Home Blog Page 450

કર્ણાટકમાં સિદ્ધારમૈયા રહેશે CM કે DK શિવકુમાર સંભાળશે કમાન?

બેંગલુરુઃ કર્ણાટકના મંત્રીમંડળમાં ફેરબદલની ચર્ચાઓ વચ્ચે રાજકીય વિશ્લેષકો CM સિદ્ધારમૈયા અને ઉપ મુખ્ય મંત્રી ડી.કે.શિવકુમારની નવી દિલ્હી યાત્રા પર ચાંપતી નજર રાખી રહ્યા છે. કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર નવેમ્બરમાં અઢી વર્ષ પૂરા કરવા જઈ રહી છે. કેટલાક લોકો તેને ‘નવેમ્બર ક્રાંતિ’ કહે છે. CM સિદ્ધારમૈયા સાથે થયેલા અઢી વર્ષના કહેવાતા કરાર મુજબ ડી.કે. શિવકુમાર હવે CM બનશે એવી અટકળોએ જોર પકડી છે.

CM સિદ્ધારમૈયા સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરે એવી શક્યતા છે. કોંગ્રેસ નેતાઓએ તેને શિસ્તભાવની મુલાકાત ગણાવી છે, પરંતુ સૂત્રો કહે છે કે સિદ્ધારમૈયા રાજ્યમાં મંત્રીમંડળ વિસ્તાર પર ચર્ચા કરે એવી શક્યતા છે.રાજ્યનાં રાજકીય વર્તુળોમાં ખાસ કરીને સત્તાધારી કોંગ્રેસની અંદર, છેલ્લા થોડા સમયથી CM પદમાં બદલાવ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. જોકે પક્ષ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ વચ્ચે, ડી.કે. શિવકુમારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ અધ્યક્ષપદેથી પોતે રાજીનામું આપ્યું હોવાના સમાચારને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેઓ હજુ પણ પાર્ટીના અનુકૂળ અને શિસ્તબદ્ધ કાર્યકર છે. શિવકુમારે રવિવારે કોંગ્રેસ નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી.

કર્ણાટકના ડેપ્યુટી CM ડી.કે. શિવકુમારે મુખ્ય મંત્રી પદમાં બદલાવ અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે કોંગ્રેસાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથેની તેમની મુલાકાતને ખાસ મહત્વ આપ્યું નથી. આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર નવેમ્બરમાં અઢી વર્ષ પૂરાં કરી રહી છે. કેટલાક લોકો તેને ‘નવેમ્બર ક્રાંતિ’ કહેવાં લાગ્યા છે. સિદ્ધારમૈયા સાથે થયેલા અઢી વર્ષના કહેવાતા કરાર મુજબ હવે શિવકુમાર CM બનશે, એવી અટકળો તેજ છે.

પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ, જો કોંગ્રેસ હાઇકમાન્ડ મંત્રીમંડળ ફેરબદલને મંજૂરી આપે છે, તો તેનો અર્થ એ થશે કે વર્તમાન CM સિદ્ધારમૈયા પોતાનો કાર્યકાળ પૂરો કરશે. તેનાથી શિવકુમારના CM બનવાની શક્યતાઓ ઘટે એવી શક્યતા છે.

રણવીર સિંહની ‘ધુરંધર’નું ટ્રેલર આ તારીખે થશે રિલીઝ

રણવીર સિંહની આગામી ફિલ્મ ‘ધુરંધર’ના ટ્રેલર રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. નિર્માતાઓએ અભિનેતા અક્ષય ખન્નાનો પહેલો લુક શેર કર્યો છે.

તાજેતરમાં, ફિલ્મ “ધુરંધર” ના નિર્માતાઓએ ટ્રેલર રિલીઝ ઇવેન્ટ રદ કરી હતી. હવે નિર્માતાઓએ ટ્રેલર રિલીઝ માટે નવી તારીખ અને સમયની જાહેરાત કરી છે. આ સાથે જ ફિલ્મમાંથી અભિનેતા અક્ષય ખન્નાનો પહેલો લુક પણ રિલીઝ કરવામાં આવ્યો છે. તે ખૂબ જ ખતરનાક લુકમાં જોવા મળી રહ્યો છે.

