Home Blog Page 446

હવામાં પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટનું આકરું વલણ, દર મહિને થશે સુનાવણી

નવી દિલ્હીઃ દિલ્હી NCR અને આસપાસનાં રાજ્યોમાં વધી રહેલા પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે GRAP-3 લાગુ થયા પછી કામ બંધ થવાને કારણે બેરોજગાર બનેલા તમામ કન્સ્ટ્રક્શન વર્કરોને જીવનનિર્વાહ ભત્તું આપવામાં આવે.

આ આદેશ દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સરકારો પર લાગુ થશે, કારણ કે આ રાજ્યોમાં હાલ બાંધકામની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે.

CJIની અધ્યક્ષતા ધરાવતી બેન્ચે એ પણ સૂચના આપી કે તમામ રાજ્ય સરકારો પ્રદૂષણ ઘટાડવા માટેનાં પ્રતિબંધાત્મક પગલાં ગંભીરતાપૂર્વક અમલમાં મૂકે અને તેની નિયમિત સમીક્ષા સુનિશ્ચિત કરે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે એર પોલ્યુશન સંબંધિત કેસની સુનાવણી દર મહિને થશે જેથી સ્થિતિ પર સતત નજર રાખી શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હવાની ગુણવત્તા ખરાબ કરતી કોઈ પણ બાબતને રોકવા માટે લેવાયેલું દરેક પગલું સ્વાગતયોગ્ય છે, પરંતુ નિર્ણય લેતી વખતે તમામ પાસાં અને તમામ હિતધારકોનું ધ્યાન રાખવું આવશ્યક છે.

દિલ્હીની હવા ફરી એક વખત ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. બુધવારે સવારે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના આંકડાઓએ રાજધાનીની શ્વાસ રોકી દે તેવી સ્થિતિને ઉજાગર કરી. મંગળવારે જ્યાં દિલ્હીનો કુલ AQI 341 હતો, ત્યાં આજે તે ઊછળીને 386 સુધી પહોંચી ગયો અને હવા ‘બહું ખરાબ’ શ્રેણીમાં પહોંચી ગઈ.

સૌથી ચિંતાજનક વાત એ છે કે દિલ્હી–NCRના 39 મોનિટરિંગ સ્ટેશનોમાંથી 16 સ્ટેશને 400થી વધુ AQI નોંધાવ્યો, જેને ‘ગંભીર’ એટલે કે જાનલેવા કેટેગરી માનવામાં આવે છે.વઝીરપુર સૌથી પ્રદૂષિત સ્થળ રહ્યું જ્યાં AQI 446 સુધી પહોંચ્યો. ત્યાર બાદ ભવાનીમાં 444 અને જહાંગીરપુરીમાં 442નો ‘ગંભીર’ સ્તર નોંધાયો. ચાંદની ચોક, અશોક વિહાર, DTU અને વિવેક વિહાર જેવા વિસ્તારોમાં પણ AQI 430થી વધુ રહ્યો, જે સ્પષ્ટ દર્શાવે છે કે રાજધાનીની હવામાં સતત ઝેર ફેલાઈ રહ્યું છે.

ECને બદનામ કરવા બદલ ભૂતપૂર્વ જજ, અધિકારીઓનો રાહુલ ગાંધીને પત્ર

નવી દિલ્હીઃ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ “વોટ ચોરી”ના  આરોપો બાદ હવે તેની સામે અવાજ ઊઠવા લાગ્યા છે. 272 પ્રબુદ્ધ નાગરિકોએ આ મુદ્દે ખુલ્લો પત્ર લખ્યો છે, તેમાં 16 ભૂતપૂર્વ જજો, 14 ભૂતપૂર્વ એમ્બેસેડરોએ, 123 નિવૃત્ત બ્યુરોક્રેટ્સ અને 133 નિવૃત્ત સશસ્ત્ર દળોના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ પ્રબુદ્ધ નાગરિકોએ ખુલ્લો પત્ર લખીને રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થાઓને બદનામ કરવાની કોશિશોની નિંદા કરી છે.

