટે આઠમા વેતન પંચને આપી મંજૂરી

નવી દિલ્હીઃ લગભગ એક કરોડથી વધુ કેન્દ્રિય પગારદાર કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોટા ખુશખબર છે. કેન્દ્ર સરકારે મંગળવારે ઔપચારિક રીતે આઠમા વેતન પંચની રચનાને મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ રંજન પ્રકાશ દેસાઈ પંચના અધ્યક્ષ રહેશે, જ્યારે IIM બેંગલુરુના પ્રોફેસર પુલક ઘોષ અને પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય (MoPNG)ના સચિવ પંકજ જૈનને સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ભલામણો મોકલવા માટે 18 મહિનાનો સમય

પંચ પોતાની ભલામણો આગામી 18 મહિનામાં સરકારને સુપરત કરશે, જેને આધારે વર્ષ 2027થી વેતન અને પેન્શનમાં વધારો અમલમાં આવી શકે છે. કેબિનેટની બેઠક બાદ જારી થયેલી પ્રેસ નોટમાં જણાવવામાં આવ્યું છે કે આઠમા વેતન પંચ માટે ટર્મ ઓફ રેફરેન્સને મંજૂરી આપવામાં આવી છે. વેતન પંચમાં એક અધ્યક્ષ, એક પાર્ટ-ટાઈમ સભ્ય અને એક સભ્ય સચિવ રહેશે. ગઠન પછી ભલામણો મોકલવા માટે પંચને 18 મહિના સમય આપવામાં આવ્યો છે.

NC-JCM (સ્ટાફ સાઈડ)ના સચિવ શિવ ગોપાલ મિશ્રાના જણાવ્યા અનુસાર 8મા વેતન પંચ અમલમાં મૂકવામાં ભલે મોડું થાય, પરંતુ તેને એક જાન્યુઆરી 2026થી અસરકારક માનવામાં આવશે, એટલે કે જો મોડું થશે તો 1 જાન્યુઆરી 2026થી કર્મચારીઓને એરિયર્સ સાથે ચુકવણી મળવાની શક્યતા છે.

2027માં એરિયર્સ સાથે વધેલા પગારવધારો

આ પહેલાં 7મા વેતન પંચ લાગુ કરવામાં પણ મોડું થયું હતું અને તે સમયે તમામ કર્મચારીઓને એરિયર્સ આપવામાં આવ્યું હતું. કેન્દ્રીય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને પ્રતિનિધિત્વ આપતા ફોરમ NC-JCM તરફથી જાન્યુઆરીમાં જ સરકારને ટર્મ ઓફ રેફરેન્સ આપવામાં આવ્યો હતો.

, દેશમાં વધતી મોંઘવારી અને અન્ય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને દર 10 વર્ષે નવા વેતન પંચની રચના કરવામાં આવે છે, જેમાં કેન્દ્રીય કર્મચારીઓના વેતન, ભથ્થાં અને સુવિધાઓમાં સુધારા કરવામાં આવે છે. આ હિસાબે જોઈએ તો 1 જાન્યુઆરી 2026થી આઠમા વેતન પંચને અસરકારક માનવામાં આવશે.

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને લઈ એકતાનગરમાં તૈયારીઓ પૂર્ણ

રાજપીપળા: ૩૧ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ છે. આ દિવસે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીને લઈ એકતાનગર તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરદાર પટેલના વંશજો આ દિવસે ખાસ હાજર રહેવાના છે. ત્યારે દેશભરના આમંત્રિતો, અધિકારીઓ, કર્મચારીઓ અને જનતાને સુવિધા મળી રહે તે માટે વિશાળ તાત્કાલિક વસવાટની વ્યવસ્થાઓ અહીં ઉભી કરવામાં આવી છે.કોયારી-ગરૂડેશ્વર મામલતદાર કચેરી પાસે બનાવાયેલા ડોમમાં રહેણાકથી લઈ ભોજન સુધીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા કુલ ૧૧ ડોમ ઊભા કરવામાં આવ્યા છે. જેમાંથી ૭ ડોમ અન્ય રાજ્ય અને જિલ્લાઓથી આવતા નાગરિકો માટે, ૨ ડોમ બંદોબસ્ત માટે ફરજ બજાવનાર પોલીસ જવાનો માટે તથા ૨ ડોમ ભોજન માટે બનાવવામાં આવ્યા છે. આ ડોમમાં કુલ ૯૦૧૪ લોકોની અને ૧૪૦૦ પોલીસકર્મીઓ માટે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ડોમમાં આરામદાયક પથારી, ચાર્જિંગ પોઇન્ટ, બેગ રાખવા માટે સ્ટેન્ડ, સ્વચ્છ બાથરૂમ અને ન્હાવાની સુવિધા જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. પુરુષ અને મહિલા માટે અલગ ડોર્મિટરીની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. દરેક ડોમમાં વેન્ટિલેશન અને ફાયર સેફ્ટી સહિતની સુવિધાઓની પણ પૂરતી તકેદારી લેવામાં આવી છે.

