Home Blog Page 4735

વાહ ભાઈ વાહ! ૧૧ જુલાઈ, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૧૧ જુલાઈ, ૨૦૨૦

રાશિ ભવિષ્ય 11/07/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમા ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવુ લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમા આવી શકો છો. વેપારમા નાનુ કામ કરવુ હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકારમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા આયોજનવાળુ કામ કરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકેમોટો પ્રવાસ થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોય તે પૂરી થાય તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામ કરવુ યોગ્ય છે, પ્રિયજનસાથે સારો સમય પસાર થઈ શકે.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદર ના થતી હોય તેવુ વધુ લાગે, મન પરાણે મોટુ રાખવું પડતુ હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટાશબ્દપ્રયોગ ના થાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. વેપારમા કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામા આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમા તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા જૂનીઓળખાણ મુજબ કામકાજ કરવામા આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમા અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષભાષા ન બોલવી, ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોયકે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શકાય તેવા સંજોગો બની શકે છે. વેપારમા નાનુ કામ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમા થોડું ચિડીયાપણુ જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવુ, આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમા ન ઉતરવુ, માર્કેટિંગમા મહેનત વધુ પડે, વેપારના કામકાજમા જોખમ ન કરવુ.


આજનો દિવસ સામાન્ય છે, કામમા સમય વ્યસ્તાને લીધે થોડી માનસિકઅશાંતિ રહે, યુવાવર્ગ માટે ક્યાય વાર્તાલાપમા ઉત્તેજનાને લીધે ગેરસમજ ના થાય તેનુ ખાસ ધ્યાન રાખવુ, આકસ્મિકનાણાકીયખર્ચ થાય અને તેની વ્યથા તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાઈ પણ આવે, વેપારમા નાનુ કામ કરવુ જ યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળેકે કોઈ ગમતી વાત સાંભળવા મળી જાય, કોઈ સામાજિકકે ધામિકકામકાજમા તમે તમારુ યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમા જરૂરી માર્ગદર્શન માટે કે ભલામણ માટે જવાનુ હોયતો તેમા પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, કામકાજમા થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમા સુમેળ થોડો ઓછો જોવા મળી શકે છે, કામકાજમા થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ સલાહ્ભર્યું છે.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે, જાહેરપ્રસંગોમા તમારો પ્રભાવ અલગજ તારી આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાયકે તમારી વાત જાણવાની જીજ્ઞાસા અન્યને વધી શકે છે પરંતુ તેમા તમને કોઈ મોટીતકલીફ ન થઇ શકે. માર્કેટિંગક્ષેત્રમા થોડી નિરાસા જોવા મળી શકે છે, વેપારમા જોખમ ન કરવુ, પ્રિયજન સાથે કોઈ મનદુખ ના થાય તેની કાળજી રાખવી.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે, વડીલવર્ગને ભૂતકાળમા કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમા યોગદાન આપેલ હોય તેની કદરકે સંભારણા થાય તેવુ બની શકે છે, નોકરીકે વ્યવસાયમા ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન પણ મળી શકે છે, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે.

પંચાંગ: 11/07/2020

BSE સ્ટાર MF પર જૂનમાં નેટ ઈક્વિટી ઇનફ્લોમાં વધારો

મુંબઈઃ દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર BSE સ્ટાર MFનો જૂન મહિનાના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના કુલ રૂ. 1882 કરોડના ચોખ્ખા ઈક્વિટી રોકાણ પ્રવાહમાં હિસ્સો રૂ. 214 કરોડનો રહ્યો છે.  BSE સ્ટાર MFના ઈતિહાસમાં પ્રથમ વાર એવું બન્યું છે કે બાકીની એસેટ મેનેજમેન્ટ કંપનીઓનું નેટ ઈક્વિટી કલેક્શન નેગેટિવ રહ્યું છે ત્યારે BSE સ્ટાર MF પર નેટ ઈક્વિટી ઇનફ્લો પોઝિટિવ રહ્યો છે. જૂન મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના રૂ 7,266 કરોડમાં સ્ટાર MFનો હિસ્સો રૂ. 5223 કરોડ રહ્યો છે, જે 72 ટકાનો હિસ્સો દર્શાવે છે.

