
સ્કૂલ ફ્રોમ હોમઃ બાળકો માટે કેવો ડાયેટ રાખશો?
કોરોના: વાયરસનો કેર ઓછો નથી થઈ રહ્યો, પણ લોકો તેમજ બાળકોની લાઈફસ્ટાઈલમાં બદલાવ આવી રહ્યો છે! નોકરિયાત લોકોએ લૉકડાઉનના આરંભે જ વર્ક ફ્રોમ હોમ શરૂ કરી દીધું હતું! હવે વારો આવ્યો છે બાળકોનો! એમનું પણ હવે ‘સ્કૂલ ફ્રોમ હોમ’ દ્વારા શિક્ષણ શરૂ થઈ ગયું છે!

બાળકોએ ઓનલાઇન સ્કૂલમાં ભણવાના કલાકો સાથે પોતાની રોજની દિનચર્યા સાથે પણ ગોઠવાવું પડે છે! જેમ એકધારું ઘરમાં રહીને મોટેરાઓ અકળાઈ જાય છે. તેમ બાળકો પણ ક્યાંક તો કંટાળી જતાં હોય છે! ખાવા પીવા માટે કજિયો કરતા હોય, આળસ પણ કરી જતા હોય, તેમનો ઉંઘવાનો સમય પણ ઓછો થઈ ગયો હોય! આવી ઘણી બધી ફરિયાદો સાંભળવા મળે છે. એમાં બાળકોનો તો કોઈ વાંક નથી જ ને!
તમને તમારા બાળકોમાં આવો બદલાવ જોવા મળે તો તમે પણ ન્યુટ્રીશનિસ્ટ ઋજુતા દિવેકરે આપેલી ટિપ્સ પ્રમાણે બાળકો માટે આહાર તૈયાર કરી શકો છો. જેનાથી બાળકોનું પાચનતંત્ર તેમજ મૂડમાં પણ સુધારો થશે! મુંબઈના જાણીતા સેલિબ્રિટી ન્યુટ્રીશનિસ્ટ ઋજુતા દિવેકરે એમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બાળકો તેમજ ટીનેજરના સ્કૂલ ફ્રોમ હોમ દરમ્યાનના પૌષ્ટિક આહાર માટેની જરૂરી ટિપ્સ આપી છે!
તાજાં ફળઃ બાળકોએ રોજ સવારે નાસ્તામાં કેળાં તેમજ ઋતુ પ્રમાણે મળતાં ફળ ખાવા જોઈએ. નાસ્તામાં ફક્ત ફળ લઈ શકાય છે અથવા અન્ય નાસ્તા જેવા કે ઈડલી, પૌંઆ, ઉપમા, ઢોસા વગેરે સાથે પણ લઇ શકાય છે.

ફળો વિટામીન્સ તેમજ પોલિફેનોલ્સથી ભરપૂર હોય છે. જે શરીરનું પાચનતંત્ર તેમજ મૂડને પણ સુધારે છે. તેમજ જંક ફુડ ખાવાની ઈચ્છાને ઓછી કરે છે.
2. લંચ માટે કઠોળ અને ભાતનું કોમ્બિનેશન:
કઠોળ જેવાં કે, રાજમા, ચણા, છોલે, ચોળી અથવા એવા જ અન્ય સ્થાનિક કઠોળ રાંધતા પહેલાં એટલે કે, બપોર માટે રાંધવું હોય તો, આગલી રાત્રે કઠોળને ધોઈને પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે સવારે એને સરખું બાફીને રાંધી લો. બાળકને કઠોળ સાથે ભાત અને છાશ આપી શકો છો. કઠોળ, ભાત અને છાશના સંયોજનવાળો ખોરાક પ્રિબાયોટિક તેમજ પ્રોબાયોટિકથી ભરપૂર આહાર છે. એમાં એમિનો એસિડનું પૂરતું પ્રમાણ છે અને આ ખોરાક પચવામાં પણ સહેલો છે.