નોંધણી અને આરોગ્ય કાઉન્ટર દ્વારા સહાયતા

એકતાનગર ખાતે નોંધણી કાઉન્ટર અને પ્રાથમિક સારવાર કાઉન્ટર પણ સ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યાં આવતા મહેમાનોની નોંધણી સાથે જરૂરી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

સ્વચ્છતા અને શૌચાલય વ્યવસ્થાનું ધ્યાન

પ્રવાસીઓની સુવિધા માટે આધુનિક શૌચાલય બ્લોક્સ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં પુરુષ અને મહિલાઓ માટે અલગ વિભાગો બનાવવામાં આવ્યા છે. પાણી, લાઇટ અને સફાઈની સતત વ્યવસ્થા સાથે સ્વચ્છતાને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી છે. ઉપરાંત, ૧૭૪ બસો માટે પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. જેથી પરિવહનમાં કોઈ અડચણ ન રહે. તમામ ડોમ અને સુવિધા સ્થળોએ રંગીન ફેબ્રિક કવરિંગ, પૂરતો પ્રકાશ અને સજાવટ સાથે એકતાનગરમાં તહેવારમય વાતાવરણ છવાઈ ગયું છે.

શરીરનો આકાર મહિલાની પ્રતિભા કરતાં વધુ મહત્વનો?

ઓફિસમાં બધા સામાન્ય દિવસની જેમ જ વ્યસ્ત હતા. કેબિનમાંથી હાસ્યના પડધા પડતા સંભળાતા હતા. એ જ સમયે મીટિંગ માટે શ્લોકા રૂમમાં પ્રવેશી, જે માર્કેટિંગ ટીમમાં કામ કરતી હતી. એ ખૂબ જ હોશિયાર, સજાગ અને પોતાના કામ પ્રત્યે પ્રતિબદ્ધ હતી, પણ એની મેદસ્વિતાને લઇને ઓફિસના કેટલાક સહકર્મચારીઓ હંમેશા એની મજાક કરતા.

‘અરે શ્લોકા, તારા માટે તો બે ખુરશી જોડવી પડશે…’ આવી તો કંઇ કેટલીય ટિપ્પણીઓ હસતાં હસતાં કરી દેતાં. જવાબમાં એ બહારથી સ્મિત કરી દેતી, પરંતુ અંદરથી એ શબ્દો એના મનમાં ઘા કરતા. એ જાણતી કે એનું વજન એની પ્રતિભા માપવાનો માપદંડ નથી, છતાં એ શબ્દોનો ભાર એના આત્મવિશ્વાસ પર પડતો. જ્યારે એ જ વિભાગમાં કામ કરતો મીત પણ થોડો મેદસ્વી હતો, પણ એના વજન વિશે ક્યારેય કોઈ કંઈ કહેતું નહોતું. એને તો બધા મીતભાઈ કહીને બોલાવતા. એના જોક્સ પર બધા હસતા, એના નેતૃત્વને વખાણતા. શ્લોકા વિચારતી કે એક જ ઓફિસમાં, એક જ સ્થિતિ, પણ વ્યવહાર કેમ આટલો જુદો?

સમાજમાં મહિલાઓને મેદસ્વીતાના કારણે જે માનસિક અને સામાજિક દબાણોનો સામનો કરવો પડે છે, એ પુરુષોની તુલનામાં ઘણું વધારે છે. જો મહિલાનું વજન થોડું પણ વધે તો એને માત્ર ઘરમાં જ નહીં, પરંતુ પરિવાર, સગા-સંબંધીઓ, મિત્રો અને ઓફિસમાં પણ હાસ્યનો વિષય બનાવવામાં આવે છે. શરીરનો આકાર મહિલાની પ્રતિભા, વ્યક્તિત્વ કે કૌશલ્ય કરતાં વધુ મહત્વનો ગણાય છે, જે જાતીય અસમાનતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. અલબત્ત, મહિલાઓને મેદસ્વીતાનો ઉપહાસ નહીં, પણ સ્વાસ્થ્ય, આત્મવિશ્વાસ અને સ્વીકારને કેન્દ્રમાં રાખી સમાજને નવી દ્રષ્ટિથી વિચારવું જરૂરી છે.