આ દિવસે ટ્રેલર રિલીઝ થશે

નિર્માતાઓએ ફિલ્મ “ધુરંધર” ની રિલીઝ તારીખ જાહેર કરી છે. ટ્રેલર આવતીકાલે એટલે કે 18 નવેમ્બર રિલીઝ થશે. નોંધનીય છે કે ફિલ્મનું ટ્રેલર મૂળ 12 નવેમ્બરના રોજ રિલીઝ થવાનું હતું. જોકે, નિર્માતાઓએ દિલ્હી બોમ્બ વિસ્ફોટ અને પીઢ અભિનેતા ધર્મેન્દ્રના સ્વાસ્થ્યને કારણે રિલીઝ તારીખ રદ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Jio Studios (@officialjiostudios)

અક્ષય ખન્ના ઉગ્ર લુકમાં દેખાયા

અર્જુન રામપાલ, આર. માધવન અને સંજય દત્ત પછી ફિલ્મ નિર્માતાઓએ “ધુરંધર” માંથી અક્ષય ખન્નાનો પહેલો લુક રિલીઝ કર્યો છે. અભિનેતાના ચહેરા પર લોહીના છાંટા જોવા મળે છે, જે તેના ભયાનક વર્તનને દર્શાવે છે. નેટીઝન્સ અક્ષય ખન્નાના લુકની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરી, “દર વખતે, એક નવો લુક.” બીજાએ ટિપ્પણી કરી, “ઉત્તમ.”

ફિલ્મ વિશે

“ધુરંધર” આદિત્ય ધર દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત છે. આ ફિલ્મમાં રણવીર સિંહ, સંજય દત્ત, અર્જુન રામપાલ, અક્ષય ખન્ના, આર. માધવન અને સારા અર્જુન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે અને દર્શકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે એક સ્પાય-થ્રિલર એક્શન ફિલ્મ હશે.

બે મહિના બાદ ફરી આઝમ ખાનને કોર્ટે સાત વર્ષની સજા સંભળાવી

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન અને તેમના પુત્ર, ભૂતપૂર્વ વિધાનસભ્ય મોહમ્મદ અબ્દુલ્લા આઝમને રામપુરની ખાસ MP/MLA મેજિસ્ટ્રેટ કોર્ટે 2019ના ડબલ PAN કાર્ડ કેસમાં દોષી ઠેરવ્યા છે. કોર્ટે બાપ-બેટાને સાત વર્ષની કેદની સજા સંભળાવી છે. આ ઉપરાંત બંને પર 50-50,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ ચુકાદા બાદ બંનેને તરત જ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ કેસની સુનાવણી દરમિયાન વાદી અને ભાજપના વિધાનસભ્ય આકાશ સક્સેના પણ કોર્ટમાં હાજર રહ્યા હતા.

આ મામલો 2019નો છે. રામપુરના વિધાનસભ્ય આકાશ સક્સેનાએ અબ્દુલ્લા આઝમ વિરુદ્ધ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે બે અલગ જન્મ પ્રમાણપત્રોને આધારે બે PAN કાર્ડ બનાવવામાં આવ્યાં હતાં. તેમણે ચૂંટણી લડવાની ન્યૂનતમ ઉંમર પૂર્ણ ન હોવા છતાં વિધાનસભ્ય બનવા માટે આ તમામ કાર્ય કર્યું હતું.

ભાજપના વિધાનસભ્ય આકાશ સક્સેનાએ મિડિયાથી વાતચીતમાં કહ્યું હતું કે બે અલગ PAN કાર્ડનો મામલો 2019નો છે. આજે લગભગ છ વર્ષ પછી તેમાં નિર્ણય આવ્યો છે. જેમાં આઝમ ખાન અને અબ્દુલ્લા આઝમને સાત-સાત વર્ષની સજા સંભળાવવામાં આવી છે. હું કોર્ટના નિર્ણયને સત્યની જીત માનું છું. અમે હંમેશાં ન્યાયપાલિકાના દરેક નિર્ણયનું સ્વાગત કર્યું છે અને ન્યાયપાલિકા પર આપણો વિશ્વાસ રહ્યો છે.