આ ખુલ્લા પત્રમાં કહેવામાં આવ્યું છે કે અમે સિવિલ સોસાયટીના વરિષ્ઠ નાગરિકો છીએ અને દેશની લોકશાહીની ઉપર થતા હુમલાઓને લઈને અત્યંત ચિંતિત છીએ. તેની મૂળભૂત બંધારણીય સંસ્થાઓને સતત નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. કેટલાક રાજકારણીઓ વાસ્તવિક રાજકીય વિકલ્પ આપવાને બદલે ભડકાઉ અને તથ્યવિહોણા આરોપો દ્વારા પોતાની રાજકીય વ્યૂહરચના આગળ ધપાવી રહ્યા છે.

ગ્રુપે પોતાના ખુલ્લા પત્રમાં કહ્યું છે કે આ આરોપો રાજકીય નિરાશાને સંસ્થાકીય સંકટની આડમાં છુપાવવાનો પ્રયાસ છે. આ પત્રમાં વધુમાં લખ્યું છે કે ભારતીય સશસ્ત્ર દળોની વીરતા અને સિદ્ધિઓ પર પ્રશ્નો ઉઠાવી તેમના માન-સન્માનને કલંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ન્યાયપાલિકાની નિષ્પક્ષતા, સંસદ તેમ જ તેના બંધારણીય પદાધિકારીઓ પર સવાલ ઊભા કરીને તેમની છબિ ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી છે. હવે ભારતના ચૂંટણી પંચનો વારો આવ્યો છે, જે પોતાની ઈમાનદારી અને પ્રતિષ્ઠા પર થઈ રહેલા વ્યવસ્થિત અને ષડયંત્રકારી હુમલાઓનો સામનો કરી રહ્યું છે.

આ પેન્ટિંગે હરાજીમાં બધા જ રેકોર્ડ તોડી નાખ્યા, જાણો…

નવી દિલ્હીઃ ઓસ્ટ્રિયાના કલાકાર ગુસ્તાવ ક્લિમ્ટ દ્વારા બનાવવામાં આવેલી એક પેન્ટિંગ મંગળવારે 18 નવેમ્બરે અમેરિકાના ન્યુ યોર્ક શહેરમાં 236.4 મિલિયન ડોલારમાં વેચાયું હતું. ભારતીય કરન્સીમાં આ રકમ રૂ. 2000 કરોડ રૂપિયા કરતાં પણ વધુ થાય છે. આ પેન્ટિંગે રેકોર્ડ બનાવ્યો છે, કારણ કે હરાજીમાં વેચાયેલું આ અત્યાર સુધીનું બીજું સૌથી મોંઘું પેન્ટિંગ બની ગયું છે. એને ખરીદવા માટે છ પાર્ટીઓ વચ્ચે લગભગ 20 મિનિટ સુધી બોલી લગાવવામાં આવી.

આ પેન્ટિંગનું નામ એલિઝાબેથ લેડરરનું પોર્ટ્રેટ છે. તેમાં ગુસ્તાવ ક્લિમ્ટના સૌથી મોટા સંરક્ષક (જે કલાકારને ફંડિંગ આપતા હતા)ની પુત્રીને સફેદ શાહી ચાયનીઝ વસ્ત્રોમાં બતાવવામાં આવી છે. તેઓ એશિયન-પ્રેરિત ડિઝાઇનવાળી વાદળી ટેપેસ્ટ્રીના પાછળ ઊભેલી જોવા મળે છે. આ પેન્ટિંગ ક્લિમ્ટે 1914થી 1916 દરમિયાન બનાવી હતી.

ગુજરાતના લિલામીના ઇતિહાસમાં અત્યાર સુધી વેચાયેલા સૌથી મોંઘા પેન્ટિંગ લિયોનાર્ડો દા વિન્ચીની સેલ્વેટર મુન્ડી છે, જે 2017માં 450 મિલિયન ડોલારમાં વેચાયું હતું.