BSE સ્ટાર MF દ્વારા જૂન મહિનામાં રૂ. 22,667 કરોડના 63.15 લાખ ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કર્યા હતા. મે મહિનામાં આ પ્લેટફોર્મે ઉદ્યોગના 66 ટકા ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કર્યા હતા.

મુંબઈમાં મેટ્રો રેલવેનું બાંધકામ પ્રગતિના પંથે…

મુંબઈમાં મેટ્રો રેલવે યોજનાઓ પર બાંધકામને લગતી કામગીરી નિયમિત રીતે ચાલી રહી છે. 10 જુલાઈ, શુક્રવારે પશ્ચિમ એક્સપ્રેસ હાઈવે પરના એક સ્થળે કન્સ્ટ્રક્શન કામદારો થોડીક ફૂરસદની પળો મળતાં એક ટ્રકની અંદર બેસીને પત્તાં રમવાનો આનંદ માણતા જોવા મળ્યા હતા. (તસવીરોઃ દીપક ધુરી)

 

વિકાસ દુબે પર ફિલ્મ: નિર્માતાએ મનોજ બાજપાઈને પસંદ કર્યો

મુંબઈઃ ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર વિકાસ દુબેનો રાજ્યના પોલીસ અધિકારીઓની એક ટૂકડીએ ખાત્મો કર્યો છે. ખૂંખાર અપરાધીને એક કથિત એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હોવાના સમાચાર છે. આ અપરાધીના જીવન પર જો હિન્દી ફિલ્મ બનાવવામાં આવે તો પોતે વિકાસનો રોલ કરવા તૈયાર છે એવું બોલીવૂડ અભિનેતા મનોજ બાજપાઈનું કહેવું છે.

વાસ્તવમાં, વિકાસ દુબે ઉપર બોલીવૂડ ફિલ્મ બનવાની શક્યતા વિશે ઈન્ટરનેટ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.

નિર્માતા સંદીપ કપૂરે એવું સૂચન કર્યું છે કે ગેંગસ્ટર વિકાસ દુબેનો રોલ મનોજ બાજપાઈ ભજવે એવી ફિલ્મ બનાવવી જોઈએ.

કપૂરે એક ટ્વીટમાં લખ્યું છે કે, આજે થયેલા એન્કાઉન્ટરમાં જે બન્યું તે ફિલ્મી અને નાટકીય સ્ટાઈલથી પણ અલગ પ્રકારનું હતું. મનોજ બાજપાઈ તને તારી નવી ફિલ્મમાં વિકાસ દુબેનો રોલ કરવાનું ગમશે કે? તું એ રોલમાં એકદમ બરાબર જામીશ.

એના પ્રતિસાદમાં મનોજ બાજપાઈએ જણાવ્યું છે કે, એ રોલ હું કરું એવી ઘણા લોકો ચર્ચા કરી રહ્યા છે એવું મેં સાંભળ્યું છે. જો પાત્ર અને પટકથા સરસ હોય તો મને કોઈ પણ રિયલ લાઈફ પાત્ર ભજવવામાં મજા આવે. જે વ્યક્તિની વાત થાય છે એનું જીવન ઘણું જ નાટ્યાત્મક હતું અને એના જીવનને મોટા પડદા પર લાવવું ઘણું રસપ્રદ બનશે. જોઈએ શું થાય છે તે. મને એ રોલ ભજવવાનું ગમશે.

કહેવાય છે કે સંદીપ કપૂરે ગેંગ્સટર વિકાસ દુબેની બાયોપિક બનાવવા માટેના હક મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

મનોજ બાજપાઈ હાલ ભોસલે ફિલ્મમાં જોવા મળ્યો છે. એ ફિલ્મમાં એકલતામાં જીવન જીવતા એક વ્યક્તિ વિશેની વાર્તા છે. ફિલ્મમાં બાજપાઈએ એક પોલીસ કોન્સ્ટેબલનો રોલ કર્યો છે જે સ્થાનિક નેતાઓ સામે જંગે ચડેલા પરપ્રાંતિય લોકોને મદદ કરે છે. ફિલ્મમાં સંતોષ જુવેકર અને ઈપ્શીતા ચક્રવર્તિ પણ છે.