બે મહિના પહેલાં જેલમાંથી રજા મળેલી

આઝમ ખાનને હજી બે મહિના પહેલાં 23 સપ્ટેમ્બરે જ સીતાપુર જેલમાંથી રજા મળી હતી. આઝમ ખાન વિરુદ્ધ નોંધાયેલા કુલ 104 કેસોમાંથી અત્યાર સુધી 12 કેસોના ચુકાદા આવી ચૂક્યા છે. તેમાં સાત કેસોમાં તેમને સજા થઈ છે, જ્યારે પાંચ કેસોમાં તેમને છોડી મૂકવામાં આવ્યા છે. બે PAN કાર્ડના કેસમાં મળેલી સાત વર્ષની સજા સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન અને તેમના પુત્ર અબ્દુલ્લા આઝમ માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.

સી.એમ. ફેલોશીપ યુવાઓનો એક દિવસીય વર્કશોપ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની પ્રશાસનિક વ્યવસ્થાઓમાં પરિવર્તનકારી બદલાવોથી સામાન્ય માનવીની  સુવિધા, સુખાકારીના કામો અને ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વધુ સંગીન બનાવવાની નેમ વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, યુવાશક્તિના જ્ઞાન, કૌશલ્ય અને વરિષ્ઠ સચિવોના અનુભવના સમન્વયથી આ નેમ સાકાર કરવી છે. સી. એમ. ફેલોશીપ અંતર્ગત પસંદગી પામેલા અને રાજ્ય શાસનમાં વિવિધ વિભાગોમાં કાર્યરત ૨૪ સી.એમ. ફેલોના એક દિવસીય વર્કશોપનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ સંબોધન કર્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં ૨૦૦૯માં આ સી.એમ. ફેલોશીપની શરૂઆત કરાવીને તેજસ્વી યુવાઓના ઈનોવેટિવ આઈડિયાઝથી ગુડ ગવર્નન્સનો રાહ દેશને ચીંધ્યો છે. આ અભિગમને પ્રશાસનિક વ્યવસ્થાને વધુ લોકાભીમુખ બનાવીને ટેકનોલોજીના ઉપયોગથી લોકહિતના કામો માટેના પથપ્રદર્શક ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “અમે સરકાર ચલાવવા નહીં દેશમાં બદલાવ લાવવાના હેતુ સાથે કામ કરીએ છીએ.”આ એક દિવસીય શિબિરના પ્રારંભે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સ્પીપા અને આઈ.આઈ.એમ. ઈન્દોર વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. સ્પીપાના ડાયરેક્ટર જનરલ હરિત શુક્લા અને આઈ.આઈ.એમ. ઈન્દોરના ડિરેક્ટર હિમાંશુ સિંઘે આ એમ.ઓ.યુ. પરસ્પર એક્સચેન્જ કર્યા હતા. વિવિધ ૧૧ જેટલા વિષયોમાં પબ્લિક પોલીસી મેનેજમેન્ટ સંદર્ભે કેપીસીટી બિલ્ડીંગ તાલીમ કાર્યક્રમના સંયુક્તપણે આયોજન માટે આ એમ.ઓ.યુ. ઉપયોગ બનશે.આ એક દિવસીય શિબિરમાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવ ઓએ સી.એમ. ફેલોને માર્ગદર્શન આપ્યું હતું. સી.એમ. ફેલોએ પોતાના પ્રેઝન્ટેશન્સ પ્રસ્તુત કર્યા હતા અને બેસ્ટ પ્રેક્ટિસીસનું શેરીંગ કર્યુ હતું.

સજા-એ-મોતના ચુકાદા પર PM શેખ હસીનાની પ્રથમ પ્રતિક્રિયા

ઢાકાઃ બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ PM શેખ હસીનાને ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલ દ્વારા દોષી ગણવામાં આવ્યાં છે અને તેમને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. ટ્રિબ્યુનલે ભૂતપૂર્વ ગૃહ મંત્રી અસદુઝ્જામાન ખાન કમાલને પણ ફાંસીની સજા આપી છે, જ્યારે પૂર્વ મહા પોલીસ નિરીક્ષકને પાંચ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે.