ગુમનામ ખરીદદાર

આ હરાજીનું મેનેજમેન્ટ સોથેબીઝે કર્યું હતું, પરંતુ આ પેન્ટિંગ કોણે ખરીદ્યું છે તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી. સોથેબીએ મંગળવારની હરાજી વિશે કહ્યું હતું કે આટલું વિશાળ કક્ષાનું અને ક્લિમ્ટના શિખર સમય (1912-17)નું ફુલ-લેન્થ સોસાયટી પોર્ટ્રેટ પેઇન્ટિંગ્સ અત્યંત દુર્લભ છે… આજે રજૂ કરાયેલું પેન્ટિંગ એ પ્રાઈવેટ કલેકશનમાં બાકી રહેલી એવી બે કમિશન્ડ પોર્ટ્રેટ્સમાંનું એક હતું.

ગુસ્તાવ ક્લિમ્ટનાં પેઇન્ટિંગ્સ અગાઉ પણ ભારે કિંમતે વેચાઈ ચૂક્યાં છે. તેમના પેઇન્ટિંગ માટેનો છેલ્લો હરાજી રેકોર્ડ લેડી વિથ અ ફેનને નામે હતો, જે 2023માં લંડનમાં 85.3 મિલિયન પાઉન્ડ ($108.8 મિલિયન)માં વેચાયું હતું.

PM મોદી અને કોંગ્રેસ નેતાઓએ ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે સ્વર્ગસ્થ પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય નેતાઓએ પણ શક્તિ સ્થળ પર તેમને પુષ્પાંજલિ અર્પણ કરી.

પીએમ મોદીએ X પર લખ્યું,”ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.” ઇન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર, 1917 ના રોજ થયો હતો.તેમણે 1966 થી 1977 અને ફરીથી 1980 થી 31 ઓક્ટોબર, 1984 સુધી વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. 31 ઓક્ટોબર, 1984 ના રોજ તેમનું અવસાન થયું.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શક્તિ સ્થળ ખાતે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને તેમની 108મીજન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ખડગેએ કહ્યું કે ઇન્દિરા ગાંધીનું અનોખું અને પ્રભાવશાળી નેતૃત્વ, જે રાજકીય હિંમતને પ્રતિબિંબિત કરે છે, હંમેશા પ્રેરણા આપશે. તેમણે કહ્યું કે લાખો લોકો તેમની જીવનભરની સેવા અને દેશની એકતા અને અખંડિતતાના રક્ષણ માટે તેમના બલિદાનને સલામ કરે છે.

દાદી પાસેથી અન્યાય સામે ઊભા રહેવાની પ્રેરણા: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે તેમના દાદીની હિંમત, દેશભક્તિ અને નૈતિકતા તેમને અન્યાય સામે મજબૂત રીતે ઊભા રહેવા માટે પ્રેરણા આપે છે. તેમણે હિન્દીમાં લખ્યું, “હું મારા દાદી પાસેથી ભારત માટે બોલ્ડ નિર્ણયો લેવા અને દરેક પરિસ્થિતિમાં રાષ્ટ્રીય હિતને પ્રથમ સ્થાન આપવાની પ્રેરણા મેળવું છું. તેમની હિંમત, દેશભક્તિ અને નૈતિકતા મને અન્યાય સામે મજબૂત રીતે ઊભા રહેવાની પ્રેરણા આપે છે.”

ઇન્દિરા ગાંધીએ મુશ્કેલ સમયમાં દેશનું નેતૃત્વ કર્યું: કેસી વેણુગોપાલ

આ દરમિયાન, કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે પ્રથમ મહિલા વડા પ્રધાનને યાદ કરતાં કહ્યું કે તેમણે મુશ્કેલ સમયમાં દેશનું માર્ગદર્શન કર્યું અને કલ્યાણના યુગની શરૂઆત કરી. તેમણે કહ્યું કે ઇન્દિરા ગાંધીના હિંમતવાન નેતૃત્વને કારણે ભારત એક મજબૂત વૈશ્વિક શક્તિ તરીકે ઉભરી આવ્યું અને કોઈપણ દબાણ સામે ઝૂક્યું નહીં. તેમણે કહ્યું કે તેમના છેલ્લા શ્વાસ સુધી, તેમણે દેશ માટે બધું જ આપ્યું અને તેની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ માટે પોતાનું જીવન બલિદાન આપ્યું.

ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ પર કોંગ્રેસે શું કહ્યું?

કોંગ્રેસ પાર્ટીએ સોશિયલ મીડિયા પર કહ્યું કે શક્તિના પ્રતિક ઇન્દિરા ગાંધીએ દેશને આત્મનિર્ભરતા, સમાવેશી વિકાસ અને મજબૂત વૈશ્વિક સ્થાન તરફ દોરી ગયો. પાર્ટીએ કહ્યું કે તેમના હિંમતવાન નેતૃત્વ અને ન્યાય, એકતા અને પ્રગતિ પ્રત્યેની નિષ્ઠાવાન પ્રતિબદ્ધતાએ કોંગ્રેસ માટે માર્ગ પ્રકાશિત કર્યો. કોંગ્રેસે વધુમાં કહ્યું કે ઇન્દિરા ગાંધીના અટલ સંકલ્પ અને હિંમતવાન નેતૃત્વને કારણે ભારતે કૃષિમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી, બાંગ્લાદેશને આઝાદ કરાવ્યું અને વિશ્વ શક્તિઓ સમક્ષ દેશના હિતોનું રક્ષણ કર્યું.

મરાઠવાડામાં આ વર્ષે અત્યાર સુધી 899 ખેડૂતોએ કરી આત્મહત્યા

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં આ વર્ષના જાન્યુઆરીથી ઓક્ટોબર દરમિયાન 899 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. aતેમાંથી 537 ખેડૂતોને છ માસમાં પૂર અને તેને કારણે પાકને ભારે નુકસાન થતાં જીવ ગુમાવ્યો હતો, આ માહિતી સત્તાવાર આંકડાઓમાંથી પ્રાપ્ત થઈ છે.

કૃષિ રાજ્ય મંત્રી આશિષ જાયસ્વાલે જણાવ્યું હતું કે સરકાર આ મુદ્દે ગંભીરતાથી વિચાર કરી રહી છે અને સમર્પિત યોજનાઓ અને પ્રોત્સાહનો પરનો ખર્ચ વધારીને એક લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે. છત્રપતિ સંભાજીનગર વિભાગીય કમિશનર કચેરી દ્વારા આપવામાં આવેલા આંકડાઓ મુજબ મરાઠવાડામાં આ વર્ષના જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીના દસ મહિનાઓમાં 899 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી, જેમાંથી છ મહિનાઓ (1 મેથી 31 ઓક્ટોબર વચ્ચે) દરમિયાન 537 ખેડૂતો દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી.

આ સમય દરમિયાન વરસાદ અને પૂરે ભારે કહેર વર્તાવ્યો હતો. બીડ અને છત્રપતિ સંભાજીનગર જિલ્લાઓમાં ખેડૂતોની આત્મહત્યાના સૌથી વધુ કેસ નોંધાયા છે. જિલ્લાવાર જોવામાં આવે તો આ છ મહિનાઓમાં છત્રપતિ સંભાજીનગરમાં 112, જાલનામાં 32, પરભણીમાં 45, હિંગોળીમાં 33, નાંદેડમાં 90, બીડમાં 108, લાતુરમાં 47 અને ધારાશિવમાં 70 આત્મહત્યાના કેસ નોંધાયા હતા.