આ પીડાને તમારી ઓળખ ન બનવા દો

આજના સમાજમાં મેદસ્વીતા (વજન વધવું)ને એક શરમજનક બાબત તરીકે જોવામાં આવે છે, જ્યારે હકીકતમાં એ શરીરનો સ્વાભાવિક તબક્કો છે. આ સત્યને સમજવું જરૂરી છે. એક મહિલાનું અસ્તિત્વ, લાગણીઓ અને શક્તિ એ આકારથી ક્યાંય ઓછા કે વધારે થતી નથી.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા શિક્ષિકા પિંકલ દેસાઈ કહે છે કે, “જ્યારે સ્ત્રીનું વજન વધે છે, ત્યારે સમાજ એના શરીર પર ટિપ્પણીઓ કરે છે, હાસ્ય બનાવે છે, પરંતુ કોઈ એની લાગણીઓની ઊંડાઈમાં નથી ઝાંખતું. દરેક સ્મિત પાછળ કદાચ અગણિત ટિપ્પણીઓની પીડા છુપાયેલી હોય છે. પણ હું તો એટલું જ કહીશ કે સ્ત્રીઓ, આ પીડાને તમારી ઓળખ ન બનવા દો. દુનિયા તમને તમારા શરીરથી નહીં, પણ તમારી હિંમત, આત્મવિશ્વાસ અને પ્રેમથી ઓળખે એવો દ્રઢ સંકલ્પ લો. મહિલાનું સૌંદર્ય એની આકૃતિમાં નહીં, પરંતુ એની આત્મવિશ્વાસભરી આંખોમાં, એની શાંતિભરી સ્મિતમાં અને એની સંવેદનાશીલ હૃદયમાં વસે છે.”

સ્ત્રીનું શરીર એની ઓળખ નથી

કોઈ પણ મહિલાને એ સમજવામાં ઘણાં વર્ષ લાગી જાય છે કે એનું શરીર એની ઓળખ નથી. એ જેટલી મેદસ્વી હોય છે, એટલી જ મહેનતુ, આત્મવિશ્વાસી અને સંવેદનશીલ પણ હોય છે. છતાં પણ સમાજ હજુ પણ સ્ત્રીને એના શરીરના આકારથી માપે છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અર્પિતા ક્રિશ્ચિયન કહે છે કે, “સ્ત્રીઓને જ કહેવામાં આવે છે કે તુ તો હવે જાડી થઈ ગઈ છે. જુદી-જુદી વ્યક્તિ પોતાની રીતી અભિપ્રાય આપે છે. કોઈ કહે કે થોડું વજન ઘટાડો તો વધુ સારી લાગશો, તો કોઈ પાછળથી હસે છે. એ વાતો સીધી હૃદયમાં ઘૂસી જાય છે. પુરુષો માટે એ જ વસ્તુ નેચરલ ગણાય છે, પણ મહિલાઓ માટે હંમેશા કસોટી  બની જાય છે. મને સમજાયું કે જો હું જ મારી જાતને સ્વીકારતી ન હોઉં, તો બીજાઓ પાસેથી સ્વીકારની અપેક્ષા રાખવી વ્યર્થ છે. માટે જ કોઈ પણ યુવતિ, મહિલાએ પોતાની જાતને જેવી હોય એવી જ સ્વીકારવી જરૂરી છે.”

સ્ત્રીની મેદસ્વિતાને સંપૂર્ણપણે સમર્થન નથી…

આજના સમયમાં પ્રસૂતિ બાદ સ્ત્રીમાં મેદસ્વિતા આવી જાય છે. જે સ્ત્રીની અનિચ્છા એ આવે છે. જેના કારણે સ્ત્રીએ ડગલેને પગલે સમાજના મ્હેણાં ટોણા સાંભળવા પડે છે. ઘરના  જ લોકો જાડી, ટૂન ટૂનને બીજા ઘણા નામોથી મજાક ઉડાવતા હોય છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા એન્કર અને વોઈસ એક્ટર શ્રેયા કહે છે કે, “જરૂરી નથી કે સ્ત્રીની મેદસ્વિતાનું કારણ ફક્ત આહાર પર જ નિર્ભર કરે છે. પણ સ્ત્રીના શરીરની રચના પુરુષ કરતા ખૂબ જટિલ છે. પીસીઓડિ, પીસીઓએસ, થાઇરોઇડ કે અનિયમિત માસિકના લીધે પણ મેદસ્વિતાનો સામનો સ્ત્રી કરે છે. સ્ત્રીને એના બહારી દેખાવને લઈને જજ કરવામાં આવે છે. પણ શું આ જજમેન્ટના કારણે સ્ત્રીઓની મનોસ્થિતિ કેવી થઈ જાય છે એ કોઈને ખબર પડતી હશે?  સ્ત્રીઓનું ટેલેન્ટ, એમની કલા, પ્રતિભા કે વ્યક્તિત્વ, જે બધું જ ફક્ત એક કારણને લઈને પાછું પાડવામાં આવે છે મેદસ્વિતા. હું સ્ત્રીની મેદસ્વિતાને સંપૂર્ણપણે સમર્થન નથી આપતી કેમ કે આજની સ્ત્રી એ પણ એ સમજવાની પૂરી જરૂર છે કે મેદસ્વિતાને કારણે ઘણી બીમારીઓને આમંત્રણ મળે છે.”