લગભગ 400 પાનાંમાં આ ચુકાદો તૈયાર કરવામાં આવ્યો છે. જસ્ટિસ ગુલામ મુર્તઝાની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે આ સજા સંભળાવી છે. આ સુનાવણીમાં ટ્રિબ્યુનલએ જણાવ્યું હતું કે માનવ અધિકાર સંસ્થાઓ અને અન્ય અનેક સંસ્થાઓની રિપોર્ટો પર વિગતવાર વિચાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટોમાં દરેક પ્રકારની ક્રૂરતાનું વર્ણન છે. કોર્ટે માન્યું છે કે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ માર્યા ગયા હતા. એટલું જ નહીં, કોર્ટએ કહ્યું કે શેખ હસીનાએ બોમ્બ હુમલાઓને મંજૂરી પણ આપી હતી. કોર્ટે આ કેસમાં શેખ હસીના ઉપરાંત પૂર્વ ગૃહ મંત્રી અસદુઝ્જામાન ખાન કમાલ અને પૂર્વ પોલીસ મહાનિરીક્ષક ચૌધરી અબદુલ્લા અલ-મામૂનને પણ આરોપી ગણાવ્યા છે.

આ અંગે આવામી લીગે અગાઉથી જ બાંગ્લાદેશ બંધનું આહ્વાન કર્યું હતું. યુનુસ સરકારે પરિસ્થિતિ કાબૂમાં રાખવા માટે હિંસા કરતી ભીડ પર ગોળી ચલાવવાનો આદેશ આપ્યો છે. હાલ માટે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશે ચાર જિલ્લાઓમાં જવાનોને તૈનાત કરી દીધા છે, જેમાં રાજધાની ઢાકાનો પણ સમાવેશ થાય છે. અગાઉની હિંસામાંથી પાઠ લઈને આ વખતે પ્રદર્શનકારીઓ સાથે સખતાઈથી નિપટવાની સૂચનાઓ આપવામાં આવી છે.

બાંગ્લાદેશ કોર્ટના ચુકાદા બાદ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. હસીનાએ ચુકાદાને પક્ષપાતપૂર્ણ અને રાજકીય પ્રેરિત ગણાવ્યો છે. શેખ હસીનાના પુત્રએ પહેલાં જ આશંકા વ્યક્ત કરી હતી કે તેમને મોતની સજા થઈ શકે છે અને તે સાચું સાબિત થયું.