3. દહીં અને કાળી દ્રાક્ષઃ
ઘરમાં જમાવેલું દહીં અને એની સાથે કાળી સૂકી દ્રાક્ષ દિવસ દરમ્યાન ક્યારે પણ તમે આપી શકો છો. કોઈપણ સમયે ભૂખ લાગે તો આ એક ઉત્તમ નાસ્તો પુરવાર થઈ શકે છે! જે વિટામીન બી-12 અને લોહતત્ત્વથી ભરપૂર છે. એનાથી સુસ્તી ઉડે છે, ભૂખ ઉઘડે છે તેમજ હોર્મોન્સનું સંતુલન પણ જળવાય છે.

4. રાતના જમવાનો સમય વહેલો એટલે કે સાત વાગ્યા સુધી રાખો:
રાત્રે જમવામાં બાળકોને પનીર પરાંઠા, પુરી-ભાજી, શાકવાળી રોટલીનો રોલ, અજમા વાળા પરાંઠા, જુવાર અથવા નાચણીની ભાખરી સાથે બટેટાની સૂકી ભાજી, વેજીટેબલ પુલાવની સાથે રાયતું તેમજ તળેલું પાપડ વગેરે ડિશમાંથી કોઈપણ એક ડિશ બનાવીને આપી શકો છો. આપેલી વાનગીઓમાંની દરેક વાનગી એક સંપૂર્ણ પોષક આહાર છે. એનાથી પેટ પણ ભરાય છે. બાળકોની તંદુરસ્તી માટે આવો આહાર ખૂબ જરૂરી છે.

બાળકોને કોઈવાર ચટપટું ખાવાની ઈચ્છા થાય તો, તમે એમના માટે ઘરે જ પિઝા, પાસ્તા કે પાંઉભાજી બનાવીને આપી શકો છો. પરંતુ સાંજે સાત વાગ્યા પહેલાં જ ભોજન તૈયાર કરીને બાળકોનેે જમાડી લેવા એવું દિવેકર જણાવે છે.
5. રાત્રે સૂતી વખતે:
રાત્રે બાળકોને હળદર વાળું દૂધ, કોઈ ફળ સાથેનું મિલ્ક શેક કે ગુલકંદવાળું દૂધ આપી શકો છો. બાળકોને ભૂખ લાગે તો કોઈ ફળ ખાવા માટે આપી શકો છો.