સરકાર દ્વારા વળતરની જાહેરાત

રાજ્ય સરકારે મરાઠવાડામાં અસરગ્રસ્ત ખેડૂતો માટે લગભગ 32,000 કરોડ રૂપિયાના વળતર પેકેજની જાહેરાત કરી છે. આ વિસ્તારમાં નાંદેડ, પરભણી, હિંગોળી, લાતુર, બીડ અને ધારાશિવ જિલ્લામાં પૂર અને ભારે વરસાદને કારણે (20 સપ્ટેમ્બર સુધીના રેકોર્ડ મુજબ) મોટી નુકસાની થઈ છે, જેમાં 12 વ્યક્તિઓનાં મોત, 1300 ઘરોને નુકસાન અને 357 પશુઓનાં મોત થયાં હતાં.

ખેડૂત નેતા અને પૂર્વ સાંસદ રાજૂ શેટ્ટીએ આત્મહત્યા પર આઘાત વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે કમોસમી વરસાદ પછી આવેલા પૂર અને લાંબા ચાલેલા મોન્સૂનને કારણે બાગાયતી પાકો તથા અન્ય ખેતીને ભારે નુકસાન થયું છે. તેમણે કહ્યું હતું કે આ પરિસ્થિતિએ મરાઠવાડાના ખેડૂતોનો મનોબળ તોડી નાખ્યું છે.

શેટ્ટીએ આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોને પાકના નુકસાન માટે બહુ ઓછું વળતર મળ્યું છે. તેમણે ઉદાહરણ આપ્યું કે એક કેળાના બગીચાવાળા ખેડૂતે વેપારી સાથે 25,000 રૂપિયા પ્રતિ ટનના ભાવે 100 ટન પાકનો સોદો કર્યો હતો, પરંતુ સીના નદીએ પૂર આવતાં તેનો આખો પાક નષ્ટ થયો છે. સરકારે તેને માત્ર 25,000 રૂપિયાનું જ વળતર આપ્યું હતું, આવા ઘણા કેસો છે.

વિધાનસભા અધ્યક્ષ પદને લઈ JDU અને ભાજપમાં ખેંચતાણ

પટનાઃ બિહારની નવી સરકારના 20 નવેમ્બરે થનારા શપથગ્રહણ સમારંભ પહેલાં NDAના ઘટક દળોમાં મંત્રીમંડળમાં સામેલ કરવાના ચહેરાઓ અને વિધાનસભા અધ્યક્ષપદને લઈને ભારે ખેંચતાણ ચાલી રહી છે. એ દરમિયાન JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતીશકુમારે મંગળવારે નવી સરકારના શપથગ્રહણ સમારંભની તૈયારીઓની સમીક્ષા કરી હતી. પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં આ સમારંભ થવાનો છે. JDU અને ભાજપ વચ્ચે વિધાનસભા અધ્યક્ષપદને લઈને સહમતી બનાવવા માટે ચર્ચાઓ ચાલી રહી છે અને બન્ને પક્ષો આ પદ પર પોતાનો દાવો કરી રહ્યા છે.

પાછલી વિધાનસભામાં ભાજપના નંદકિશોર યાદવ વિધાનસભા અધ્યક્ષ હતા, જયારે JDUના નરેન્દ્ર નારાયણ યાદવ ઉપાધ્યક્ષ હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે JDUના વરિષ્ઠ નેતાઓ અને ભાજપના ટોચના અધિકારીઓ દિલ્હીમાં સતત બેઠક કરી રહ્યા છે, જ્યાં અધ્યક્ષપદ સાથે મહત્વના વિભાગોના વહેંચણી પર પણ ચર્ચા થઈ રહી છે.

અધ્યક્ષ પદ માટે આ નેતાઓનાં નામ ચર્ચામાં

વિધાનસભા અધ્યક્ષપદના સંભાવિત દાવેદારોમાં JDUના વિજય ચૌધરી અને ભાજપના પ્રેમકુમારનાં નામ વધુ ચર્ચામાં છે. નવા મંત્રીમંડળમાં NDAના મુખ્ય ઘટક BJP અને JDUના પાંચથી છ નવા ચહેરાઓ સામેલ થઈ શકે છે. મહનારમાંથી વિજય મેળવનાર અને JDUના પ્રદેશ અધ્યક્ષ ઉમેશસિંહ કુશવાહાને મંત્રી બનાવવાની પૂરી શક્યતા છે.