હેતલ રાવ

કર્ણાટકના RSSના કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવનાર આદેશ પર હાઈકોર્ટનો સ્ટે

બેંગલુરુઃ કર્ણાટકની કોંગ્રેસ સરકારને હાઈકોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો છે. કર્ણાટક હાઈકોર્ટે RSSના પક્ષમાં પોતાનો આદેશ આપ્યો છે. કોંગ્રેસ સરકારને આંચકો આપતાં કોર્ટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાના આદેશ પર વચગાળાનો સ્ટે મૂક્યો છે. કોર્ટે સિદ્ધારમૈયા સરકારના તે આદેશ પર પણ સ્ટે લગાવ્યો છે જેમાં જાહેર સ્થળોમાં 10થી વધુ લોકો એકત્ર થવા માટે પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત કરવામાં આવી હતી.

આ આદેશ ન્યાયમૂર્તિ એમ. નાગપ્રસન્નાની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠ દ્વારા આપવામાં આવ્યો છે. ખંડપીઠે રાજ્ય સરકાર, ગૃહ વિભાગ અને હુબલીના પોલીસ કમિશનરને નોટિસ પણ મોકલી છે. RSSએ રાજ્ય સરકારના 18 ઓક્ટોબર, 2025ના આદેશને પડકાર્યો હતો, જેમાં પૂર્વ મંજૂરી વગર 10થી વધુ લોકો એકત્ર થવું ગુનાહિત કૃત્ય ગણાવવામાં આવ્યું હતું. આ આદેશમાં પોલીસ અધિનિયમનો હવાલો આપીને રસ્તાઓ, બાગ-બગીચા, રમવાના મેદાનો અને તળાવો જેવાં સ્થળોના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

વચગાળાના સ્ટેથી હિંદુ સંસ્થાને કેસની આગામી સુનાવણી સુધી તાત્કાલિક રાહત મળી છે. RSSએ ચિત્તપુરના તહેસીલદારના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો છે. તહેસીલદારે ચિત્તપુર નગરમાં RSSને પોતાની શતાબ્દી સરઘસ કાઢવાની મંજૂરી આપી નહોતી. આ પડકાર RSSએ હાઈકોર્ટની કલબુર્ગી બેંચમાં આપ્યો છે. શતાબ્દી માર્ચ અગાઉથી નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ તે પહેલાં જ અધિકારીઓએ ચિત્તપુરમાં ભગવા ધ્વજ, બેનરો અને ઝંડીઓ દૂર કરી દીધી હતી.

આ આદેશ બાદ બેંગલુરુ દક્ષિણથી BJP સાંસદ તેજસ્વી સૂર્યાએ કહ્યું હતું કે RSSની પ્રવૃત્તિઓના વિરોધમાં લેવાયેલું આ પગલું કોંગ્રેસના નેતા પ્રિયંક ખડગેનું છે. સાંસદે કહ્યું હતું કે RSS શાંતિપૂર્ણ રીતે પોતાની પ્રવૃત્તિઓ ચલાવે છે, શાંતિપૂર્ણ રીતે માર્ચ અને સરઘસો કાઢે છે.

કર્ણાટક સરકારે શું આદેશ કર્યો છે?

સરકારે 18 ઓક્ટોબરે આ આદેશ બહાર પાડ્યો હતો, જેમાં ખાનગી સંસ્થાઓ, સંગઠનો અને જૂથોની પ્રવૃત્તિઓ માટે સરકારી સંપત્તિ કે જાહેર સ્થળનો ઉપયોગ કરતાં પહેલાં મંજૂરી લેવી ફરજિયાત કરવામાં આવી હતી. આ આદેશમાં RSSનું નામ સ્પષ્ટ રીતે નથી, પરંતુ કહેવાઈ રહ્યું છે કે આનો ઉદ્દેશ સંગઠન દ્વારા કઢાતા પથસંચલનો પર અસર કરવાનો હતો.

ત્રણ સરકારી પ્રાથમિક શાળાઓને રાજ્યકક્ષાનો ‘ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ્સ’ એનાયત 

ગાંધીનગર: ‘કલાયમેટ ચેન્જ’ની વૈશ્વિક સમસ્યાના હકારાત્મક ઉકેલ માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. જેમાં જનભાગીદારીથી મહત્તમ વૃક્ષ ઉછેરવાની સાથે વિવિધ સ્વરૂપે ગ્રીન કવર-કવચ ઉભું કરવામાં આવી રહ્યું છે. આ લક્ષ્યાંક સિદ્ધ કરવા વન-ક્લાઇમેટ ચેન્જ વિભાગની સાથે-સાથે વિવિધ સરકારી તેમજ પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ-નાગરિકો સંયુક્ત ભાગીદારીથી કાર્ય કરી રહ્યા છે.