ઋજુતા દિવેકર માતા-પિતાને ખાસ ટકોર કરીને કહે છે, ‘તેમણે આહારનું પ્લાનિંગ કરવામાં તેમજ ભોજન તૈયાર કરતી વખતે બાળકોને પણ સાથે રાખવાં. જેથી બાળકોને પણ રસોઈ તેમજ આહાર પ્રત્યે રસ જાગે તથા કયો ખોરાક તેમના માટે હેલ્ધી છે તેની સમજ પણ આવે!’ આહાર માટેના ઉપાયો બાળકની પ્રકૃતિ પ્રમાણે કરવા. જો બાળકને તબિયતને લગતી કોઈ સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લેવી.
ચીનની સામે અમેરિકાના ટાઇમ સ્ક્વેર પર ભારે વિરોધ પ્રદર્શન
ન્યુ યોર્કઃ ચીનની આક્રમકતા અને વિસ્તારવાદી નીતિઓથી તંગ લોકો હવે વિશ્વભરમાં રસ્તા ઊતરી રહ્યા છે. ન્યુ યોર્કના ટાઇમ સ્ક્વેર પર ભારતીય અમેરિકી, તિબ્બતી, અને તાઇવાની નાગરિકોએ ચીનની સામે વિરોધ પ્રદર્શન કર્યું આ દરમ્યાન લોકોએ બોયકોટ ચાઇના અને સ્ટોપ ચાઇના એબ્યુઝ જેવાં પોસ્ટર પણ જોવા મળ્યાં હતાં. બે દિવસ પહેલાં શિકાગોમાં ચીનની સામે જબરદસ્ત પ્રદર્શન થયાં હતાં. 
ટાઇમ સ્ક્વેર પર લોકો એકઠા થયા
ઐતિહાસિક ટાઇમ્સ પર મોટી સંખ્યામાં ભારતીય-અમેરિકી લોકોએ ચીનની સામે પ્રદર્શન કરતાં ભારત માતાની જય અને અન્ય દેશભક્તિના સૂત્રો પોકાર્યાં હતાં. એની સાથે તેમણે ભારતની સામે ચીનની આક્રમકતાને લઈને એનો આર્થિક બહિષ્કાર કરવાની અને એને રાજકીય સ્તરે અલગ-થલગ કરવાની માગ કરી હતી.
ટાઇમ્સ સ્ક્વેર પર બોયકોટ ચાઇનોનો સૂત્રોચ્ચાર
ન્યુ યોર્ક અને ન્યુ જર્સીમાં રહેતા ભારતીયો અને કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિયેશન્સ (FIA)ના કાર્યકરોએ બોયકોટ ચાઇના, ભારત માતાની જય અને ચીની આક્રમકતાને અટકાનો જેવા સૂત્રો પોકાર્યા હતાં. પ્રદર્શનકારીઓએ કોરોના વાઇરસ જેવી વૈશ્વિક રોગચાળાને ધ્યાનમાં રાખતાં માસ્ક પહેરીને પ્રદર્શન કર્યું હતું. તેમના હાથોમાં શહીદ જવાનોને સલામ કરતાં પોસ્ટરો હતાં.
તિબ્બતી અને તાઇવાની લોકો પણ સામેલ થયા
પ્રદર્શનમાં તિબ્બતી અને તાઇવાની સમુદાયના સભ્યો પણ સામેલ થયા હતા. તેમણે તિબ્બત ભારતની સાથે ઊભું છે. માનવાધિકારો, અલ્પસંખ્યક સમુદાયના ધર્મો, હોંગકોંગ માટે ન્યાય, ચીન માનવતાની સામે અપરાધ અટકાવે અને બોયકોટ ચાઇનાનાં પોસ્ટરો દર્શાવતાં હતાં. સમુદાયના નેતાઓ, પ્રેમ ભંડારી અને જગદીશ સહવાનીએ શુક્રવારે આ પ્રદર્શનનું આયોજન કર્યું હતું.

લોકોએ કહ્યું, ચીનને જડબાતોડ જવાબ આપીશું
જયપુર ફૂટ-યુએસએના અધ્યક્ષ ભંડારીએ કહ્યું હતું કે આજનું ભારત 1962ના ભારતથી ઘણું અલગ છે. અમે ચીનની આક્રમકતા અને એની આંતરરાષ્ટ્રીય ધોંસને સાંખી નહીં લઈએ. અમે ચીનના અહંકારનો જડબાતોડ જવાબ આપીશું.

તેમણે કહ્યું હતું કે ભારતીય સમુદાય પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોની સાથે એક હિંસક ઝડપમાં 20 ભારતીય જવાનો શહીદ થવાથી બહુ વ્યથિત છે.
કોઈનીય નોકરી નહીં જાય પણ, જોબ પ્રોફાઈલ બદલાશે: રેલવે
નવી દિલ્હી: ભારતીય રેલવેએ તેમના કર્મચારીઓને આશ્વાસન આપતા કહ્યું કે, કોઈની પણ નોકરી નહીં જાય પણ કર્મચારીઓના કામકાજમાં ફેરફાર ચોક્કસપણે થશે. રેલવે ડીજી (એચઆર) આનંદ એસ. ખાતીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે રેલવેમાં કોઈની પણ નોકરી નહીં જાય. ટ્રેન સંચાલન અને જાળવણી માટે જરૂરી કોઈપણ સલામતી કેટેગરીની નોકરીઓ સરેન્ડર કરવામાં નહીં આવે. વિવિધ શ્રેણી – વિભાગોમાં પદો માટે ચાલી રહેલ ભરતી પ્રક્રિયા હંમેશાની જેમ ચાલુ જ રહેશે.