વિકાસ દુબેનું નામ દેશભરમાં ત્યારે ચમક્યું હતું જ્યારે કાનપુરમાં એને પકડવા માટે પોલીસોની એક ટૂકડી એના ઘેર પહોંચી હતી ત્યારે દુબે અને એના સાથીઓએ પોલીસો પર ગોળીબાર કર્યો હતો. એ હુમલામાં આઠ પોલીસો શહીદ થયા હતા. દુબે ત્યાંથી ભાગી છૂટવામાં સફળ થયો હતો.
9 જુલાઈના ગુરુવારે એ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાંથી પકડાયો હતો. ઉજ્જૈન પોલીસે બાદમાં દુબેનો હવાલો ઉ.પ્ર. પોલીસને સોંપી દીધો હતો. ઉ.પ્ર.ના પોલીસો દુબેને કારમાં બેસાડીને 9મીની સાંજે કાનપુર માટે રવાના થયા હતા, પણ પોલીસના દાવા મુજબ, શુક્રવારે સવારે લગભગ 6.15 વાગ્યે કાનપુરની હદની બહારના એક વિસ્તારમાં પોલીસ કાર ઊંધી વળી ગઈ હતી. દુબે એનો લાભ લઈને પોલીસ જવાનની પિસ્તોલ લઈને ભાગી છૂટ્યો હતો. પોલીસોએ એનો પીછો કર્યો હતો તો દુબેએ એમની પર ગોળીબાર કર્યો હતો. પોલીસોએ વળતો ગોળીબાર કરતાં દુબે ઠાર મરાયો હતો.

ચીની ચીજવસ્તુઓ વિશે ખુલાસો ન કરનારને થશે મોટો દંડ

નવી દિલ્હીઃ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને ચીનથી થઈ રહેલી આયાત મામલે કેન્દ્ર સરકારે હવે સખ્તાઈભર્યું વલણ અપનાવ્યું છે. વિદેશોથી પેકેજ્ડ ચીજવસ્તુઓની આયાત કરવાવાળી ઈ-કોમર્સ કંપનીઓ, મેન્યુફેક્ચરિંગ કંપનીઓ અને માર્કેટિંગ એજન્સીઓની હવે ખેર નથી. હવે જો તેમણે માલસામાન પર કન્ટ્રી ઓફ ઓરિજિન (country of origin)ની જાહેરાત કરી નહીં હોય તો તેમને એક લાખ રૂપિયાનો દંડ લાગવાની શક્યતા રહેશે અને સાથે એક વર્ષની જેલની હવા પણ ખાવી પડે એવી શક્યતા છે.કન્ટ્રી ઓફ ઓરિજિનનો ઉલ્લેખ અનિવાર્ય

ગ્રાહક બાબતોના મંત્રાલયે એવી કંપનીઓની સામે કાર્યવાહી કરવા માટે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીની રચના કરી છે. ઓથોરિટી સ્વયં એવી માહિતી એકત્ર કરીને કેન્દ્ર સરકારના નિર્દેશ પર એવી કંપનીઓની સામે પગલાં લઈ શકશે. મંત્રાલયના વધારાના સચિવને ચીફ કમિશનર અને BISના ડિરેક્ટર જનરલને ઇન્વેસ્ટિગેટિંગ અધિકારી બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાને કહ્યું છે કે તેમણે બધી ઈ-કોમર્સ કંપનીઓને અને રાજ્ય સરકારોને લખ્યું છે કે પેકેજ્ડ કોમોડિટીઝ રુલ્સ હેઠળ પ્રોડક્ટ પર કન્ટ્રી ઓફ ઓરિજિન (country of origin)નો ઉલ્લેખ અનિવાર્ય છે.

એક વર્ષની જેલની સજા

ગ્રાહકો બાબતોના મંત્રાલયના સચિવ લીના નંદને કહ્યું હતું કે જો કોઈ મેન્યૂફેક્ચરર અથવા માર્કેટિંગ કંપની એનું પાલન નહીં કરે તો પ્રથમ વાર એને 25,000 રૂપિયાનો દંડ લાગશે. બીજી વાર આવું કરવા પર 50,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. ત્યાર બાદ એક લાખ રૂપિયાનો દંડ અથવા એક વર્ષની જેલ અથવા બંને ભોગવવા પડે એવી શક્યતા છે. આ ઈ-કોમર્સ કંપનીઓ પર પણ લાગુ થશે, જો એમણે પોતાની વેબસાઇટ પર એની ડિટેઇલ ન બતાવી તો.
ઈ-કોમર્સ કંપનીઓની સાથે ચર્ચા થઈ