આ કાર્યને આગળ વધારવા ‘પ્લાસ્ટિક મુક્ત ગામ’ થકી ક્લાઈમેન્ટ ચેન્જની અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં રાજ્યની ત્રણ સરકારી પ્રાથમિક શાળાઓને તાજેતરમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬નો રાજ્યકક્ષાનો ‘ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ્સ’ એનાયત કરવામાં આવ્યો. આ અવોર્ડની કુલ સાતમાંથી, ‘શૈક્ષણિક સંસ્થા’ શ્રેણી હેઠળ આવતી આ સરકારી પ્રાથમિક શાળાઓમાં ગાંધીનગર જિલ્લાની પાલજ અને અહમદપુર પ્રાથમિક શાળા તેમજ ખેડા જિલ્લાની સિંહુજકુમાર પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે. જેમાં પ્રથમ, દ્ધિતીય અને તૃતીય વિજેતા આ શાળાઓને રાજ્ય સરકાર દ્વારા અનુક્રમે રૂ.૧ લાખ, ૭૫ હજાર અને ૫૦ હજારનું રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવી છે.

સરકારી પ્રાથમિક શાળા, પાલજ

પ્લાસ્ટિક અંગે જાગૃતિ અને તેનો વપરાશ ઘટાડવાના પ્રયાસો બદલ શૈક્ષણિક સંસ્થા કેટેગરીમાં આ શાળાની  કલાઈમેન્ટ ચેન્જ એવોર્ડ માટે પસંદગી કરી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગામજનોના સહયોગથી પ્લાસ્ટિક રિસાયકલિંગની પહેલમાં સક્રિય ભૂમિકા ભજવી છે, જે પર્યાવરણની ટકાઉતાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. શાળા દ્વારા દર બુધવારે વિદ્યાર્થીઓ પાસેથી પ્લાસ્ટિકનો કચરો તેમના ઘરેથી મગાવવામાં આવતો હતો. જે IIT-ગાંધીનગર ખાતે રિસાયકલ માટે અપાતા. જેના બદલામાં, વિદ્યાર્થીઓને લેખનપેડ, કચરાપેટી અને ગ્રીન બેન્ચીસ આપવામાં આવે છે.

આ ઉપરાંત વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન વિધાર્થીઓ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકામાં ૨૪૫ કિલો જેટલું પ્લાસ્ટિક એકત્ર કરીને જમા કરવામાં આવ્યું છે. શાળા દ્વારા પાલજ ગામમાં પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવા  માટે રેલી, ચિત્ર સ્પર્ધા અને સફાઈ અભિયાનની સાથે શાળાએ કેમ્પસમાં પ્લાસ્ટિક લાવવાને લઈને કડક પ્રતિબંધ પણ લાગુ કર્યો છે. આ પ્રયાસોના ભાગરૂપે શાળાને “સ્વચ્છતા હી સેવા એવોર્ડ ૨૦૨૩–૨૪” પણ પ્રાપ્ત થયો છે.

અહમદપુર પ્રાથમિક શાળા

પ્લાસ્ટિક મુક્ત હરિયાળા ગામ થકી ક્લાયમેટ ચેન્જ વિષય બદલ શૈક્ષણિક સંસ્થા કેટેગરીમાં આ શાળાની પસંદગી કરાઈ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત શાળાના બાળકોને શાળા તરફથી કેસર આંબાના ૨૫૦ રોપા આપવામાં આવ્યા હતા. જેમાંથી ૨૨૫ આંબા પર ફળ આવવા લાગ્યા છે. બાળકોનાં પ્રયત્નોથી પ્રત્યેક વર્ષે ‘’એક બાળ, એક ઝાડ’’ સંકલ્પથી શાળાએ નવા ૮૦૦ જેટલા વૃક્ષ ઉછેર્યા છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ગામમાંથી જૂના કપડાં એકત્રિત કરી અને તેનો ઉપયોગ કરીને ગ્રામજનો, શાળાના બાળકો અને ગામના સ્થાનિક દરજીની મદદથી ૩૫૦થી વધુ કપડાની થેલીઓ બનાવી, દરેક ઘરમાં અને દુકાનમાં વિતરણ કર્યું છે.

સિંહુજકુમાર શાળા

નરેન્દ્રગીરી બી. ગોસ્વામી-સિંહુજકુમાર શાળાની ‘ગ્રીન સ્કૂલ- કેચ ધ રેઇન’ના વિષય માટેની શૈક્ષણિક કેટેગરીમાં પસંદગી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત શિક્ષક નરેન્દ્રગીરી બી. ગોસ્વામી દ્વારા વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળ પર્યાવરણ ટીમો દ્વારા ઓડિટ અને જાગૃતિ કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીના “Catch the Rain” અભિયાનને અનુસરીને દર વર્ષે અંદાજે પાંચ લાખ લિટર પાણી બચાવવામાં આવે છે.