તેમણે વધુમાં કહ્યું કે, અમે યોગ્ય વ્યક્તિને યોગ્ય કામ આપીશું, નોકરીમાંથી કાઢીશું નહીં. અમે કુશળતા વગરની નોકરીઓમાંથી કુશળતા વાળી નોકરીઓ તરફ જઈ રહ્યા છીએ. રેલવે તેની આવકનો 65 ટકા હિસ્સો કર્મચારીઓના પગાર અને પેન્શનમાં જ ખર્ચ કરે છે. વર્ષ 2019માં શરૂ થયેલી 1,46,640 પોસ્ટ્સ માટેની ભરતી પ્રક્રિયા ચાલુ છે, તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ 68,000 બિન-સલામતી વર્ગો બાકી છે, જેની સમીક્ષા કરવામાં આવી રહી છે.
મહત્વનું છે કે માર્ચથી અમલમાં આવેલા દેશવ્યાપી લોકડાઉનને કારણે રેલવેને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. રેલવે તરફથી નિયમિત ટ્રેનો પણ 12 ઓગસ્ટ સુધી બંધ રહેશે. નુકસાન ઘટાડવા માટે રેલવેએ તેના ખર્ચમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે, જે હેઠળ નવી ભરતીઓ અટકાવવામાં આવી રહી છે અને જૂની ભરતીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે.
LAC પર ટકરાવનો મૂળ મુદ્દો સીમા વિવાદ નથીઃ સ્વિડિશ પત્રકાર
નવી દિલ્હીઃ જાણીતા સ્વિડિશ પત્રકારે દાવો કર્યો છે કે ભારત અને ચીનની વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ટકરાવની સીમા વિવાદથી કોઈ લેવાદેવા નથી. દરઅસલ, બીજિંગ બહુરાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યક્રમ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI)ને પડતો મૂકવા બદલ નવી દિલ્હીને સબક શીખવાડવા ઇચ્છે છે. પૂર્વ લદ્દાખમાં જે કંઈ ચીન કરી રહ્યું છે, એ એનો જ હિસ્સો છે.
સ્વીડનના પત્રકાર બર્ટિલ લિંટનરે કહ્યું છે કે ચીન હાલમાં કોરોના સંકટનો લાભ ઉઠાવવા માગે છે. જેથી એ હિંદ પ્રશાંત ક્ષેત્રમાં પોતાની તાકાત બતાવી રહ્યું છે. પૂર્વ લદ્દાખમાં LAC પર ભારતની સાથે જે અથડામણ થઈ હોય અથવા હોંગકોંગમાં નવો સુરક્ષા કાયદો લાગુ કરવાનો હોય કે પછી તાઇવાનના હવાઈ ક્ષેત્રમાં લડાકુ વિમાન મોકલવાના હોય અથવા દક્ષિણી ચીન સાગરમાં વિયેતનામ અને ફિલિપિન્સથી ટકરાવ હોય.

ચીન સંપૂર્ણ વિસ્તારમાં (એશિયામાં) પોતાની શક્તિ બતાવી રહ્યું છે. લિન્ટનરે કહ્યું હતું કે ભારતની સાથે ટકરાવના સીમા વિવાદ સ્નાનસૂતકનોય સંબંધ નથી. ભારતે એના મહત્ત્વાકાંક્ષી BRI પ્રોજેક્ટને છિન્નભિન્ન કરી નાખ્યો છે, જેથી ચીન સમસમી ગયું છે.