અધિકારીઓએ જણાવ્યું હતું કે બધા ઉત્પાદકો, આયાતકારો, પેકર્સ અને ઈ-કોમર્સ કંપનીઓની પ્રોડક્ટ પર કન્ટ્રી ઓફ ઓરિજિન ડિસ્પ્લે કરવાની જોગવાઈ જાન્યુઆરી, 2018થી લાગુ છે. સચિવે કહ્યું હતું કે DPIIT દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં આ મુદ્દે ઈ-કોમર્સ કંપનીઓની સાથે ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું હતું કે અમે બધા એને લાગુ કરવા માટે સંમત છીએ. જો ઈ-કોમર્સ કંપનીઓ કાયદા મુજબ પોતાનાં ઉત્પાદનો પર કન્ટ્રી ઓફ ઓરિજિન (country of origin)ને ડિસ્પ્લે કરે છે તો ગ્રાહકોને નિર્ણય લેવામાં મદદ મળશે.

 

મુંબઈ ક્રિકેટ એસોસિએશને ગાવસકરને આપી સ્પેશિયલ બર્થડે ગિફ્ટ

મુંબઈઃ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન સુનીલ ગાવસકર આજે એમનો 71મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ક્રિકેટની રમતની એવરગ્રીન હસ્તીઓ પૈકી એક ગાવસકર પર જન્મદિવસની શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે.

ગાવસકર જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તેઓ નિવૃત્ત થયા હતા ત્યારે એમના સમ્માન તરીકે મુંબઈ ક્રિકેટ એસોસિએશને (MCA) વાનખેડે સ્ટેડિયમમાં એમને ફાળવેલી બે સીટને આજે પ્રસ્થાપિત કરી છે.

એક અખબારી યાદીમાં MCA દ્વારા જણાવવામાં આવ્યું છે કે એ બાબત પર અમારું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે શ્રીમતી અને શ્રી સુનીલ ગાવસકરને જે બે ફિક્સ્ડ સીટ ફાળવવામાં આવી હતી એ કોઈક પ્રકારની બેદરકારીને લીધે પ્રસ્થાપિત કરવામાં આવી નહોતી.

તે છતાં, પ્રમુખ ડો. વિજય ડી. પાટીલની આગેવાની હેઠળના મુંબઈ ક્રિકેટ એસોસિએશને નક્કી કર્યું છે કે MCAની માલિકીના વાનખેડે સ્ટેડિયમના પ્રેસિડન્ટ બોક્સમાં ગાવસકર દંપતીના નામ સાથેની તે બે ફિક્સ્ડ સીટને પૂર્વવત કરવામાં આવશે એટલું જ નહીં, પણ એને ઉચિત સ્થાને રાખવામાં આવશે.

સુનીલ ગાવસકરે આ જાહેરાતના પ્રતિસાદમાં કહ્યું છે કે, મને મારા જન્મદિવસે આ મધુર ભેટ આપવા બદલ હું MCAનો આભારી છું.

મુંબઈમાં જન્મેલા ગાવસકર ક્રિકેટર તરીકેના એમના દિવસોમાં અત્યંત લોકપ્રિય હતા. ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રન પૂરા કરનાર એ વિશ્વના પહેલા બેટ્સમેન હતા.

ટેસ્ટ ક્રિકેટમાં 100 કેચ પકડવાનો વિક્રમ કરનાર પણ એ પહેલા જ ભારતીય ક્રિકેટર હતા. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે સદીનો વિક્રમ પણ 2005ની સાલ સુધી એમના નામે અકબંધ હતો.

આ છે, ગાવસકરને નામે નોંધાયેલા કેટલાક વિક્રમોઃ

  • ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રન પૂરા કરનાર એ દુનિયાના પહેલા બેટ્સમેન હતા
  • ટેસ્ટ ક્રિકેટમાં 100 કેચ પકડનાર પહેલા જ ભારતીય ફિલ્ડર હતા
  • વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધારે સદી ફટકારનાર બેટ્સમેન (13 સદી)
  • ડેબ્યૂ સિરીઝમાં સૌથી વધુ રનનો વિક્રમ – 774 રન (વેસ્ટ ઈન્ડિઝ સામે)
  • ટેસ્ટ મેચના બંને દાવમાં ત્રણ વખત સદી ફટકારનાર પહેલા જ બેટ્સમેન હતા
  • 18 જુદા જુદા બેટ્સમેનો સાથે 100 રનની ભાગીદારી કરી – 58 વખત