તેમના દ્વારા વિદ્યાર્થીઓના જીવનમાં પરિવર્તન લાવીને પ્લાસ્ટિક પેકેજિંગનો ઉપયોગ સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યો છે. ગામમાં નવીનીકરણીય ઊર્જા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. શાળાની પ્રવૃત્તિઓ હેઠળ જૈવિક ખેતી અને ખાતપાચન (composting)ને એકીકૃત કરવામાં આવે છે. આ શાળાએ સમગ્ર જિલ્લાની ૩૦૦થી વધુ શાળાઓ અને ૯,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને વિવિધ હકારાત્મક પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણ બચાવવાની પ્રેરણા આપી છે.

દેશભરમાં છઠના તહેવારે રૂ. 50,000 કરોડ રૂપિયાનો વેપાર

નવી દિલ્હી: દેશમાં છઠ તહેવારને લઈને બિહાર સહિત દેશઆખામાં નોંધપાત્ર વેચાણ થયાં હતાં. માત્ર બિહારમાં જ અંદાજિત 15,000 કરોડ રૂપિયાનો વેપાર થયો હોવાનું માનવામાં આવે છે. દેશભરમાં લગભગ રૂ. 50,000 કરોડ રૂપિયાથી વધુના વ્યવહાર થયા હોવાનો અંદાજ છે, એમ કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)નો અહેવાલ કહે છે.

ચાર દિવસ ચાલેલો છઠ તહેવાર મંગળવાર સવારે ઊગતા સૂર્યને અર્ઘ્ય આપીને પૂર્ણ થયો હતો. કેટના અંદાજ પ્રમાણે માત્ર દિલ્હીમાં જ 8000 કરોડ રૂપિયાના વ્યવહાર થયા હતા. બિહારમાં 15,000 કરોડ અને ઝારખંડમાં લગભગ 5000 કરોડ રૂપિયાની વેચાણ થયાં હતાં.કેટ દ્વારા બહાર પાડવામાં આવેલી રિપોર્ટમાં આ વ્યવહાર સંબંધિત માહિતી આપવામાં આવી છે. દરેક વર્ષે તહેવારો અને લગ્ન પ્રસંગોને લઈને દેશમાં કેટલો ખર્ચ થાય છે તેના અંગે કેટ માર્ગદર્શક આંકડા આપે છે. કૈટના રાષ્ટ્રીય મહામંત્રી અને દિલ્હીના ચાંદની ચોકના સાંસદ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે છઠના પરંપરાગત પ્રદેશો — બિહાર, ઝારખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ અને પૂર્વાંચલમાં ભારે ખરીદી થઈ. આ ઉપરાંત દિલ્હીમાં અને NCR વિસ્તારમાં મોટી પૂર્વાંચલી વસ્તી હોવાથી પણ મોટા વેપાર નોંધાયા હતા.

કેટના જણાવ્યા મુજબ પૂજા સામગ્રી, તાત્કાલિક માળખાં (અસ્થાયી સ્ટ્રક્ચર્સ), સુરક્ષા અને સફાઈ સેવાઓ પર ભારે ખર્ચ થયો. પશ્ચિમ બંગાળમાં વસતા પ્રવાસી સમુદાયને લીધે ગંગા કિનારે મોટા આયોજન કરવામાં આવ્યાં, જ્યારે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન વગેરેમાં તળાવો અને ઘાટોની મરામત સાથે નવી સુવિધાઓ ઊભી કરવામાં આવી. ઓડિશા, કર્ણાટક અને તેલંગાણા વગેરેમાં પ્રવાસી વસ્તીને કારણે સ્થાનિક બજારોમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી.

પરંપરાગત રાજ્યોની બહાર હવે છઠ તહેવારનો આર્થિક પ્રભાવ મહાનગરો અને નવાં રાજ્યોમાં પણ ફેલાયો છે, જ્યાં પ્રવાસી સમુદાયે સ્થાનિક માંગમાં વધારો કર્યો છે. છઠ પર થયેલી ખરીદીમાં કૃષિ ઉત્પાદનો — જેમ કે કેળા, શેરડી, નાળિયેર, મોસમી ફળો, ચોખા, અનાજ વગેરે; પ્રસાદ અને મીઠાઇમાં ઠેકુઆ, ખીરની સામગ્રી, લાડુ, ગોળ ઉત્પાદનો; પૂજન સામગ્રીમાં ટોપલી, દીયા, પત્તલ, ફૂલો, માટીના વાસણો અને પેકિંગ સામગ્રી સાથે સાથે ઘાટ નિર્માણ, લાઇટિંગ, સુરક્ષા, સફાઈ, બોટ સેવા જેવી સેવાઓના વ્યવહારમાં પણ ભારે વૃદ્ધિ નોંધાઈ હતી.