નીતીશ કુમાર 20 નવેમ્બરે દસમી વાર મુખ્ય મંત્રી પદની શપથ લેશે. તે 19 નવેમ્બરે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને પોતાનું રાજીનામું સોંપશે અને એ જ દિવસે હાલની વિધાનસભા વિસર્જિત થશે. ભાજપ અને JDU 19 નવેમ્બરે પોતપોતાના વિધાનસભા દળના નેતા પણ ચૂંટશે. ભાજપે ઉત્તર પ્રદેશના ઉપ મુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્યને બિહારમાં વિધાનસભા દળના નેતા પસંદગી માટે કેન્દ્રીય પર્યવેક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. કેન્દ્રીય કાનૂન મંત્રી અર્જુનરામ મેઘવાલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ સહ-પર્યવેક્ષક બનાવવામાં આવ્યા છે.

તલની બરફી

શિયાળા માટે તલની અલગ પ્રકારની સ્વાસ્થ્યવર્ધક બરફી બનાવી શકાય છે!

સામગ્રીઃ

  • સફેદ તલ 1 કપ
  • દૂધ 1 કપ
  • ઘી 2 ટે.સ્પૂન
  • સાકર 1 કપ
  • કાજુ 10
  • બદામ 10 નંગ
  • પિસ્તા 10 નંગ
  • સૂકા નાળિયેરનો ભૂકો ½ કપ

રીતઃ તલને પેનમાં નાખી ગેસની મધ્યમ આંચે 1-2 મિનિટ માટે શેકી લો. ત્યારબાદ ગેસ બંધ કરી દો. આ તલમાંથી 1 ચમચા જેટલાં તલ એક પ્લેટમાં કાઢી લો.

પેનમાં સામાન્ય ગરમ 1 કપ દૂધ તલ સાથે મેળવીને ગેસની આંચ મધ્યમ રાખીને ચમચા વડે હલાવતાં રહો. 6-7 મિનિટમાં તલમાં દૂધ શોષાઈ જશે. તલ સહેજ ભીનાશવાળા હોય ત્યારે ગેસને બંધ કરી દો.

તલ ઠંડા થાય એટલે મિક્સીમાં પલ્સ મોડ પર અધકચરા પીસીને એક વાસણમાં કાઢી લો.

કાજુ, બદામ તેમજ પિસ્તાને મિક્સીમાં બારીક પાઉડર કરી લો.

એક ટ્રે અથવા થાળીમાં બટર પેપર મૂકી તેમાં ઘી લગાડીને થોડા તલ ભભરાવી દો.

એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં તલનું વાટેલું પેસ્ટ નાખીને ગેસની ધીમી આંચે આ મિશ્રણ ચમચા વડે સતત હલાવતાં રહો.  મિશ્રણ થોડું સૂકું થવા આવે એટલે તેમાં સાકર ઉમેરીને એકાદ મિનિટ બાદ ગેસની આંચ ધીમી જ રાખીને પેન ઢાંકીને 1-2 મિનિટ થવા દો. મિશ્રણ ફરીથી ઢીલું થવા લાગે એટલે ચમચા વડે મિશ્રણ હલાવતાં રહેવું. જ્યાં સુધી મિશ્રણ ઘટ્ટ ન થાય.  ત્યારબાદ તેમાં કાજુ બદામનો પાઉડર તેમજ નાળિયેરનો ભૂકો મેળવીને ગેસની આંચ મધ્યમ કરીને ચમચા વડે મિશ્રણને હલાવતાં રહેવું. મિશ્રણ ઘટ્ટ થઈ, કઢાઈ છોડવા લાગે એટલે ગેસ બંધ કરી દો. એકાદ મિનિટ કઢાઈમાં મિશ્રણ હલાવતા રહો. બાદમાં થોડું ઠંડું થાય એટલે બટર પેપર વાળી થાળી કે ટ્રેમાં મિશ્રણ ઠાલવીને ચમચા વડે સરખું ફેલાવી દો. ઉપરથી વધેલા તલ ભભરાવી દો.