કોરોના સામેનો જંગ જીત્યોઃ ધારાવી ઝૂંપડપટ્ટીની દેશભરમાં ચર્ચા

મુંબઈઃ બે મહિના પૂર્વે જે દેશભરમાં કોરોના વાઈરસ મહાબીમારીના `હોટસ્પોટ`તરીકે બદનામ થઈ હતી, તે મુંબઈના ઝૂંપડપટ્ટી વિસ્તાર ધારાવીએ કોવિડ-19નો જે હિંમતથી સામનો કર્યો છે એને કારણે દેશભરમાં એની ચર્ચા થવા લાગી છે. એશિયા ખંડની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવી હવે કોરોનાના પ્રકોપથી બહાર આવી ચૂકી છે. અહીં જિંદગી ફરી પાટે ચઢી રહી છે. જોકે મોટા ભાગના મજૂરો કોરોનાના ડરથી એમના વતન પાછા જતા રહ્યા છે. તે છતાં અહીં રોકાઈ ગયેલા કામદારોની મદદથી વેપાર-ધંધા ફરી શરૂ થવા લાગ્યા છે. એ વાત પણ ખરી છે કે ધારાવી વિસ્તારમાં કામ કરવાના વલણમાં અને વેપાર-વ્યવસાયમાં થોડુંક પરિવર્તન આવ્યું છે. ગઈ કાલ સુધી રેઇનકોટ બનાવનારા આજે PPE કિટ બનાવવા લાગ્યા છે તો નાની બેગ બનાવનારા લોકો માસ્ક અને સેનિટાઇઝર બનાવવાનાં કામમાં લાગી ગયા છે.  

BMC વહીવટીતંત્ર, ડોક્ટરો અને પોલીસની મહેનત રંગ લાવી

ધારાવીમાં જ્યારે કોરોનાના કેસ શરૂ થયા હતા, ત્યારે દેશ આખાની નજર આ ઝૂંપડપટ્ટી પર હતી. આ વિસ્તારમાં 10થી 12 લાખની વસતિ હોવાની અને નાનાં-નાનાં ઘરોમાં આઠ-10 લોકોનો પરિવાર રહેતો હોવાને કારણે કોઈને પણ આશા નહોતી કે ધારાવીમાં સ્થિતિ આટલી જલદી સુધરી જશે, પણ મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના વહીવટીતંત્ર, ડોક્ટરો અને પોલીસોની આકરી મહેનત રંગ લાવી છે. આજે ધારાવી કોરોનામુક્ત થવાને આરે છે. હવે અહીં નાનાં-નાનાં કારખાનાંઓ હાજર છે એ મજૂરોને લઈને ફરી ધમધમવા માંડ્યાં છે.  

100થી 150 કોરોના દર્દીઓ દૈનિક ધોરણે આવતા

ધારાવીમાં એક સમય એવો હતો જ્યારે રોજ કોરોનાના 100થી 150 દર્દીઓ નોંધાતા હતા. મુંબઈમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલાઓમાં ઘણા ખરા ધારાવીના હતાં. પરિણામે લોકો અહીંથી હિજરત કરવા માંડ્યા હતા અને નાના ઉદ્યોગો પર તાળાં લાગી ગયાં હતાં. ધારાવીના નામથી લોકો ડરી રહ્યા હતા, પણ એ પછી ડોક્ટરોએ ડોર-ટૂ-ડોર સ્ક્રીનિંગ શરૂ કર્યું તો પોલીસ અને SRPFએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા માટે દિવસ-રાત એક કર્યાં. ધારાવીમાં તહેનાત કરાયેલા ઘણા પોલીસ જવાનોને પણ કોરોના રોગ લાગુ થવા લાગ્યો હતો, પણ તે છતાં પોલીસોએ રહેવાસીઓની સાથે મળીને રોગચાળા વિરુદ્ધની લડાઈ જારી રાખી હતી. એટલે જ આજે ધારાવીમાં કારખાનાઓ ફરી શરૂ થઈ ગયાં છે. લોકો સીમિત સંસાધનોની સાથે કોરોના સામેના જંગમાં હવે પોતાનું યોગદાન આપી રહ્યા છે. ગઈ આઠમી જુલાઈએ ધારાવીમાં કોરોનાના માત્ર ત્રણ કેસ જ નોંધાયા હતા.