24 વર્ષીય વંશિથા ચેરિયાલ પેઇન્ટિંગ દ્વારા રજૂ કરે છે પૌરાણિક કથાઓ

ગાંધીનગર: ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી ‘ભારત પર્વ 2025’નું ભવ્ય આયોજન થયું છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે એકતા નગર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ, કલા અને હસ્તકલાને ઉજાગર કરવામાં આવી છે. અહીં તમને આ જીવંત ઉત્સવ અનેકતામાં એકતાની ઝલક રજૂ કરે છે. ભારત પર્વમાં વિવિધ પ્રાંતો દ્વારા પોતાના વિશિષ્ટ વારસાનું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. જેમાં તેલંગાણાની અનોખી ચેરિયાલ પેઇન્ટિંગ્સ દર્શાવતો સ્ટોલ તેના રંગો, કથાઓ અને ઇતિહાસ માટે અલગ તરી આવ્યો છે.તેલંગાણાની 24 વર્ષીય ચેરિયાલ કલાકાર સી.એચ.વંશિથા અને તેના માતા તેમના પ્રાંતની સંસ્કૃતિની સદીઓ જૂની વાર્તાને ચેરિયાલ પેઇન્ટિંગ્સ દ્વારા રજૂ કરવા અને આ કળાને સાચવવાના મિશન પર છે. ચેરિયાલ કળા એ તેલંગાણાના ચેરિયાલ ગામની એક પરંપરાગત સ્ક્રોલ પેઇન્ટિંગ શૈલી છે, જે હિન્દુ પૌરાણિક કથાઓ, લોકકથાઓ અને ગ્રામીણ જીવનના દ્રશ્યો દર્શાવે છે. આ કળામાં જીવંત અને જટિલ કથાત્મક ચિત્રો ખાદીના કાપડ પર બનાવવામાં આવે છે. તેમાં આમલીના બીજની પેસ્ટ, ચોખાનો સ્ટાર્ચ અને ચૉક પાઉડરના મિશ્રણનો ઉપયોગ થાય છે, જે પેઇન્ટિંગ માટે મજબૂત બેઝ તૈયાર કરે છે.તેલંગાણાની ચેરિયાલ પેઇન્ટિંગ્સ સાંસ્કૃતિક અભિવ્યક્તિનું સુંદર માધ્યમ છે, જેના રંગો મંત્રમુગ્ધ કરી નાખે છે. આ કળાને તેના સાંસ્કૃતિક વારસા માટે જિઓગ્રાફિકલ ઇન્ડિકેશન (જીઆઇ) ટૅગ મળ્યો છે. ચેરિયાલ પેઇન્ટિંગ્સની ખાસિયત તેના કુદરતી રંગો છે. કલાકારો ખનિજો, ફૂલો, દરિયાઇ શેલ વગેરેમાંથી કલર મેળવે છે અને તેને હેન્ડમેડ બ્રશ દ્વારા કાપડ પર ઉતારે છે. રામાયણ, મહાભારત અને સ્થાનિક લોકકથાઓ જેવા ભારતીય મહાકાવ્યોના દ્રશ્યો આ પેઇન્ટિંગ્સમાં અદભુત લાગે છે. દરેક ચિત્ર એક જીવંત વિઝ્યુઅલ સ્ટોરીની જેમ પ્રગટ થાય છે, જે ગ્રામીણ તેલંગાણાની સમૃદ્ધ પરંપરાઓ અને જીવનશૈલીનું વર્ણન કરે છે.બૅકગ્રાઉન્ડમાં ચળકતો લાલ રંગ, ચહેરાની અભિવ્યક્તિ અને બોલ્ડ આઉટલાઇન ચેરિયાલ પેઇન્ટિંગ્સની ઓળખ છે. પરંપરાગત રીતે લોક ગાયકો અને કલાકારો દ્વારા તેમની વાર્તા રજૂ કરવા માટે આ ચિત્રોનો ઉપયોગ કરે છે, પરંતુ આજે આ હસ્તકલા વૉલ હેન્ગિંગ્સ (ફોટોફ્રેમ કે પોસ્ટર્સ), માસ્ક અને કલાત્મક સુશોભનની વસ્તુઓ સુધી પણ વિસ્તરી છે. આ હસ્તકલાને નકશી કલાકારો (ચેરિયાલ ચિત્રકારો)ની પેઢીઓ આગળ ધપાવી રહી છે, જેઓ સદીઓ જૂની તકનીકોને જાળવી રાખીને તેમાં નવીનતા ઉમેરી રહ્યા છે.ભારત પર્વ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓએ ચેરિયાલ પેઇન્ટિંગ્સને રસપૂર્વક નિહાળી હતી અને પૌરાણિક કથાઓ દર્શાવતા ચિત્રોનું વર્ણન પણ સાંભળ્યું હતું. પહેલી વખત ભારત પર્વ જેવા કાર્યક્રમમાં સામેલ થનારી અને બી.ટેક.ની ડિગ્રી ધરાવતી સી.એચ. વંશિથાએ જણાવ્યું કે, “હું બાળપણથી જ આ કળાના પરિચયમાં છું. મારી માતા છેલ્લા 15 વર્ષોથી આ કળા પ્રત્યે સમર્પિત છે અને હું છેલ્લા ચાર વર્ષથી આ કળા સાથે જોડાયેલી છું. અમે બનાવેલા દરેક ચિત્રમાં આપણાં દેવતાઓ, પૂર્વજોની વાર્તાઓ છે. અમારું લક્ષ્ય છે કે આ કળાના માધ્યમથી દુનિયા જાણે કે આપણો વારસો કેટલો સમૃદ્ધ છે.”