થોડીવાર બાદ મિશ્રણ ઠંડુ થાય એટલે તેના ચોસલા પાડીને એક એર ટાઈટ બરણીમાં ભરી લો.

અજ્ઞાનીનો પ્રેમ અને જ્ઞાનીનો ક્રોધ: લાગણીઓનો સાચો અર્થ

પ્રેમ અને ક્રોધ બે વિરોધી લાગણીઓ છે, પરંતુ તેમની પાછળની લાગણી અને હેતુ તેમને ફાયદાકારક અથવા નુકસાનકારક બનાવી શકે છે. અજ્ઞાનીનો પ્રેમ ક્યારેક હાનિકારક હોઈ શકે છે, જ્યારે જ્ઞાનીનો ક્રોધ પણ આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે.

જ્યારે અજ્ઞાનમાંથી પ્રેમ ઉદ્ભવે છે, ત્યારે તે સાચા અને ખોટા વચ્ચેનો ભેદ પારખી શકતો નથી. ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ બાળક શાળાએ જવાનો ઇનકાર કરે છે અને તેની માતા પ્રેમથી તેના આગ્રહને સ્વીકારે છે, ત્યારે તે બાળકના ભવિષ્ય માટે વિનાશક બની શકે છે. માતાનો પ્રેમ તેને તાત્કાલિક તૃપ્તિ આપે છે, પરંતુ લાંબા ગાળે તે બાળકને શિક્ષણ અને શિસ્તથી દૂર રાખે છે. પરિણામે, બાળક જીવનમાં સંઘર્ષ કરે છે અને તેની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચી શકતો નથી.

ઉલટું, જ્યારે કોઈ જ્ઞાની વ્યક્તિ ગુસ્સે થાય છે, ત્યારે તેની પાછળ કોઈનું હિત હોય છે. આપણા પુરાણો અને શાસ્ત્રોમાં આ વિષય પર ઘણા ઉદાહરણો છે.

એકવાર, એક ગુરુ પોતાના શિષ્ય સાથે મુસાફરી કરી રહ્યા હતા. કેટલાક તોફાની અને ઉદ્દંડ બાળકો તેમની પાછળ ગયા અને શિષ્યને પથ્થર મારવા લાગ્યા. તેઓએ ગુરુ અને તેમના શિષ્યનું અપમાન કર્યું અને તેમને હેરાન કરવાનું ચાલુ રાખ્યું. જ્યારે બધા નદી કિનારે પહોંચ્યા, ત્યારે ગુરુ અને તેમના શિષ્ય એક હોડીમાં ગયા અને બાળકો બીજી હોડીમાં બેઠા. તેમની હોડી નદીની વચ્ચે પહોંચતાની સાથે જ ડૂબવા લાગી.

અચાનક, ગુરુએ તેના શિષ્યને થપ્પડ મારી. શિષ્ય આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે તેણે તો ન કોઈ જવાબ આપ્યો હતો ન કોઈ ભૂલ કરી હતી. પછી ગુરુએ સમજાવ્યું, “આ બધી તારી ભૂલ છે. જો તે તેમના દુર્વ્યવહારનો થોડો પ્રતિસાદ આપ્યો હોત, તો તેઓ બીજા ખરાબ કર્મો કરવાનું ટાળી શક્યા હોત. હવે કુદરતે તેમને આ માટે કઠોર દંડ આપ્યો છે.”

ગુરુના આ ઠપકાથી શિષ્યને પોતાનાથી ઊપજતાં અહંકારથી બચાવ થયો અને બાળકોને પણ પોતાના કર્મનો બોધ થયો. આ ક્રોધ વાસ્તવમાં એક આશીર્વાદ હતો, જે શિષ્ય અને તે બાળકોને ભવિષ્યમાં ભૂલો કરતા અટકાવનાર હતો.