એ પડોશી દેશોને બતાવી દેવા માગે છે કે આ ક્ષેત્રમાં કોણ સૌથી મોટું શક્તિશાળી છે. ચીન વિશ્વમાં સુપરપાવર બનવા ઇચ્છે છે.
લડાખવાસીઓની વાતની અવગણના દેશને મોંઘી પડશે: રાહુલ ગાંધી
નવી દિલ્હી: ચીન સાથે સરહદીય તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે લેહની મુલાકાત લીધી હતી. વડાપ્રધાનની આ મુલાકાત બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકારને લડાખમાં ચીનની ઘૂસણખોરી મામલે ચીન સામે પગલા લેવા વિનંતી કરી છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, દેશભક્ત લડાખવાસીઓ ચીનની ઘૂસણખોરી વિરૂદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. તેમના અવાજની અવગણના ન કરવી જોઈએ, સરકારે તેમની વાત સાંભળવી જોઈએ. સરકાર જો લડાખના સ્થાનિક લોકોનું નહીં સાંભળે તો દેશને આની ભારે કિંમત ચૂકવવી પડશે.
રાહુલ ગાંધીએ એક મીડિયા અહેવાલને ટાંકીને પોતાના ટ્વિટર એકાઉન્ટ દ્વારા ટ્વીટ કર્યું કે, લડાખવાસીઓ ચીનની ઘૂસણખોરી સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને ચેતવણી આપી રહ્યા છે. તેમની ઉપેક્ષા કરવી ભારતને ભારે પડી શકે છે. દેશે આની ભારે કિંમત ચૂકવવી પડશે.