કોરોનાના ડરને કારણે મોટા ભાગના મજૂરો વતન ચાલી ગયા

ધારાવી ઝૂંપડપટ્ટી વિસ્તાર માઇક્રો અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે જાણીતો છે. અહીં ગલી-ગલીમાં લેધર, ગારમેન્ટ્સ, પ્લાસ્ટિક, તેલ, પાપડ અને ફરસાણ જેવા અનેક ઉદ્યોગો ચાલે છે. અહીં મોટા ભાગે ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળના મજૂરો કામ કરે છે, પરંતુ કોરોનાના ડરને કારણે મોટા ભાગના મજૂરો પોતપોતાના વતન જતા રહ્યા છે. હવે સીમિત મજૂરોની સાથે ધારાવીમાં જનજીવન ફરી થાળે પડી રહ્યું છે. ધારાવીના રહેવાસીઓએ કોરોના પર લગભગ જીત હાંસલ કરી લીધી છે.

વિકાસ દુબેના એન્કાઉન્ટર પર વિપક્ષી નેતાઓએ ઉઠાવ્યા સવાલો

કાનપુર: બિકરુ હત્યાકાંડના મુખ્ય આરોપી ગેંગસ્ટર વિકાસ દુબેનું શુક્રવારે સવારે એન્કાઉન્ટરમાં મોત થયું. એન્કાઉન્ટર કાનપુરથી માત્ર 17 કિમી દૂર ભૌતી નામની જગ્યાએ સવારે 6.15થી 6.30ની વચ્ચે થયું હતું. મહત્વનું છે કે ગત 2 જુલાઈની રાતે બિકરુ ગામમાં વિકાસ અને તેની ગેંગે પોલીસ ટૂકડી પર હુમલો કર્યો હતો. તેમાં 8 પોલીસકર્મીઓના મોત થયા હતા.

વિકાસ દૂબે એન્કાઉન્ટર મામલા પર હવે રાજકારણ ગરમાયું છે. તેના એન્કાઉન્ટરને લઈને વિરોધપક્ષના નેતાઓ દ્વારા સવાલો ઉભા થઈ રહ્યા છે. કોંગ્રેસનાં પ્રિયંકા ગાંધી, રાષ્ટ્રીય લોકદળના જયંત ચૌધરી અને સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ સહિતના નેતાઓએ ટ્વીટ કરી ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની ભાજપ સરકાર અને એની પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી-વાડ્રાએ કહ્યુ કે ‘ગુનેગારનો તો અંત થઈ ગયો, પણ અપરાધ અને તેને રક્ષણ આપનારા લોકોનું શું?’

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે યોગી સરકાર પર નિશાન સાધતા ટ્વીટમાં કહ્યું કે કાર પલ્ટી નહોતી ખાઈ ગઈ, રહસ્યો ખૂલવાથી રાજ્ય સરકાર પલટવામાંથી બચી ગઇ છે. જેને પગલે રાજકારણ ગરમાયું છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે, લોકોએ પહેલા જ આશંકા વ્યક્ત કરી હતી કે વિકાસ દુબેનું એન્કાઉન્ટર થશે. તેમણે કેટલાક સવાલ ઉત્તર પ્રદેશ સરકાર અને પોલીસને ટ્વીટ મારફતે કર્યા છે.

રાષ્ટ્રીય લોક દળના નેતા જયંત ચૌધરીએ એન્કાઉન્ટરમાં વિકાસ દુબેની મોત બાદ કહ્યું કે વિકાસ દુબે એન્કાઉન્ટર બાદ દેશના તમામ ન્યાયાધીશોએ રાજીનામું આપી દેવું જોઈએ. ભાજપના ‘ઠોક દો’ શાસનમાં અદાલતોની જરુર નથી.

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે કહ્યુ કે એ જાણવું જરુરી છે કે વિકાસ દુબેએ મધ્ય પ્રદેશના ઉજ્જૈન મહાકાલ મંદિરને આત્મસમર્પણ માટે કેમ પસંદ કર્યુ? મધ્ય પ્રદેશના કયા પ્રભાવશાળી વ્યક્તિના ભરોસે તે અહીં ઉત્તર પ્રદેશ પોલીસના એન્કાઉન્ટરથી બચવા માટે આવ્યો હતો?

ટીએમસીની સાંસદ મહુઆ મોઈત્રાએ કહ્યું કે, ન્યાય આપવાનું કામ અદાલતનું છે. પોલીસનું કામ આરોપીને કોર્ટમાં રજૂ કરવાનું છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, બીજેપી સરકાર બંનેમાં કન્ફ્યુઝ થઈ રહી છે.