અજ્ઞાનીઓનો પ્રેમ સ્વાર્થ અને અજ્ઞાનથી ભરેલો હોય છે, જે તાત્કાલિક આનંદ આપે છે પરંતુ લાંબા ગાળે નુકસાન કરે છે. બીજી બાજુ, જ્ઞાનીનો ક્રોધ શિસ્ત, પ્રેમ અને જ્ઞાનમાંથી ઉદ્ભવે છે, જે લોકોને યોગ્ય ઉચિત દિશામાં લઈ જાય છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

૧૯ નવેમ્બર ૨૦૨૫

આજે મુખ્યમંત્રી પદ માટે નીતિશ કુમારનું નામ નક્કી થશે !

20 નવેમ્બરે બિહારમાં નવી NDA સરકારના શપથ ગ્રહણ સમારોહ સાથે, મંત્રીમંડળ રચના અંગે સાથી પક્ષો વચ્ચે ચર્ચા ચાલી રહી છે. અંતિમ નિર્ણય લેવામાં આવે તે પહેલાં કેટલાક અવરોધો ઉભા થયા છે. સૂત્રોએ ઇન્ડિયા ટુડે ટીવીને જણાવ્યું હતું કે નીતિશ કુમારનો પક્ષ મહત્વપૂર્ણ ગૃહ મંત્રાલય છોડવા તૈયાર નથી. મુખ્ય ઝઘડો ગૃહ મંત્રાલય પર છે, જે અગાઉ નીતિશ કુમાર પાસે હતો. અગાઉ, સૂત્રોએ અહેવાલ આપ્યો હતો કે JDU અને ભાજપ બંને વિધાનસભા અધ્યક્ષ પદ માટે સ્પર્ધા કરી રહ્યા છે, અને ભગવા પક્ષ તેને કોઈપણ કિંમતે જાળવી રાખવા માટે ઉત્સુક છે.

જોકે, સૂત્રોએ જણાવ્યું હતું કે અધ્યક્ષ પદ અંગે સાથી પક્ષોમાં હાલમાં કોઈ મતભેદ નથી. ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની વાત આવે ત્યારે આ એક મહત્વપૂર્ણ પદ છે. NDAના પ્રચંડ વિજય બાદ, ભાજપ 89 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો, ત્યારબાદ JDU 85 બેઠકો સાથે બીજા સ્થાને રહ્યો. ચિરાગ પાસવાનની પાર્ટી, HUM અને RLM સહિત નાના સાથી પક્ષોએ પણ સારું પ્રદર્શન કર્યું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બુધવારે સાંજે નવી NDA સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે પટના પહોંચશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ અને ધર્મેન્દ્ર પ્રધાન સહિત ભાજપના ઘણા અન્ય ટોચના નેતાઓ પણ આજે સાંજે પટના પહોંચશે.

સરકાર રચતા પહેલા, JDUના નેતાઓ સંજય ઝા અને લલન સિંહે નવી દિલ્હીમાં શાહ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી. ભાજપના વડા જેપી નડ્ડા પણ બંધ બારણે બેઠકમાં હાજરી આપી હતી, જે લગભગ ત્રણ કલાક ચાલી હતી. બેઠકમાં NDAના ઘટક પક્ષોમાં મંત્રી વિભાગોની વહેંચણી અને વિધાનસભા અધ્યક્ષ પદ માટે ઉમેદવારની પસંદગી અંગે ચર્ચા થઈ હતી.

સોમવારે નીતિશ કુમારે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને મળ્યા અને ૧૯ નવેમ્બરે આઉટગોઇંગ વિધાનસભા ભંગ કરવાની ભલામણ કર્યા પછી NDA સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ. નીતિશ કુમાર બુધવારે ફરીથી રાજ્યપાલને મળશે અને NDAના તમામ ઘટક પક્ષોના સમર્થન પત્રો સુપરત કરશે, જે ગઠબંધનના સરકાર બનાવવાના દાવાને મજબૂત બનાવશે.