કોંગ્રેસના નેતાએ જણાવ્યું કે,મહેરબાની કરીને ભારતના હિત માટે તેમનો અવાજ સાંભળો. રાહુલ ગાંધીએ જે અહેવાલને ટાંક્યો છે તેમાં લડાખના સ્થાનિક લોકો ભારતના વિસ્તારમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ ઘૂસણખોરી કરી હોવાની વાત કહી રહ્યા છે.
કોરોના સામે લડવાનું ‘ગોલ્ડન કવચ’!!
મુંબઇઃ તુંડે તુંડે મર્તિભિન્ના…એક વ્યક્તિએ લાખો રૂપિયા ખર્ચીને સોનાનો માસ્ક પોતાના માટે બનાવડાવ્યો છે. આવામાં સવાલ એ ઊભો થાય કે શું આવા મોંઘા માસ્ક પહેરવાથી કોરોના વાઇરસના સંક્રમણ લાગવાનું જોખમ ઓછું થઈ જાય? શું આને પહેર્યા પછી શ્વાસ લેવામાં કોઈ મુશ્કેલી તો નહીં થાય, વગેરે…વગેરે.
આવા અનોખા ગોલ્ડ માસ્ક ને મહારાષ્ટ્રના પુણે જિલ્લાના એક શખસે બનાવડાવ્યો છે અને એની કિંમત પણ આશરે ત્રણ લાખ રૂપિયા છે. આ છે પુણે જિલ્લાના પિપંરી-ચિંચવડના નિવાસી શંકર કુરાડ- જેણે પોતાના માટે સોનાનો માસ્ક બનાવડાવ્યો છે, જેની કિંમત 2.89 લાખ રૂપિયા છે.
ગોલ્ડ માસ્કમેન શંકર કરાડ
શંકર કુરાડે જણાવ્યું હતું કે આ એક પાતળો માસ્ક છે અને આમાં બારીક છિદ્રો છે, જેથી શ્વાસ લેવામાં કોઈ તકલીફ નથી થતી, પણ મને વિશ્વાસ નથી કે આ કોવિડ-19 વાઇરસના સંક્રમણને રોકવામાં સક્ષમ છે કે નથી. ગોલ્ડ માસ્કમેન શંકર કુરાડે કહ્યું હતું કે તેણે ટીવી પર એક શખસને ચાંદીનો માસ્ક પહેરેલો જોયો હતો. ત્યાર બાદ તેને પણ સોનાનો માસ્ક બનાવડાવવાનો વિચાર આવ્યો .આ ગોલ્ડ માસ્કની કિંમત 2.90 લાખ રૂપિયા છે અને એને બનાવવામાં સાડા પાંચ તોલા સોનાનો વપરાશ થયો છે.
શંકર કુરાડને સોનાનાં આભૂષણો પહેરવાનો બહુ શોખ છે, તે સોનાનાં અનેક આભૂષણો પહેરે છે.
કોરોના સામે બે વેક્સિનનાં હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યાં છે…
નવી દિલ્હીઃ કોવાક્સિન નામની સંભવિત વેક્સિન (રસી) વિકસાવનાર કંપની ભારત બાયોટેકે પછી અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલાને કોરોના વાઇરસ સામેના જંગમાં રસીને પ્રથમ તબક્કા અને બીજા તબક્કાના હ્યુમન ટ્રાયલ માટે સરકાર તરફથી લીલી ઝંડી મળી છે. દેશમાં માનવ પરીક્ષણો કરવા માટેની આ બીજી કોરોના વાઇરસની રસી છે. કોરોના વાઇરસથી પ્રભાવિત થનાર ભારત વિશ્વનો ચોથો સૌથી ખરાબ દેશ બન્યો છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાઇરસના આશરે 6.50 લાખ કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં સૌથી વધુ એક જ દિવસમાં 22,771 નવા કેસ નોંધાયા છે.
વિશ્વભરના દવા ઉત્પાદકો કોવિડ-19ની વેક્સિન તૈયાર કરવા માટે આકાશપાતાળ કરી રહ્યા છે. અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલાએ કહ્યું હતું કે કંપનીને ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) તરફથી હ્યુમન ટ્રાયલ માટે મંજૂરી મળી ગઈ છે. આ અગાઉ ડ્રગ નિયામકે દેશની દેશની પ્રથમ સ્વદેશી કોરોના વાઇરસ સામેની વેક્સિન કોવાક્સિનને હ્યુમન ટ્રાયલ માટે મંજૂરી મળી છે. કોવાક્સિનને હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજી (NIV)ના સહયોગથી વિકસાવી છે.
દેશમાં હવે કોરાના સામેની ટ્રાયલ્સ માટે બે રસીઓ તૈયાર છે…
|
વિશ્વમાં કોરોના વાઇરસ સામે હજી સુધી અસરકારક રસી વિકસિત થઈ નથી, પરંતુ વૈશ્વિક સ્તરે અનેક કંપનીઓ દ્વારા 100થી વધુ વેક્સિનને વિકસાવી છે, જેનાં હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યાં છે.
જયા પાર્વતી વ્રતનો પ્રારંભઃ જાણો, મહિમા અને વિધિ
અમદાવાદ: અષાઢ માસની શરૂઆત થતાંની સાથે જ વ્રત ઉપવાસ ઉત્સવોની શરુઆત થઈ જાય છે. અષાઢ સુદ અગિયારસ થી નાની બાળાઓની ગોરોની પૂજા તેમજ તેરસ થી જયા પાર્વતીના વ્રતની શરૂઆત થઇ ગઇ છે.
કોરોના વાયરસના આ કપરા કાળમાં લૉકડાઉન દરમિયાન મંદિરો સહિતના ધાર્મિક સ્થળો બંધ રહ્યા. અનલૉક ની શરુઆત થતાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ધાર્મિક સ્થળોમાં લોકો ને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