સમગ્ર ગુજરાતમાં બ્રહ્માકુમારી દ્વારા શાંતિ યાત્રાનું ભવ્ય આયોજન

અમદાવાદ: આજના અશાંતિસભર સમયમાં દરેક માનવ હૃદયની સૌથી ઊંડી ચાહના છે—શાંતિ. કારણ કે શાંતિ માત્ર મૌનનું નામ નથી, પરંતુ એ જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંતુલન પ્રદાન કરતી અદૃશ્ય શક્તિ છે. વિશ્વમાં વધતી તણાવભરી પરિસ્થિતિઓ વચ્ચે વ્યક્તિએ સ્વયં શાંતમૂર્ત બનીને શાંતિનાં કોમળ વાઇબ્રેશન્સ જગતમાં ફેલાવવાની સમયની જરૂરિયાત બની છે.આ જ ઉદ્દેશ્યને જીવંત કરવા માટે બ્રહ્માકુમારી સંસ્થા, ખાસ કરીને બ્રહ્માકુમારી ગુજરાત, પોતાના હીરક જયંતિ મહોત્સવના પાવન અવસર પર એક વિશાળ અને દિવ્ય આયોજન કરી રહી છે. સમગ્ર રાજ્યમાં શાંતિનો સંદેશ પહોંચાડવા માટે 23મી નવેમ્બરનાં રોજ સવારે 7 થી 8 દરમિયાન, એક જ દિવસે અને એક જ સમયે, શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ યાત્રાની વિશેષતા એ છે કે તે માત્ર કોઈ એક શહેર સુધી મર્યાદિત નથી, પરંતુ આખા ગુજરાતમાં ફેલાયેલા બ્રહ્માકુમારીસના 500 સેવા કેન્દ્રો અને 5000થી પણ વધુ પાઠશાળાઓ દ્વારા એકસાથે આ શાંતિ યાત્રા યોજાશે. હજારો લોકો આંતરિક શક્તિ, માનવીય એકતા અને સર્વજન હિતની ભાવના સાથે આ અભિયાનમાં જોડાશે.

આ સમગ્ર કાર્યક્રમ અંગે બ્રહ્માકુમારી ગુજરાત ઝોનના ડાયરેક્ટર બ્રહ્માકુમારી ભારતી દીદીએ જણાવ્યું, “આજના સમયમાં શાંતિ એ દરેક મનુષ્યની સૌથી મોટી આવશ્યકતા છે. વ્યક્તિ શાંત બને ત્યારે પરિવારમાં સંતુલન આવે છે અને તે જ બદલાવ પછી સમાજ અને વિશ્વ સુધી પહોંચે છે. 23મી નવેમ્બરની શાંતિ યાત્રા એ માત્ર કાર્યક્રમ નથી, પરંતુ દરેક વ્યક્તિના અંતરમાંથી ઉઠેલો શાંતિનો સંકલ્પ છે. અમે ઈચ્છીએ છીએ કે ગુજરાતની ધરતી પરથી શાંતિનું શક્તિશાળી વાઇબ્રેશન સમગ્ર વિશ્વમાં પ્રસરે.”

બ્રહ્માકુમારી સંસ્થા વર્ષોથી શાંતિ, સ્વપરિવર્તન અને મૂલ્ય શિક્ષણ માટે સતત સેવાઓ આપી રહી છે. હીરક જયંતિ મહોત્સવના આ વિશેષ પ્રસંગે તે સેવાઓને ગુજરાત સ્તરે યાત્રા રૂપે વ્યક્ત કરવામાં આવી રહી છે.

23મી નવેમ્બરનું આ અનોખું આયોજન સમસ્ત ગુજરાત માટે એક સંદેશ છે—

“જ્યારે મન શાંત, ત્યારે દુનિયા પણ શાંત.”

બેંગલુરુમાં ડિજિટલ એરેસ્ટને નામે મહિલાથી 32 કરોડની છેતરપિંડી

બેંગલુરુ: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક મહિલાને ‘ડિજિટલ એરેસ્ટને નામે ડરાવ્યા-ધમકાવીને લગભગ 32 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. પીડિતાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરતાં કેસ નોંધાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ છેતરપિંડી 15 સપ્ટેમ્બર 2024થી શરૂ થઈ અને ઘણા મહિના સુધી ચાલી. ઠગોએ CBI, સાયબર ક્રાઈમ અને RBIનું નામ લઈને મહિલાને ડિજિટલ રીતે અટકાયત કરી અને ઘરમાં જ કેદ રાખી હતી.

પોલીસ ફરિયાદ મુજબ 15 સપ્ટેમ્બર સવારે 11 વાગ્યે મહિલાને ફોન આવ્યો. કોલ કરનાર પોતે DHL કંપનીનો કર્મચારી હોવાનું કહી રહ્યો હતો.