એકતા નગર ખાતે સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ ઉજવાશે, વંશજો હાજર રહેશે

રાજપીપળા:  31 ઓક્ટોબર, 2025ના રોજ લોહપુરૂષ સરદાર પટેલની 150મી જન્મજયંતિ છે. જે નિમિત્તે નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત એકતા નગરમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.  ૩૧ ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા નગરની મુલાકાત લેવાના છે. ત્યારે આ પ્રસંગે સરદાર પટેલના વંશજો પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે. વર્ષ 2014થી 31મી ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.સરદાર વલ્લભભાઈ પટેલના વંશજોમાં ગૌતમ ડાહ્યાભાઈ પટેલ (સરદાર પટેલના પૌત્ર), કે જેઓ હાલમાં ૮૦ વર્ષના છે, તેઓ પરિવારના વરિષ્ઠ સભ્ય તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ગૌતમભાઈના પત્ની ડો. નંદિતા પટેલ, સરદાર પટેલના પ્રપૌત્ર કેદાર ગૌતમ પટેલ પણ પરિવાર સાથે ઉપસ્થિત રહેશે. ગૌતમભાઈના પત્ની રીના પટેલ તથા તેમની પુત્રી કરીના કેદાર પટેલ પણ એકતા નગર ખાતે હાજર રહેશે. આ ઉપરાંત ગૌતમ ડાહ્યાભાઈ પટેલના પિતરાઈ સમીર ઇન્દ્રકાંત પટેલ, તેમના પત્ની રીતા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેવાના છે.

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ દેશની એકતા, અખંડતા અને સંકલ્પનું પ્રતિક છે. એકતા નગર હવે માત્ર પ્રવાસન સ્થળ નહીં પરંતુ રાષ્ટ્રની એકતાનું જીવંત પ્રતિક બની ગયું છે.

મજૂરોથી ભરેલી બસ હાઇટેન્શન તારની ચપેટમાં: બેનાં મોત

જયપુરઃ મનોહરપુર સ્ટેશન વિસ્તારના ટોડી ગામે મજૂરોને લઈ જતી એક બસ હાઈટેન્શન લાઇનના સંપર્કમાં આવી જતાં કરંટની ઝપેટમાં આવી ગઈ. આ અકસ્માતમાં બે મજૂરોનું ઘટનાસ્થળે જ મોત થયાં છે, જ્યારે અંદાજે 12 જેટલા મજૂરો દાઝી ગયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ મજૂરોને લઈને બસ ઉત્તર પ્રદેશથી મનોહરપુરના ટોડી સ્થિત ઈંટભઠ્ઠી તરફ આવી રહી હતી. રસ્તામાં બસ ઉપરથી પસાર થતી 11,000 વોલ્ટની લાઇનના સંપર્કમાં આવી ગઈ, જેને કારણે બસમાં કરંટ ફેલાયો અને સ્પાર્કિંગથી આગ લાગી ગઈ. આ ઘટનાની સાથે જ બસમાં બૂમાબૂમ મચી ગઈ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પાંચ મજૂરોને જયપુર મોકલાયા

પ્રાપ્ત માહિતી મળતાં જ મનોહરપુર પોલીસ અને વહીવટી અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા અને ઘાયલ મજૂરોને શાહપુરા ઉપજિલ્લા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. ગંભીર રીતે કરંટથી દાઝેલા પાંચ મજૂરોને પ્રાથમિક સારવાર બાદ જયપુર મોકલવામાં આવ્યા છે. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને ઘટના અંગે તપાસ શરૂ કરી છે.

મંગળવારે જયપુર ગ્રામ્ય જિલ્લાના શાહપુરા વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી. જ્યાં મજૂરોને લઈ જતી બસ હાઈટેન્શન લાઇનની ઝપેટમાં આવી ગઈ. જેને કારણે બસમાં મજૂરોને કરંટ લાગ્યો હતો અને આગ લાગી ગઈ હતી. આ ઘટનાનો વિડિયો પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે બસ સંપૂર્ણપણે આગની ઝપેટમાં આવી  ગઈ છે. આગમાં બસ આખી બળી ખાખ થઈ ગઈ છે. આ ઘટના બાદ સ્થાનિક વહીવટી તંત્ર સ્થળ પર પહોંચ્યું અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

જૈસલમેરમાં 26 લોકોનાં મોત થયાં હતાં

આ પહેલાં 14 ઑક્ટોબરે જૈસલમેરમાં ચાલતી બસમાં આગ લાગી હતી. આગ એસી સિસ્ટમમાં શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. આ ભયાનક બસ દુર્ઘટનામાં 26 લોકોનાં મોત થયાં હતાં. જૈસલમેરથી જોધપુર જતી ખાનગી બસમાં નીકળ્યા બાદ માત્ર દસ મિનિટમાં જ આગ લાગી ગઈ હતી.