જયા પાર્વતી વ્રતની શરૂઆત થતાં જ મંદિર માં વહેલી સવારથી જ દરેક વય જૂથની બહેનો પૂજા અર્ચના આરતી માટે એકઠી થયેલી જોવા મળી હતી. અષાઢ સુદ તેરસ થી શરુ થતાં વ્રતમાં બહેનો મંદિર જઇ સુખી જીવન અને સારા જીવન સાથી માટે પ્રાર્થના કરતી હોય છે. કોરોનાની મહામારી વચ્ચે એકઠી થયેલી બહેનો એ માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શાસ્ત્રોક્ત વિધી થી પૂજા વિધિ કરી હતી. જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે, આ વ્રત પાંચ દિવસ ચાલે છે. જે આ વર્ષે 3 જુલાઈથી શરૂ થાય છે. વ્રતના ભોજનમાં મીઠું વર્જિત મનાય છે.
પાશ્ચાત્ય સંસ્કૃતિની આંધળી દોટ વચ્ચે વ્રત ઉપવાસ કથા જેવી ધાર્મિક પરંપરાઓ ભારતીય સંસ્કૃતિ અને વિચારધારા ને પુનઃજીવિત કરે છે. સમયના વહેણમાં જયા પાર્વતી જેવા વ્રતો ભૂંસાઇ રહ્યા છે. મોટા શહેરોમાં તેમનું નામ નિશાન જોવા મળતું નથી. ગામડાઓમાં લોકો આવા વ્રત કરતાં લોકો કરતાં જોવા મળે છે. મંદિરો અને ધર્મ સંસ્થાઓે વ્રતોની પરંપરા ફરી શરૂ થાય તે માટે પ્રયાસો કરવાની જરુર છે. પૌરાણીક વ્રતો પણ સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. પૌરાણિક વ્રતો વર્તમાન બીબાઢાળ જીવનમાં નવો ધાર્મિક આધ્યાત્મિક ટચ આપી ભગવાનમાં મજબૂત વિશ્વાસ પણ ઉભો કરી શકે છે.

આખી રાતનું જાગરણ કરી કુમારિકાઓ વ્રતનું સમાપન કરે છે. આ વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ ઓછામાં ઓછા પાંચ વર્ષ અને વધુમાં વધુ વીસ વર્ષ સુધી કરે છે. આ વ્રતને ગણગૌર, મંગલાગૌરી અને સૌભાગ્ય સુંદરી વ્રત પણ કહેવામાં આવે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
JEE, NEETની પરીક્ષાની નવી તારીખો જાહેર
નવી દિલ્હી: કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને હવે JEE અને NEETની પરીક્ષાને લઈને કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલે નવી જાહેરાત કરી છે. હાલપૂરતી આ બંને પરીક્ષાઓને મુલતવી રાખવામા આવી છે. શુક્રવારે સાંજે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું કે આ બંને પરીક્ષાઓ સપ્ટેમ્બરમાં આયોજિત કરવામા આવશે. JEE મુખ્ય પરીક્ષા 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. સાથે જ NEETની પરીક્ષા 13 સપ્ટેમ્બરે યોજાશે. JEE એડવાન્સની પરીક્ષા 27 સપ્ટેમ્બર 2020ના રોજ યોજાશે.

વિદ્યાર્થીઓ અને વાલીઓની વિનંતિને ધ્યાનમાં રાખીને મંત્રાલયે આ પરીક્ષાઓની સ્થિતિની સમીક્ષા માટે એક વિશેષજ્ઞોની કમિટિની રચના કરી હતી. તેમણે આજે મંત્રાલયને તેમનો રિપોર્ટ સોંપી દીધો હતો.

મહત્વનું છે કે, આ પહેલા કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલે નેશનલ ટેસ્ટ અભ્યાસ(NTA) એપનું હિન્દી વર્ઝન લોન્ચ કર્યું હતું. આ એપની મદદથી વિદ્યાર્થીઓ NEE, JEE, JEE Main પરીક્ષાની તૈયારી ઘરે બેઠા જ કરી શકે છે. ખાનગી કોચિંગ ન મેળવી શકતા વિદ્યાર્થીઓની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત આ એપનું અંગ્રેજી વર્ઝન એક મહિના પહેલા જ લોન્ચ કરવામાં આવ્યું હતું.