CBIનો ડર બતાવાયો

ફોન કરનારાએ કહ્યું હતું કે તમે મુંબઈના અંધેરી DHL સેન્ટરથી એક પેકેજ બુક કર્યું છે. પેકેજમાંથી ત્રણ ક્રેડિટ કાર્ડ, ચાર પાસપોર્ટ અને ડ્રગ્સ (MDMA) મળ્યાં છે. મહિલાએ જવાબ આપ્યો હતો કે હું તો ક્યારેય મુંબઈ ગઈ જ નથી, હું બેંગલુરુમાં જ રહું છું. એના પર ઠગે કહ્યું હતું કે આ સાયબર ક્રાઈમ છે. તમારું નામ, સરનામું અને નંબરનો ખોટો ઉપયોગ થયો છે.

ત્યાર બાદ તેણે કોલને બીજી વ્યક્તિને ટ્રાન્સફર કર્યો, જે પોતે CBI અધિકારી હોવાનું કહી રહ્યો હતો.

તે વ્યક્તિએ મહિલાને ધમકાવીને કહ્યું હતું કે તમારી સામે પુરાવા છે. તમે જ જવાબદાર છો. તમે લોકલ પોલીસ કે વકીલને કહ્યું તો જાનને ખતરો છે. ગુનેગારો તમારા ઘર પર દેખરેખ રાખી રહ્યા છે. પરિવારને કઈ વાત કહેશો તો તેમને પણ ફસાવી દેવામાં આવશે. ઠગોએ મહિલાને સ્કાઇપ એપ ડાઉનલોડ કરાવી. એક વ્યક્તિ મોહિત હાંડા નામે જોડાયો અને કહ્યું હતું કે કેમેરા ચાલુ રાખો, તમે ઘરમાં નજરકેદ છો.

2.4 કરોડનો ટેક્સ અને કુલ 32 કરોડની છેતરપિંડી

મહિલાને કહ્યું હતું કે તમારી તમામ સંપત્તિની યાદી આપો. બેંક ખાતાઓ પરથી તમારું નામ દૂર કરવા 90 ટકા રકમ જમા કરાવવી પડશે. 24 સપ્ટેમ્બરથી 22 ઓક્ટોબર વચ્ચે મહિલાએ પોતાની સંપત્તિની તમામ માહિતી આપી.

ત્યાર બાદ રૂ. 2.4 કરોડનો ટેક્સ માગવામાં આવ્યો, જે 18 નવેમ્બર 2024 સુધી ભરાવી લેવામાં આવ્યો. આ રીતે કુલ 32 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી.

ભારતે અમેરિકા સાથે LPG આયાત માટે કર્યો મોટો કરાર

નવી દિલ્હીઃ ભારતે અમેરિકાથી LPG આયાત કરવા માટે એક વર્ષનો મોટો કરાર કર્યો છે, એમ પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ 17 નવેમ્બરે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ઊર્જાના સ્ત્રોતોમાં વૈવિધ્ય લાવવા માટે ભારતે અમેરિકાથી LPG આયાત માટે ઐતિહાસિક કરાર કર્યો છે. સરકારી તેલ કંપનીઓએ દર વર્ષની 2.2 મિલિયન ટન LPG આયાત માટે આ ડીલ કરી છે.

પુરીએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે દેશના લોકોને સસ્તા LPG સુનિશ્ચિત કરવા માટે અમે LPGના સ્ત્રોતોમાં વૈવિધ્ય લાવી રહ્યા છીએ. આ કરાર હેઠળ પીએસયુ ઓઇલ કંપનીઓ કોન્ટ્રેક્ટ વર્ષ 2026 દરમિયાન અમેરિકાના ગલ્ફ કોસ્ટમાંથી LPG આયાત કરશે. આ ભારતીય બજાર માટે અમેરિકી LPGનો પહેલો સ્ટ્રક્ચર્ડ કોન્ટ્રેક્ટ છે.