અમદાવામાં છઠ પૂજાની કરવામાં આવી ઉજવણી

ઉત્તર ભારતના બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને નેપાળના અમુક ભાગમાં ઉજવાતા છઠ પૂજાના પર્વને અમદાવાદની સાબરમતી નદીના નારાયણ ઘાટ રિવરફ્રન્ટ, ઈંદિરા બ્રિજ, ગોદરેજ ગાર્ડન સિટીમાં કુંડ તૈયાર કરી પણ ઉજવવામાં આવ્યો હતો.

પૂર્વે અને પશ્ચિમ અમદાવાદમાં ઉત્તર ભારતીયોની વસ્તી મોટા પ્રમાણમાં છે. અમદાવાદ શહેરના ઇંદિરા બ્રિજ નીચે છઠ પૂજા ઘાટમાં વિશાળ મંચ પર કાર્યક્રમ સાથે છઠ પૂજા સૂર્યની આરાધના  કરવામાં આવી.

સાબરમતી નદીના પટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. આ સાથે મહાનગરપાલિકા ટીમોએ સ્પેશિયલ મશીનો દ્વારા નદીના કિનારા અને પાણીને સ્વચ્છ કર્યા.

યુથ ક્લબના નવીન પટેલે ચિત્રલેખા.કોમને કહ્યું કે, “છઠ પૂજા માટે ગોદરેજ ગાર્ડન સિટીમાં એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે વિશાળ જગ્યામાં સૂર્ય આરાધના માટે કુંડ બનાવવામાં આવ્યા હતા. સોમવારની સાંજે તેમજ મંગળવારની સવારે સૂર્ય આરાધના થશે.”

આ વર્ષે છઠ પૂજા માટે જળાશયોના માર્ગો પર ભારે ભીડ જોવા મળી હતી. કેટલાક શ્રધ્ધાળુઓએ નદીમાં સ્વચ્છતા જળવાય એ માટે જાતે નાના મોટા કુંડ બનાવી સૂર્ય આરાધના કરી હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ)

એમેઝોન 30,000 કર્મચારીઓની કરશે છટણી

નવી દિલ્હીઃ એમેઝોને 28 ઓક્ટોબર 2025થી આશરે 30,000 કોર્પોરેટ કર્મચારીઓને નોકરીમાંથી દૂર કરવાની તૈયારીમાં છે. કંપનીએ આ પગલું ખર્ચામાં કપાત કરવા અને કોરોના મહામારી દરમિયાન થયેલી વધારાની ભરતીની ભરપાઈ કરવા માટે ઉઠાવ્યું છે. કંપનીનું કહેવું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં જરૂરિયાત કરતાં વધુ કર્મચારીઓની ભરતી થઈ હતી, તેથી હવે તે પોતાના સ્ટાફનું કદ ઘટાડીને કાર્યક્ષમતા સંતુલિત કરવા માગે છે. આ નિર્ણય એમેઝોનના અનેક વિભાગોને અસર કરી શકે છે, ખાસ કરીને તે ક્ષેત્રોને જ્યાં મહામારી પછી માગ ઘટી ગઈ છે.

 30,000 કર્મચારીઓની નોકરી પર સંકટ

આ છટણી એમેઝોનમાં 2022ના અંતમાં શરૂ થયેલી આશરે 27,000 નોકરીઓના કાપ બાદ અત્યાર સુધીની સૌથી મોટી ગણાશે, છતાં 30,000 લોકોને કાઢી મૂકવાનું પગલું કંપનીના કુલ 15.5 લાખ કર્મચારીઓના પ્રમાણમાં માત્ર એક નાનો હિસ્સો છે, તેમ છતાં આ પગલું એમેઝોનના કોર્પોરેટ સ્ટાફ પર મોટો પ્રભાવ પાડશે, કારણ કે તે કંપનીના આશરે 3.5 લાખ કોર્પોરેટ કર્મચારીઓમાંથી લગભગ 10 ટકા લોકોને અસર કરશે.

કંપની છેલ્લાં બે વર્ષથી અલગ-અલગ વિભાગોમાં ધીમે-ધીમે કર્મચારીઓની સંખ્યા ઘટાડતી આવી છે. તેમાં ડિવાઇસ, કમ્યુનિકેશન, પોડકાસ્ટિંગ અને અન્ય યુનિટ્સનો સમાવેશ થાય છે. આ નવી છટણીમાં પણ એમેઝોનના અનેક વિભાગો અસરગ્રસ્ત થશે, જેમાં હ્યુમન રિસોર્સ વિભાગ, ડિવાઇસ અને સર્વિસીઝ વિભાગ,ઓપરેશન્સ ડિવિઝન  છે. આ બધાં ક્ષેત્રોમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની યોજના તૈયાર કરવામાં આવી છે.

કંપનીના અસરગ્રસ્ત ટીમોના મેનેજરોને સોમવારે તાલીમ આપવામાં આવી છે કે મંગળવારે સવારે ઈમેલ દ્વારા સૂચનાઓ મોકલાયા પછી તેઓ પોતાના કર્મચારીઓ સાથે કેવી રીતે વાતચીત કરશે.