IOC, BPCL અને HPCLના અધિકારીઓ અમેરિકા

તેમણે જણાવ્યું હતું કે LPG ની આ ખરીદી માટે IOC, BPCL અને HPCLના ટોચના અધિકારીઓની ટીમ અમેરિકા ગઈ હતી. આ કરાર પહેલાં ભારતીય કંપનીઓએ છેલ્લા કેટલાક મહિનામાં મોટા તેલ ઉત્પાદક વૈશ્વિક કંપનીઓ સાથે ચર્ચા કરી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં ભારે ઊથલપાથલ વચ્ચે પણ સરકારની તેલ કંપનીઓ ગ્રાહકોને ઓછી કિંમતમાં LPG પૂરી પાડે છે.

પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ PSU ઓઇલ કંપનીઓ અમારી બધી માતાઓ અને બહેનોને વૈશ્વિક કિંમતો કરતા ઘણી ઓછી કિંમતે LPG પૂરી પાડે છે. ગયા વર્ષે વૈશ્વિક કિંમતો 60 ટકા સુધી વધી હોવા છતાં મોદીજી એ સુનિશ્ચિત કર્યું કે ઉજ્જ્વલા ગ્રાહકોને LPG સિલિન્ડર માત્ર રૂ. 500–550 માં જ મળવો જોઈએ, જ્યારે સિલિન્ડરની વાસ્તવિક કિંમત રૂ. 1100થી વધુ હતી.

ગયા વર્ષે કેન્દ્ર સરકારે મહિલાઓને ઓછા ભાવે સિલિન્ડર આપવા માટે રૂ. 40,000 કરોડથી વધુ ખર્ચ કર્યો હતો.

LPG આયાતનો આ કરાર એવા સમયે થયો છે, જ્યારે ભારત અને અમેરિકાની વચ્ચે આ વર્ષના અંત સુધી વેપાર કરાર થવાની અપેક્ષા છે. એવી આશા છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર લાદેલો વધારાનો 25 ટકા ટેરિફ દૂર કરશે.

નીતીશકુમારે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું, 20 નવેમ્બરે નવી સરકારની રચના

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં NDAએ સપાટો બોલાવ્યા બાદ હવે નવી સરકારની રચના કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. NDAની નવી સરકારનો શપથગ્રહણ સમારોહ 20 નવેમ્બરે પટveના ઐતિહાસિક ગાંધી મેદાનમાં યોજાશે.

 

નીતીશકુમારે રાજીનામું આપ્યું 

નીતીશકુમારે રાજભવન પહોંચીને CM પદેથી રાજીનામું રાજ્યપાલને સુપરત કરી દીધું છે. હવે 19 નવેમ્બરે બિહાર વિધાનસભા ભંગ કરશે. ત્યાર બાદ નવા મુખ્ય મંત્રી તરીકે સતત 10મી વખત તેઓ CM પદના શપથ લઈ શકે છે.

નીતીશ કુમારના નેતૃત્વમાં કેબિનેટ બેઠક પૂર્ણ થઈ ગઈ છે. મુખ્ય મંત્રી નીતિશ કુમાર હવે રાજ્યપાલને મળવા અને મુખ્ય મંત્રી પદ પરથી રાજીનામું સુપરત કરવા રાજભવન પહોંચ્યા છે.

મુખ્ય મંત્રીપદ માટે નીતીશકુમારના નામ પર આવતી કાલે મોહર વાગી શકે છે. દિલીપ જયસ્વાલના નિવેદન બાદ, એવું માનવામાં આવતું હતું કે ભાજપ વિધાનસભા પક્ષ નવા નેતાની પસંદગી કરશે અને ત્યાર બાદ પાર્ટી તેના સાથી પક્ષોને મુખ્ય મંત્રી પદ માટે નીતિશ કુમારને સમર્થન આપવાનો ઔપચારિક પત્ર સુપરત કરશે. પરંતુ હવે રાહ જોવાનો સમય લંબાવવામાં આવ્યો છે.

આ ભવ્ય સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપવાના છે. ઉલ્લેખનીય છે કે NDAએ 243 બેઠકોમાંથી 202 બેઠક જીતીને ઐતિહાસિક બહુમતી પ્રાપ્ત કરી હતી જેમાં ભાજપને 89, જેડીયુને 85, એલજેપીને 19 અને અન્ય પક્ષોને 9 બેઠકો મળી હતી.